કોરોનાનાં ત્રાસ વચ્ચે લોકો જાહેરમાં ગપાટા મારે; ફૂટપાથ પરના બાંકડા ઊંધા જ વાળી દીધા

અમદાવાદઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ બરાબર કમર કસી છે.
કોરોના વાયરસની અસર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ન થાય એ માટે લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. તે છતાં કેટલાક લોકો એમની હાઉસિંગ સોસાયટીમાં, બગીચામાં કે ફૂટપાથ પરના બાંકડાઓ ઉપર બેસી જાય છે.

ગપ્પા મારવા, તુક્કા સાંભળવા-સંભળાવવા માટે લોકોના ટોળા પણ વળે છે.

કોરોના વાયરસ કેટલો ખતરનાક અને જીવલેણ છે તે લોકો સમજતા નથી. આવા સંવેદનશીલ માહોલમાં લોકો ઘેર રહેવાને બદલે રસ્તા પર એકઠાં થતાં હોવાથી અનેક વિસ્તારોમાં ફૂટપાથો પરા બાંકડા ઉંધા જ પાડી દેવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના નારણપુરા, નવરંગપુરા, આશ્રમ રોડ, ઉસ્માનપુરા જેવા અનેક વિસ્તારોમાં સિમેન્ટ કોંક્રીટ, લોખંડના બનાવેલા બાંકડા ઉપર લોકો બેસે નહીં એટલા માટે એમને તોડીને ઉંધા પાડી દેવામાં આવ્યા છે.

(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)