દિલ્હીઃ ભાઈચારો અને શાંતિ જાળવવા વડા પ્રધાનની અપીલ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભડકેલી હિંસા પર લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે, મેં દિલ્હીની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ શાંતિ જળવાય અને સ્થિતિ ફરી સામાન્ય બને તે માટે કામ કરી રહી છે.

મહત્વનું છે કે, નોર્થ ઈસ્ટ દિલ્હીમાં જાફરાબાદ, મોજપુર-બાબરપુર અને ચાંદબાગમાં ભડકેલી હિંસાના કારણે 20 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, શાંતિ અને સુમેળ આપણો સ્વભાવ છે. હું દિલ્હીના ભાઈઓ અને બહેનોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે અપીલ કરું છું. જલ્દીમાં જલ્દી શાંતિ અને સામાન્ય સ્થિતિ થાય તે જરૂરી છે.