કોરોનાએ લગાવી બ્રેક; ઓલિમ્પિક્સ એક વર્ષ મોકૂફ

ટોકિયોઃ કોરોના વાઈરસને કારણે ટોકિયો ઓલિમ્પિક્સને એક વર્ષ સુધી મોકૂફ રાખવા માટે જાપાન અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સહમત થયા છે.

જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ આજે કહ્યું કે ટોકિયો ઓલિમ્પિક્સ-2020 આ વર્ષના જુલાઈને બદલે 2021માં યોજવા માટે મેં અને આઈઓસી વચ્ચે કરાર થયો છે.

આઈઓસી અને ટોકિયો 2020 આયોજન સમિતિએ બાદમાં એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે સમિતિના પ્રમુખ થોમસ બેક અને એબે એ વાતે સહમત થયા છે કે ગેમ્સને 2020 બાદની કોઈક તારીખે પુનઃનિર્ધારિત કરવી પડશે, પરંતુ 2021ના ઉનાળાથી મોડું નહીં.

આનો અર્થ એ કે આ પહેલી જ વાર ઓલિમ્પિક ગેમ્સ મુલતવી રાખવી પડી છે. 1916માં પહેલા વિશ્વયુદ્ધને કારણે અને ત્યારબાદ 1940 અને 1944માં બીજા વિશ્વયુદ્ધને કારણે ઓલિમ્પિક ગેમ્સ રદ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ વૈશ્વિક રોગચાળાએ દુનિયાભરમાં 16,500થી વધારે લોકોનો ભોગ લેતા ઓલિમ્પિક ગેમ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નિવેદનમાં જણાવાયું છે કે હાલના સંજોગોમાં અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ આજે પૂરી પાડેલી માહિતી અનુસાર આઈઓસીના પ્રમુખ તથા જાપાનના વડા પ્રધાને નક્કી કર્યું છે કે ટોકિયોમાં નિર્ધારિત 32મો ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ 2020ની સાલ પછીની પણ 2021ના ઉનાળાની મોસમ કરતાં મોડું ન થાય એવી કોઈક તારીખોએ યોજવામાં આવશે. એથ્લીટ્સ તેમજ ઓલિમ્પિક ગેમ્સ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ તથા વિશ્વ સમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખીને ઓલિમ્પિક ગેમ્સ-2020ને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.