અમદાવાદઃ ગઈ કાલના ઘટાડા બાદ IT, રિયલ્ટી, બેન્કિંગ અને નાણાકીય શેરોમાં લેવાલીને કારણે બુધવારે શેરબજાર મજબૂત વધારા સાથે બંધ થયું હતું નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 24,000ની ઉપર બંધ આવ્યો હતો. અમેરિકી સેનેટમાં ઐતિહાસિક પ્રસ્તાવથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન પર હુમલો કરવો મુશ્કેલ બન્યો છે, જેથી બજારમાં તેજી થઈ હતી. એ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં 1.50 લાખ કરોડનો વધારો થયો હતો.
BSE સેન્સેક્સ 790.54 પોઇન્ટ ઊછળી 76,991.22 પર બંધ થયો. જ્યારે નિફ્ટી50 197.55 પોઇન્ટ વધી 24,021.65ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી-50માં ઇન્ટરગ્લોબ એવિયેશન, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને ટ્રેન્ટમાં સૌથી વધુ તેજી થઈ હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી આઈટી અને નિફ્ટી રિયલ્ટીમાં 2 ટકાથી વધુ તેજી જોવા મળી. ઉપરાંત નિફ્ટી બેન્ક અને નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સે પણ સારો દેખાવ કર્યો. જ્યારે ઓટો અને મેટલ શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો..
નિષ્ણાતોની દૃષ્ટિ
ટેક્નિકલ રીતે 24,100નું સ્તર હાલ નિફ્ટી માટે સૌથી મોટો પ્રતિકાર (રેઝિસ્ટન્સ) છે. જો નિફ્ટી આ સ્તર ઉપર મજબૂતીથી આગળ વધે તો વધુ તેજી જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં નિફ્ટી પહેલા 24,200 અને ત્યારબાદ 24,400 સુધી પહોંચી શકે છે, એમ બજારના એનાલિસ્ટોએ જણાવ્યું હતું. એપ્રિલથી મિડકેપ અને સ્મોલકેપ શેરોએ મોટા ઇન્ડેક્સની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કર્યું છે. સ્થાનિક રોકાણકારોનું સતત રોકાણ વિદેશી રોકાણકારોની વેચવાલીની અસરને મોટા ભાગે સંતુલિત કરી રહ્યું છે.
હવે બજારની નજર આગામી ત્રિમાસિક પરિણામો પર રહેશે. કંપનીઓ કાચા માલના વધેલા ખર્ચની તેમના નફા પર કેટલી અસર પડી છે તેનું મૂલ્યાંકન કરશે. ટૂંકા ગાળામાં દબાણ રહી શકે છે, પરંતુ મોંઘવારીમાં નરમાઈ, રૂપિયાની સ્થિરતા, વૈશ્વિક જોખમોમાં ઘટાડો અને માગમાં સુધારો મધ્યમ ગાળામાં સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.
ટ્રમ્પને અમેરિકન સેનેટમાં ઝટકો, બજારમાં તેજી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન સેનેટમાં એક ઐતિહાસિક પ્રસ્તાવના કારણે ઝટકો લાગ્યો, જેના કારણે ઇરાન પર હુમલો કરવો તેમના માટે વધુ મુશ્કેલ બન્યો. આ સમાચારથી વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ સર્જાયો અને ભારતીય શેરબજારમાં પણ જોરદાર તેજી જોવા મળી.
BSE પર કુલ 4430 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2215 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2034 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 181 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 147 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 63 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 11 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 7 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.






