નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટર અને ભારતના પૂર્વ ધુરંધર ઓપનર વિરેન્દ્ર સહેવાગે ખુલાસો કર્યો છે કે ક્રિકેટના મેદાન પર એ કોને પોતાના ફ્રેન્ડ બનાવવામાં વધારે ફાયદો સમજે છે. સહેવાગે જણાવ્યું કે હું અમ્પાયરને મિત્ર બનાવવામાં ખૂબ રસ રાખતો હતો કારણ કે મેચ દરમિયાન સૌથી મહત્વનો વ્યક્તિ અમ્પાયર હોય છે. સહવાગે કહ્યું કે, મેચમાં અમ્પાયરમાં સૌથી ખાસ હોય છે. આઉટ તેણે જોવાનો હોય છે, જો તમે આઉટ થઈ ગયા તો નો બોલ તેણે આપવાનો હોય છે, તમારે બહાર જવું છે તો એક્સ્ટ્રા ફિલ્ડર પણ અમ્પાયરે જ આપવાનો છે અને રનર પણ તેમણે આપવાનો હોય છે.
41 વર્ષીય સહેવાગ મામલે મહોમ્મદ કેફે જણાવ્યું કે, તે મેચ દરમિયાન અમ્પાયર સાથે ખૂબ વાત કરે છે. સાથે જ તેમણે કહ્યું કે અત્યારે રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં પણ તેઓ સાઈમન ટોફેલ સાથે ખૂબ વાત કરતા દેખાયા હતા.
પોતાના કરિયરમાં 104 ટેસ્ટ, 251 વન-ડે અને 19 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમેલા સહેવાગે આ વિડીયોમાં મજાક કરતા કહ્યું કે મારી સાથે મિત્રતામાં જ ઈન્ટવ્યુ લઈ શકાય છે. સહેવાગ કહે છે કે આપણ એક કલા છે. મિત્રતામાં દરેક કામો થાય છે.
શ્રીનગરઃ ડો. ફારુક અબદુલ્લા આજે શ્રીનગરની પેટા જેલમાં પુત્ર ઉમર અબદુલ્લાને મળ્યા હતા. સવારે તેઓ પોતાના ઘરેથી નીકળીને હરિ નિવાસ- જેને ઉપ જેલ જાહેર કરવામાં આવેલી છે ત્યાં હિરાસતમાં રાખવામાં આવેલા ઉમર અબદુલ્લાને મળ્યા હતા. સાત મહિના પછી પહેલી વાર પિતા-પુત્ર એકમેકને જોઈને લાગણીશીલ બન્યા હતા. બંને એકબીજાને ભેટી પડ્યા હતા.
પિતા-પુત્રએ એકાંતમાં એક કલાક વાત કરી
82 વર્ષીય ડો. ફારુક અબદુલ્લાએ જેલમાંથી છૂટ્યા પછી જમ્મુ-કાશ્મીરના મેનેજમેન્ટથી ઉમર અબદુલ્લાને મળવાની મંજૂરી માગી હતી, જને મંજૂર કરવામાં આવી હતી. બંને જણે એક કલાક એકાંતમાં વાત કરી હતી. તેમની સાથે તેમનાં પત્ની અને પુત્રી પણ હતાં.
ફારુક અબદુલ્લા સંસદમાં હાજર નહીં રહે?
ફારુક અબદુલ્લાએ ગઈ કાલે કહ્યું હતું કે અમારી આઝાદી માટે અવાજ ઉઠાવનાર લોકોનું આભારી છું. મને બધા નેતાઓને છોડી મુકાયા પછી આ આઝાદી પૂરી ગણાશે મને આશા છે કે ભારત સરકાર હવે બધા નેતાઓને છોડી મૂકશે. હવે હું સંસદમાં જઈશ અને લોકોનો અવાજ ઉઠાવીશ, એમ તેમણે કહ્યું હતું. તેમણે ગઈ કાલે પણ રાજકીય નિવેદન આપવાની ના પાડી હતી. જોકે આજે એવા અહેવાલ હતા કે ડો. ફારુક અબદુલ્લા સંસદના બાકીના સેશનમાં પણ હાજરી નહીં આપે. જોકે તેઓ નવી દિલ્હીની મુલાકાતે આવતી કાલે આવવાના છે, પણ સંસદનું બાકીનું સત્ર જે ત્રજી એપ્રિલ સુધી ચાલવાનું છે, એમાં પણ તેઓ હાજર નહીં રહે.
જિનેવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે હવે યુરોપ કોરોના વાયરસની મહામારીનું કેન્દ્ર બની ગયું છે. સંગઠન પ્રમુખ ટેડરોજ એ ગેબ્રેયેસોસે કહ્યું કે, હવે યુરોપ આ મહામારીનું કેન્દ્ર બની ગયું છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં આ વાયરસથી થયેલા 5000 મોતને દુઃખદ છે.
WHO ના ચીફે આ વાયરસથી થયેલા મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. WHO એ આ સાથે જ વિશ્વભરના દેશોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક ઉપાય પર ધ્યાન ન આપે, પરંતુ કોરોનાને પહોંચી વળવાના તમામ ઉપાયો પર ફોકસ કરે.
ડાયરેક્ટર જનરલે કહ્યું કે, અમારો સંદેશ દેશોને રહ્યો છે કે તમારે સમગ્ર રુપથી આ વાયરસ સામે લડવું પડશે. માત્ર ટેસ્ટ ન કરો, માત્ર કોન્ટેન્ટમાં આવેલા લોકોને ટ્રેસ ન કરો અને ન માત્ર સામાજિત અંતર બનાવો પરંતુ તમામ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રીત કરો.
મુંબઈઃ કોરોના વાયરસના કારણે દરેક ક્ષેત્ર પ્રભાવિત થઈ રહ્યું છે જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. કોરોના વાયરસના કહેરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેની સાથે જોડાયેલા લોકો પર ખૂબ અસર પડી છે. જો કે કોરોના વાયરસને રોકવા માટે ફિલ્મ જગત દ્વારા પણ કેટલાક પગલા ભરવામાં આવ્યા છે કે જેનાથી લોકોને કોઈ નુકસાન ન થાય.
દેશમાં કોરોના વાયરસને લઈને સરકારે થિયેટર્સને બંધ કરાવી દીધા છે. ત્યારે ફિલ્મ કલેક્શનમાં પણ ખૂબ મોટી અસર પડી છે. અત્યાર સુધીમાં દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, કેરળ સહિત ઘણી જગ્યાએ થીયેટર્સ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોને એક જગ્યાએ ભેગા થતા રોકવા માટે પગલા ભરવામાં આવ્યા છે.
કોરોના વાયરસના ડરથી ફિલ્મ અને ટીવી સીરિયલના શૂટિંગ પ્રભાવિત થઈ રહ્યા છે. તમામ શૂટિંગ કેન્સલ થઈ ગયા છે કે જેમાં વિદેશમાં ઘણા સિન શૂટ કરવાના હતા. આ સિવાય કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ભૂલ-ભૂલૈયા-2 અને રણબીર કપૂર, અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. આ સાથે જ અન્ય પણ ઘણા પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર ઘણા એવા પીક શેર કરવામાં આવી રહી છે કે જેમાં ફિલ્મના સેટ પર લોકો માસ્ક લગાવીને કામ કરી રહ્યા છે. કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન, કૃતિ ખરબંદા, પૂજા હેગડેએ માર્ક પહેરેલો પોતાનો ફોટો શેર કર્યો છે. તો ઘણી ટીવી સિરીયલના સેટ્સ પરથી પણ આ પ્રકારના ફોટોગ્રાફ્સ સામે આવી રહ્યા છે કે જેમાં કાસ્ટ અને ક્રૂ મેમ્બર માસ્ક લગાઈને આવ્યા હોય તેવું દેખાઈ આવે છે.
નવી દિલ્હીઃ HDFC બેન્ક પછી દેશની સૌથી મોટી બીજા ક્રમની ક્રેડિટ કાર્ડ ઇસ્યુઅર કંપની SBI કાર્ડ્સ અને પેમેન્ટ્સ સર્વિસિસના ઇક્વિટી શેરો શેરબજારોમાં 16 માર્ચે લિસ્ટ થશે. ચાલુ કેલેન્ડર વર્ષમાં શેરબજારોમાં લિસ્ટિંગ પામનારા આ સૌપ્રથમ શેરો હશે. ક્રેડિટ કાર્ડ ઇસ્યુઅરે શેરદીઠ રૂ. 755ની કિંમત નક્કી કરી છે, જે તેની હાયર બેન્ડ (રૂ. 750-755)ની ઊંચી કિંમત છે અને કર્મચારીઓને આ શેરો શેરદીઠ રૂ. 75ના ડિસ્કાઉન્ટથી પ્રાપ્ત થશે.
સ્ટેટ બેન્કની સબસિડિયરી કંપનીએ પબ્લિક ઇસ્યુ થકી રૂ. 10,340 કરોડ ઊભા કર્યા હતા, જેમાં કંપનીએ નવા ઇસ્યુ દ્વારા કંપનીએ રૂ. 500 કરોડ ઊભા કર્યા હતા, જ્યારે બાકીના (રૂ. 9,840 કરોડ) એની માતૃ કંપની સ્ટેટ બેન્ક અને રોકાણકાર CA રોવર હોલ્ડિંગ્સ કે ડે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની કાર્લલ ગ્રુપની પેટા કંપની પાસેથી મેળવ્યા હતા.
ઇસ્યુ પહેલાં પ્રીમિયમ અને પછી ડિસ્કાઉન્ટ
એસબીઆઇ કાર્ડનો પબ્લિક ઇસ્યુ માર્કેટમાં આવ્યો એ પહેલાં ગ્રે માર્કેટમાં આ શેરનું રૂ. 350માં પ્રીમિયમ બોલાતું હતું. ગ્રે માર્કેટમાં આટલું ઊંચું પ્રીમિયમ જોઈને હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરોએ આ ઇસ્યુમાં મોટા પાયે રોકાણ કર્યું હતું. ડેટા જોઈએ તો નોન-ઇન્સ્ટિટ્યુશનલ કેટેગરી (NII)ના ક્વોટામાં એ 45.23 ગણો ભરાયો હતો, જ્યારે QIB કેટેગરીમાં 57.18 ગણો ભરાયો હતો. જ્યારે રિટેલમાં એ અઢી ગણો ભરાયો હતો.
જોકે ઇસ્યુ પહેલાં એ પ્રીમિયમમાં બોલાતો હતો અને કોરોનાને લીધે આખી પરિસ્થિતિમાં એવો વળાંક આવ્યો કે ઇસ્યુના લિસ્ટિંગ પહેલાં એ ડિસ્કાઉન્ટમાં બોલાઈ ગયો. હાલ આ ઇસ્યુની કિંમત 20થી 25 ટકા ડિસ્કાઉન્ટમાં ચાલી રહી છે. જે રીતે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ મંદી વ્યાપી ગઈ એ રીતે શેર ડિસ્કાઉન્ટ થઈ ગયો.
હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરોને ઝટકો
આ ઇસ્યુમાં હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરોએ તગડી કમાણીની આશાએ મોટા પાયે મૂડીરોકાણ કર્યું હતું, પરંતુ બજારનું સેન્ટિમેન્ટ ફરી જતાં હાલ એમાં તેમને નુકસાન થવાની ભીતિ છે, અન્યથા ખાસ લાભ થવાની આશા નથી, કેમ કે ગ્રે માર્કેટમાં એ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આજે પ્રીમિયર લીગના આયોજનને લઈને બેઠક થઈ રહી છે. આમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ફ્રેન્ચાઈઝી ટીમના માલિકોને આમાં બોલાવવામાં આવ્યા છે.
આ બેઠક પહેલા કિંગ્સ ઈલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ કહ્યું કે, ફેન્સ અને પ્યેયર્સની સુરક્ષા સૌથી પહેલા મહત્વની છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તમે ફેન્સ અને પ્લેયર્સની સુરક્ષા સાથે સમજૂતી ન કરી શકો. બીસીસીઆઈએ ટૂર્નામેન્ટને સ્થગિત કરીને એક યોગ્ય નિર્ણય કર્યો છે. આઈપીએલના કારણે કોઈપણ વ્યક્તિનો જીવ ન જવો જોઈએ.
સરકારે પબ્લિક ગેધરિંગ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. મીટિંગમાં હું પણ કહેવા માંગીશ કે સ્થિતિ પર આવતા બે સપ્તાહમાં નજીકથી નજર રાખીને બાદમાં કોઈ નિર્ણય લેવો જોઈએ. તમે લોકોના જીવ સાથે સમજૂતી ન કરી શકો. જો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સ્થિતિ યોગ્ય થતી નજરે આવે તો પછી એક કઠણ નિર્ણય લેવાની જરુર હશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટા ઘટાડાનો લાભ સામાન્યજન સુધી નથી પહોંચતો કર્યો. ને બદલે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી અને રોડ સેસમાં મળીને લિટરદીઠ કુલ રૂ. ત્રણ વધારીને સરકારની આવકમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. કોરોના વાઇરસને કારણે અને સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ચાલી રહેલા ક્રૂડ વોરને કારમે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતોની પડતર ઘણી ઓછી થઈ છે. જોકે સરકારે પહેલાંની જેમ ઘટતા આંતરરાષ્ટ્રીય ભાવનો લાભ ગ્રાહકોને નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.
એ સત્તાવાર નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર વિશેષ ઉત્પાદન શૂલ્ક પ્રતિ લિટર રૂ. બે વધારીને રૂ. 8 કરી દીધું અને ડીઝલ પર એ શૂલ્ક પ્રતિ લિટર રૂ. બેથી વધારીને રૂ. 4 કરી દીધું હતું. આ સિવાય પેટ્રોલ અને ડીઝલ પરના રોડ સેસમાં પ્રતિ લિટર રૂ.એક-એક વધારીને રૂ. 10 કરી દીધું હતું.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ સાર્ક દેશોને એક સાથે આવવા માટે આહ્વાન આપ્યું છે ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ સંકટ સામે લડવા માટે ક્ષેત્રીય અને વૈશ્વિક બન્ને મોરચા પર સંકલિત પ્રયત્નોની જરુરત પર બળ આપ્યું છે. શ્રીલંકા અને ભૂટાને વડાપ્રધાન મોદીની આ પહેલનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આ સિવાય, અમેરિકાએ પણ કોરોના વાયરસના સંકટને જોતા ઈમરજન્સી જાહેર કરી છે.
પાકિસ્તાની વિદેશ મંત્રલાયના પ્રવકતા આઇશા ફારૂકીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર કોરોના વાયરસ સામે લડવા માટે જે પણ જરૂરી હશે પાકિસ્તાન મળીને કરશે. ફારૂકીએ કહ્યું કે અમે અમારા સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી છે. તેઓ આ વીડિયો કોન્ફરન્સમાં સામેલ થશે અને કોરોનાને ઉકેલવાના ઉપાયો પર ચર્ચા કરશે.
પાકિસ્તાની પ્રવક્તાએ આ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પાડોશીઓની મદદ માટે તૈયાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન કોરોના વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે ઈમરજન્સી બેઠક પણ કરી ચૂક્યા છે.
વડાપ્રધાન મોદીએ એક મોટો પ્રસ્તાવ આપતા સાર્ક દેશો સાથે આ મહામારી સામે લડવા માટે ચર્ચા કરવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે મજબૂત રણનીતિ બનાવવા માટે સાર્ક દેશોના નેતૃત્વને પ્રસ્તાવ આપું છું. આપણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના નાગરિકોને સ્વસ્થ રાખવા માટે વાતચીત કરીશું. આપણે એકજુટ થઈને દુનિયા સામે એક મિસાલ રજૂ કરી શકીએ છીએક અને લોકોને સ્વસ્થ રાખવાના કામમાં યોગદાન આપી શકીએ છીએ.
લોકસભાની 2019ની ચૂંટણીમાં બાલાકોટનો પવન ફૂંકાયો હતો એટલે કોંગ્રેસ સહિતના વિપક્ષોના ફુગ્ગા હવામાં ઊડી શકે તેમ નહોતા. પરંતુ તે પછી રાજ્યોમાં રાબેતા મુજબની સ્થિતિમાં ચૂંટણીઓ થઈ તેમાં શ્વાસ લેવાની જગ્યા વિપક્ષને મળી હતી. ખાસ કરીને કોંગ્રેસને ત્રણ રાજ્યો એક સાથે મળ્યા ત્યારે મોટો હાશકાર તેના નેતાઓને થયો હશે.
છત્તીસગઢમાં ખૂબ સારી બહુમતી સાથે, જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાતળી બહુમતી સાથે સત્તા મળી હતી. પાતળી બહુમતી સાથેની સત્તા પણ સત્તા જ કહેવાય, પણ તે જાળવવાની જવાબદારી મુખ્યપ્રધાનની અને પક્ષના મોવડીઓની હોય છે. કોંગ્રેસ ફરી એક વાર તેમાં નિષ્ફળ જવા લાગી છે.
મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી વંચિત રહેવું પડ્યું તેનું કારણ મુખ્યત્વે શિવસેના અને શરદ પવારની ગોઠવણી કોંગ્રેસની ભૂમિકા તેમાં એટલી અગત્યની નહોતી. તે પછી ઝારખંડમાં સફળતા મળી તેમાં પણ નાના સાથીદાર તરીકેની જ ભૂમિકા હતી. મુખ્ય પક્ષ ઝારખંડ મુક્તિ મોરચો જ હતો. વચ્ચેના સમયમાં કર્ણાટકની સરકાર પણ જતી રહી અને હવે મધ્ય પ્રદેશની જવાની તૈયારીમાં છે.
આ સમયગાળામાં કોંગ્રેસમાં હાર પછીની સાફસૂફી થવી જોઈતી હતી તે થઈ નથી. તેના બદલે હરિફ પક્ષો આવીને વાળીચોળીને વધેલી કિમતી જણસો ઉપાડીને લઈ જઈ રહ્યા છે. તેની શરૂઆત મધ્ય પ્રદેશથી થઈ અને હવે ચારે બાજુ ફેલાશે તેમ લાગે છે. પશ્ચિમ તરફ ગુજરાતમાં પણ અસર પહોંચી અને એક બેઠક જવાની તૈયારીમાં છે.
કોંગ્રેસને ચારમાંથી બે બેઠકો મળે તેની શક્યતા વચ્ચે દિલ્હીથી નામ જાહેર થયું તેમાં એક નામ રાષ્ટ્રીય નેતાનું હતું. રાજીવ શુક્લાનું નામ જાહેર થયું તે સાથે જ ભડકો થયો. ભડકો કરવાની તૈયારીઓ ગુજરાતમાં દોઢ બે મહિનાથી થઈ રહી હતી, પણ જે રીતે મધ્ય પ્રદેશમાં ધ્યાન નહોતું અપાયું તે રીતે ગુજરાતમાં પણ કોઈ ધ્યાન આપનારું નહોતું. છેક છેલ્લી ઘડીએ આગ ઠોરવા માટે દોડભાગ થઈ અને ભરતસિંહ સોલંકીનું નામ જાહેર થયું. શક્તિસિંહ ગોહિલનું નામ અપેક્ષા પ્રમાણે જ હતું.
ત્યાં સુધીમાં નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. કોંગ્રેસની સ્થિતિ જોયા પછી ત્રીજો ઉમેદવાર ઉતારીશું તેવું ભાજપે કહ્યું હતું અને તેવું કર્યું. બે સિંહોને ઉમેદવાર તરીકે જોયા પછી ભાજપને પટેલપત્તું ઉતરવાની તક મળી ગઈ. નીતિન પટેલે એકલા પાડી દેવાયા છે તેવો અફસોસ વ્યક્ત કર્યો હતો, તેના થોડા જ વખતમાં આ તક કોંગ્રેસે આપી. નરહરી અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કરી દેવાયા. મૂળ કોંગ્રેસી નરહરી અમીન પોતે પણ મહેનત કરે તેવા છે, અને બાકીની મૂળ મહેનત કોંગ્રેસના આંતરિક જૂથો કરી જ રહ્યા છે. તે સંજોગોમાં લગભગ સમજોને એક બેઠક ગઈ. મધ્યપ્રદેશમાં તો રાજ્યસભાની એક બેઠક જવા સાથે આખી સરકાર પણ ગઈ સમજોને!
રાષ્ટ્રીય સ્તરે નેતૃત્ત્વની અસ્પષ્ટતાને કારણે કોંગ્રેસને ચારે બાજુથી કોરી લેવાનું શરૂ થયું છે તે આ રાજ્યસભાની ચૂંટણીમાં એક સાથે સ્પષ્ટ થઈ ગયું છે. એ વાત ખરી કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભાની બેઠક ના મળવાનું બહાનું બનાવ્યું. તેમની યોજના લાંબા સમયથી છોડીને જવાની હતી. આમ છતાં રાજ્યસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની પસંદગીમાં મુશ્કેલી થશે ત્યારે શું કરવું તેની કોઈ તૈયારી કોંગ્રેસમાં નહોતી તે આના પરથી દેખાય આવે છે. ગુજરાતમાં પણ ટિકિટના મામલે કાળજી રાખવી પડશે તેના અણસાર હતા જ, પણ કોંગ્રેસના દિલ્હીના નેતાઓએ કોઈ તૈયારી કરી નહોતી.
હરિયાણામાં સત્તાની નજીક પહોંચ્યા પછી સત્તા હાથમાં ના આવી. ત્યાં પણ કુમારી શૈલજા અને ભૂપિન્દર હૂડાની ખેંચતાણને સમયસર મેનેજ કરાઈ નહોતી. તે વખતના વળનો છેડો રાજ્યસભાની ચૂંટણી વખતે નીકળ્યો. શૈલજાને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી તે સાથે જ ગુજરાતની જેમ હરિયાણામાં ભડકો થયો. હૂડાનું જૂથ શૈલજાને હરાવશે તેનો ખ્યાલ તરત આવી ગયો. છેલ્લે હરિયાણામાં ચૂંટણી થઈ ત્યારે આવું જ થયું હતું. હૂડાને નારાજ કરીને આર. કે. આનંદને મોવડીમંડળે હરિયાણામાં મોકલ્યા હતા. હૂડાના ટેકેદારોમાંથી કેટલાક એવી રીતે એકડા-બગડા ઘૂંટ્યા કે આનંદ હારી ગયા.
ગુજરાતમાં પણ આ વખતે ક્રોસ વોટિંગના બદલે કેટલાક ધારાસભ્યોને બિચારાને એકડો-બગડો લખવામાં ભૂલ થઈ જવાની છે. શું કરે બિચારા, ટેન્શનના કારણે એકડો અને બગડો આડોઅવળો લખાઈ જાય અને મત રદબાતલ જાહેર થાય! એનસીપી અને બીટીપીના ત્રણ મળો માનોને ઑલરેડી ભાજપમાં જતા રહ્યા છે. એટલે કોંગ્રેસને એક મત અત્યારથી જ ખૂટે છે. આટલા બધા ધારાસભ્યોમાંથી એક કે બે જણ તો ભૂલ કરી શકેને? કેમ ગયા વખતે ભાજપના સિનિયર નેતા ફળદુથી ભૂલ નહોતી થઈ?
હરિયાણામાં ભૂલ સુધારી લેવાઈ અને શૈલજાની ટિકિટ રદ થઈ. તેમની જગ્યાએ દીપેન્દર હૂડાને ટિકિટ આપી. ગુજરાતમાં પણ રાજીવ શુક્લાની ટિકિટ રદ કરીને ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી, પણ ભૂલ સુધરે તેવી શક્યતા નથી. એક બેઠકનું જોખમ ઊભું થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે રાજીવ શુક્લાની ટિકિટ યથાવત રખાઈ હોત તો કદાચ બેઠક બચી હોત. જાણકારો કહે છે કે રાજીવ શુક્લાએ પોતાની રીતે ભાજપ સાથે ગોઠવણ કરી લીધી હતી. રાજીવ શુક્લા આઇપીએલના ચેરમેન છે. બીબીસીઆઈમાં ભાજપના ઘણા નેતાઓ છે. ગુજરાતના જય શાહ પણ છે. કિક્રેટનો આ ખેલદિલીનો સંબંધ કામ આવ્યો હોત અને શુક્લા સામે બોડીલાઇન બોલિંગ ના થઈ હોત તેમ જાણકારો કહે છે.
બિહારમાં પણ કોંગ્રેસને ફટકો પડ્યો છે. શક્તિસિંહ ગોહિલ બિહાર કોંગ્રેસના પ્રભારી છે. તેમણે ગુજરાતમાં જાતે ઉમેદવાર બનવા આવતા પહેલાં બિહારમાં કોંગ્રેસને એક બેઠક સાથી પક્ષ આરજેડી તરફથી મળે તે માટે પ્રયાસો કર્યા હતા. જાહેરમાં વિનંતી કરતા પત્રો પણ લખાયા હતા. પણ દિલ્હીમાં કોંગ્રેસના વડા કોને ગણવા તેની અવઢવ વચ્ચે આરજેડીએ બંને બેઠકો પર પોતાના જ ઉમેદવારો જાહેર કરી દીધા છે. મધ્યપ્રદેશ, ગુજરાત પછી બિહારની આ ત્રીજી બેઠક પણ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના હાથમાં સરકી ગઈ.
જ્યોતિરાદિત્યના કિસ્સામાં શરૂઆતમાં કોઈ રિએક્શન ના આપ્યા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે પોતે પક્ષપ્રમુખ નથી, તેથી સિંધિયા માટે રાજ્યસભાની ટિકિટનું નક્કી ના કરી શકે. રાજ્યસભાની ટિકિટોની વહેંચણી પક્ષના સંગઠને કરી છે એવું તેમનું કહેવાનું થયું, પણ તે પક્ષની યાદી બહાર પડી ત્યારે જ ખોટું પડ્યું હતું. રાહુલ ગાંધીની નીકટ મનાતા કે. સી. વેણુગોપાલને રાજસ્થાનમાં ટિકિટ આપવામાં આવી જ છે. હાલ તેમનો વિરોધ નથી થયો એટલે તેઓ સલામત નીકળી જશે.
એ જ રીતે કે. ટી. એસ. તુલસીને ઝારખંડમાંથી કોંગ્રેસના ફાળે આવેલી રાજ્યસભાની બેઠક આપવામાં આવી છે. બિહારમાં સાથી પક્ષે કોંગ્રેસને નનૈયો કરી દીધો, પણ ઝારખંડમાં સંયુક્ત સરકારમાં કોંગ્રેસને સાચવવાની જરૂર હોવાથી તુલસીને ટિકિટ મળી છે. તુલસી રોબર્ટ વાડ્રા માટેના કેસોમાં વકીલ તરીકે બચાવ કરી રહ્યા છે. તુલસીને અગાઉ સીધી નિમણૂક તરીકે, રાષ્ટ્રપતિ તરફથી નિમણૂક તરીકે રાજ્યસભામાં મોકલાયા હતા. આ બે બેઠકો બેવડા માપદંડ દેખાડે છે. રાહુલ ગાંધી ધાર્યું કરાવવા માગતા હોય તો હજીય કોંગ્રેસમાં થઈ શકે તે સ્પષ્ટ છે.
સાથે જ રાહુલ ગાંધી સામે હજીય જૂની પેઢીના નેતાઓ ધાર્યું કરાવી જાય છે તે પણ રાજ્યસભાની આ ચૂંટણીઓમાં સ્પષ્ટ થયું. જૂની પેઢીના નેતાઓ સોનિયા ગાંધી પાસે પહોંચી જાય અને તેમને મનાવી લેતા હોય છે. સિંધિયાને રોકવાની જરૂર નથી જવા દો, એવી વાત કદાચ કમલનાથ અને દિગ્વિજયસિંહે સોનિયા ગાંધીના ગળે ઉતારી હતી.
દિગ્વિજયસિંહે પોતાની રાજ્યસભાની બેઠક પાકી કરવા અને પોતાના પુત્રને આગળ કરવા માટે સિંધિયાનો ભોગ લીધો તે દેખાય આવે છે. તેમ છતાં દિગ્વિજયસિંહને સેકન્ડ પ્રેફરન્સ આપીને સિંધિયાને પ્રથમ પ્રેફરન્સ સાથેની રાજ્યસભાની ટિકિટ મળી નહિ. પ્રથમ પ્રેફરન્સ સાથે ટિકિટની ખાતરી સિંધિયાને આપી દેવાઈ હોત અને તેમના ટેકેદારને ડેપ્યુટી સીએમ બનાવાયા હોત તો કદાચ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બચી હોત.
દિગ્વિજયસિંહ રાજ્યસભામાં જીતી શકે તે ખાતર કોંગ્રેસની આખી સરકાર જતી રહી અને છતાં સોનિયા ગાંધી પાસે જૂની પેઢીના નેતાઓએ ધાર્યું કરાવ્યું તેની ભારે અકળામણ કોંગ્રેસના નવી પેઢીના યુવાન નેતાઓમાં છે. 22 જણે રાજીનામાં આપ્યા તેમાંથી અડધા પાછા આવશે તેવી વાતો ચાલી રહી છે, પણ દિલ્હીના મોવડીઓની આવી ધડમાથા વિનાની નીતિ પછી શક્ય લાગતું નથી.
રાજસ્થાનમાં અદ્દલ મધ્યપ્રદેશ જેવી જ સ્થિતિ છે. જૂની પેઢીના અશોક ગેહલોત નવી પેઢીના સચીન પાયલટને ફાવવા દેતા નથી. પાયલટે ડેપ્યુટી સીએમ બનીને સમાધાન સ્વીકારી લીધું તેથી સરકાર અત્યારે ચાલતી રહી છે, પણ રાજ્યસભાની ચૂંટણી વખતે ફરી એકવાર ગેહલોત જ ધાર્યું કરાવી ગયા છે. આ ધમાલ વચ્ચે રાજસ્થાનથી એવા અહેવાલો હતા કે ગેહલોત પોતાના માનીતા જયપુરના એક ઝવેરીને રાજ્યસભામાં મોકલવા માગે છે.
પાયલટ જૂથ તરફથી ફરિયાદ થઈ હતી અને તેના કારણે દિલ્હીમાં મોવડીઓ સાથે વાતચીત પણ થઈ. પરિણામ શું આવ્યું? ગેહલોત જૂથ તરફથી રજૂ થયેલું ઝવેરીનું નામ ઊડી ગયું, પણ તેની જગ્યાએ અશોક ગેહલાતે હળવેક દઈને પોતાના બીજા એક ટેકેદાર નિરજ ડાંગીને ગોઠવી દીધા. સચીન પાયલટ ફરી થાપ ખાઈ. પોતાની મરજી પ્રમાણેના ઉમેદવારને ટિકિટ ના મળી, કેમ કે બીજી બેઠક માટે રાહુલ ગાંધી તરફથી વેણુગોપાલને મોકલાયા હતા. હાલ પૂરતી વાત ટળી છે, પણ રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણીના પડઘા વહેલામોડા સંભળાશે ખરા.
રાહુલ ગાંધીની ટીમમાંથી બીજા એક યુવા નેતા ફાવ્યા તે ગુજરાતના પ્રભારી એવા રાજીવ સાતવ. યૂથ કોંગ્રેસના નેતા તરીકે રહેલા સાતવને મહારાષ્ટ્રમાં સાનુકૂળ સ્થિતિને કારણે રાજ્યસભામાં જવા મળશે. રાહુલના બે સાથીઓ વેણુગોપાલ અને સાતવ રાજ્યસભામાં જશે, પણ સામેની બાજુએ જૂની પેઢીએ સોનિયા ગાંધીને મનાવીને એવી રીતે ટિકિટો લીધી કે એ ઝઘડામાં મધ્યપ્રદેશ, ગુજરાત અને બિહારની ત્રણ બેઠકો જોખમમાં આવી ગઈ. આ બધા વચ્ચે રાજીવ શુક્લા અને મુકુલ વાસનિકને પણ ટિકિટ ના મળી. આ બંને માટે પ્રિયંકા ગાંધી તરફથી રજૂઆત હતી તેમ માનવામાં આવે છે.
પ્રિયંકા ગાંધીનું પોતાનું નામ પણ ચાલ્યું હતું. હકીકતમાં મધ્યપ્રદેશમાં ગરબડની શરૂઆત પ્રિયંકાનું નામ આગળ કરીને જ થઈ હતી. દિગ્ગિરાજા અને કમલનાથના જૂથે ટેકેદારો પાસે એવી માગણી શરૂ કરાવી હતી કે પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા. પ્રિયંકા ગાંધીનું નામ આવશે એટલે સિંધિયા ટિકિટ નહી માગે તેવી ગણતરી આ જૂથની હતી. પ્રિયંકા મધ્યપ્રદેશ પસંદ કરે તો સિંધિયાનો બળવો પણ કદાચ શમી ગયો હોત.
એવી જ ચર્ચા થોડો સમય માટે ગુજરાતમાં પણ હતી. સરપ્રાઇઝ તરીકે ગુજરાતમાં પ્રિયંકાને ઉતારવા એવી વાતો કોંગ્રેસના કેટલાક જૂથો તરફથી ચાલી હતી. કોંગ્રેસને રિવાઇવ કરવા માટે ગુજરાતને જ પાયો બનાવવો પડશે તેવી ચર્ચા વચ્ચે રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીમાં ઘણી મહેનત કરી હતી અને સોફ્ટ હિન્દુત્વનો પ્રયોગ પણ ગુજરાતથી શરૂ કર્યો હતો. ગુજરાતવાળી વાત પણ તરત શમી ગઈ હતી અને પછી શું થયું તે અત્યારે સૌ જોઈ રહ્યા છે.
દોઢ અઠવાડિયું બાકી છે. સામાન્ય રીતે નિરસ રહેતી રાજ્યસભાની ચૂંટણીઓ આ દાયકામાં રસપ્રદ બનવા લાગી છે. ગુજરાતમાં પણ ભારે ઉત્સુકતા જાગી છે કે નરહરી અમીન તો જીતી જશે, પણ હવે શક્તિસિંહ અને ભરતસિંહમાંથી કોણ હારશે. મજાક એવી પણ ચાલી રહી છે કે અસલી લડાઈ હવે કોંગ્રેસમાં આંતરિક રીતે ચાલશે – નરહરી અમીનને કેમ હરાવવા તેના બદલે બેમાંથી કોણ જીતે તેનો સંઘર્ષ ચાલશે!
ગાંધીનગરઃ કોરોના વાયરસથી ભારતમાં બે મોત થયા બાદ હવે ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. જોકે, ગુજરાતમાં હજી સુધી કોરોના વાયરસનો એક પણ દર્દી નોંધાયો છે. તેમ છતાં ગુજરાતમાં કોરોના વાયરસને પ્રવેશતા અટકાવવા માટે શક્યત તમામ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે કે, કોરોના વાયરસને લઇ સાવચેતીનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના આગામી દિવસોનાં જાહેર કાર્યક્રમો કેન્સલ કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના વાયરસથી સાવચેતીનાં ભાગરૂપે સીએમ વિજય રૂપાણી કોઈ જાહેર કાર્યક્રમોમા હાજર નહી રહે. મુખ્યમંત્રી સાથે કે સરકાર સાથે જોડાયેલ કોઈ સરકારી કાર્યક્રમો પણ પણ મુખ્યમંત્રી નહી જાય. સાવધાની રૂપે 31 માર્ચ સુધીનાં મુખ્યમંત્રીના શિડ્યુલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. સંબંધિત અધિકારીઓ, મંત્રીઓ અને વિભાગો પણ જાહેર કાર્યક્રમો ન યોજે તે સૂચના આપવામા આવી છે.