Home Blog Page 4909

કોરોના કરતા ય વધુ આંતક આ અફવાનો…

કોરોના નામના આ બીમારીનો ઇલાજ તો શક્ય છે, પણ કોરોનાને લઇને સોશ્યલ મિડીયામાં જાતજાતના મેસેજ અને સાચી-ખોટી માહિતી ફેલાવવાનો જે રોગચાળો ફાટી નીકળ્યો છે એનો ઇલાજ કેમ કરવો?

મુંબઇ-મહારાષ્ટ્રના કેટલાક સંવેદનશીલ તબીબોને ય આવો વિચાર આવ્યો અને એમાંથી શરૂ થઇ એક અનોખી હેલ્પલાઇન સેવા. આપણાં મનમાં ઘૂસીને ડર ફેલાવતી આવી અફવાનો ઇલાજ કરતી એ હેલ્પલાઇન સેવા વિશે આપણને સમજાવે છે ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતા. વાંચો….

———————————————–

વોટ્સએપિયા બીમારીને રોકવા શું કર્યું તબીબોએ?
અમે ફોન પર વાત કરીએ તો પણ અમને કોરોના વાઈરસ લાગુ પડી શકે?
કોઈકે મને કહયું કે છાપાં અડવાથી પણ આ રોગ થાય એટલે મેં તો સવારના ન્યૂઝપેપર બંધ કરાવી દીધા. બરાબર કર્યું ને?

એક બાજુ તબીબો કોરોના વાઈરસ ડિસીઝ (કોવિડ)ના દરદીઓને સાજા કરવા ઝઝૂમી રહયા હતા તો બીજી તરફ, ઘણા ડૉકટર્સ એવા પણ હતા, જે આ બીમારીને પગલે ફાટી નીકળેલી જાતજાતની અફવા, કુશંકા, વગેરેને નાથવા અને લોકોને સાચી સમજણ આપવાના કામમાં લાગ્યા હતા.

વેલ, આ પણ એક પ્રકારની સેવાનું જ કામ હતું અને આ કામનો વિચાર આવ્યો હતો મહારાષ્ટ્રના કેટલાક તબીબોને. આમ પણ, મુંબઈ તથા પુણેમાં આ બીમારીના નોંધાયેલા મહત્તમ કેસને લીધે દેશના અન્ય રાજ્ય કરતાં સરખામણીએ મહારાષ્ટ્રમાં કોવિડનો ડર વહેલો ઘર કરી ગયો હતો.

જાન્યુઆરીના પહેલા સપ્તાહથી કોરોના વાઈરસનું નામ ગાજતું થયું અને પછીના દિવસોમાં ચીનમાં એના કેસની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો. દેશના ત્રણ લાખથી વધુ એલોપેથિક ડૉક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પોતાની રીતે પ્રિવેન્ટિવ મેડિસીન, વાયરોલોજી ઈન્ટર્નલ મેડિસીન, પલ્મોનોલોજી, વગેરે ક્ષેત્રના નિષ્ણાત તબીબોની બેઠકો યોજવા માંડી અને પોતાની રીતે સંભવિત રોગચાળા સામે લડવાની તૈયારી આરંભી લીધી.

આ પણ જાણી લો…
કોવિડની વૈશ્વિક મહામારી એટલે કે પેન્ડેમિક તરીકે ઘોષણા થઈ એ પહેલાં, છેલ્લા વર્ષ 2009માં H1N1 પ્રકારના વાઈરસથી થતાં સ્વાઈન ફ્લુને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યો હતો. વરસેકના ગાળામાં સ્વાઈન ફ્લુએ ત્રણ લાખ લોકોના જીવ લીધા હતાં. ભારતમાં તેની ઝાઝી અસર થઈ નહોતી, પરંતુ દુનિયાની આશરે 24 ટકા વસ્તીએ બિમારીમાં પટકાઈ હતી.
કોઈક દરદી સાથે ડોક્ટરની ઉદ્ધતાઈના તથા એમના દ્વારા થતી કથિત આર્થિક ચીરફાડના કિસ્સા આપણામાંથી ઘણાએ સાંભળ્યા હશે કે જાતે અનુભવ્યા હશે. જો કે અત્યારે કોવિડ મોરચે ઘણા તબીબો દિવસરાતનું ભાન ભૂલીને કામ કરી રહયા છે એ હકીકત પણ સ્વીકારવી રહી.

 

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની મહારષ્ટ્ર શાખાના પ્રમુખ ડૉ. અવિનાશ ભોંડવે ચિત્રલેખા.કોમ ને કહે છે કે કમનસીબે એ વખતે રાજ્ય (મહારાષ્ટ્ર) તથા ભારત સરકારની આ વિશેની કોઈ માર્ગદર્શિકા નહોતી એટલે અમે અમેરિકાના સેન્ટર ઓફ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) પાસેથી આ રોગને નાથવાનાં સલાહ-સૂચન મેળવ્યાં અને બીજી રાજ્યોની શાખા તથા અમારા મેમ્બર્સને મોકલ્યા. કેટલાક શહેરોની મહાપાલિકા અને અમુક બિનસરકારી સંગઠનોએ એના આધારે પોસ્ટર્સ અને બેનર્સ પણ બનાવ્યાં. ફેબ્રુઆરીમાં તો ચીનની સાથોસાથ દક્ષિણ કોરિયા અને જાપાન, તો એ પછી ઈટાલી, સ્પેન, ઈરાન વગેરે દેશમાં કોવિડનો કેર વધતો ગયો અને વોટ્સએપ,ફેસબુક તથા ટ્વિટર જેવા સોશિયલ મિડિયાને કારણે ગામડાગામના લોકો સુધી એના અતિરેકનો આતંક પહોંચી ગયો. થયું એવું કે પોતાને છીંક આવે તોય જાણે કોવિડ લાગી ગયો હોય અને પોતે મરી જશે એવા ડરને લીધે લોકો ડૉકટરને ફોન કરવા લાગ્યા કે એમને મળવા ધસારો કરવા લાગ્યા.

ડૉ. ભોંડવે કહે છે: એક તબક્કે અમને લાગ્યું કે લોકોના મનમાં ઘૂસી ગયેલો ડર દૂર કરવા અને આ બીમારી વિશે ખરી સમજણ આપવા-એનાથી બચવાના પગલાં સૂચવવા તબીબોએ પહેલ કરવી જોઈએ. એ વિચાર પરિણમ્યો હેલ્પલાઈન સર્વિસમાં. 16 માર્ચથી આ હેલ્પલાઈન શરુ થઈ સવારના આઠ વાગ્યાથી મધ્યરાત સુધી એમ 16 કલાક સુધી જૂદા જૂદા તબીબો ટેલિફોનિક હેલ્પલાઈન દ્વારા કોવિડને લગતી ગેરમાન્યતા દૂર કરે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ડૉકટર સાથે ચાલીને એ કામ કરવા તૈયાર થયાં. આ તમામ તબીબોના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા, પેલા જ દિવસથી કોવિડ હેલ્પલાઈનને રોજ સરેરાશ 3000 ફોન કોલ્સ મળવા લાગ્યા.

  • આ લેખ માટે ચિત્રલેખાએ જેમનો સંપર્ક સાધ્યો એ તબીબોની વાત કરીએ તો એમાંથી કોઈ રાત્રે બે વાગ્યા સુધી હોસ્પિટલમાં ડયૂટી બજાવી વળતી સવારે પાછા હોસ્પિટલમાં હાજર થઈ જતા હતા. તો બીજા એક ડોક્ટર માટે સાવર-રાતનું જમવાનું એક સાથે લેવું પડે એવી નોબત હતી.
  • મુંબઈમાં કોવિડનું ચેકિંગ જ્યાં થાય છે એ મહાપાલિકા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલમાં શરુઆતના દિવસોમાં ડોકટર્સ પાસે પોતાની જાતને ઢાંકવાના પૂરતા માસ્ક કે હેઝમેટ તરીકે ઓળખાતા સૂટ નહોતા. એવી હાલતમાં આ ડોકટર્સ પોતાને ચેપ લાગવાના જોખમ વચ્ચે કામ કરતા હતા. અહીં દરદીઓનો ધસારો વધી ગયો એટલે પાલિકા સંચાલિત બીજા દવાખાનાઓ માંથી ઘણા તબીબોને કસ્તુરબા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. એમાં એક જુનિયર ડોક્ટર એવો હતો જે પોતાના લગ્નની રજા પૂરી કરીને પાછો ફરજ પર આવ્યો એના બીજા જ દિવસથી એની ડ્યૂટી કોવિડ વોર્ડમાં લાગી જે એણે કોઈ આનાકાની વગર સ્વીકારી લીધી.

 

એની સાથો સાથ તબીબી સંગઠને સોશિયલ મિડિયા પર વહેતા ખોટા મેસેજીસને લગતા ખરા જવાબ પણ વાળવા માંડયા. પહેલા પાંચ દિવસમાં એની સંખ્યા પહોંચી 15000થી ઉપર! કોવિડ હેલ્પલાઈન પર લોકો જે સવાલો પૂછતા હતા એ તબીબોએ નોંધવાના હતા. ડો. અવિનાશ ભોંડવે કહે છે કે શરુઆતના દિવસોમાં જે ફોન આવતા હતા એમાંથી કમ સે કમ 2000 લોકોએ તો એવો જ પ્રશ્ન પૂછેલો કે અમે કોરોનાથી મરી તો નહીં જઈએને?

ડૉકટર એવા ડરનું કારણ પૂછે તો ઘણા લોકોનો જવાબ રહેતો કે અમે સાંભળ્યું છે કે ફોન પર વાત કરવાથી, છાપા તથા ચલણી નોટને અથવા તો દુધની થેલીને અડવાથી પણ કોરોનાનો રોગ લાગુ પડી શકે છે?

 

સાત મહિના પછી ઓમર અબદુલ્લા નજરકેદમાંથી મુક્ત

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 દૂર કર્યા પછી કેન્દ્ર સરકારે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાને મુક્ત કર્યા હતા. આર્ટિકલ 370ને દૂર કર્યા પછી પાંચ ઓગસ્ટે ઓમર અબદુલ્લા, મહેબૂબા મુફ્તી, ફારુક અબદુલ્લા સહિત અનેક નેતાઓને નજરકેદ કર્યા હતા. સરકારે પાછલા કેટલાક દિવસોમાં એક બોન્ડ પર હસ્તાક્ષર કરાવીને કેટલાક નેતાઓને છોડી મૂક્યા હતા. આ બોન્ડને 370 સામે પ્રદર્શન ના કરવાની ગેરન્ટી હતી. તેમના પિતા ફારુક અબદુલ્લાને પણ નજરકેદમાંથી મુક્ત કર્યા હતા.

સાત મહિના પછી ઓમર અબદુલ્લા મુક્ત

શ્રીનગરમાં છોડી મૂકવામાં આવેલા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે મને ખ્યાલ છે કે હાલ આપણે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. તેમણે અન્ય નજરકેદ કરવામા આવેલા નેતાઓને પણ જલદી છોડી મૂકવામાં આવે માગ કરી હતી. આપણે કોરોના વાઇરસથી લડવા માટે સરકારના આદેશોનું પાલન કરવું જોઈએ.

પાંચ ઓગસ્ટે ઓમર અબદુલ્લાને નજરકેદ કરાયા હતા

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંગળવારે જ તેમને છોડી મૂકવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ મામલે ઓમરની બહેન સારાએ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને દૂર કર્યા પછી અને રાજ્યને બે હિસ્સામાં વહેંચ્યા પછી પાંચ ઓગસ્ટે ઉમર અબદુલ્લાને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમની પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) પણ લગાડવામાં આવ્યો હતો. તેમની પર આરોપ હતો કે તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા લોકોને ભડકાવવાનું કામ કર્યું હતું.

સરકારના બોન્ડ પર હસ્તાક્ષર કરવા ના પાડી

સરકારના બોન્ડ પર હસ્તાક્ષર કરવાની ફારુક, ઓમર અને મહેબૂબા સહિત છ નેતાઓએ ના પાડી હતી. ત્યાર બાદ આ નેતાઓ પર PSA લગાવવામાં  આવ્યો હતો. એની સાથે ઓમર અને મહેબૂબાને તેમના ઘરે શિફ્ટ કર્યા પછી નજરકેદ કરવામાં આવ્યા હતા.

અન્ય નેતાઓને છોડી મૂકવાની માગ

કેટલાક દિવસો પહેલાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને લોકસભાના સંસદસભ્ય ફારુક અબદુલ્લાને નજરકકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું જનતા અને એ નેતાઓનો આભાર માનું છું, જેમણે અમારી સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો. હું આઝાદ થયો, પણ મારી આઝાદી ત્યારે પૂરી ગણાશે ત્યારે ઓમર અબદુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત અન્ય નેતાઓ આઝાદ થશે.

મહેબૂબાને મુક્ત કરવાની માગ

સરકારના આદેશ પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ કહ્યું હતું કે અમે ઓમર અબદુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરવાનું સ્વાગત કરીએ છીએ અને સરકારથી મહેબૂબા મુફ્તી અને અન્ય રાજકીય કેદીઓને મુક્ત કરવાની અરજ કરીએ છીએ.

 

 

 

 

 

 

 

 

કોરોના કઇ રીતે અસર કરે એક સર્જકની સંવેદનાને…

અમદાવાદઃ પોતાની આસપાસની સ્થિતિથી સર્જકને હંમેશા ખલેલ પહોંચે છે. અને આ ખલેલ જ એમને કશુંક સર્જન કરવા પ્રેરે છે. આજકાલ કોરોના વાયરસે આખ્ખા વિશ્વને માત્ર ખલેલ જ નથી પહોંચાડી પરંતુ તેનું સમગ્ર અસ્તિત્વ જ જાણે ખળભળાવી દીધું છે.

ત્યારે આપણી ભાષાના એક અત્યંત ઋજુ પ્રકૃતિ ધરાવતા અને ઓછાં પણ હંમેશા શ્રેષ્ઠ સર્જન દ્વારા ગુજરાતી ભાષાને રળિયાત કરતા રહેલા સંવેદનશીલ કવિ માધવ રામાનુજને કોરોનાએ કેવી રીતે અને કેવી ખલેલ પહોંચાડી છે એ એમની કલમમાંથી હજુ આજે જ પ્રગટેલા શબ્દો દ્વારા જાણવા અને માનવસહજ સંવેદનાથી માણવા જેવું છે… કોઈ પણ કલાકૃતિને દરેક ભાવક એની રીતે જોતો હોય છે. દરેકને એ કૃતિમાંથી પસાર થવાનો એક આગવો અનુભવ થતો હોય છે, એટલે એનાં વિશે વધુ કોઈ વાત કરવાને બદલે આપને જ એનો “સ્પર્શ ” પામવાની વિનંતિ કરું છું… આમેય આ વાત સ્પર્શ દ્વારા પ્રગટ થતા એક અનુભવ વિશ્વની જ છે !.

(ભિખેશ ભટ્ટ)

કોરોનાનો સામનો કરવાની ભારતમાં ગજબની ક્ષમતા છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

જિનેવાઃ આખું જગત હાલ કોરોના વાઈરસના રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ મહાબીમારીનો સામનો કરવાના ભારતના પ્રયાસોની ભરપૂર પ્રશંસા કરી છે.

WHOના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર માઈકલ જે. રાયન

WHOના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર માઈકલ જે. રાયને જિનેવામાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોરોના વાઈરસનો સામનો કરવાની ભારતમાં ગજબની ક્ષમતા છે.

Covid-19 સામે ભારત વૈશ્વિક જંગનું કેન્દ્રબિંદુ બની ગયું છે અને આ વાયરસને કાબૂમાં રાખવાની ભારત દેશની ક્ષમતા પર રોગચાળાના ભાવિ પગલાંનો આધાર રહેશે.

WHOના ઈમરજન્સીસ પ્રોગ્રામના ડાયરેક્ટર રાયને જિનેવામાં સંસ્થાના મુખ્યાલયમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં ભારતની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું કે ભારત ભારે ગીચ વસ્તીવાળો દેશ છે. આ દેશમાં કોરોના વાઈરસનું શું થાય છે એની પર રોગચાળાના ભવિષ્યનો આધાર રહેશે. ભારત સરકાર કોરોનાને કાબૂમાં રાખવા અને એને કચડી નાખવા જાહેર આરોગ્ય સ્તરે તેમજ સામાજિક સ્તરે આક્રમક પગલું ભરે એ મહત્ત્વનું બનશે.

ભારતમાં સરકારની મદદે જનતા, ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ

ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 492 પર પહોંચી છે.

કોરોનાનો ફેલાવો રોકવા માટે ભારતમાં 24 માર્ચથી 31 માર્ચ સુધી તમામ સ્થાનિક ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. રેલવે તંત્રએ પણ માર્ચના અંત સુધી તમામ પેસેન્જર ટ્રેનોને સસ્પેન્ડ કરી દીધી છે.

30થી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. ચાર રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. લોકો ઘરની અંદર જ રહે છે. તમામ લોકોએ જરૂરી ખાદ્યપદાર્થોનો પર્યાપ્ત પ્રમાણમાં સંગ્રહ કરી લીધો છે.

સમગ્ર ભારતમાં જાહેર રસ્તાઓ અને ગલીઓમાં પાંચથી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. જેનો પોલીસ દ્વારા કડક રીતે અમલ પણ કરવામાં આવી રહ્યો છે.

લોકો સંપૂર્ણપણે સેલ્ફ-ક્વોરન્ટાઈન નિયમ પાળી રહ્યા છે. માત્ર અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળે છે.

ઘણી સરકારી અને ખાનગી કંપનીઓએ એમના કર્મચારીઓને ઘેરથી કામ કરવાનું જણાવી દીધું છે અને એ રીતે કામકાજ ચાલી રહ્યું છે.

રોગચાળા સામેની લડાઈમાં ભારત સરકારને મદદ કરવામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ જોડાઈ છે. દાખલા તરીકે FMCG કંપનીઓએ હેન્ડ સેનિટાઈઝર્સ અને સાબુના ભાવ ઘટાડી દીધા છે.

ટેલિકોમ પ્રોવાઈડર કંપનીઓ પણ વર્ક ફ્રોમ હોમ સુવિધા પૂરી પાડી રહી છે. રિલાયન્સ જિયો,એ નવા ગ્રાહકોને બેઝિક જિયોફાઈબર બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવાની ઓફર કરી છે અને હાલના ગ્રાહકોને ડેટા લિમિટ ડબલ કરી દીધી છે.

તદુપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીએ જાહેરાત કરી છે કે તે મુંબઈમાં ભારતની પ્રથમ સમર્પિત Covid-19 હોસ્પિટલ ઊભી કરશે, જેમાં સ્પેશિયલ ક્વોરન્ટાઈન સુવિધાઓ હશે. તે દરરોજ એક લાખ ફેસ માસ્કનું ઉત્પાદન કરશે.

ભારતની સૌથી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે ભારતમાં કોરોના વાઈરસનો સામનો કરવા માટે વર્ષ 2019-20 માટે તેના વાર્ષિક નફામાંથી 0.25 ટકા રકમ ફાળવશે. 2019માં એસબીઆઈનો ચોખ્ખો નફો રૂ. 862.23 કરોડ હતો.

રાત્રે 8 વાગ્યે તૈયાર રહેજોઃ વડા પ્રધાન કાંઇક કહેવાના છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મુદ્દે પીએમ મોદી એક અઠવાડિયામાં બીજીવાર આજે રાતે આઠ વાગે દેશવાસીઓને સંબોધન કરશે. આ મામલે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપ અંગે કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શેર કરીશ.

આ અગાઉ પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરીને કહ્યું હતું કે લોકો લોકડાઉનને ગંભીરતાથી લે અને પોત પોતાના પરિજનોની સુરક્ષા કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને ભલામણ કરીને એમ પણ કહ્યું હતું કે તેઓ પોતાના ત્યાં કડકાઈથી તેના નિયમો અને કાયદાનું પાલન કરાવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23મી માર્ચે લોકડાઉનની સ્થિતિ પર પોતાની ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હજુ પણ લોકો ગંભીરતાથી લેતા નથી. કૃપા કરીને તમારી જાતને બચાવો. તમારા પરિવારને બચાવો, નિર્દેશોનો ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી અપીલ છે કે તેઓ નિયમો અને કાયદાનું પાલન કરાવે.

 

નાણાપ્રધાનની IT, GST રિટર્ન્સ અને ATMને લઈને અનેક મહત્ત્વની જાહેરાતો

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને વિડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકાર પરિષદ કરી હતી. તેમણે કહ્યું હતું કે  દેશ કોરોના વાઇરસને લઈને સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોને બેન્કમાં રોકડ ઉપાડવા પર કોઈ પણ બેન્કના ATMનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશનાં અનેક રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યુને લગાડવામાં આવ્યો છે. જેથી દેશમાં કામકાજ ઠપ છે. જેથી તેમણે IT,GST રિટર્ન્સ, TDS અને IBCને લગતી અનેક જાહેરાત કરતી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આર્થિક પેકેજ માટે પણ ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે અને એ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સેબી પણ શેરબજાર માટે પણ કામ કરી રહી છે અને અમે પણ દરેક પરિસ્થિત નજીકથી નિહાળી રહ્યા છીએ.

નાણાપ્રધાનની મહત્ત્વની જાહેરાતો…

  • નાણાકીય વર્ષ 2018-19 માટેના ઇન્કમ ટેક્સ રિટર્નની તારીખ લંબાવીને 30 જૂન, 2020 રાખી હતી.
  •   ઇન્કમ ટેક્સ માટેની બધી તારીખ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી
  •   નાણાકીય વર્ષ 2019-2020 માંટેના રિટર્ન ભરવાની તારીખ પણ 30 જૂન, 2020 કરવામાં આવી.
  •   આ ઉપરાંત TDSનું વ્યાજ પણ 12 ટકાથી ઘટાડીને નવ ટકા કર્યું છે.
  •  આ ઉપરાંત તેમણે આધાર-પેન કાર્ડને જોડવાની તારીખ પણ લંબાવીને 30 જૂન, 2020 કરી હતી.
  •   વિવાદથી વિશ્વાસ યોજનાની મુદત પણ 30 જૂ, 2020 કરવામાં આવી છે.
  •   લેટ ફાઇન ચાર્જ પણ 18 ટકાને બદલે નવ ટકા કરવામાં આવ્યો
  •   STT અને CTTની તારીખ પણ 30 જૂન, 2020 કરવામાં આવી
  •   GST માટેનાં રિટર્ન ભરવાની છેલ્લી તારીખ માર્ચ, એપ્રિલ અને મે, 2020 હતી, જે 30 જૂન, 2020 કરવામાં આવી. જેથી નાના અને મધ્યમ કદના વેપારીઓને રાહત થાય.
  •   GST માટેનાં રિટર્ન્સ ભરવામાં કોઈ લેટ ચાર્જ નહીં.
  •   સ્ટેટમેન્ટ રિપોર્ટ અથવા અન્ય કાગળિયાં સુપરત કરવા માટેની તારીખ 30 જૂનસ 2020 કરવામાં આવી.
  •   બ્લેકમની એક્ટ માટેની તારીખ પણ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી.
  •   રૂ. પાંચ કરોડવાળી ટર્નઓવરવાળી કંપનીને રિટર્ન મોડું ભરવા માટે માત્ર નવ ટકા વ્યાજ લાગશે.  
  •   વિશ્વાસ સ્કીમ માટેની તારીખ પણ લંબવીને 30 જૂન, 2020 કરવામાં આવી.
  •   30 જૂન સુધી કસ્ટમ્સ ક્લિયરન્સ 24 કલાક ચાલુ રહેશે
  • કોર્પોરેટ સેક્ટર માટે રાહતની જાહેરાત
  •   કંપનીઓને બોર્ડ મિટિંગ કરવા માટે 16 દિવસની રાહત.
  •   બે ત્રિમાસિક ગાળા –60 દિવસ માટે બોર્ડ મિટિંગમાં રાહત
  •   ઓડિટર્સ રિપોર્ટને પણ બે નાણાકીય વર્ષ માટે રાહતના સમાચાર
  •   સ્વતંત્ર ડિરેક્ટર મિટિંગમાં હાજર ના રહે એ નિયમોનું ઉલ્લંઘન નહીં ગણાય.
  •   નવી કંપનીને ડેક્લેરેશન હવે એક વર્ષનો સમય અપાશે
  •   .20 ટકા ડિપોઝિટ રિઝર્વની ડેડલાઇન 30 જૂન સુધી વધારવામાં આવી.
  •   હાલત હજી વધુ ખરાબ રહ્યા હતો છ મહિના સુધી IBC સસ્પેન્ડ કરવામાં આવશે.
  •   ડિફોલ્ટરની રકમ વધારવાથી MSME કંપનીઓને રાહત
  •   ડિફોલ્ટની રકમ એક લાખથી વધારીને એક કરોડ કરવામાં આવી.
  •   મત્સ્યપાલન માટે સેનિટરી આયાતની મુદત વધારવામાં આવી.
  •   ડેબિટકાર્ડ હોલ્ડર્સ કોઈ પણ બેન્કમાંથી રોકડ ઉપાડે એના પર ત્રણ મહિના સુધી કોઈ પણ ચાર્જ લાગશે નહીં
  •   બેન્કમાંથી લઘુતમ બેલેન્સ રાખવા પર પણ કોઈ ચાર્જ નહીં
  •   બેન્કમાં કરવામાં આવતા ડિજિટલ વ્યવહાર પરના ડિજિટલ ચાર્જ ઘટાડવામાં આવ્યા

 

 

 

 

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ: સરકારના નિર્ણયો

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 6, સુરતમાં 6, ગાંધીનગરમાં 6,રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ આમ છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 33એ પહોંચ્યો છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે.

અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આજે 52 સેમ્પલ આવ્યાં છે. જેનો ટેસ્ટ બીજે મેડીકલ ખાતે કરવામાં આવશે. આગામી 31 માર્ચ મધ્ય રાત્રી સુધી સમગ્ર રાજયમાં લોકડાઉન જાહે૨ ક૨વાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, વાણિજીક સંસ્થાઓ, ઓફિસો, ફેક્ટરી, નાણાં ઉધોગો, વર્કશોપ, ગોડાઉન આ સમયગાળા દ૨મ્યાન સદંતર બંધ રહેશે.

માત્ર આ સેવાઓ જ રહેશે ચાલુ

  • જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ
  • દવાઓ, દવા ઉત્પાદક કંપનીઓ, રીસર્ચ સેન્ટર
  • ઈન્ટ૨નેટ, મોબાઈલ સેવાઓ
  • પાણી, વીજળી વગેરે સેવાઓ
  • મીડીયા, વિમા કંપની, બેન્ક, પોસ્ટ, સિકયુરીટી સેવા
  • પેટ્રોલ, ડીઝલ વગેરેની સેવાઓ

તમામ પ્રકા૨ના પેસેન્જર વાહનોને રાજયની અંદ૨ તેમજ રાજયમાંથી અન્ય રાજયમાં આવન – જાવન ઉપર પ્રતિબંધ ક૨વામાં આવ્યો છે. રાજયમાં કોરોના વાયરસ રોગની પરિસ્થિતીને પહોંચી વળવા જરૂરી તમામ દવાઓ સાધનસામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઈપણ જરૂરી વસ્તુઓ / સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી રાજય સરકારે પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગના અધ્યક્ષ સ્થાને ખાસ ખરીદ સમિતિની ૨ચના કરી છે.

કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં લીધેલ નિર્ણયો

રાજ્યમાં સરકાર દ્વારા કુલ ૧૩૪ ક્વોરનટાઈન ફેસિલીટી ઉભી કરવામાં આવી છે. જેમાં ૬૭૧૮ બેડની સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યમાં કુલ ૧૧૧0૮ જેટલા વ્યક્તિઓ ને ૧૪ દિવસના કોરોન્ટાઈન ઓઝર્વેશન હેઠળ છે. જે પૈકી ૨૨૪ વ્યકિતઓ સ૨કારી ફેસિલીટીમાં અને ૧0૫૦ વ્યકિતઓ હોમ કોરોન્ટાઈન તથા ૩૪ વ્યકિતઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોન્ટાઈન ઓઝર્વેશન હેઠળ છે.

રાજ્યમાં કેટલાક મુસાફરોએ કોરોન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ૨૧ જેટલી એફ.આઈ.આ૨. નોંધવામાં આવી છે.

રાજયમાં તમામ વ્યક્તિઓનું સર્વે હાથ ધરવામાં આવી ૨હયો છે જેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગનો પણ સહયોગ લેવામાં આવી ૨હયો છે. આ સમગ્ર માહિતી Techo એપ દ્વારા IDSP ઉપર મેળવવામાં આવી રહી છે. જેના દ્વારા અન્ય કોઈ વ્યકિત જો શંકાસ્પદ જણાય તો તેમને અને તેઓના સંપર્કમાં આવેલ વ્યકિતઓને નિરીક્ષણ હેઠળ લેવામાં આવી રહયા છે.

રાજ્ય સ૨કા૨ની હેલ્પલાઈન નંબ૨ – ૧૦૪ ઉપ૨ અત્યા૨ સુધી ૧૦૩૩૬ મદદ માટે કોલ આવેલ છે જયારે હેલ્પલાઈન ઉપ૨ વ્યક્તિઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઈ જરૂરી સા૨વા૨ પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી ૨૩૫ જેટલા વ્યકિતઓને આ રીતે સા૨વા૨ પુરી પાડવામાં આવી છે.
રાજ્યના ૪ મોટા શહેરોમાં કોરોના વાયરસ વાળા દર્દીઓની સા૨વા૨ માટે ખાસ હોસ્પિટલો તૈયાર કરવામાં આવના૨ છે. જેમાં અમદાવાદ-૧૨00 બેડ, સુ૨ત- ૫00 બેડ, વડોદરા-૨૫૦ બેડ અને રાજકોટ-૨૫૦ બેડનો સમાવેશ થાય છે.

વેન્ટીલેટર સહિતના અધતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ ૧૫૮૩ આઈસોલેશન બેડ સ૨કારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને ૩૫ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા ચાલી રહી છે.

રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે સરકારી હોરિપટલો ખાતે તમામ વિભાગોમાં થઈને ૬૦૯ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૫00 જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ – ૧૯ ) ના સંક્રમણની પરિસ્થિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઈપણ જરૂરી વસ્તુઓ, સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી રાજ્ય સરકારે ખાસ ખરીદી સમિતિ બનાવી છે.

રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ દવાખાના, કોર્પોરેટ હોસ્પિટલો, ટ્રસ્ટ રાંચલિત હોસ્પિટલો, ખાનગી મેડિકલ પ્રેક્ટિસ ક૨તા તમામ મેડિકલ પ્રેક્ટીશનર્સ, હોમિયોપેથીક, આયુર્વેદિક દવાખાના, હોસ્પિટલો તેમજ ખાનગી લેબોરેટરીમાં કોરોના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી જણાય તો રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ જિલ્લા ક્લેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે તે મ્યુનિસિપલ કમિશ્નરને અથવા તેના દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ કે કચેરીને તેની તાત્કાલિક જાણ ક૨વા અંગેનું રાજ્ય સ૨કારે જાહે૨નામું બહા૨ પાડેલ છે.

મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતી તેમજ ત્યાં જતી તમામ બસોને ૩૧ / 0૩ / ૨૦૨૦ સુધી મોકુફ રાખેલ છે.
ભારત સરકાર તરફથી મળેલ સુચનાઓ ધ્યાને લઈ તકેદારીના પગલાં રૂપે રાજયમાં કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ/સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ, સેમિના૨ વગેરે ૩૧/ 03 / 2020 સુધી મોકુફ ક૨વામાં આવેલ છે.

રાજ્યના તમામ જિમ્નેશિયમ, વોટ૨પાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટપાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, ગેમ ઝોન, રીક્રીએશનલ કલબ તાત્કાલિક અસ૨થી સંપૂર્ણપણે ૩૧ / 0૩ / ૨૦૨૦ સુધી બંધ કરાવેલ છે.

રાજ્યના તમામ થીયેટરો , નાટ્યગૃહ, સ્નાનાગાર સંપુર્ણપણે ૨૯ / ૦3 / ૨૦ સુધી બંધ કરાવેલ છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો, પોલિટેનિકો તથા આઈ. ટી. આઈમાં શૈક્ષણિક કાર્ય ૨૯ / 03 / ૨૦૨૦ સુધી બંધ કરાવેલ છે.
રાજ્યની અમદાવાદ, સુ૨ત, વડોદરા, ભાવનગ૨ તથા જામનગ૨ ખાતેની મેડિકલ કોલેજોમાં કોવિડ-૧૯ અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ડ્રગ્સ એન્ડ લોજીસ્ટીક
ભા૨ત સ૨કાર દ્વારા માસ્ક અને સેનેટાઈઝ૨ને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. હાલ રાજયમાં એન-૫ માસ્કનો ૪૫,000 થી વધુ, પીપીઈ કીટનો ૨૯,૫00 થી વધુ અને ટ્રીપલ લેયર માસ્કનો ૬00 000 થી વધુ જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં રાજ્ય સ૨કા૨ દ્વારા વધારાનો જથ્થો ઉપલબ્ધ કરાવવા પ્રક્રિયા હાથ ધરાયેલ છે.

જાહેર જનતાને અપીલ: અફવાઓથી ભ૨માશો નહિ
સામાન્ય નાગરિકોએ કોઈ પણ જાતના આધાર વગ૨ના સમાચાર ૫૨ કોઈપણ જાતના પુરાવા વગર વિશ્વાસ ક૨વો નહીં. સૌપ્રથમ સમાચા૨ની વિગતોને આધા૨ભૂત પરિબળો સાથે ચકાસી લેવા અપીલ કરવામાં આવે છે. આ રોગ અંગેની કોઈ પણ વિગત કે માહિતી મળે તો સરકારની વેબસાઈટ ઉપર ચકાસી લેવા વિનંતી છે. સોશિયલ મિડિયા પ૨ વાઈ૨લ થતા વિવિધ મેસેજ, વિડીયો વગેરે આધારભૂત ન જણાય તો તેને અન્ય વ્યકિતઓને ફોરવર્ડ ન કરીને જવાબદાર નાગરીક બનીએ.

માસ્ક પહે૨વાથી આ રોગ સામે સંપૂર્ણ પણે ૨ક્ષણ મળે છે એ વાત ભ્રામક છે આથી તમામ નાગરિકોએ મારક પહેરવો જરૂરી નથી. જે વ્યકિતઓને રોગના લક્ષણો હોય કે જે વ્યકિતઓ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં હોય તેવી વ્યકિતઓએ જ માસ્ક પહેરવો જોઈએ.

શું ક૨વું ?

  • ખાંસી કે છીંક આવે ત્યારે રૂમાલ ના હોય તો સાડીના છેડામાં કે શર્ટની બાયમાં ખાવી અને તેને ગરમ પાણીથી ધોઈ નાંખવું.
  • વારંવાર સાબુથી હાથ ધોવા.
  • હસ્તધૂનનના બદલે નમ૨કા૨થી અભિવાદન ક૨વું.
  • જો આપને કોઈ બિમારી જણાય તો તાત્કાલિક સા૨વા૨ લેવી . 

શું ન ક૨વું ?

  • ભીડભાડ વાળી જગ્યાએ ન જવું.
  • ગમે ત્યાં થૂંકવું નહિ.
  • ખાંસી કે છીંક ખુલ્લી હથેળીઓમાં ખાવી નહીં પરંતુ મો અને નાક રૂમાલ વડે ઢાંકવું.
  • રોગ અંગે કોઈપણ પ્રકા૨ની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબ૨ ૧૦૪ તેમજ ટવીટર હેન્ડલ @ GujHFWDeptઉપ૨ સંપર્ક કરવો.

અભિનંદનઃ 6 અઠવાડિયામાં બનાવાઈ પહેલી ‘મેડ ઈન ઈન્ડિયા’ કોરોના વાઈરસની ટેસ્ટ કિટ

પુણેઃ આ શહેરની મોલિક્યુલર ડાયગ્નોસિસ કંપની માયલેબ (MyLabs)એ જાગતિક મહામારી ઘોષિત કરાયેલા કોરોના વાઈરસ અથવા COVID-19ના પરીક્ષણ માટે ટેસ્ટ કિટ તૈયાર કરી છે. મોલિક્યુલર ડાયગ્નોસિસ કિટ્સ બનાવવામાં પારંગત એવી માયલેબ કંપનીએ કોરોના વાઈરસના પરીક્ષણ માટે પહેલી મેડ ઈન ઈન્ડિયા (ભારતમાં નિર્મિત) ટેસ્ટ કિટ બનાવી છે.

વધારે ગર્વની વાત એ છે કે કંપનીએ આ કિટ માત્ર છ અઠવાડિયામાં જ બનાવી દીધી છે.

Covid-19 પીસીઆર કિટનું ઉત્પાદન કરવા માટે માયલેબ નામની ભારતીય ખાનગી કંપનીએ કેન્દ્ર સરકાર પાસે આવશ્યક વ્યાવસાયિક પરવાનગી માગી હતી જે એને મળી ગઈ છે. હાલ બજારમાં જે ટેસ્ટ કિટ્સ ઉપલબ્ધ છે એની સરખામણીમાં ભારતીય કંપનીની કિંમત ઓછી છે.

અત્યાધુનિક પદ્ધતિથી બનાવેલી આ કિટને લીધે કોરોના વાઈરસની તપાસ માટેનો સમય ઓછો લાગશે એવો દાવો માયલેબ દ્વારા કરવામાં આવ્યો છે.

આ કિટ બનાવવામાં ભારતીય કંપનીએ વિશ્વ આરોગ્ય સંસ્થા અને CDCની માર્ગદર્શિકાઓનું પાલન કર્યું છે.

માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના ડાયરેક્ટર હસમુખ રાવલે બિઝનેસ ટુડેને આ જાણકારી આપી છે.

નો લોકડાઉન, છતાં ય કોરોનાથી બચવા સિંગાપોરે શું કર્યું?

સિંગાપોરઃ દુનિયાઆખીમાં સિંગાપોર જ એક એવો દેશ જ્યાં અત્યાર સુધી લોકડાઉન નથી કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં સિંગાપોરમાં કોરોનાના કુલ 266 કેસો છે, પરંતુ અહીં કોરોનાને લીધે હજુ સુધી ફક્ત બે જ મૃત્યુ થયા છે.

કોરોનાનો ખતરો હોવા છતાં ય સિંગાપોર કઇ રીતે પોતાને એમાંથી બચાવી શક્યું એ વિશ્વના બીજા દેશોએ સમજવા જેવું છે.

વિશ્વમાં સૌથી કોરોનાના સૌથી ઓછો ચેપગ્રસ્ત દર સિંગાપોરમાં છે, કેમ કે એ ભૂતકાળના અનુભવથી પહેલાં સજાગ થઈ ગયો હતો. 2002-03ના વર્ષમાં સાર્સ રોગ ફાટી નીકળ્યો હતો.

એ ભૂતકાળના અનુભવથી દેશ જાણતો હતો કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરોનાની મહામારી માટે તૈયાર નથી એટલે અહીં વર્ષો પહેલાં આઇસોલેશન હોસ્પિટલો બાંધવામાં આવી. આ ઉપરાંત નેગેટિવ પ્રેશર રૂમ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને એને માટે કાયદો બનાવવામાં આવ્યો હતો.

વિશ્વને 31 ડિસેમ્બરે જ્યારે જાણ થઈ કે ચીનમાં કોરોના વાઇરસના પહેલો કેસ સામે આવ્યો, ત્યારે સિંગાપોરે આ મહામારી સામે તૈયારી કરવા માંડી અને જ્યારે WHOએ જાન્યુઆરીના અંતમાં જાહેર આરોગ્ય કટોકટી (પબ્લિક હેલ્થ ઇમર્જન્સી) જાહેર કરી ત્યારે સિંગાપોર પહેલેથી એ માટે તૈયાર હતું. ફેબ્રુઆરીમાં સિંગાપોરને આ વાઇરસ વિશે સ્પષ્ટપણે સમજાઈ ગયું કે આ વાઇરસથી આરોગ્ય, સામાજિક અને આર્થિક ગંભીર પરિણામો આવવાનાં છે. આપણે જાણીએ જ છીએ કે ચીનમાં શું બન્યું છે, આ વાઇરસે દેશના 1.40 અબજ લોકોને ઘૂંટણિયે પાડી દીધા હતા.

તાઇવાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા  સહિત એશિયાના બાકીના દેશો સ્પષ્ટપણે ગભરાઈ ગયા હતા અને પાણી પહેલાં પાળ બાંધતા ડરતા હતા કે આ વાઇરસથી બહુ-બહુ તો શું થશે અથવા શું થઈ શકે છે અથવા અસમંજસમાં હતા. આ ઉપરાંત વિશ્વના વિકસિત દેશો પણ આટલી મોટી મહામારી સામે તૈયાર નહોતા અથવા તેમણે પણ આ મહામારીને નજરઅંદાજ કરી દીધી હતી.સિંગાપોર શરૂઆતથી જ તકેદારી રાખીને જે લોકોના કેસ પોઝિટિવ આવે તેઓ સમુદાયમાં પાછા ના જાય એનું ધ્યાન રાખ્યું, ચીને પણ આ નહોતું કર્યું. સિંગાપોરે જ્યાં સુધી વ્યક્તિમાંથી વાઇરસથી એકદમ સ્વસ્થ ના થાય ત્યાં સુધી તેની સંભાળ લીધી. આ ઉપરાંત જે વ્યક્તિઓને ચેપ (શરૂઆતમાં) લાગ્યો હોય એ લોકોને હોસ્પિટલોમાં જ રાખ્યા. –શું આપણી પાસે એ માટે પૂરતી જગ્યા છે?

આઇસોલેશન વ્યક્તિનું પણ ફોલોઅપ

વળી, જે લોકોની ઘરે તપાસ કરવા જઈ રહ્યા છો એ તમે ક્યાં જાણો છો કે તેઓ આઇસોલેશનના નિયમોનું બરાબર પાલન કરે છે કે નહીં? શું તમે તેમનો ફોન તપાસ્યો? શું તમે નિયમિત અંતરે તેમની તપાસ કરાવી એ પૂરતું છે? સિંગાપોરમાં જે લોકો નિયમોનું પાલન નથી કરતા એ લોકોને ભારે દંડ ચૂકવવો પડે છે.

સિંગાપોરે કોન્ટેક ટ્રેસિંગ ટીમો તૈયાર કરી. જે લોકો ચેપગ્રસ્ત છે એ વ્યક્તિ જેના પણ સંપર્કમાં આવી હોય, તેનો સંપર્ક કર્યો અને એ લોકોના પ્રારંભિક લક્ષણોને ઓળખાં કાઢ્યાં. એ પછી તેમને લઈને જઈ તેમના ટેસ્ટ કરાવવા માટે વ્યવસ્થા કરી. સિંગાપોર ઘણું ટેસ્ટિંગ કરવામાં ઘણી ઝડપ કરી અને એક ટકકા કરતાં પણ ઓછા કેસો પોઝિટવ નીકળ્યા. આ ઉપરાંત જે લોકોમાં કોરોનાના લક્ષણો ના દેખાયા તેમને પણ ઘરમાં કેવોરોન્ટાઇનમાં રાખ્યા અને હોમ ક્વોરોન્ટાઇનનો ઘણો સખતાઈપૂર્વક અમલ કર્યો. દિવસમાં બે વાર તમને SMS મોકલે અને તમારે એમણે આપેલી લિન્ક પર જવાનું અને તેને ફોનમાં કહેવાનું કે તમે ક્યાં છો?  હવે જો તમે તેમની સાથે છેતરપિંડી કરી તો તમને ભારે દંડ લગાવવામાં આવે.

સતત અને નિયમિત સંદેશવ્યવહાર

સિંગાપોરે તેમના દેશવાસીઓ સાથે સતત સંવાદ કર્યો અને કહ્યું કે જો તમે કોરોના દર્દી સાથે સંપર્કમાં આવ્યા હોવ તો ટેસ્ટ કરાવો અને જો ઘરે ના રહી શકતા હોવ તો માસ્ક પહેરીને બહાર જાઓ. ભીડથી દૂર રહો, ઘરમાં હો ત્યારે પણ એકમેકથી એક મીચર અંત જાળવો. સિંગાપોરે રેસ્ટોરાં અને બાર માલિકોને કહ્યું કે તમે તમારા વેપારમાં ઓછા લોકોને બોલાવો. લોકોને પણ જાણ હતી કે જો લોકડાઉન થશે તો વેપાર અને આવકમાં મોટું નુકસાન થશે. આ ઉપરાંત લોકોને સજાગ અને સતર્ક રહેવા માટે ખૂબ સંદેશવ્યવહાર કર્યો.

સિંગાપોરમાં લોકડાઉન કેમ નહીં

સિંગાપોરે પહેલા સપ્તાહમાં જે લોકો વુહાન અને હુબેઇ પ્રોવિન્સથી આવ્યા હતા એ લોકોની તપાસ કરી. આ ઉપરાંત જે લોકો છેલ્લા 14 દિવસમાં ચીનથી આવ્યા હતા. તેમને તપાસ્યા.

જાન્યુઆરીના અંતે જાહેર હોસ્પિટલોમાં જે લોકો આવ્યા તેમનું સ્ક્રીનિંગ કર્યું છે. આ ઉપરાંત જે લોકો કોરોના વાઇરસગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા તેમની તપાસ કરી.

જો તમે સ્વસ્થ વ્યક્તિ છો અને કોઈ પણ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી તો તમને મેડિકલ સર્ટિફિકેટ આપવા સાથે ઘરે મોકલવામાં આવે છે ક તમે ઘરેથી કામ કરો.

યોગ્ય લીડરશિપ જરૂરી

અમારી પાસે કોઈ જાદુઈ જવાબ નથી. અમે અગમચેતીરૂપે ફક્ત અમારી કાર્યક્ષમતાથી અસરકારક કામ કર્યું. કેટલીક બાબતો મોટા દેશોમાં અમલમાં મૂકવી એ વધુ પડકારજનક હોય છે, એ પણ વિવિધ રાજકીય વિચારસરણી ધરાવતા દેશમાં, પણ લોકોને તેમની ફરજો જણાવવાની વધુ જરૂર છે અને સખતાઈપૂર્વક અમલ કરાવવાની જરૂર છે. નહીં તો મોટી ખાનાખરાબી સર્જાશે.

 

 

 

 

દીકરો હોસ્પિટલમાં છતાં IPS પિતા ફરજનિષ્ઠ  

જૂની ફિલ્મનું એક ગીત છે, અપને લિયે જિયે તો ક્યા જિયે…તુ જી એ દિલ જમાને કે લિયે….અત્યારે દેશભરની વિવિધ હોસ્પિટલમાં, સરકારી સેવામાં , પોલીસ કે અન્ય વિભાગમાં આવા અનેક લોકો છે જેઓ સતત બીજા માટે કામ કરી રહ્યા છે. રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોહરિસિંહ જાડેજાનું નામ આ સમુદાયમાં થોડું વિશેષ રીતે એટલા માટે લેવું પડે એમ છે, કારણ કે દસ વર્ષનો પુત્ર બીમાર છે અને આ ઓફિસર શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં વ્યસ્ત છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજાનો દસ વર્ષનો પુત્ર ક્ષિતિજ  એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એનાં બન્ને આંતરડાં ચોંટી ગયા છે. જો ડોક્ટર કહેશે તો એનું ઓપરેશન પણ કરવું પડશે. પિતા કોઈ પણ હોદ્દા પર હોય. કોઇ પણ ક્ષેત્રમાં હોય, દીકરાના આવા સંજોગમાં એ ફરજ પર ન જાય એ સ્વાભાવિક છે. પરંતુ અહીં કહાની કુછ ઔર હૈ. જ્યારે સમય મળે ત્યારે જાડેજા સાહેબ હોસ્પિટલે જઈ આવે. બાકી ફોનથી પરિવારના સંપર્કમાં રહે છે. 

આ તો એક પ્રતીક છે. વિવિધ તંત્રમાં આવા અનેક અધિકારી, કર્મચારી છે જેઓ ઘર-પરિવારને ભૂલીને પોતાનું કામ કરી રહ્યા છે. જો પોલીસ આટલી હદે ફરજનિષ્ઠ હોય તો પ્રજાએ ઘરની બહાર નીકળવાને બદલે લોકડાઉનનો પણ અમલ તો કરવો રહ્યો, કારણ કે આ અધિકારીઓ આપણા માટે જ જો જાગે છે નહીં કે ફક્ત પોતાના માટે.

(જ્વલંત છાયા-રાજકોટ)