અસમની ઘાયલ હાથણી ‘માનિકી’ની ‘વનતારા’માં શરૂ થઈ સારવાર

જામનગર: છેલ્લા ઘણા સમયથી અસહ્ય પીડા અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલી ૪૮ વર્ષીય હાથણી ‘માનિકી’ માટે હવે દર્દભરી જીંદગીનો અંત આવ્યો છે. અસમના હાઈવે પર તબીબી સારવાર માટે લઈ જવાતી વખતે અત્યંત પીડા સાથે લંગડાતી ચાલતી માનિકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને દેશભરના પશુ પ્રેમીઓ, નાગરિકો અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓ ભાવુક થઈ ઉઠ્યા હતા અને તેની તાત્કાલિક સારવાર માટે ઓનલાઈન પિટિશન તથા અપીલો શરૂ કરવામાં આવી હતી.માનિકીના ડાબા આગળના પગમાં લાંબા સમયથી ખોડખાંપણ હોવાને કારણે તેને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આ સિવાય, મોટી ઉંમરને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ, ચેપગ્રસ્ત ઘા (ઇન્ફેક્ટેડ વૂન્ડ્સ), એક આંખે ઓછું દેખાવું, શરીરમાં પાણીની અછત (ડીહાઇડ્રેશન) અને અત્યંત નબળી શારીરિક સ્થિતિને લીધે તેની પીડા સતત વધી રહી હતી.

આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તેના માલિક રુચિ ચેટિયાએ સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત ‘પીડિત વન્યજીવોના બચાવ અને સંભાળ માટેની સમિતિ’ને પત્ર લખીને માનિકીને લાંબાગાળાની અદ્યતન સારવાર માટે ‘વનતારા’ (Vantara) ખાતે મોકલવા વિનંતી કરી હતી. સમિતિ તેમજ અસમ અને ગુજરાત સરકારની જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ, વનતારાની ટીમ દ્વારા તેને સુરક્ષિત રીતે જામનગર લાવવામાં આવી છે.

વનતારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “માનિકીના હેલ્થ રિપોર્ટ અનુસાર તેને સુરક્ષિત અને વિશેષ સંભાળવાળા વાતાવરણમાં વ્યાપક વેટરનરી સારવારની જરૂર છે. વનતારા હોસ્પિટલમાં અમારી તાત્કાલિક પ્રાથમિકતા દવાઓ, હાઇડ્રોથેરાપી (પાણી દ્વારા સારવાર) અને એક્યુપંક્ચર પદ્ધતિ દ્વારા તેની પીડા ઓછી કરવાની છે. આ સાથે તેના ઘાની સારવાર અને યોગ્ય પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવશે.”

અહીં માનિકીની સારવાર માત્ર દવાઓ પૂરતી સીમિત નહીં રહે. તેના ઈજાગ્રસ્ત પગ પર દબાણ ઓછું થાય તે માટે સોફ્ટ માટી અને કુદરતી જમીન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, તેના શરીરનું વજન હળવું રહે તે માટે કુદરતી તળાવો (પોન્ડ્સ), કુદરતી રીતે ચરવાની (Forage) વ્યવસ્થા અને અન્ય હાથીઓનો સાથ-સહકાર પૂરો પાડવામાં આવશે.