સતત રમીને થાકયા હો તો IPL થી દૂર રહોઃ કપિલ દેવ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને વર્ષ 1983માં વર્લ્ડ કપ જીતાડનાર મહાન ખેલાડી કપિલ દેવે કહ્યું કે, અમુક ખેલાડીઓએ આઈપીએલ રમવામાંથી આરામ લેવો જોઈએ. કપિલ દેવનું આમ કહેવા પાછળનું કારણ એ છે કે, ભારતીય ટીમ અત્યારે સતત અને સૌથી વધુ ક્રિકેટ રમી રહી છે, જેથી ખેલાડીઓને થાક લાગે છે. એટલા માટે ખેલાડીઓએ દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરવા અંગે વિચારવું જોઈએ અને આઈપીએલને છોડી દેવી જોઈએ.

કપિલ દેવે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે, ભારતીય ખેલાડીઓએ આંતરાષ્ટ્રીય મેચોનું શિડ્યુલ જોઈને આઈપીએલમાં રમવું જોઈએ. જો કોઈ ખેલાડીને લાગે કે તે ખૂબ થાકી ગયો છે તો તેમણે આઈપીએલ રમવાથી દૂર રહેવું જોઈએ. અને જ્યારે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવ ત્યારે તમારી અંદર અલગ ભાવના હોવી જોઈએ. આઈપીએલમાં રમીને તમે દેશનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા.

કપિલ દેવનું માનવું છે કે, જો કોઈ ખેલાડી દેશમાટે રમી રહ્યો હોય તો તેમણે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાની જરૂર હોય છે. ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં વધુ ઉર્જા સાથે રમીને દેશ માટે રમવાનું આવે ત્યારે પ્રદર્શન સાથે સમજૂતી ન કરવી જોઈએ.

કપિલ દેવે તેમના દિવસોને યાદ કરતા કહ્યું કે, હું પણ ક્રિકેટ રમતો ત્યારે થાકી જતો. જ્યારે તમે એક સિરિઝમાં સતત રમી રહ્યા હોવ રન બનાવી રહ્યા હોવ કે વિકેટ લઈ રહ્યા હોવ એ સમયે તમને થાક અનુભવાતો નથી. પણ જ્યારે તમે સારુ પ્રદર્શન નથી કરી શકતા ત્યારે થાક અનુભવો છો. આ એક ભાવનાત્મક વસ્તુ છે.