શેફાલી વર્માના આવવાથી ભારતીય ટીમ સંતુલિત થઈ ગઈ છેઃ સ્મૃતિ મંધાના

મુંબઈ: સ્મૃતિ મંધાના ભારતની મહિલા ક્રિકેટ ટીમની બેટિંગનો એક આધાર બની રહી છે અને હવે સગીર વયની શેફાલી વર્મા હાલની મહિલા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં જે રીતે ફટકાબાજી કરી રહી છે એ જોઈને સ્મૃતિ બહુ જ પ્રભાવિત થઈ છે.

શેફાલી વર્મા

23 વર્ષની મંધાના છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય ટીમની કરોડરજ્જુ સમાન ખેલાડી રહી છે. એનું કહેવું છે કે શેફાલી વર્મા એકદમ મારી જેમ જ રમે છે.

‘હું છેલ્લા બે-ત્રણ વર્ષથી ઢગલાબંધ રન કરતી રહી છું, ખાસ કરીને પાવરપ્લેમાં, પરંતુ હવે શેફાલી આવી ગઈ છે અને તે પણ મારી જેમ જ રમી રહી છે. એના આવવાથી ટીમ વધારે સંતુલિત થઈ ગઈ છે,’ એમ મંધાનાએ કહ્યું.

સ્મૃતિ મંધાના

‘આપણી ટ્વેન્ટી-20 ટીમમાં શેફાલીનું આગમન મોટી સકારાત્મક વાત બની છે. એ જે રીતે બેટિંગ કરી રહી છે એ જોતાં લાગે છે કે એની સાથે રહીને બેટિંગ કરવાનું કેટલું આસાન છે,’ એમ મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામે મેલબોર્નમાં ગુરુવારની ભારતની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ મેચ પૂર્વે આમ કહ્યું છે.

શેફાલી વર્મા એની આક્રમક બેટિંગ સ્ટાઈલને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ છે. આ 16 વર્ષની છોકરીએ આ વર્લ્ડ કપમાં બે મેચમાં 68 રન કર્યા છે. એ પાંચ સિક્સ અને સાત બાઉન્ડરી ફટકારી ચૂકી છે.

શેફાલી વર્માઃ બાંગ્લાદેશ સામેની મેચમાં બની ‘પ્લેયર ઓફ ધ મેચ’

બાંગ્લાદેશ પર ભારતના વિજયવાળી મેચમાં વર્માને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવી હતી. એ મેચમાં એણે 39 રન કર્યા હતા. એ મેચ સ્મૃતિ મંધાના વાઈરલ તાવને કારણે ચૂકી ગઈ હતી.

મંધાનાએ કહ્યું કે, હું પાવરપ્લેઝ વખતે ઝડપથી રન કરીને ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવતી રહી છું, પણ શેફાલી દાવની શરૂઆતની ઓવરોમાં ફટકાબાજી કરતી હોય છે. એણે ટીમમાં મોટી અસર ઊભી કરી છે અને એને કારણે ટીમ વધારે સંતુલિત બની ગઈ છે. મંધાનાએ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ત્યારે એ 16 વર્ષની હતી.