દિલ્હીઃ હિંસાના નગ્ન નાચ વચ્ચે ય માનવતા ખીલી ઉઠે ત્યારે…

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હી જ્યારે તોફાનોની અગ્નિમાં સળગી રહ્યું હતું, તે સમયે દિલ્હીમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. આજે પોતાના સંબંધીઓની ખબર કાઢવા માટે જીટીબી હોસ્પિટલ પહોંચેલી તબસ્સુમ અને ઈશ્વરી નામની દીકરીઓએ જણાવ્યું કે, હિંદૂ પરિવારોએ ચાલીના આશરે 10 મુસ્લિમ પરિવારોને તોફાન મચાવતા લોકોની ભીડમાંથી બચાવ્યા છે. તેમને બે દિવસ સુધી પોતાના ઘરે આશરે આપ્યો અને પછી હ્યૂમન ચેઈન બનાવીને તેમને સુરક્ષિત તેમના સંબંધીઓના ત્યાં પહોંચાડ્યા.

તબસ્સુમે જણાવ્યું કે, 24 અને 25 ફેબ્રુઆરીની રાતની વાત છે. તે દિવસે અમારી ગલીમાં અચાનક જ લોકો આવી ગયા. કેટલાક લોકોના મોઢા પર હેલ્મેટ હતા. કેટલાક લોકો હથિયાર લઈને આવ્યા હતા. મારા ગલી વાળા લોકોએ અમને તેમના ઘરોમાં છુપાવી લીધા. અમારા બાળકોને જમવાનું આપ્યું. અમે આશરે પચાસથી વધારે લોકો હતા. તેમણે આખી રાત અમારી રક્ષા કરી.

તબસ્સુમે જણાવ્યું કે, તેમણે અમને નિકાળવા માટે લાઈન બનાવી. અમારી હિંમત વધારતા કહ્યું કે, પહેલા અમે છીએ… પહેલા અમારા પર હુમલો થશે. ગભરાશો નહી અમે તમારી સાથે છીએ.

તબસ્સુમ અને ઈશ્વરીએ તેમના વિસ્તારમાં ભડકેલી હિંસા માટે બહારના લોકોને જવાબદાર ગણાવ્યા. તેઓએ કહ્યું કે, અમારા હિંદુ ભાઈઓએ અમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. આવો ભાઈચારો તમામ લોકો શીખે. હિંદુ અને મુસ્લિમ બધા એક જ છે. બસ માત્ર પ્રેમથી રહેવાની જરુર છે.