બજેટ એકદમ ચીલાચાલુ અને નિરાશાજનક: પરેશ ધાનાણી

ગાંધીનગર: વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું ગણાવ્યું.

ખેડૂતોની આવક બમણી કરવાની માત્ર વાતો

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે રજૂ થયેલ બજેટમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ દેખાય છે. રાજ્યમાં ખેડૂતોને પોતાની ખેતપેદાશોના પૂરતા ભાવ મળતા નથી. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો થાય છે પરંતુ અહીં ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેતીમાં ઉત્પાદન ખર્ચ બમણો થઈ ગયો છે અને આવક અડધી થઈ ગઈ છે. ખેડૂતો દિન-પ્રતિદિન દેવાના ડુંગર નીચે દબાતા જાય છે અને આત્મહત્યા કરવા પ્રેરાય છે.

ભાજપ સરકાર દ્વારા મેળાઓ અને ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરી શકતા નથી. આજના બજેટથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તથા સંપૂર્ણ દેવા માફીની અપેક્ષા ઠગારી નીવડી છે. પાક વીમા કંપનીઓને જવાબદાર બનાવવાના બદલે પાક વીમા યોજનાને મરજીયાત બનાવીને ખેડૂતોને ભગવાન ભરોસે છોડવાનું જોખમી પગલું ભાજપ સરકારે ભર્યું છે.

ભાજપ શાસનમાં ૫૫,૦૦૦ કરતાં વધુ નાના-મોટા ઉદ્યોગોને તાળા લાગી ગયા છે કે મૃતઃપાય થઈ ગયા છે. સરકાર દ્વારા વાયબ્રન્ટ ઉત્સવો કરીને અબજો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૩થી નવ-નવ વાયબ્રન્ટ‍ સમિટમાં અબજો રૂપિયાના મુડીરોકાણના અને લાખોની સંખ્યાંમાં રોજગારી ઉભી કરવાના દાવા પછી આજે ગુજરાતમાં બેરોજગારીનો આંક દિન-પ્રતિદિન રોકેટ ગતિએ વધતો જાય છે. રાજ્ય ના યુવાનોએ રોજગારી માટે દર-દર ભટકવું પડે છે, આંદોલનો કરવા પડે છે, પરંતુ રોજગારી મળતી નથી. આજના બજેટમાં યુવાનોના કૌશલ્ય વર્ધન અને રોજગારની તકો પ્રત્યેપ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે.

રાજ્યમમાં ૨૫ વર્ષથી ભાજપનું શાસન છે. રાજ્યમાં ભુમાફીયાઓનું પ્રમાણ વધતું જાય છે. રાજ્યમાં જલ અભિયાનના નામે મોટાપાયે રેતી અને માટીની ચોરી થઈ રહી છે. જમીન વિકાસ નિગમનું કરોડોનું કૌભાંડ ભાજપ સરકારની ઓળખ બની છે. ભાજપ સરકાર ૨૫ વર્ષના શાસન બાદ પણ ૨૨ ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડી શકી નથી. રાજ્યમાં દલિત-પછાત અને આદિવાસીઓના ૪૬,૨૫૦ પરિવાર સહિત હજારો ઘરોમાં વીજ કનેકશન આપવામાં સરકાર સદંતર નિષ્ફતળ રહી છે.

બજેટમાં મોંઘવારીનો દર ઘટશે એવી આશાઓ ઠગારી નીવડી છે. શિક્ષણ ક્ષેત્રે નવી શાળાઓ કે કોલેજો ખોલવામાં તથા ગ્રાન્ટ કે, સહયોગ વધારવામાં ઉદાસીનતા ઉભરી છે. આરોગ્યે ક્ષેત્રે નવા સામુહિક અને પ્રાથમિક આરોગ્યન કેન્દ્રોજ અને નવી હોસ્પિટલો ખોલવામાં તથા હયાત સુવિધામાં વધારો કરવા માટે સરકારે સદંતર નિષ્કાળજી દાખવી છે.

આજરોજ પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન પેટાપ્રશ્ન કરતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કુટીર ઉદ્યોગ મંત્રીને જણાવ્યું  હતું કે, રાજ્ય-માં બેરોજગારોને રોજગારી મળી રહે તેવા હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો મારફત બેન્કો દ્વારા લોન આપવાની યોજના છે. તે મુજબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અરજદારની અરજી મંજુર કરે અને બેન્કમાં ભલામણ કરી દીધા પછી બેન્ક દ્વારા લોન મંજુર કરવામાં આવતી નથી. તો શિક્ષિત બેરોજગાર યુવાનોને આવી ભલામણો થયેલ અરજીની બેન્કોએ ૧૦૦ ટકા લોન મંજુર કરવી જોઈએ અને જો બેન્ક લોન આપવા નનૈયા ભણે તો એની સામે પણ સરકારે લાલ આંખ કરવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]