Home Blog Page 4908

આ સાહસિક ગુજરાતણ સ્વાતિ રાવલને ઓળખી લો…

અમદાવાદઃ ગુજરાતની દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું સાહસિક કાર્ય કર્યું છે કે હાલ ચારેકોર એની વાહ વાહ થઇ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીથી લઈને ભાવનગર, આણંદ સુધી એને અભિનંદન મળી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં રાતોરાત એકદમ હીરો બનીને છવાઈ ગયેલી ગુજરાતણ સ્વાતિ રાવલ છે કોણ એ જાણો છો?

મૂળ ભાવનગરના વતની સ્વાતિ રાવલ અત્યારે એર ઈંડિયામાં પાઇલોટ તરીકે એમની સેવાઓ આપે છે. એ એર કમાંડકર તરીકે ફરજ બજાવે છે. ઇટાલીમાં અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ છે ત્યારે પોતાનો કે પરિવારનો વિચાર કર્યા વગર બે સંતાનોની માતા એવા સ્વાતિબેન એર ઈંડિયાના બોઇંગ 777 દ્વારા ઇટાલીના રોમમાં ફસાયેલા 263 ભારતીય ભારતીય નાગરિકોને સહી સલામત ભારત લાવ્યા છે, આ પૈકી મહત્તમ વિદ્યાર્થીઓ હતા.

આ સ્વાતિ રાવલ છે કોણ?

મૂળ બોટાદના રોહીશાળાના અને ભાવનગરમાં સ્થાયી થયેલા ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સેવા નિવૃત થયેલા શંકરભાઇ રાવલ (એસ.ડી.રાવલ) અને હંસાબહેન રાવલની ચાર દીકરીઓ પૈકીની બીજા નંબરની દીકરી એટલે સ્વાતિ. સ્વાતિથી મોટી આરતી. એનાથી નાની બે બહેનો નીલમ અને નચિકેતા. શંકરભાઇ રાવલ બહુ પ્રગતિશીલ એટલે ચારેય દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. શંકરભાઇ નિવૃત્તિ પછી સામાજિક કાર્યોમાં સેવા આપે છે. સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના એ ટ્રસ્ટી છે.

આરતી રાવલે ઝૂઓલોજી અને એન્વાયરમેન્ટ-પર્યાવરણ એમ બે અલગ અલગ વિષયમમાં એમએસસી કર્યું છે. સ્વાતિએ 12માં ધોરણ સુધી ભાવનગરમાં ભણતર લીધું એ પછી પાયલોટ બનવાની પ્રાથમિક તાલીમ વડોદરાથી લીધી હતી. વધુ અભ્યાસ માટે એ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આવેલી ‘ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉરણ ઍકૅડેમી’માં 2002માં ગયેલા. અહીં જ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં એર ઇન્ડિયામાં 2006માં જોડાયા અને આજે છે એ મુકામ ઉપર પહોંચ્યા છે. સ્વાતિએ હાજીપુર, બિહારના બિઝનેસમેન અજિત કુમાર ભારદ્વાજ સાથે લગ્ન કર્યા છે અને દિલ્હીમાં જ રહે છે. એને પાંચ વર્ષનો એક દીકરો અને દોઢ વર્ષની દીકરી છે.

આણંદમાં મોટી દીકરી આરતીના ઘરે આવેલા શંકરભાઇ રાવલે ચિત્રલેખા.કોમ ને જણાવ્યું હતું  કે, અમને અમારી દીકરી ઉપર ગૌરવ છે. ઇટલી જવાનું નક્કી થયું ત્યારે અમને જરા ચિંતા થઇ ગયેલી, પણ એણે એ પડકારને ઝીલ્યો અને ઍર ઇન્ડિયાએ એને આપેલ કામ સફળતાથી પૂરું કર્યું. અમે એની સાથે વાત કરીએ છીએ એ એકદમ સાજી છે અને હાલ સાવચેતીના ભાગરૂપે 14 દિવસ માટે આઇસોલેશનમાં જતી રહી છે. દિલ્હીના એના જ ઘરમાં અલગ રૂમમાં એકલી  જ રહે છે. સંતાન કે અન્ય સભ્યોને પણ એ મળતી નથી. એની જમવાની થાળી પણ એના રૂમમાં જાય છે.

સ્વાતિની નાની બહેન પણ પાયલોટ છે. સ્વાતિની સૌથી નાની બહેન નચિકેતા પણ પાયલોટ છે અને ‘સ્પાઇસ જેટ’ની કમર્શિયલ ફ્લાઇટ ઉડાડે છે. એ ચેન્નાઈમાં છે અને એક દક્ષિણ ભારતીયને પરણી છે. સ્પાઇસ જેટની ફલાઇટ બંધ થઇ છે એટલે એ આજે 24મી માર્ચેના મંગળવારે દિલ્હી મોટી બહેનના ઘરે જ પહોંચી છે. એક જ ઘરની બે દીકરી પાયલોટ બની છે એટલે ભાવનગર અને આસપાસના આનેક લોકો શંકરભાઇ રાવલ પાસે માર્ગદર્શન લેવા આવે છે કે દીકરીને પાયલોટ કરી રીતે બનાવાય. શાંકભાઈ રાવલ કહે છે, અનેક મા-બાપ પોતાની દીકરીને પાયલોટ બનાવવાની નેમ રાખે છે અને એ માટે માહિતી લેવા મારી પાસે આવે છે.

શંકરભાઇ કહે છે, જે સમયે સ્વાતિએ રાયબરેલીમાં પ્રવેશ લીધો હતો  ત્યારે હાલ છે એવું સલામત વાતાવરણ ન હતું. ભાવનગરથી જયારે પણ સ્વાતિએ રાયબરેલી જવાનું હોય ત્યારે મારે કે પરિવારના કોઈ એક સભ્ય એ એને મૂકવા જવી પડતી હતી. આજે અલગ છે, સમાજ દીકરીઓને આગળ વધારવા માંગે છે. આજે અમારી સ્વાતિ બોઇંગ 777 ચલાવે છે એટલે સામાન્ય રીતે એ અમેરિકા કે કેનેડાની ફલાઇટમાં જ વધુ હોય છે.

સ્વાતિના મમ્મી હંસાબહેન કહે છે, અમારી દીકરીને સોંપેલું કાર્ય એ સાર્થક કરીને આવી છે. હું તો બધાને કહું છું દીકરી-દીકરામાં ફર્ક ના રાખો. દીકરીએ જે કામ કરવું હોય, જે ક્ષેત્રમાં આગળ વધવું હોય વધવા દો, એમને પ્રોત્સાહન આપો. નારી શક્તિ મહાન છે એની શક્તિનો ઉપયોગ થવા દો.

(ફયસલ બકીલી-સુરત)

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 35 થઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આજે સવારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 33 હતી. ત્યારે અત્યારે અન્ય બે પોઝિટિવ કેસ નોંધાતા હવે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 35 થઈ ગયો છે. આ બંને વ્યક્તિઓ રાજકોટનાં છે અને તે લોકો વિદેશથી આવ્યા હતા. રાજકોટમાં વધુ બે કેસ નોંધાતા કુલ આંકડો 3 થયો છે.  એક 75 વર્ષીય મહિલા અને 36 વર્ષના પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યારે તાત્કાલિક ધોરણે તેમના પરિવારોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે અને તેમને મળેલા તમામ લોકોને પણ શોધીને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

રાજકોટમાં વધતાં જતાં કોરોના પોઝિટિવ કેસોને ધ્યાને લઈ રાજકોટમાં 17 ક્વોરન્ટાઈન સેન્ટર બનાવાયા છે. તો આગામી 24 કલાકમાં 4408 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સાથે જ તંત્ર દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. તો કોરોના સામેની જંગ માટે રાજકોટમાં 800થી વધુ નર્સ અને તબીબી સ્ટાફ ખડેપગે હાજર રહેશે.

અમદાવાદમાં કોરોનાના 13 કેસ પોઝિટિવ, સુરતમાં કોરોના 6 પોઝિટિવ કેસ, 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 6 કેસ પોઝિટિવ અને રાજકોટમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ તો કચ્છમાં કોરોનાના 1 કેસ પોઝિટિવ નોંધાયા છે.

રોજગારી સાથે સેવા ‘રળી’ લેતા રાજકોટ જિલ્લાના સખી મંડળો

રાજકોટ: કોરાના મહામારીને પગલે માસ્કની માંગમાં મોટો ઉછાળો આવતા બજારમાં તેની અછત વર્તાઇ રહી છે. તેવા સંજોગોમાં રાજકોટ જિલ્લાના જુદા જુદા સખી મંડળોએ માસ્કની માંગને પૂરી કરવા હામ ભીડી છે અને માસ્કનું ઘર બેઠા ઉત્પાદન શરૂ કર્યુ છે.  જિલ્લા લાઇવલીહુડના માર્ગદર્શન તળે સખી મંડળની બહેનો દ્વારા ઘરે જ કોટનના માસ્ક બનાવી જિલ્લાના આરોગ્ય તંત્રને ૧૨૦૦ જેટલા આપવામાં આવ્યા છે અને હજુ પણ તેમના દ્વારા માસ્ક બનાવવામાં આવી રહયા છે.

જિલ્લાના ઢોલરા ગામે ચાલતા સખી મંડળના સભ્ય અંકિતાબેન ભૂત કહે છે કે, માસ્ક બનાવવાનું કામ અમને રોજગારી સાથે સેવા ‘રળી’ આપે છે. તો હિનાબેન ભૂવા કહે છે કે તેઓ રોજના ૧૦૦ જેટલા માસ્ક બનાવે છે.  માસ્ક બનાવવા માટે તેમને કાપડ અને રબર પૂરા પાડવામાં આવે છે અને માસ્ક બનાવવાની રૂ.૨ ની મજૂરી પણ આ સખી મંડળની બહેનોને તેમની કામગીરી સામે ચૂકવવામાં આવે છે.

જિલ્લાના લોધિકા તાલુકાના ઢોલરા ગામના હરિ મિશન મંગલમ સખી મંડળ સહિત ૫૨૦ જેટલા સખી મંડળો આજે આ કાર્યમાં જોડાયા છે. છેલ્લા પાંચ દિવસોમાં વિવિધ સખી મંડળો દ્વારા એકલા લોધિકા તાલુકામાં ૩૫૦૦ જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આજે કોરોનાની મહામારીના સમયમાં મોઢા દ્વારા તેના વાયરસનો ચેપ ન લાગે તેમજ શ્વાસોશ્વાસ દ્વારા વાયરસ ફેલાય નહી, તેની તકેદારી રાખવા માસ્કનો ઉપયોગ વધ્યો છે. જોકે સ્વસ્થ વ્યકિતને માસ્કની આવશ્યકતા નથી, પણ જેમને શરદી-ખાંસી કે અન્ય તાવ, ફલુ જેવા રોગો થયા હોય તેમણે માસ્ક પહેરવું આવશ્યક છે.

દેશમાં 21 દિવસ લોકડાઉન­: શું કહ્યું વડા પ્રધાને?

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરાના સામેના જંગમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આજે રાત્રે 12 કલાકથી સંપૂર્ણ દેશમાં લોકકડાઉન રહેશે. આ લોકડાઉન 21 દિવસ રહેશે. આ એક કરફ્યુ છે. આ મારા, તમારા અને આપણા માટે કરફ્યુ છે.  જો આ 21 દિવસ નહીં સંભાળશો તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. તેમણે કોરોના સામેના જંગમાં રૂ. 15,000 કરોડ ફાળવ્યા હતા. હિન્દુસ્તાનને બચાવવા માટે હિન્દુસ્તાનીના જીવનને બચાવવા માટે લોકડાઉન કરવામાં આવે છે. કોરોના સામેની નિર્ણાયક લડાઈ માટે આ પગલું ખૂબ આવશ્યક છે. આની કિંમત દેશે બહુ મોટી ચૂકવવી પડશે. વળી એક-એક ભારતીયના જીવન બચાવવા સૌથી પહેલી પ્રાથમિકતા છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે જ્યાં છો ત્યાં જ રહો. મેં ગઈ વખતે કહ્યું હતું કે હું તમારી પાસે કેટલાંક સપ્તાહ માગવા આવ્યો છું. કોરોનાની સાઇકલને તોડવી આ 21 દિવસ બહુ મહત્ત્વના છે.  આ વાત હું વડા પ્રધાન તરીકે નહીં પણ તમારા ઘરના સભ્ય તરીકે કરું છું. કોરોના વાઇરસ એટલી ઝડપે ફેલાઈ રહ્યો છે કે બધી તૈયારી છતાં દેશો એ ઝડપી પ્રસરી રહ્યો છે. એક્સપર્ટ પણ કહી રહ્યા છે કે કોરોના માટે એક અસરકારક લડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. આ સંય આપણા સંકલ્પને વધુ મજબૂત કરવાનો છે. આપણે સંયમ વર્તવાનો છે.

  • વડા પ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન…

    • કોરોના અને તમારી વચ્ચે આવ્યો છું
    • દરેક ભારતીયએ 22 માર્ચે પૂરી જવાબદારી સાથે એનું પાલન કર્યું
    • આબાલવૃદ્ધે મળીને જનતા કરફ્યુને સફળ બનાવ્યો
    • એક દિવસના જનતા કરફ્યુને માટે આપ સૌ પ્રશંસાને પાત્ર છો.
    • વિશ્વની સ્થિતિને જુઓ અને વિકસિત દેશો પણ કોરોના સામે લાચાર છે.
    • તેમની પાસે સંસાધનોની કોઈ કમી નથી, છતાં આ દેશોમાં પડકાર વધતો જ ગયો
    • આ દેશોમાં સાવચેતી છતાં પડકારો વધતા જ જાય છે.
    • આ રોગ સામે એક અસરકારક નુસખો એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ
    • કોરોનાને ફેલાતો અટકાવવા માટે એની સંક્રમણની સાઇકલને તોડવી જ પડશે.
    • કેટલાક લોકોનું માનવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ માત્ર દર્દીને માટે જ છે.
    • કેટલાક લોકોની લાપરવાહી, કોઈની બેજવાબદારીથી દેશ સંકટમાં મુકાઈ જશે
    • જો બેજવાબદારીની કિંમત ભારતે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.
    • રાજ્ય સરકારે ઘણા રાજ્યોમાં લોકડાઉન કર્યાં
      અન્ય દેશોના અનુભવો પરથી આપણે સાવચેતી દાખવવાની છે
    • આખા દેશમાં આજે રાત્રે 12 કલાકથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે
    • દેશનાં દરેક રાજ્યમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન કરવામાં આવશે
    • કોરોના સામે નિર્ણાયક લડત માટે આ બહુ આવશ્યક છે
    • આ મહામારીની બહુ મોટી આર્થિક કિંમત દેશે ચૂકવવી પડશે.
    • ઘરેથી નીકળવા પર સંપૂર્ણ પાબંધી
    • હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે ઘરમાં જ રહો
    • ઘરની બહાર લક્ષ્મણરેખા ખેંચાયેલી છે
    • જો તમે જરાક બહાર નીકળશો તો કોરોના ઘરમાં લઈ આવશો
    • જે વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે એને માલૂમ જ નથી એ કોરોનાગ્રસ્ત છે.
    • સર્તક રહીએ, સલામત રહીએ અને સ્વસ્થ રહીએ
તેમણે કહ્યું કે મને એક બેનર બહુ ગમ્યું છે અને આ બેનર એટલે કોરોના એટલે કોરોના એટલે કોઈ રોડ પર ના નીકળે

  • કોરોનાં લક્ષણો દેખાવામાં ઘણા દિવસ લાગી જાય છે.
  • હૂનો અહેવાલ કહે છે કે એક વ્યક્તિ સેંકડો લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે.
  • વિશ્વમાં કોરોનાગ્રસ્ત એક લાખની સંખ્યા થવામાં 67 દિવસ લાગ્યા
  • બીજા એક લાખ થવામાં માત્ર 11 દિવસમાં થયા
  • આ બે લાખથી ત્રણ લાખ થવામાં ચાર દિવસ લીગ્યા
  • કોરોના વાઇરસ બહુ જ ઝડપથી ફેલાય છે
  • કોરોને રોકવો એ પછી બહુ મુશ્કેલ બની જશે
  • કોરોના ફેલાવા માંડશે તો એનાથી સ્થિતિ એકદમ બેકાબૂ બની જશે.
  • વિશ્વના વિકસિત દેશોમાં આરોગ્ય સેવાઓ એકદમ સારી છે.
  • કોરોનાના જંગ આ દેશના લોકોએ સરકારી નિર્દેશોનું પાલન કર્યું
  • આપણા દેશમાં આરોગ્ય સ્થિતિ એમના જેટલી સારી નથી.
  • ગમો એ થાય આપણે સૌએ ઘરમાં જ રહેવાનું છે
  • કોરોનાથી બચવા માટે લક્ષ્મણ રેખા ના ઓળંગો
  • કોરોનાના ચેપને આપણ અટકાવવો છે
  • કોરોનાના ચેપ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે
  • તમારે યાદ રાખવાનું છે કે જાન હૈ તો જહાં હે
  • આપણે આપણું વચન નિભાવવાનું છે
  • આપને મારી પ્રાર્થના છે કે તમે ઘરની બહાર ના નીકળો
  • તમો ડોક્ટર, નર્સ, પેથોલોજિસ્ટ વિશે વિચારો
  • આરોગ્ય સાથે સંકળાયેલા લોકો વિશે વિચારો
  • તમે એમના માટે પ્રાર્થના કરો કે તમારા વિસ્તારની સફાઈ કરે છે.
  • તમારા માટે 24 કલાક કકામ કકરતા મિડિયા કર્મચારીઓ માટે વિચારો
  • તમે પોલીસ કર્મચારીઓ માટે વિચારો
  • તમને બચાવવા આ લોકો ફરજ બજાવી રહ્યા છે
  • કોરોનાની વૈશ્વિક મહામારીની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય દિવસરાત કામ કરી રહ્યાં છે
  • લોકોને અસુવિધા ના થાય એ માટે સરકારો કામ કરી રહી છે
  • સંકટની ઘડી ગરીબો માટે બહુ મુશ્કેલ દોર છે
  • દેશવાસીઓ જીવન જીવવા માટે જે જરૂરી છે એટલું જ જીવન બચાવવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની છે
  • સરકાર આરોગ્યની સુવિધા તો કરી રહી છે.
  • સરકારે નિર્ણાયક નિર્ણયો લીધા છે.
  • કેન્દ્ર સરકારે આ મહામારી સામે રૂ. 15,000 કરોડની ફાળવણી કરી છે
  • આઇસોલેશન, બેડ, અને આરોગ્યની સુવિધા સરકાર કરી રહી છે.
  • રાજ્ય સરકારોને અનુરોધ કર્યો છે કે સૌથી મોટી પ્રાથમિકતા હેલ્થકેર
  • ખાનગી ક્ષેત્ર પણ દેશવાસીઓ સાથે ઊભું ઠછે
  • ખાનગી હોસ્પિટલો અન ખાનગી દવાખાનાં સરકાર સાથે કામ કરી રહ્યાં છે.
  • કોઈ પણ પ્રકારની અફવા અને અંધશ્રદ્ધાથી બચો
  • સરકારનાં સૂચનોનું ગંભીરતાથી પાલન કરો
  • આ મહામારી સામે કોઈ પણ ડોક્ટરને દવા પૂછ્યા વગર ના લો
  • 21 દિવસનું લોકડાઉન તમારી સુરક્ષા માટે તમારા જીવન માટે છે
  • મને વિશ્વાસ છે કે દરેક હિન્દુસ્તાની આ મુશ્કેલ દોરમાં સહયોગ આપશો
  • તમે સંપૂર્ણ રીતે સહયોગ આપીને રાજ્યના નિયમોનું પાલન કરો

  

બિનજરૂરી બહાર ફરતાં લોકો સામે કડક વલણ

અમદાવાદઃ આ શહેરમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લોકડાઉનના અમલ વચ્ચે જુદા જુદા વિસ્તારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે.

આ સાથે પોલીસ કમિશનરની સૂચના બાદ બિનજરૂરી રીતે રસ્તાઓ પર ફરતા લોકો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

શહેરમાં મહાનગરપાલિકાની ઘેર-ઘેર કચરો ઉઘરાવતી ગાડીઓમાં પણ માઇક મૂકવામાં આવ્યા છે જે દ્વારા લોકોને ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવી રહી છે.

(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)





























કોરોના સામેનાં જંગમાં આ રીતે જોડાયા મુકેશ અંબાણી

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ કોવિડ-19 સામે આપણી સહિયારી લડાઈમાં દેશને 24×7 સેવા આપવા એની ફરજ બરોબર અદા કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. કંપનીએ બહમુખી નિવારણ, શમન અને સાથસહકારની વ્યૂહરચના શરૂ કરી છે, જે વિસ્તૃત, સાતત્યપૂર્ણ અને મજબૂત છે. દેશમાં જરૂર જણાશે તો આ અભિગમને વધારી શકાશે. કંપનીએ રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ રિટેલ, જિયો, રિલાયન્સ લાઇફ સાયન્સિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહિયારી ક્ષમતા કામે લગાવી છે તથા રિલાયન્સ પરિવારના તમામ 6,00,000 સભ્યો કોવિડ-19 સામેની આ કાર્યયોજનામાં કામ કરી રહ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન અને આરઆઇએલની હોસ્પિટલો

ભારતની પ્રથમ ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ: સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશનઃ ફક્ત બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સાથે જોડાણમાં મુંબઈમાં સેવન હિલ્સ હોસ્પિટલમાં 100 બેડનું સેન્ટર સ્થાપિત કર્યું છે, જેમાં કોવિડ-19 માટે પોઝિટિવ દર્દીઓ જ સેવા આપવામાં આવે છે. આ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણપણે ફંડેડ ભારતનું પ્રથમ સેન્ટર છે અને એમાં નેગેટિવ પ્રેશર રૂમ સામેલ છે, જે એકબીજાને ચેપ લાગતા અટકાવવાનું અને ઇન્ફેક્શનને નિયંત્રણમાં લેવામાં મદદરૂપ થવાનું કામ કરે છે. તમામ બેડ વેન્ટિલેટર્સ, પેસમેકર્સ, ડાયાલીસિસ મશીનો અને પેશન્ટ મોનિટરિંગ ઉપકરણો સહિતની સુવિધાઓ અને  બાયોમેડિકલ સાધનોથી સજ્જ છે. સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હેલ્થકેર સંસ્થા છે, જે નોટિફાઇડ કરેલા દેશોમાંથી આવતા ક્વોરેન્ટાઇન પ્રવાસીઓ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા ઓળખ કરાયેલા શંકાસ્પદ કેસોના દર્દીઓને વિશેષ તબીબી સુવિધા પ્રદાન કરે છે. એનાથી આઇસોલેશન માટે વધારાની વધુ સુવિધાઓ ઝડપથી ઊભી થશે અને ઇન્ફેક્ટેડ દર્દીઓની સારવાર પણ ઝડપથી થશે.

વિવિધ શહેરોમાં નિઃશુલ્ક ભોજન

રિલાયન્સ ફાઉન્ડેશન વર્તમાન કટોકટીની સ્થિતિમાં રાહત પ્રદાન કરવા બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) સાથે ભાગીદારીમાં વિવિધ શહેરોમાં લોકોને નિઃશુલ્ક ભોજન પ્રદાન કરશે.

 

 

લોઢિવલીમાં આઇસોલેશન સુવિધા: આરઆઇએલએ મહારાષ્ટ્રનાં લોઢિવલીમાં સંપૂર્ણપણે સજ્જ આઇસોલેશન સુવિધા ઊભી કરી છે અને જિલ્લા સત્તામંડળને સુપરત કરી છે.

હેલ્થ-વર્કર્સ માટે માસ્ક અને પર્સનલ પ્રોટેક્ટિવ સ્યુટ

આરઆઇએલએ એની દૈનિક ઉત્પાદન ક્ષમતા વધારીને 100,000 ફેસ-માસ્ક કરી છે અને મોટી સંખ્યામાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)નું ઉત્પાદન કરે છે, જેમ કે સ્યુટ અને ગાર્મેન્ટ, જેથી દેશના હેલ્થ-વર્કર્સ કોરોના વાઇરસના પડકાર સામે લડવા વધુ સજ્જ થઈ શકે.

ઇમરજન્સી સર્વિસીસનાં વાહનો માટે નિઃશુલ્ક ઇંધણ

રિલાયન્સ ઇમર્જન્સી સર્વિસિસમાં સંકળાયેલા તમામ વાહનો માટે નિઃશુલ્ક ઇંધણ પ્રદાન કરશે. કોવિડ-19ના દર્દીઓ (કોવિડ-19ના દર્દીઓ માટે ઉપયોગ થતા વાહનો માટે અને સરકારી સંસ્થાઓએ પ્રદાન કરેલી યાદી મુજબ જ આ સેવા પ્રદાન કરવામાં આવી છે, જેથી અસરકારક રીતે વાહનો કામ કરે અને રોગચાળાનો અંત આવતાં એને પાછી ખેંચવામાં આવશે)ને ક્વોરેન્ટાઇન અને આઇસોલેશન સુવિધાઓ સુધી અવરજવર માટે.

 

સરકારી સંસ્થાઓએ આપેલી યાદીને આધારે ક્વારેન્ટાઇન કરાયેલા લોકો માટે.

રિલાયન્સ લાઇફ સાયન્સિસે વધારાની ટેસ્ટ કિટની આયાત કરી છે અને અસરકારક પરીક્ષણ માટે ઉપયોગ કરે છે. આપણા ડૉક્ટરો અને સંશોધકો આ જીવલેણ વાયરસ સામે સારવાર શોધવા ઓવરટાઇમ કામ કરી રહ્યા છે.

આવશ્યક ચીજવસ્તુઓનો પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રિલાયન્સ રિટેલ

આખા દેશમાં રિલાયન્સ રિટેલના તમામ 736 ગ્રોસરી સ્ટોર આવશ્યક ચીજવસ્તુઓનો પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરશે, જેમાં અનાજ-કઠોળ, ફળફળાદિ અને શાકભાજી, બ્રેડ, બ્રેકફાસ્ટ સેરલ્સ અને રોજિંદા વપરાશની અન્ય ચીજવસ્તુઓ સામેલ છે, જેથી નાગરિકોને એનો સંગ્રહ કરવાની જરૂર નથી. ગ્રોસરી સ્ટોર સવારે 7થી રાતનાં 11 સુધી ખુલ્લાં રહેશે – જ્યાં શક્ય હશે ત્યાં. તમામ સ્ટોર્સમાં શાકભાજી, અનાજ-કઠોળ અને રોજિંદા જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓનો  સ્ટોક કરવામાં આવ્યો છે અને કોઈ ખેંચ ઊભી ન થાય એવી સુનિશ્ચિતતા કરવામાં આવશે.સ્ટોરમાં આગળથી ઓર્ડર લેવામાં આવશે અને ગ્રાહકને આપવામાં આવશે, જેથી ગ્રાહકો અને સ્ટોરના સ્ટાફ વચ્ચે સંસર્ગ ન થાય. એનાથી સ્ટોરમાં ઓછામાં ઓછો લોકોની હાજરી પણ સુનિશ્ચિત થશે. વરિષ્ઠ નાગરિકો માટે ઘરેથી ઓર્ડર લેવામાં આવશે અને ડિલિવરી કરવામાં આવશે.

તમારા ઘરઆંગણે રિલાયન્સ રિટેલ

સંપૂર્ણ બંધ દરમિયાન ગ્રાહકોને ઘરઆંગણે વેચાણ કરવા ચોક્કસ વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓ સાથે વાહન ફરશે.રિલાયન્સ રિટેલ આઉટલેટમાં સરકારે જાહેર કરેલા દરે સાફસફાઈ જાળવવા માટેનાં ઉત્પાદનો અને સેનિટાઇઝર્સ પૂરાં પાડવામાં આવશે.

પેટ્રો રિટેલ આઉટલેટ ગ્રાહકો માટે ખુલ્લાં રહેશે

તમામ પેટ્રો રિટેલ આઉટલેટ ગ્રાહકો માટે ખુલ્લાં રહેશે, જેથી ઇંધણની ખેંચ ઊભી નહીં થાય.તમામ સ્ટોરના સ્ટાફ પર્યાપ્ત તાલીમબદ્ધ છે અને માસ્ક સાથે સંરક્ષિત છે તેમજ સ્વચ્છતાનાં કડક ધારાધોરણોનું પાલન કરી રહ્યા છે

 

 

પાંચ કરોડનું ફંડ

આરઆઇએલે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં રૂ. પાંચ કરોડનું પ્રારંભિક પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.

જિયોની  #CORONAHAAREGAINDIAJEETEGA પહેલ

ભારતનાં લોકો માટે અત્યારે મિત્રો, પરિવારજનો, સાથીદારો, વ્યાવસાયિક ભાગીદારો અને સમુદાયો સાથે જોડાયેલા રહેવું અને સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મહત્ત્વપૂર્ણ છે.ભારતીયો એકબીજા સાથે જોડાયેલા રહે એ સુનિશ્ચિત કરવા જિયોએ #CoronaHaaregaIndiaJeetega પહેલ શરૂ કરી છે.

આ પહેલ ભારતીય નાગરિકોને જોડાયેલા અને કાર્યરત રહેવાની સાથે સલામત રહેવા સક્ષમ બનાવશે, તેમજ રિમોટ વર્કિંગ, રિમોટ લર્નિંગ, રિમોટ એંગેજમેન્ટ અને રિમોટ કેર માટેની સુવિધા આપે છે.

 

વિશ્વનું અગ્રણી કોલાબોરેશન પ્લેટફોર્મ

જિયોએ માઇક્રોસોફ્ટની ટીમો સાથે એની ડિજિટલ ક્ષમતાઓનું જોડાણ કર્યું છે, ઓફિસ 365માં ટીમવર્ક માટે યુનિફાઇડ કોમ્યુનિકેશન અને કોલાબોરેશન કેન્દ્ર ઊભું કર્યું છે, જેથી વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓ તેમનું વ્યાવસાયિક કામકાજ જાળવી રાખવા સક્ષમ બને તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય રહે.

 

  ઘરેથી શિક્ષણ:

  • વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિડિયો કોલિંગથી ક્લાસરૂમ સેશન યોજવા માટે, ડોક્યુમેન્ટ અને સ્ક્રીન શેરિંગ માટે તથા રિટલ-ટાઇમમાં શંકાનું નિવારણ કરવા માટે ઇન્ફોર્મલ ચેટ ચેનલ્સ માટે સક્ષમ બનાવવા
  • વ્યક્તિઓ અને ટીમ માટે ફ્રી સ્ટોરેજની ઉપલબ્ધતા સાથે કોઈ પણ શાળાનાં ધોરણ માટે તમામ લેશન માટે સંચારનું કેન્દ્ર પ્રદાન કરવા

 

કર્મચારીઓને ટેકો  આપવાની પહેલ

આપણો રિલાયન્સ કર્મચારીઓનો પરિવાર આપણી તાકાત છે તથા કોરોના વાઇરસના પરિવર્તનશીલ પડકારને સતત અને અસરકારક રીતે ઝીલવા આપણા આત્મવિશ્વાસનું સ્રોત છે. આરઆઇએલએ એ સુનિશ્ચિત કરવા તમામ પગલાં લીધા છે કે આ કટોકટી દરમિયાન આપણા કર્મચારીઓ સલામત રહે અને સુરક્ષિત રહે.

આરઆઇએલ કોન્ટ્રાક્ટ અને કામચલાઉ વર્કર્સને ચુકવણી ચાલુ રાખશે, પછી ભલે આ કટોકટીને કારણે કામ બંધ હોય.

દર મહિને રૂ. 30,000થી ઓછી આવક ધરાવતા લોકોને રોકડપ્રવાહ મળતો રહે એટલે મહિનામાં બે વાર પગારની ચુકવણી થશે અને કોઈ પણ પ્રકારનું નાણાકીય ભારણ ઓછું કરવામાં આવશે.

આરઆઇએલએ એના મોટા ભાગના કર્મચારીઓને વર્ક-ફ્રોમ-હોમ પ્લેટફોર્મ પરથી કામ કરવાનું જણાવ્યું છે, ફક્ત મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરતાં ઓછામાં ઓછા કર્મચારીઓ જ ઓફિસ આવે છે, જેનો ઉદ્દેશ જિયો નેટવર્ક પર આશરે 40 કરોડ ગ્રાહકોને સેવા જાળવી રાખવાનો તથા ઇંધણ, અનાજ-કરિયાણા અને રોજિંદા વપરાશની અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓનો સતત પુરવઠો પૂરો પાડવાનો છે.

 

કોરોનાએ લગાવી બ્રેક; ઓલિમ્પિક્સ એક વર્ષ મોકૂફ

ટોકિયોઃ કોરોના વાઈરસને કારણે ટોકિયો ઓલિમ્પિક્સને એક વર્ષ સુધી મોકૂફ રાખવા માટે જાપાન અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સહમત થયા છે.

જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ આજે કહ્યું કે ટોકિયો ઓલિમ્પિક્સ-2020 આ વર્ષના જુલાઈને બદલે 2021માં યોજવા માટે મેં અને આઈઓસી વચ્ચે કરાર થયો છે.

આઈઓસી અને ટોકિયો 2020 આયોજન સમિતિએ બાદમાં એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે સમિતિના પ્રમુખ થોમસ બેક અને એબે એ વાતે સહમત થયા છે કે ગેમ્સને 2020 બાદની કોઈક તારીખે પુનઃનિર્ધારિત કરવી પડશે, પરંતુ 2021ના ઉનાળાથી મોડું નહીં.

આનો અર્થ એ કે આ પહેલી જ વાર ઓલિમ્પિક ગેમ્સ મુલતવી રાખવી પડી છે. 1916માં પહેલા વિશ્વયુદ્ધને કારણે અને ત્યારબાદ 1940 અને 1944માં બીજા વિશ્વયુદ્ધને કારણે ઓલિમ્પિક ગેમ્સ રદ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ વૈશ્વિક રોગચાળાએ દુનિયાભરમાં 16,500થી વધારે લોકોનો ભોગ લેતા ઓલિમ્પિક ગેમ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નિવેદનમાં જણાવાયું છે કે હાલના સંજોગોમાં અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ આજે પૂરી પાડેલી માહિતી અનુસાર આઈઓસીના પ્રમુખ તથા જાપાનના વડા પ્રધાને નક્કી કર્યું છે કે ટોકિયોમાં નિર્ધારિત 32મો ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ 2020ની સાલ પછીની પણ 2021ના ઉનાળાની મોસમ કરતાં મોડું ન થાય એવી કોઈક તારીખોએ યોજવામાં આવશે. એથ્લીટ્સ તેમજ ઓલિમ્પિક ગેમ્સ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ તથા વિશ્વ સમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક ગેમ્સ-2020ને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સત્તા માટેની ખેંચતાણને કારણે ઈરાનમાં કોરોનાનો કેર

રાનમાં કોરોનાનો વાયરસ ફેલાઈ રહ્યો હતો તે વખતે જ સત્તાની ખેંચતાણ પણ ચાલી રહી હતી. કોરોનાનો ચેપ લાગ્યાની ખબર આરોગ્ય તંત્રએ સરકારને આપી હતી, પણ બે દિવસ પછી ચૂંટણીઓ હોવાથી કોઈએ ધ્યાન આપ્યું નહિ. ચેતવણી જાહેર થાય તો ચૂંટણી સભાઓ થઈ શકે નહિ, તેથી ચેતવણી જાહેર કરવામાં મોડું થયું અને ત્યાં સુધીમાં ચેપ દેશમાં ઝડપથી ફેલાઈ ગયો. એવું પણ કહેવાઇ રહ્યું છે કે અત્યારે ઈરાન સરકાર જે આંકડાં આપે છે તે વિશ્વસનીય નથી.
બીજું એક કારણ એ હતું કે કૉમ નામનું શહેર શિયા મુસ્લિમો માટે પાક મનાય છે, ત્યાં પ્રવાસીઓને રોકવામાં આવ્યા નહોતા. કરબલા પછી આ નગર શિયાઓ માટે મહત્ત્વનું ગણાતું હોવાથી દેશભરમાંથી વર્ષે બે કરોડ અને પરદેશથી 25 લાખ જેટલા શિયાઓ અહીં આવે છે. ભારતથી ઈરાન ગયેલા લોકો ત્યાં ફસાયા છે તે સમાચાર તમે વાંચ્યા હશે.

ભારતથી કૉમના પ્રવાસે એક જૂથ ગયું હતું, તેમાંથી જ એક સભ્યે પોસ્ટ કર્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે. કૉમમાં ફાતીમા મુસાની મજાર છે અને તેના કારણે લાખો શિયાઓ આવતા રહે છે. ચીનમાં કોરોના ફેલાયાના સમાચાર જગત આખામાં ચમકી રહ્યા હતા અને બધા દેશો સાવચેતી લેવા લાગ્યા હતા, પણ ઈરાનના મૌલવીઓએ પરવા ના કરી અને બેરોકટોક કૉમમાં લાખો લોકોની અવરજવર ફેબ્રુઆરીના મધ્ય સુધી થતી રહી હતી.

સૌ પ્રથમ બે લોકોના કોરોનાથી મોત કૉમમાં થયા હતા. આ વાત 19 ફેબ્રુઆરીની છે. બેમાંથી એક દર્દી ચીનથી વાયરસ લઈને આવ્યો હતો. કૉમમાં બેનાં મોત પછીય નગરને બંધ કરવામાં ના આવ્યું. મૌલવી મુહમ્મદ સઈદીએ ઉલટાનું કહ્યું કે પ્રવાસીઓને આવવા દો, કેમ કે આ પાક નગર છે. આ પાક નગરમાં આવનારા બીમાર સાજા થઈ જાય છે એટલે લોકોએ આવવું જોઈએ અને મન અને તનની વ્યાધીઓમાંથી મુક્ત થવું જોઈએ – આવી વાત તેમણે જણાવી હતી.

થોડા જ વખતમાં સમગ્ર શહેરમાં ચેપ ફેલાઇ ગયો અને મૃત્યુઆંક પણ વધવા લાગ્યો. 19 ફેબ્રુઆરીના 16 દિવસ પછી ઈરાનના બધા જ 31 પ્રાંતમાં કોરોનાનો ચેપ ફેલાઈ ગયો હતો. માર્ચના મધ્યથી મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે અને સાચો આંકડો બહાર આવી રહ્યો છે કે કેમ તેની શંકા ઊભી જ છે. માર્ચના છેલ્લા અઠવાડિયે સરકારે દાવો કર્યો કે સ્થિતિ સ્થિર બની છે, પણ ત્યાં સુધીમાં સવા મહિનો વીતિ ગયો હતો અને બહુ મોટું નુકસાન ઈરાનને થઈ ગયું હતું.

19 ફેબ્રુઆરીએ સાવચેતી દાખવવા માટે નાગરિકોને અપીલ કરવાના બદલે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈએ કહેલું કે ગભરાવાની જરૂર નથી. આ તો દુશ્મન દેશો ખોટો ભય ફેલાવી રહ્યા છે. એક તરફ મૌલવી પોતે જ કહે કે લોકોને આવવા દો અને ભીડ કરવા દો, બીજી બાજુ રાજનેતાઓના પોતાના સ્વાર્થ હતા. તેઓ પણ કોરોનાના ચેપની પરવા કરવાના બદલે ફેબ્રુઆરીની ચૂંટણીમાં કેટલો લાભ ખાટી શકાય તેની દોડભાગમાં જ હતા. ત્રીજું માહિતી છુપાવાની કોશિશો શરૂ થઈ હતી. 23 ફેબ્રુઆરીએ 25 વર્ષની નરજિસ નામની નર્સનું મૃત્યુ થયું, પણ સરકારે કોરોનાને કારણે થયું છે તે વાત છુપાવી હતી. બાદમાં ઈરાની નર્સિંગ ઑર્ગેનાઇઝેશને કહેવું પડ્યું કે કોરોનાથી તેનું મૃત્યુ થયું છે. સરકાર એક તરફ તબીબી સ્ટાફની વાહવાહી કરી રહ્યું હતું, પણ સાચી માહિતી અને સાવચેતીના અભાવે તેમના માટે જ જોખમ ઊભું કરી રહી હતી.

ઈરાનના આરોગ્ય પ્રધાન સઈદ નમકીએ સાવચેતી લેવામાં મોડું થયાનું કે આંકડાં છુપાવાતા હોવાની વાતનો ઇનકાર કર્યો છે, પણ સંજોગો અને સ્થિતિ દર્શાવી આપે છે કે ઈરાની સરકારની ગફલતને કારણે અને રાજકીય પક્ષોના રાજકારણને કારણે ઈરાની નાગરિકો ભોગ બન્યા છે.તારીખો બહુ અગત્યની છે. 19 ફેબ્રુઆરીએ પ્રથમ બે કોરોના મોત થયા ત્યારથી સાવધ થવાનું હતું, પણ નેતાઓનું – તેમાં ધાર્મિક અને રાજકીય બંને આવી ગયા – તેમનું ધ્યાન બે દિવસ પછી થનારી ચૂંટણી પર જ હતું. 21 ફેબ્રુઆરીએ ઈરાનમાં ચૂંટણીની તારીખ અગાઉથી જ નક્કી કરેલી હતી અને કોરોનાને હરાવવાના બદલે સૌને એકબીજાને હરાવવામાં વધારે રસ હતો.

બે દિવસ સૌ કોઈ ચૂંટણીમાં જ વ્યસ્ત રહ્યા અને ચૂંટણી પત્યા પછી બીજા પાંચ દિવસ ગયા ત્યાં સુધીમાં કોરોનાના કેસ વધીને 139 થઈ ગયા હતા. 19 ફેબ્રુઆરીએ બેથી શરૂ કરીને એક અઠવાડિયામાં મરનારાની સંખ્યા 19 પર પહોંચી ગઈ હતી. આ પણ સત્તાવાર આંકડો હતો અને આંકડો ખોટો હતો તેવું ઈરાનના જ એક નેતાએ સંસદમાં કહ્યું. કૉમ નગર કે જ્યાં સૌથી વધુ કેર વર્તાયો હતો તેના કટ્ટરવાદી નેતા અને સાંસદ અહમદ અમીરાબાદી ફરહાનીએ સંસદમાં કહ્યું કે તેમના કૉમ શહેરમાં બે અઠવાડિયામાં 50 લોકોના મોત થયા છે.

નાયબ આરોગ્ય પ્રધાન ઇરાઝ હરીર્કીએ તેમના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તમારી વાત ખોટી છે. તેમણે અદ્દલ રાજકારણીને જેમ ફેંક્યું કે તમારા શહેરમાં જો 25 લોકો પણ મર્યા હોય તો હું રાજીનામું આપી દઈશ. ભારતમાં રાજીનામું આપી દેવાના દાવા કરનારા જુઠ્ઠાડા નેતાઓને આપણે જાણીએ છીએ એટલે આપણને નવાઈ ના લાગે. મજાની વાત જુઓ કે આવી ફેંકાફેંક કરી રહેલા ઇરાઝને પોતાને જ કોરોનો ચેપ લાગી ગયો હતો.

સંસદમાં વિવાદ થયો એટલે બાદમાં તેમણે પત્રકાર પરિષદ બોલાવીને ખુલાસા કરવા પડ્યા હતા. તેઓ પત્રકારો વચ્ચે હતા ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે તેમની તબિયત બરાબર નથી. ઇરાઝ પોતે વારંવાર ખાંસી ખાઇ રહ્યા હતા અને પરસેવો વહી રહ્યો હતો. તેમણે આખરે જાતે જાહેર કરવું પડ્યું કે તેમને જ કોરોનાનો ચેપ લાગી ગયો છે. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને ઈરાનના તે સૌથી પહેલા વીઆઈપી દર્દી સાબિત થયા હતા. એ વાત જુદી છે કે વીઆઈપી હતા એટલે ઇરાઝનો ઇલાજ થયો અને તેઓ કોરોનામાંથી સાજા થઈ ગયા છે. 13 માર્ચે તેઓ ફરી ઈરાનની ટીવી પર દેખાયા હતા, પણ ત્યાં સુધીમાં કોરોનાની સ્થિતિ ઈરાનમાં વકરી ચૂકી હતી.

નાયબ આરોગ્ય પ્રધાન પોતે કોરોનામાં સપડાયા છતાંય ઈરાનની સરકાર જાગી નહોતી તે દેખાઈ આવે છે.
ફેબ્રુઆરીમાં ચૂંટણી સિવાય બીજો પણ એક મોટો પ્રસંગ દેશમાં ઉજવાયો હતો અને તેના કારણે ભીડમાં કોરોના ઝડપથી ફેલાયો. ઈરાનના શાહને ઉથલાવીને આયોતોલ્લાનું ધાર્મિક શાસન ઈરાનમાં સ્થપાયું તે ક્રાંતિની 41મી જયંતિ 11 ફેબ્રુઆરીએ મનાવામાં આવી હતી. પહેલો કેસ 19 ફેબ્રુઆરીએ સામે આવ્યો, પણ સ્પષ્ટ છે કે એક અઠવાડિયા પહેલાંથી જ વાઇરસ તો ઈરાનમાં ફરવા લાગ્યો હતો. એ તો બેના મોત કૉમ શહેરમાં થયા અને મામલો વિવાદે ચડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કોરોના ઘાતક બન્યો છે.

જોકે ઈરાનના ડૉક્ટર્સને શંકા જવા જ લાગી હતી, પણ તેમનું કોઈ સાંભળે તેમ નહોતું એક સિનિયર ડૉક્ટરના જણાવ્યા અનુસાર 11 ફેબ્રુઆરી પહેલાંથી જ દેશમાં શ્વાસોચ્છવાસની બીમારીમાં વધારો દેખાવા લાગ્યો હતો. આ ડૉક્ટર અને હોસ્પિટલમાંના તેમના સાથીઓ ચોંક્યા હતા કે કેમ શ્વાસની બીમારી આટલી વધી ગઈ છે. તેમણે રિપોર્ટ તૈયાર કરીને તહેરાન આરોગ્ય વિભાગને મોકલવાનું પણ શરૂ કરી દીધું હતું.આ ડૉક્ટર અને તેમની હોસ્પિટલની ટીમે સ્પષ્ટપણે સરકારને મોકલેલા અહેવાલમાં જણાવ્યું હતું કે વાયરસ ફેલાવા લાગ્યો છે. આ અહેવાલ અને ચેતવણીને તહેરાનમાં બેઠેલા આરોગ્ય વિભાગના અમલાદરો અથવા તો આરોગ્ય પ્રધાને અને સરકારે ગંભીરતાથી લીધા નહીં.

આ ડૉક્ટરે બાદમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સંસ્થાના પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉક્ટર સ્પષ્ટ કહે છે કે તેમની ચેતવણી છતાં વાતને છુપાવી રાખવામાં આવી. તેમને લાગે છે કે આવું એટલા માટે કરાયું કે જેથી સરકારી કાર્યક્રમો ચાલતા રહે. સત્તામાં બેઠેલા પક્ષને રસ હતો કે ઇસ્લામિક ક્રાંતિની જયંતિ જોરશોરથી ઉજવવામાં આવે, જેથી તેનો રાજકીય ફાયદો મળે. 11 તારીખે ક્રાંતિની જયંતિના કાર્યક્રમો પછી 21 ફેબ્રુઆરીએ ઈરાનની સંસદીય ચૂંટણી યોજાવાની હતી. તેથી ચૂંટણી સભાઓ અને પ્રચાર માટે પણ કાર્યક્રમો ચાલતા રાખવા જરૂરી હતા.

જો કોરોના ફેલાયો છે તેવી જાહેરાત થઈ જાય તો લોકો ગભરાઈને પણ આવતા ઓછા થઈ જાય. એ વાત જુદી છે કે લોકો પણ જોખમ છતાં ઘરમાં પુરાઈને રહેતા નથી. આપણને શું થવાનું એમ કહીને ગમે ત્યાં પહોંચી જતા હોય છે. આમ છતાં કોરોના ફેલાયો છે તેની જાણ પછી સરકારે કાર્યક્રમો, ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા કાર્યક્રમો રદ કર્યા હોત તો ઘણો ફરક પડ્યો હોત.ડૉક્ટરોની ચેતવણી છતાં પંદર દિવસ કશું ના થયું અને 11 ફેબ્રુઆરીની ક્રાંતિ અને 21 ફેબ્રુઆરીના દસ દિવસ દરમિયાન ટેસ્ટિંગ વિના ચેપ ફેલાતો રહ્યો. આખરે 19 તારીખે કૉમમાં બેના મોત થયા પછી કોરોનાની હાજરી સ્વીકાર્યા સિવાય છુટકો નહોતો. અઠવાડિયા પછી નાયબ આરોગ્ય પ્રધાન જ કોરોનામાં સપડાયા હતા એટલે પર્દાફાશ થઈ જ ગયો હતો.

અમેરિકાના પ્રતિબંધો પછી ઈરાનની આર્થિક હાલત બગડેલી છે. અમેરિકા સાથે સમાધાન થયું તે લાંબું ચાલ્યું નહોતું. નવેમ્બર 2019થી ફરીથી પ્રતિબંધો શરૂ થયા. દેશમાં પણ પેટ્રોલના ભાવ વધારવા પડ્યા એટલે વિરોધ પ્રદર્શનો થયા હતા. તે પછી સરકારના માનીતા અને વગદાર કમાન્ડર કાસમ સુલેમાનીને અમેરિકાએ ઠાર કરી દીધા. તે પછી તહેરાનથી ઉપડી રહેલું યુક્રેનનું વિમાન મિસાઇલથી તૂટી પડ્યું અને 176ના મોત થયા. સેનાના અધિકારીઓ આવી ગફલત કરી શકે છે તે જાણીને નાગરિકોનો ભરોસો વર્તમાન સરકાર પર ઓછો થવા લાગ્યો હતો. આવા સંજોગોમાં 11 ફેબ્રુઆરીએ ઇસ્લામિક ક્રાંતિનો જશ્ન મનાવીને અને પછી 21 ફેબ્રુઆરીની ચૂંટણી માટે તગડો પ્રચાર કરીને ચૂંટણી જીતી લેવામાં જ શાસક પક્ષને રસ હતો, કોરોનાને કાબૂમાં લેવામાં તેને જરાય રસ નહોતો.

જોકે મોડું થયા પછી માર્ચના મધ્યમાં સરકાર જાગી હતી અને લોકોને રોકવાના, દફનવિધિ વખતે પણ ઓછામાં ઓછો લોકોને હાજર રહેવા, જાહેર સ્થળે સંચારબંધી, મોટા મકરબા, મજાર અને મસ્જિદોને પણ બંધ કરાઈ વગેરે પગલાં લેવાયા. એટલું જ નહિ જેલમાં કેદીઓ ખીચોખીચ ભરેલા હતા એટલે 1,55,000 કેદીઓને પણ કામચલાઉ છોડી દેવાયા છે. તેમાં કેટલાક રાજકીય કેદીઓ પણ હતા, જે હવે મુક્ત થયા. જોકે કેદીઓમાં ઓલરેડી ચેપ ફેલાઇ ગયાનો ડર હતો. સરકારી ઓફિસો અને બૅન્કો વગેરે ચાલુ રખાયા છે, પણ સિવાય શક્ય તેટલું બંધ કરાવાયું છે.

પરંતુ લોકોને લાંબો સમય ઘરમાં રાખવા મુશ્કેલ છે. ઈરાનને તેનો અનુભવ થઈ રહ્યો છે. સ્થિતિને વકરતી જોઈને લોકોમાં સરકાર સામે અસંતોષ જાગ્યો છે. લોકોને લાગે છે કે સેના વિના કડક રીતે નિયંત્રણો નહિ આવે. દરમિયાન ગયા ગુરુવારે જ સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલ ખામનેઈએ સેનાના કમાન્ડર મેજર જનરલ મોહમ્મદ બાગેરીને આદેશ આપ્યો છે તેમને સ્થિતિ સંભાળી લેવી. આમ તો તેમણે સેનાને એવું કહ્યું છે કે પ્રમુખ હસન રોહાનીની સરકાર સાથે મળીને કામ કરવું, પરંતુ જરૂર જણાય ત્યાં સરકારની અવગણના કરીને કામ કરવાની સૂચના આપી દેવાઈ છે. તેના કારણે હવે પ્રમુખ રોહાનીની સરકાર અને બાગેરીની સેના વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા વધી રહી છે. આ ઝઘડામાં કોરોના ક્યાં પહોંચે છે તે આગામી બે અઠવાડિયામાં જ સ્પષ્ટ થઈ જશે.

કોરોનાનાં ત્રાસ વચ્ચે લોકો જાહેરમાં ગપાટા મારે; ફૂટપાથ પરના બાંકડા ઊંધા જ વાળી દીધા

અમદાવાદઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ બરાબર કમર કસી છે.
કોરોના વાયરસની અસર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ન થાય એ માટે લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તે છતાં કેટલાક લોકો એમની હાઉસિંગ સોસાયટીમાં, બગીચામાં કે ફૂટપાથ પરના બાંકડાઓ ઉપર બેસી જાય છે.

ગપ્પા મારવા, તુક્કા સાંભળવા-સંભળાવવા માટે લોકોના ટોળા પણ વળે છે.

કોરોના વાયરસ કેટલો ખતરનાક અને જીવલેણ છે તે લોકો સમજતા નથી. આવા સંવેદનશીલ માહોલમાં લોકો ઘેર રહેવાને બદલે રસ્તા પર એકઠાં થતાં હોવાથી અનેક વિસ્તારોમાં ફૂટપાથો પરા બાંકડા ઉંધા જ પાડી દેવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના નારણપુરા, નવરંગપુરા, આશ્રમ રોડ, ઉસ્માનપુરા જેવા અનેક વિસ્તારોમાં સિમેન્ટ કોંક્રીટ, લોખંડના બનાવેલા બાંકડા ઉપર લોકો બેસે નહીં એટલા માટે એમને તોડીને ઉંધા પાડી દેવામાં આવ્યા છે.

(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)









24 કલાક ફરજ બજાવતી પોલીસને ભોજન પહોંચાડતા યુવાનો

રાજકોટઃ ચીનના વુહાનમાંથી જન્મેલા કોરોના વાયરસે આખા વિશ્વને પોતાના બાનમાં લીધું છે. ભારતમાં પણ કોરોના વાયરસે પોતાનો કહેર વરસાવ્યો છે. ગુજરાત સહિત ભારતના કેટલાય પ્રદેશો લોકડાઉન છે. ગઈકાલે લોકડાઉન હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે સરકારે પોલીસને છૂટ આપી છે કે લોકોને કામ સિવાય બહાર નીકળવા ન દેવા. એવા સમયે પોલીસની જવાબદારી વધી ગઈ છે. એ અત્યારે 24 કલાક ફરજ બજાવી રહી છે.

પોતાના પરિવારની પરવાહ કર્યા વગર પોલીસ ફરજ બજાવી રહી છે ત્યારે પોલીસ જવાનોને જમવાનું મળી રહે એ માટે રાજકોટના 5 સેવાભાવી યુવાનો પોલીસ માટે કારમાં જમવાનું લઈને ચોકે ચોકે પહોંચાડી રહ્યા છે.

વિજય સોલંકી નામનો યુવાન ચિત્રલેખાને કહે છે પોલિસ આપણા માટે સેવા બજાવી રહી છે ત્યારે માનવતાના ભાગરૂપે અમે આ કરી રહ્યા છીએ. અમે પણ બધી તકેદારી રાખીને પોલીસના ફરજ પરના જવાનોને ચા, નાસ્તો અને જમવાનું આપી રહ્યા છીએ. બધાને વિનંતી કે ઘરમાં રહો પોલીસ જે કહી રહી છે એ આપણા માટે છે.

રાજ્યમાં લોકડાઉનના કારણે અત્યારે બધું બંધ હોવા છતાં લોકો ચા પાન કે દવાખાનના બહાના હેઠળ લટાર મારવા બહાર નીકળી રહ્યા છે. ત્યારે સતત આપણી સેવામાં અને આપણી તકેદારી માટે પોતાના પરિવારને છોડી ને પોલિસ ફરજ બજાવી રહી છે એનું ઉદાહરણ એટલે રાજકોટ શહેરના ડીસીપી ઝોન 2  મનોહરસિંહ જાડેજા. એમનો પુત્ર આંતરડાની બીમારી સબબ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં ફરજ ઉપર હાજર રહી ને ફરજ નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.