અમદાવાદઃ મંગળવારના ઘટાડા પછી ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ના નિર્ણય પહેલાં ભારતીય શેરબજારમાં બુધવારે જોરદાર તેજી જોવા મળી હતી. IT, FMCG અને મેટલ શેરોમાં મજબૂત ખરીદદારીને કારણે સેન્સેક્સ 889 પોઇન્ટ અને નિફ્ટી 50 પણ 265 પોઇન્ટ ઊછળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં ચાર લાખ કરોડનો વધારો થયો હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદદારી
અગ્રણી શેરો ઉપરાંત વ્યાપક બજારમાં પણ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.82 ટકા અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 1.48 ટકાની વૃદ્ધિ સાથે બંધ થયા હતા. આથી સ્પષ્ટ થાય છે કે રોકાણકારોનો રસ માત્ર મોટી કંપનીઓ સુધી મર્યાદિત રહ્યો નહોતો.
કયા શેરો અને સેક્ટરોએ સૌથી વધુ મજબૂતી બતાવી?
સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી IT, નિફ્ટી મેટલ અને નિફ્ટી FMCGએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જ્યારે નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી ઓટો અન્ય સેક્ટરોની સરખામણીએ નબળા રહ્યા હતા.
નિફ્ટી માટે કયા સ્તરો રહેશે મહત્વપૂર્ણ?
SBI સિક્યોરિટીઝના હેડ – ટેક્નિકલ અને ડેરિવેટિવ્સ રિસર્ચ સુદીપ શાહના જણાવ્યાનુસાર આવનારા ટ્રેડિંગ સેશનમાં 24,360 થી 24,400નો વિસ્તાર નિફ્ટી માટે મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ રહેશે. આ સ્તર 200-દિવસીય મુવિંગ એવરેજ (EMA)ની નજીક છે. જો નિફ્ટી આ સ્તર ઉપર ટકી રહેવામાં સફળ રહેશે તો તે 24,550 અને ત્યારબાદ 24,700 સુધી પહોંચી શકે છે..
બજારમાં તેજીનું કારણ શું રહ્યું?
બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ ભારતના મજબૂત અને વૈવિધ્યસભર બજાર માળખાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નો વિશ્વાસ વધ્યો છે. પશ્ચિમ એશિયામાં તણાવને કારણે દિવસ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો વધારો થયો હતો, પરંતુ સમગ્ર સપ્તાહ દરમિયાન તેલના ભાવમાં આવેલી નરમાઈએ મોંઘવારી અંગેની ચિંતાઓ ઘટાડવામાં મદદ કરી છે. તેના કારણે આર્થિક વૃદ્ધિ અને કંપનીઓના ખર્ચ અંગે સકારાત્મક વાતાવરણ સર્જાયું છે.
હવે અમેરિકન ફેડના નિર્ણય પર નજર
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હવે રોકાણકારોની નજર અમેરિકન ફેડરલ રિઝર્વની મોનેટરી પોલિસી પર રહેશે. જોકે બજાર પહેલેથી જ માની રહ્યું છે કે આ વખતે વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં થાય. તેથી ફેડના નિર્ણયની ભારતીય શેરબજાર પર મોટી અસર થવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.27 લાખ કરોડનો વધારો
BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે રૂ. ચાર લાખ કરોડથી વધુ વધ્યું, જેને કારણે રોકાણકારોની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
BSE પર કુલ 4424 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2593 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1652 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 179 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 107 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 77 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 9 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 7 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.




