મુંબઈ મહાપાલિકાના કર્મચારીઓને બે વીક્લી ઓફ્ફ હમણાં નહીં મળે

મુંબઈ : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કર્મચારીઓ નિરાશ થઈ જાય એવા સમાચાર છે. વાત એમ છે, 29 ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારી કર્મચારીઓ માટે કામકાજના પાંચ-દિવસના સપ્તાહનો નિયમ લાગુ થવાનો છે, પરંતુ એમાં બીએમસીના કર્મચારીઓ હમણાં સામેલ થઈ નહીં શકે.

રાજ્યના સરકારી કર્મચારીઓને 29 ફેબ્રુઆરીથી દર શનિવાર અને રવિવારે રજા મળશે. એમણે સોમવારથી શુક્રવાર, એમ પાંચ દિવસ જ કામ પર આવવાનું રહેશે. પરંતુ, આ સુવિધા મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓને હમણાં નહીં મળે, પરંતુ પછી મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, બીએમસી કમિશનર આ નિયમને મંજૂરી આપે ત્યારબાદ એને સર્વ સાધારણ સભામાં મોકલવામાં આવશે અને ત્યાં મંજૂરી મળી જાય તે પછી જ આ નિયમ લાગુ કરાશે.

રાજ્યના કર્મચારીઓ માટે પાંચ-દિવસના કામકાજના સપ્તાહની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે બીએમસીના કર્મચારીઓ માટે આશા જાગી હતી. એમણે પણ બીએમસીમાં પાંચ-દિવસના સપ્તાહનો નિયમ લાગુ કરાય એવી માગણી કરી હતી.

બીએમસીના એક અધિકારીના જણાવ્યા મુજબ, બીએમસીમાં પાંચ-દિવસીય કામકાજનું સપ્તાહ લાગુ કરવામાં થોડોક સમય લાગશે, કારણ કે સર્વ સાધારણ સભાએ હજી સુધી આને મંજૂરી આપી નથી.

બીએમસીના કર્મચારીઓને હાલ દર મહિને બીજા અને ચોથા સપ્તાહના શનિવારે રજા મળે છે. પાંચ દિવસના સપ્તાહનો નિયમ લાગુ થયા બાદ એમણે પણ સોમવારથી શુક્રવાર સુધી જ કામ કરવાનું રહેશે. જોકે નવો નિયમ લાગુ કરાયા બાદ કર્મચારીઓએ દરરોજ 45 મિનિટ વધારે કામ કરવાનું રહેશે.

આમ છતાં મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય, અગ્નિશામક દળ, સ્વચ્છતા કર્મચારીઓ અને શાળાકીય કર્મચારીઓને પાંચ-દિવસના સપ્તાહની સુવિધા નહીં મળે.

પાંચ-દિવસના સપ્તાહનો નિયમ લાગુ કરાયા બાદ મહારાષ્ટ્ર રાજ્ય સરકારી કાર્યાલયોમાં કામકાજનો સમય સવારે 9.05થી સાંજે 6.00 સુધીનો રહેશે.