સાત મહિના પછી ફારુક-ઓમર મળ્યાઃ એકાંતમાં એક કલાક વાત કરી

શ્રીનગરઃ ડો. ફારુક અબદુલ્લા આજે શ્રીનગરની પેટા જેલમાં પુત્ર ઉમર અબદુલ્લાને મળ્યા હતા. સવારે તેઓ પોતાના ઘરેથી નીકળીને હરિ નિવાસ- જેને ઉપ જેલ જાહેર કરવામાં આવેલી છે ત્યાં હિરાસતમાં રાખવામાં આવેલા ઉમર અબદુલ્લાને મળ્યા હતા. સાત મહિના પછી પહેલી વાર પિતા-પુત્ર એકમેકને જોઈને લાગણીશીલ બન્યા હતા. બંને એકબીજાને ભેટી પડ્યા હતા.

પિતા-પુત્રએ એકાંતમાં એક કલાક વાત કરી

82 વર્ષીય ડો. ફારુક અબદુલ્લાએ જેલમાંથી છૂટ્યા પછી જમ્મુ-કાશ્મીરના મેનેજમેન્ટથી ઉમર અબદુલ્લાને મળવાની મંજૂરી માગી હતી, જને મંજૂર કરવામાં આવી હતી. બંને જણે એક કલાક એકાંતમાં વાત કરી હતી. તેમની સાથે તેમનાં પત્ની અને પુત્રી પણ હતાં.

ફારુક અબદુલ્લા  સંસદમાં હાજર નહીં રહે?

ફારુક અબદુલ્લાએ ગઈ કાલે કહ્યું હતું કે અમારી આઝાદી માટે અવાજ ઉઠાવનાર લોકોનું આભારી છું. મને બધા નેતાઓને છોડી મુકાયા પછી આ આઝાદી પૂરી ગણાશે મને આશા છે કે ભારત સરકાર હવે બધા નેતાઓને છોડી મૂકશે. હવે હું સંસદમાં જઈશ અને લોકોનો અવાજ ઉઠાવીશ, એમ તેમણે કહ્યું હતું. તેમણે ગઈ કાલે પણ રાજકીય નિવેદન આપવાની ના પાડી હતી. જોકે આજે એવા અહેવાલ હતા કે ડો. ફારુક અબદુલ્લા સંસદના બાકીના સેશનમાં પણ હાજરી નહીં આપે. જોકે તેઓ નવી દિલ્હીની મુલાકાતે આવતી કાલે આવવાના છે, પણ સંસદનું બાકીનું સત્ર જે ત્રજી એપ્રિલ સુધી ચાલવાનું છે, એમાં પણ તેઓ હાજર નહીં રહે.