આવતીકાલથી ગુજરાતમાં મેઘરાજાનો નવો રાઉન્ડ

ગુજરાતમાં થોડા વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા માટે પૂરેપૂરા સજ્જ થયા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના પૂર્વાનુમાન અનુસાર, આવતીકાલે ૩૦મી જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે. રાજ્ય પર એકસાથે ચાર શક્તિશાળી હવામાન પ્રણાલીઓ (સિનૉપ્ટિક સિસ્ટમ્સ) સક્રિય થવાના કારણે ચોમાસાનો આ નવો રાઉન્ડ અત્યંત તોફાની સાબિત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

31 જુલાઈએ અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’

હવામાન વિભાગે ખાસ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ૩૧મી જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આકાશી આફત સમાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારબાદ ૧ ઓગસ્ટે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મુસળધાર વરસાદનું જોર અવિરતપણે યથાવત રહેશે.

ઝોન વાઇઝ વરસાદની સ્થિતિ

દક્ષિણ અને મધ્ય ગુજરાત: દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સૌથી વધુ અસર જોવા મળશે, જ્યાં અતિભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તેમજ સમગ્ર કચ્છ ક્ષેત્રમાં મેઘરાજાની વ્યાપક મહેર જોવા મળશે.

ઉત્તર ગુજરાત: વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાનું અનુમાન છે.

વહીવટી તંત્ર સ્ટેન્ડબાય, નાગરિકો માટે એડવાઇઝરી

આકાશી આફતના નવા તબક્કાને પગલે રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હરકતમાં આવ્યું છે. તમામ સંબંધિત જિલ્લા કલેક્ટરો અને અધિકારીઓને કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. નીચાણવાળા અને પૂર સંભવિત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને વિલંબ કર્યા વગર સાવચેતી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત, સામાન્ય નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા સલાહ આપવામાં આવી છે.