મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહેલા લાખો ઉમેદવારોને મોટો આંચકો લાગ્યો છે. રાજ્ય સરકારે 28 જૂને યોજાનારી મહારાષ્ટ્ર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) પરીક્ષા સ્થગિત કરી દીધી છે. થાણે જિલ્લામાં પ્રશ્નપત્ર લીક થયાની આશંકા સામે આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસને થાણે જિલ્લામાં TETનું પ્રશ્નપત્ર લીક થયાની માહિતી મળી હતી. તાજેતરમાં પોલીસે આરોપીઓ પાસેથી પ્રશ્નપત્રના ચાર સેટ, મોબાઇલ ફોન અને ડેબિટ કાર્ડ જપ્ત કર્યાં છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસણી કર્યા બાદ પ્રશ્નપત્રો અસલી હોવાનું બહાર આવ્યું, જેને આધારે ગુનો નોંધવામાં આવ્યો અને તમામ પ્રશ્નપત્રો કબજે લેવામાં આવ્યા છે.
તપાસ માટે SITની રચના
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પ્રશ્નપત્ર વેચીને અંદાજે દોઢ કરોડ રૂપિયા કમાવાની યોજના બનાવી રહ્યા હતા. આ મામલે નાણાંની લેવડદેવડના કેટલાક પુરાવા પણ મળ્યા છે. આ કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી છે. તેમાં ડીસીપી પવન બનસોડે, બે એસીપી સહિત કુલ 20 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એક આરોપી હરિયાણાનો, બે બિહારના
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર ઝડપાયેલા આરોપીઓમાં એક હરિયાણાનો અને બે બિહારના રહેવાસી છે. તેઓ દિલ્હીથી થાણે આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ પ્રશ્નપત્ર વેચવાના ઇરાદાથી આવ્યા હતા. હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે તેઓ આ પ્રશ્નપત્ર કોને અને કેટલા લોકોને પહોંચાડવાના હતા.

કેટલાક શિક્ષકોની ભૂમિકાની પણ તપાસ
સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર મામલે કેટલાક શિક્ષકોની સંડોવણીની પણ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રશ્નપત્ર દિલ્હીથી લાવવામાં આવ્યું હતું. આરોપીઓ કેન્દ્રીય વિદ્યાલયોમાં નોકરી અપાવવાનો દાવો પણ કરતા હતા. પોલીસે જાળ બિછાવીને ભિવંડીના કોનગાંવ વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.




