નવાઝ શરીફ હવે પાકિસ્તાનમાં ‘સત્તાવાર’ રીતે ભાગેડુ છે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભાગેડુ જાહેર કર્યા છે. સરકારે શરીફ પર મેડિકલ રિપોર્ટ નહીં મોકલવા બદલ અને જામીનની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાડ્યો હતો. આ સાથે તેમના જામીન પણ રદ કરી દીધા છે. નવાઝ શરીફ ભ્રષ્ટાચારના મામલે સાત વર્ષની જેલની સજા કાપી રહ્યા છે. હાઇકોર્ટે  29 ઓક્ટોબર, 2019એ શરીફને નાદુસ્ત તબિયતનાં કારણોસર આઠ સપ્તાહના જામીન મંજૂર કર્યા હતા. તેઓ 19 નવેમ્બરે સારવાર માટે લંડન ગયા હતા, પણ હજી સુધી પાછા નથી ફર્યા.

વડા પ્રધાન ઇમરાન ખાનનાં સલાહકાર ડો. ફિરદૌસ આશિક અવાને કેબિનેટ બેઠક પછી કહ્યું હતું કે શરીફ મેડિકલ રિપોર્ટ મોકલવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે એક મેડિકલ સર્ટિફિકેટ મોકલ્યું હતું, જે પર્યાપ્ત નથી. એને આધારે તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. હજી તેઓ લંડનથી પાછા નહીં ફર્યા તો તેમને અપરાધી માનવામાં આવશે.

ઇસ્લામાબાદની હાઇકોર્ટે પંજાબ સરકારથી આ મામલે નજર રાખવા કહ્યું છે. નવાઝ શરીફને અનેક વાર પત્ર લખીને લંડનની કોઈ પણ હોસ્પિટલની મેડિકલ રિપોર્ટ મોકલવા કહેવામાં આવ્યું હતું, પણ તેમણે એક સર્ટિફિકેટ મોકલ્યું હતું, જેનો મેડિકલ બોર્ડે અસ્વીકાર કર્યો છે. જો નવાઝ શરીફ ગંભીરરૂપે બીમાર છે તો તેમને વિગતવાર મેડિકલ રિપોર્ટ મોકલવા માટે વાંધો શો છે?