શાંતિકૂચ કરતાં પ્રિયંકાને અટકાવાયાઃ છેવટે ધરણાં પર બેઠાં

નવી દિલ્હીઃ દિલ્હીના જનપથ રોડ પર શાંતિ માર્ચ કરી રહેલાં કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીને સુરક્ષા કારણોસર અટકાવવામાં આવ્યાં હતાં. શાતિ માર્ચ અટકાવવા બદલ તેઓ પાર્ટીના નેતાઓ સાથે ધરણાં પર બેસી ગયાં હતાં. દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસાને લઈને દિલ્હી હાઇકોર્ટે પણ પોલીસ કમિશનરને ભડકાઉ વિડિયો જોવાનો નિર્દેશ આપ્યો હતો અને ઉચિત કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. દિલ્હી હિંસામાં અત્યાર સુધી 22 લોકોનાં મોત થયાં છે અને 56 પોલીસ સહિત 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.  

આ પહેલાં કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હી હિંસા માટે જવાબદાર ઠેરવતાં ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગ કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલથી માંડીને મનીષ સિસોદિયા અને કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ દિલ્હીવાસીઓને શાંતિ રાખવા અને ધીરજથી કામ લેવા અપીલ કરી હતી. બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને શાંતિ અને ભાઇચારો બનાવી રાખવા અપીલ કરી હતી.   

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી તોફાનો થઈ રહ્યા છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત બે લોકોનાં મોત થયાં છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં 22 લોકોનાં મોત થયાં છે. જેને લઈને દિલ્હીમાં હાલ તંગદિલીભર્યો માહોલ છે.

દિલ્હી હિંસા પર હાઇકોર્ટે પણ કડક વલણ લેતાં દિલ્હી પોલીસને ભડકાઉ ભાષણ આપવા બદલ ભાજપના નેતા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પરવેશ વર્માની સામે કેસ નોંધવા આદેશ આપ્યો હતો. દિલ્હીમાં તોફાની તત્વોની હિંસા બાદ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવારે પણ સેના બોલાવવાની માગ કરી હતી.