Home Blog Page 4910

કોરોનાનો પ્રકોપઃ ઉદ્યોગજગતે PM મોદી પાસે માગી તાકીદની મદદ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે ભારતમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. ચેપગ્રસ્ત દર્દીઓના કેસો વધતા જાય છે. કન્ફર્મ્ડ કેસોનો આંકડો 500ની એકદમ નજીક પહોંચી ગયો છે. 10 દર્દીના મરણ થઈ ચૂક્યા છે. વાઈરસનો ફેલાવો રોકવા માટે ગુજરાત સહિત 30 રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, તો મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરાયો છે. આ પરિસ્થિતિનો ભારત સરકાર અને રાજ્ય સરકારો પૂરી તાકાતથી સામનો કરી રહી છે ત્યારે ઉદ્યોગજગતે કેન્દ્ર સરકાર પાસે તાકીદની મદદ માગી છે.

વાઈરસે ઊભી કરેલી કટોકટી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ASSOCHAM, FICCI, CII તથા દેશના 18 શહેરોના બીજા અનેક સ્થાનિક ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરી હતી.

રોગચાળાને કારણે ઘણા સેક્ટરો મોટી આર્થિક ખોટને આરે આવી ગયા છે અને સરકાર એમને તત્કાળ સહાયતા કરે એવી માગણી કરી રહ્યા છે.

મહત્ત્વના ચર્ચાસત્રમાં કેન્દ્રના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ઉદ્યોગ પ્રમોશન વિભાગના સચિવે પણ ભાગ લીધો હતો.

મોદીએ કહ્યું કે આ કટોકટીના સમયગાળા દરમિયાન ટકી રહેવા માટે કંપનીઓને મદદ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. વિશ્વ યુદ્ધો કરતાં પણ કોરોના વાઈરસના વૈશ્વિક રોગચાળાએ મોટો પડકાર ઊભો કરી દીધો છે. ભારતમાં આ રોગ વધારે ફેલાય નહીં એ માટે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Covid-19ના ફેલાવાને રોકવા ભારતમાં 548 જિલ્લાઓમાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે એને કારણે પર્યટન, આતિથ્ય, એવિએશન, રેસ્ટોરન્ટ બિઝનેસ ખૂબ જ દબાણની સ્થિતિમાં આવી ગયા છે. મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉનને કારણે તેમજ નાગરિકો પોતે ક્વોરન્ટાઈન સ્થિતિનું પાલન કરી રહ્યા હોવાથી રેસ્ટોરન્ટ્સને બે અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવી છે.

ભારતમાં રેસ્ટોરન્ટ્સ માલિકોના રાષ્ટ્રીય સંગઠન NRAI તરફથી કેન્દ્રીય નાણાં પ્રધાનને પત્ર લખીને જણાવાયું છે કે સરકાર રેસ્ટોરન્ટ્સ પાસેથી લેવાની નીકળતી તમામ રકમ – પછી એ જીએસટીના રૂપમાં હોય, એડવાન્સ ટેક્સ પેમેન્ટ્સ હોય, કસ્ટમ્સ ડ્યૂટી હોય, રાજ્યોમાં એક્સાઈઝ ડ્યૂટી હોય, લિકર લાઈસન્સ રીન્યૂ ફી હોય, વેલ્યૂ એડેડ ટેક્સ હોય, એ બધી વસૂલી કરવાનું તાત્કાલિક મુલતવી રાખે અને એક વર્ષ માટે મુલતવી રાખે.

NRAIના પ્રમુખ અનુરાગ કતિહારે કહ્યું છે કે રેસ્ટોરન્ટ બિઝનેસમાં કર્મચારીઓની છટણી અનિવાર્ય છે, કારણ કે માલિકોની આવકમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. દેશમાં 40-50 ટકા રેસ્ટોરન્ટ્સને કોરોનાને કારણે જબ્બર ફટકો પડ્યો છે. જો લોકડાઉન ચાલુ રહેશે તો ખોટ વધી જશે.

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે પર્યટન બંધ હોવાથી એરલાઈન્સને માઠી અસર પડી છે. એમણે પણ સરકાર પાસે મદદ માગી છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી અમુક મહિનાઓમાં ઘણી વૈશ્વિક એરલાઈન્સ દેવાળું ફૂંકશે.

રાશિ ભવિષ્ય 24/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે

પંચાંગ તા. 24/03/2020

કોરોનાઃ નકારાત્મક માહોલ સામે એક યોગ નિષ્ણાતની અનોખી પહેલ

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને લોકોમાં અત્યંત ડર અને તણાવનો માહોલ ફેલાઇ ચૂક્યો છે ત્યારે આ સંજોગોમાં હાવ લોકોને સૌથી વધારે જો કોઇ ચીજની જરૂર હોય તો એ છે-માનસિક સ્વસ્થતા. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ જ મજબૂત લડાઇ આપી શકે છે. અને, આ માટે જરૂરી છે હકારાત્મક ઉર્જાની.

વર્તમાન માહોલમાં આ જરૂરિયાત પારખીને મૂળ ગુજરાતી અને હાલ સિંગાપુરમાં વસતા યોગ નિષ્ણાત સુજાતા કોલગીએ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક નવી જ પહલે શરૂ કરી છે.

આ પહેલ એટલે યોગાના ફ્રી ઓનલાઇન ક્લાસિસ. એ નિર્વિવાદ છે કે વ્યક્તિને માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં યોગ અત્યંત ઉપયોગી છે. એનાથી વ્યક્તિમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

24 માર્ચથી 29 માર્ચ સુધી ભારતીય સમય પ્રમાણે સવારના 6.30 થી 7 સુધી સુજાતાબહેન ઓનલાઇન રહીને શ્વાસોશ્વાસની અમુક ટેકનીક અને યોગાસનો શીખવશે. કોઇપણ વ્યક્તિ અહીં આપેલી વેબલિન્કના માધ્યમથી એમાં જોડાઇ શકે છેઃ

 

 

યોગના ક્લાસમાં જોડાવા માટે આ લિન્ક ખોલવાની છે. તેમાં ID પણ આપેલો છે. અને પાસવર્ડ પણ આપેલો છે.

24 માર્ચ, 2020 થી 29 માર્ચ, 2020

ભારતીય સમયઃ  સવારે 6.30 કલાકથી 7 વાગ્યા સુધી.

નીચે આપેલી લિન્કથી તમે એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

Please download and import the following iCalendar (.ics) files to your calendar system.

Daily: https://us04web.zoom.us/meeting/tZIrcumsrDosnje7sOEprBG46Qf3facAyQ/ics?icsToken=98tyKuGuqD4qHtaUtl3te7QqA4H-bN_ukX9Er_ROszr1EQJ0NlXHMLFEM7FeCemB

Meeting ID: 866 504 216

Join Zoom Meeting

https://us04web.zoom.us/j/866504216

યોગના ક્લાસ માટેની લિન્ક www.pragyayoga.com

આ ઉપરાંત કોઇ સવાલો અથવા સૂચનો હોય તો તમે એમનો yogawithsujata@gmail.com પર સંપર્ક સાધી શકો છો.

વેલ, તો સારા કર્મો કરો, સ્વસ્થ રહો અને તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરો.

 

 

કોરોના સામે લડવા સાંસદ સી.આર. પાટીલ તરફથી દોઢ કરોડની ગ્રાન્ટ

ભાજપના સંસદસભ્ય સી.આર. પાટીલે કોરોના વાયરસ સામે લડવા વેન્ટીલેટર અને મેડિકલ સાધનો માટે સુરતના કલેક્ટરને રૂપિયા ૧ કરોડ અને નવસારીના કલેક્ટરને રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી

દુનિયાભરમાં દહેશત ફેલાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગમચેતીને કારણે ભારત ઘણું સલામત રહ્યું છે. સુરત શહેરમાં કોરોનાનાં પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે દર્દીઓને ઝડપથી સારવાર મળી શકે, વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સાધનોની અછત ન સર્જાય એ માટે ૨૫ નવસારી લોકસભા બેઠકના સાંસદ સી.આર. પાટીલ તરફથી સુરતના કલેક્ટરને રૂપિયા ૧ કરોડ અને નવસારીના કલેક્ટરને રૂપિયા ૫૦ લાખની ગ્રાંટ ફાળવી આપવામાં આવી છે.

આ ગ્રાંટનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવા માટેનાં મેડિકલ સાધનો અને વેન્ટીલેટર ખરીદવા માટે કલેક્ટર જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરે એવું સી.આર.પાટીલ દ્વારા જણાવાયું છે.

વેન્ટીલેટર અને અન્ય મેડિકલ સાધનો જો પૂરતા પ્રમાણમાં હશે તો કોરોના વાયરસ સામે સરળતાથી લડી શકાશે, સુરત અને દક્ષિણ ગુજરાતનાં કોરોનાનાં દર્દીઓને તાત્કાલિક સારવાર પણ આપી શકાશે. પાટીલ દ્વારા ફાળવવામાં આવેલી આ ગ્રાંટને કારણે સુરત અને દક્ષિણ ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓ ઝડપથી સારા થઇ શકશે.

  • ફયસલ બકિલી

થાળી વગાડવાથી નવસારીમાં થયું મોત?

આ સમાચાર જરા ખળભળાવી દે એવા છે. આખા દેશમાં જનતા કર્ફ્યુના દિવસે દરેક પરિસ્થિતિમાં આપણી સેવામાં ખડેપગે રહેતા દરેકને આભાર માનવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે પાંચ મિનિટ માટે તાળી પાડી, થાળી વગાડીને અભિવાદન કરજો. નવસારીના આશાબાગ વિસ્તારમાં આવેલા કસ્તુરી ઍપાર્ટમેન્ટના લોકોએ પણ આખા દેશમાં કર્યું એવું જ કર્યું. પણ જે બન્યું એ દેશમાં ક્યાંય ન થયું એવું થયું.

વાત એમ બની કે નવસારીના કસ્તુરી એપાર્ટમેન્ટમાં પણ 22 માર્ચનો દિવસ સામાન્ય જ હતો બધા ઘરમાં જ હતા. સાંજે પાંચ વાગ્યે એક સાથે બધા ગેલેરી – ટૅરેસ ઉપર આવી ગયા. કોઈએ થાળી વગાડી, કોઈ એ તાળી પાડી, કેટલાક એ ઘંટનાદ કર્યો અને કસ્તુરી એપાર્ટમેન્ટમાં ફટાકડા પણ ફોડાયાં. આ બધું કરનાર એ ભૂલી ગયેલા કે એમના એપાર્ટમેન્ટમાં એક મસમોટો મધપૂડો જામ્યો છે.

સાંજે પાંચ વાગ્યે જેવો આ બધો અવાજ શરૂ થયો એટલે મધમાખીઓ છંછેડાઈ અને એમણે એપાર્ટમેન્ટના લોકો ઉપર હુમલો કરી દીધો. લોકોમાં નાસભાગ મચી ગઈ, ઘણાને મધમાખીએ ડંસ દીધા. એ પૈકી ચાર જણને ગંભીર ઇજા થઇ. ચોથા મળે રહેતા એક પરિણિત મહિલા મધમાખીના આ ડંસથી બેભાન થઇ ગયા. ચારેય જણને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એ પૈકી 35 વર્ષના એક મહિલાને મૃત જાહેર કરાયા.

મધમાખીના ડંખથી મૃત્યુ થયું કે બીજા કોઈ કારણથી એ જાણવા માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં આ મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ થયું છે, જેનો રિપોર્ટ આવવો બાકી છે. સરકારના દરેક અધિકારીએ આ બનાવ અંગે ચુપકીદી સેવી લીધી છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને કાર્યવાહી શરુ કરી છે. એક માસૂમ દીકરાએ માતાને અને પતિએ પત્ની ગુમાવી એ પણ થાળી – તાળીના ઉન્માદમાં એ સત્ય છે પણ એને હજી સરકારી અધિકૃતતા બાકી છે. ઇજાગ્રસ્તો પૈકી એકના શરીરમાંથી 35 તો એકના શરીરમાંથી મધમાખીના પગ (ડંખ) તબીબોએ કાઢ્યા હતા.

નવસારીનો આ કિસ્સો ચર્ચામાં છે, લોકો વાત કરી રહ્યા છે સોસાયટીના લોકોએ જ બધી માહિતી સ્થાનિક મીડિયાને આપી છે પણ આ બનાવને હજી સરકારી સર્ટિફિકેટ મળ્યું નથી.

  • ફયસલ બકિલી

ના, સંવેદના હજુ લોકડાઉન નથી થઇ…

રાજકોટઃ બપોરનો સમય છે. ધોમધખતો તાપ છે. દુકાન બંધ, ઓફિસો બંધ. વાહન પણ નથી નીકળતા. લોકડાઉન છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયાચોકડી પાસે શહીદ પૂલની નીચે બે શ્રમિક ફૂટપાથ પર ઊઁઘી રહ્યા છે. અચાનક એક યુવક એને પૂછે છે, ભાઇ કંઈ જમ્યા? ખાધું?

બન્ને કહે છે “ના. કાલ સાંજના ભૂખ્યા છીએ.” લગભગ અઢી વાગ્યા  છે. હવે તો ક્યાં હોય જમવાનું. યુવક નજીકમાં જ દેખાતા ભરવાડ પરિવારના ઘરે જઇને કહે છે, “સામે બે ભાઇઓ ભૂખ્યા છે.”  ઘરની બહાર જ દુકાન છે. ત્યાંથી વેફર, ઘરે વધેલી રોટલી અને શાક એ પરિવાર આપે છે. યુવકે પૂછ્યું, “કેટલા રૂપિયા આપવાના?”  અને પેલા પરિવારના સદસ્ય કહે “આવી હાલતમાં પૈસા થોડા હોય..? “ બન્ને મજૂરોને ભોજન મળ્યું. પાણી પણ મળ્યું. સંચારબંધી છે, સંવેદના તો ઝળહળે છે

જે યુવકે આ બન્નેને વ્યવસ્થા કરાવી આપી, એ પણ એવું જ કામ કરીને જતો હતો. ડેનિશ આડેસરા એનું નામ છે. સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. આજે બપોરે એને અચાનક વિચાર આવ્યો કે જે લોકો ઘરમાં છે એને તો બધું મળશે પણ પરિવાર વગર વસતા હોય. નોકરી કે અભ્યાસ માટે અહીં રહેતા હોય તેમનું શું, વોટ્સએપ પર એક મેસેજ એણે મૂક્યો કે કોઇને ભોજનની જરૂર હોય તો કહો.

બે યુવકના ફોન આવ્યા. કહે, :અમે ભાવનગરના છીએ. રાજકોટમાં અભ્યાસ કરીએ છીએ. ડાઇનિંગ હોલ પણ બંધ છે. દુકાનો પણ બંધ.”  ડેનિસભાઇ પોતાનો પુત્ર બીમાર હોવા છતાં ઘરે રોટલી – શાક બનાવરાવીને એ વિદ્યાર્થીઓને આપવા ગયા. પેલા બન્નેએ આભાર માન્યો અને પૂછ્યું કેટલા પૈસા તો ડેનિસ કહે, “ભાઇ પૈસા થોડા હોય. અત્યારે કામ નહીં આવીએ તો ક્યારે કામ આવીશું?”

ડેનિસની આ વાત ફેલાઇ ગઇ અને એના પર સતત ફોન આવવા લાગ્યા. ફક્ત ભોજનની વ્યવસ્થા માટે જ નહીં હો!! અમે શું મદદ કરી શકીએ?  એવું પૂછવા માટે પણ ફોન આવ્યા. ડેનિસે વ્યવસ્થા ગોઠવી. જે વિસ્તારમાંથી ફોન આવે એ વ્યક્તિને કહે, “તમારા વિસ્તારમાં ફલાણી જગ્યાએથી અમારી પાસે ભોજનની માગ આવી છે. તમે પહોંચાડી દો.”  એ ફોન પૂરતું ભોજન બનાવવાની, પહોંચાડવાની જવાબદારી એ વ્યક્તિની.  એક ફોન એવો આવ્યો કે “ ભોજન બનાવવાની મારી ક્ષમતા નથી પણ હું પહોંચાડી દઇશ.”  તો એક બહેને કહ્યુઃ “હું પહોંચાડી નહીં શકું પણ બનાવી દઇશ.? આમ એક પછી એક લોકો જોડાતા ગયા. સાંજ સુધીમાં દસ વ્યક્તિને ટિફિન પહોંચાડી શકાયા. ડેનિસ કહે છે, એક નિવૃત્ત વકીલ અને જીએસટીના વર્ગ એકના બે અધિકારી પણ ગઇ કાલથી જમ્યા નહોતા. એમના તરફથી પણ માંગણી આવી.

આ સ્થિતિને પહોંચી વળવા એણે વોટ્સએપમાં એક ગ્રુપ બનાવ્યું. જેમાં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીને પણ રાખ્યા. એક લોગો બનાવ્યો. જે ગ્રુપમાં પણ શેર કર્યો. કોઇ પણ ટિફિન આપવા જતું હોય એને પોલીસ રોકે તો એ લોગો બતાવી શકાય. એક સાવ સામાન્ય વિચારમાંથી એક આખો સેવા યજ્ઞ શરૂ થઇ ગયો.

સદભાવના વૃદ્ધાશ્રમ વિનામૂલ્યે બન્ને સમયનું જમવાનું પહોંચાડશે 

બીજી તરફ રાજકોટની જાણીતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમે પણ તાબડતોબ આ સેવા ચાલુ કરી. વોટ્સએપ પર મેસેજ વહેતો કર્યો. વૃદ્ધાશ્રમના પ્રણેતાઓ પૈકીના એક એવા વિજય ડોબરિયા ચિત્રલેખા.કોમને કહે છેઃ “બધું બંધ છે. માણસ પાસે પૈસા હોય તોય જમે ક્યાંથી, એટલે અમે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગીને આ ટિફિન સેવા શરૂ કરી છે. સદભાવના વૃદ્ધાશ્રમમાં દરરોજ પાંચસો વ્યક્તિની રસોઇ થઇ શકે એવું રસોડું અને અન્ય વ્યવસ્થા છે. અમારે ત્યાં 242 વૃદ્ધો-વડીલો વસે છે. એટલે અઢીસો લોકો માટે તો અમે વ્યવસ્થા કરી જ શકીએ.” 

“આજે બપોરથી અમે આ શરૂ કર્યું છે. સાંજ સુધીમાં 43 ફોન આવી ગયા. રોટલી, શાક, ખીચડી લઇને બે વાહન વિતરણ માટે નીકળી પણ ગયા. એક બહેનનો તો એવો ફોન આવ્યો કે મારું ઓપરેશન કરાવ્યું છે. રસોઇ કરી શકું એમ નથી. જે કંઇ પૈસા થાય એ લઇ લો પણ જમવાનું પહોંચાડો.”  પણ સદભાવના જે સંસ્થાનું નામ છે, એ વળી પૈસા લે, સંસ્થાએ કહ્યું, સરનામું બોલો, પૈસા નથી જોઇતા. આજે સાંજે જ પચાસેક ટિફિન તો પહોંચી ગયા છે. અને આવતી કાલે વધારે સંખ્યા થશે તો પણ સદભાવનાની ચાલીસ કાર્યકર્તા, રસોઇયાની ટીમ તૈયાર છે.

રવિવારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અનુરોધથી આખા દેશે સેવકો માટે તાળી વગાડી હતી. આજની આ બે ઘટના જાણ્યા પછી એમ લાગે છે કે તાળીઓ અને થાળીઓ સતત ચાલુ જ રાખવા પડશે.

(જ્વલંત છાયા-રાજકોટ)

માનવ શાને ફરે ગુમાનમાં, તારી કમાન કુદરતના હાથમાં!

વિજ્ઞાનની કરામતોથી કુદરતને હંફાવવા નીકળેલા કાળા માથાના માનવીને કોરોના નામના એક નાનકડા વાઇરસે જાણે લાચાર બનાવી દીધો છે. એક ગ્લોબલ વિલેજ-એક નાનકડા ગામમાં સમાઇ જવા આવેલી આખી દુનિયા અને એના દેશો અચાનક કેમ એકબીજાથી વિખૂટા પડી ગયા?

વાંચો, જાણીતા રાજકીય વિશ્લેષક અને કટારલેખક નગીનદાસ સંઘવી ચિત્રલેખા.કોમ માટે લખેલા આ વિશેષ લેખમાં શું કહે છે એ…. 

————————————————————————–

બસો-અઢીસો વરસની જહેમત પછી વિજ્ઞાને મેળવેલી અનેક સિદ્ધિઓ કુદરતના એક ફટકાથી નેસ્તનાબૂદ થવાને આરે આવીને ઊભી છે. વાહનવ્યવહારના અને વિચાર-વિનિમય માટેના સંદેશવાહક યંત્રોને કારણે આખી દુનિયા અરસપરસ એકરૂપ થવા લાગી હતી. ગ્લોબલાઇઝેશનને નામે ઓળખાતી આ પ્રક્રિયા માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લેતી હોવાથી વેપાર, અભ્યાસ કે આનંદ માટે માણસ આખી દુનિયામાં કોઈ પણ સ્થળે અને સમયે પહોંચી શકે તેવી સવલતોનો પૂરો લાભ લેવાઈ રહ્યો હતો. બધા દેશોના બધા ધર્મોના, બધી ભાષા બોલનારા લોકો જગતના મહત્વના કેન્દ્રમાં રહેતા થયા અને દુનિયા એક નાનકડા શહેર કે ગામડા જેટલા સંપર્ક સંબંધો ધરાવતી થઈ.

આખી દુનિયા નાનકડા પંખીના માળા જેવી બને તેવું ઋષિઓનું સ્વપ્ન વિજ્ઞાને સાકાર કરી આપ્યું. વિજ્ઞાનની આ સિદ્ધિઓને આધારે ભવિષ્યની દુનિયા કેવી હશે તેનાં ફયુચરિસ્ટિક આલેખનો અને ગ્રંથો લખાયા અને માનવજાતે કુદરતની તમામ શક્તિઓને પોતાના કબજે કરી લીધી છે તેવો સાત્વિક અહંકાર માનવજાત અનુભવી રહી હતી.

આ બધું એકઝાટકે તૂટી પડ્યું છે. એક નાનકડા વાઇરસે મોતનું શસ્ત્ર વાપરીને દુનિયાને વિખૂટી પાડી દીધી છે. દુનિયાના તમામ સમાજો અને રાજ્યોએ પોતપોતાની સરહદો સીલ કરીને પરદેશીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મોટર, ટ્રેન,વિમાન જેવાં તમામ વાહનો સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. એક માણસ બીજા માણસ જોડે હાથ મિલાવવાથી ડરવા લાગ્યો છે. આ બીમારીનો કોઈ ઇલાજ નથી. એકાંતવાસ જ આ બીમારીથી બચાવી શકે છે તેવું જાણ્યા પછી સામાન્ય જનસંપર્ક પર વધારે ને વધારે પ્રતિબંધ મુકાઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વૈચ્છિક જનતા કર્ફ્યુની હિમાયત કર્યા પછી ટ્રેનો-વિમાનો અટકાવી દઈને એકલતાને ફરજિયાત બનાવી દીધી છે.

ભારતનાં 80 જેટલા જિલ્લાઓમાં લોક ડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યો છે અને દેશનાં તમામ મોટા શહેરોને ઉજજડ બનાવી દેવામાં આવ્યાં છે. સભા, સમારંભો, યાત્રાઓ, સંમેલનો અટકી પડ્યાં છે અને જનમેદનીથી ઊભરાતા રાજમાર્ગો, વિદ્યાકેન્દ્રો, ધર્મસ્થાનો વેરાન બની ગયાં છે.

 

જગતે અને મહામારીઓ અને રોગચાળાના અનુભવ કર્યા છે. ચારસો વરસ અગાઉ લંડનની મહામારી વખતે રાજમાર્ગો પર ઘૂમતી શબવાહિનીઓએ “મડદા લાવો”ના પોકારો પાડેલા એ લોકોએ સાંભળ્યા છે. કોરોના વાઇરસે દુનિયા આખીને થથરાવી મૂકી છે એવું અગાઉ બન્યાનું કદી નોંધાયું નથી. કુદરતી પરિબળોના દુરુપયોગનું આ ભયંકર પરિણામ દુનિયા ભોગવી રહી છે. કોરોના વાઇરસના લાંબા ગાળાનાં પરિણામની આગાહી કરવાનું શક્ય નથી, પણ કુદરત સામે માણસ કેટલો વામણો છે તેનો આ અરાજક અનુભવ લાંબા વખત સુધી ગાજતો-પડઘાતો રહેશે, તેમાં શંકા નથી.

કોરોના પોઝિટીવઃ કનિકા કપૂરનાં લાપતા મિત્રની ચાલતી શોધ

મુંબઈઃ કોરોના વાઈરસ થયાનું માલૂમ પડ્યા બાદ પણ પાર્ટી કરવા બદલ ગાયિકા કનિકા કપૂરની ખૂબ ટીકા કરવામાં આવી છે. પાર્ટી કરી એ પૂર્વે કનિકા યુરોપના પ્રવાસેથી પાછી ફરી હતી. કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તે છતાં કનિકાએ પોતાને તત્કાળ આઈસોલેટ કરી નહોતી.

એ કોઈ પ્રકારની કાળજી લીધા વગર તેનાં વતન લખનઉ ગઈ હતી અને ત્યાં બે પાર્ટી કરી હતી. ત્યાં એણે બે દિવસમાં 300 જેટલા લોકો સાથે હળીમળીને વાતચીત કરી હતી. એમાંના 260 જણને તો શોધીને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આમાં 11 જણ કનિકા જ્યાં રહી હતી તે હોટેલના 11 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

કનિકાને બીમારી લાગુ પડ્યાની વિગતો બહાર આવ્યા બાદ આ વાઈરસના સંપર્કમાં આવેલા દરેક જણને શોધવા લખનઉ પોલીસને દોડધામ થઈ ગઈ હતી.

નવા સમાચાર એ છે કે કનિકાનો મુંબઈનિવાસી ઉદ્યોગપતિ મિત્ર ઓજસ દેસાઈ પાર્ટીમાં હાજરી આપ્યા બાદ લાપતા થઈ ગયો છે અને એનો હજી સુધી પતો લાગ્યો નથી. પોલીસ એને શોધી રહી છે જેથી વાઈરસ વધારે ફેલાય નહીં.

ગાયિકા કનિકાને હાલ લખનઉની SGPGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે છતાં એનાં કેટલાક મિત્રો અને સહકર્મીઓ એનાં સમર્થનમાં આવ્યા છે.

ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર કનિકાની આકરી ટીકા કરી હતી.

કોરોના માટે કનિકાની આજે બીજી ટેસ્ટ કરવામાં આવી હતી અને તે પણ પોઝિટીવ આવી છે. ડોક્ટરોએ એને નિરીક્ષણ હેઠળ રાખી છે અને જ્યાં સુધી એની તબિયત સુધરે નહીં ત્યાં સુધી એને ક્વોરન્ટાઈન કરાશે.

‘બેબી ડોલ’ ગીત માટે જાણીતી થયેલી અને હવે મિડિયા દ્વારા ‘બેબી ડોલ’ જ કહેવાતી કનિકા લંડનથી પાછી ફર્યા બાદ 16 માર્ચે તાજ હોટેલમાં પાર્ટી કરી હતી. એ વખતે ઓજસ દેસાઈ એની સાથે હતો.

એવી ચર્ચા થઈ રહી છે કે જો ઓજસને કોરોના થયો નહોતો તો એ હજી સુધી પોલીસ સમક્ષ હાજર કેમ થયો નથી.

બીજી બાજુ, કનિકા પર એવો આરોપ છે કે પોતે સ્ટાર છે એટલે આ ભયાનક બીમારીની કાળજી લેતી નથી. એ હોસ્પિટલમાંથી ભાગીને બીજાઓને ચેપ લગાડે નહીં એ માટે હોસ્પિટલના સત્તાવાળાઓએ એના વોર્ડની બહાર અતિરિક્ત ગાર્ડને ગોઠવી દીધો છે.

પંજાબ, પુડુચેરી પછી મહારાષ્ટ્રમાં પણ કરફ્યુ લદાયો

મુંબઈઃ  પંજાબ, પુડુચેરી પછી હવે મહારાષ્ટ્રમાં પણ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકો સાંભળતા ન હોવાથી હું મજબૂર છું અને પૂરા રાજ્યમાં કરફ્યુની જાહેરાત કરું છું. રાજ્યની સીમાઓ પણ બંધ કરવામાં આવી છે અને આજથી રાજ્યના બધા જિલ્લાઓની બોર્ડર પણ સીલ કરવામાં આવી છે. હવે એક જિલ્લાના લોકો પણ બીજા જિલ્લામાં આવ-જા નહીં કરી શકે. જોકે આ સમય દરમ્યાન જરૂરી જીવનાવશ્યક ચીજવસ્તુઓ મળતી રહેશે. લોકોએ ગભરાવાની જરૂર નથી.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 15 કેસ

રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોના ચેપગ્રસ્ત લોકોના 15 નવા કેસ સામે આવ્યા છે. આમાંથી મુંબઈમાં જ 14 કેસ અને એક કેસ પુણેમાં સામે આવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં આ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 89 થઈ ગઈ છે. જેમાં સાત ચેપગ્રસ્તોનો ટ્રાવેલ ઇતિહાસ છે, જેમણે વિદેશમાં પ્રવાસ કર્યો હતો. જોકે ચિંતાની વાત એ છે કે આઠ લોકો દેશની બહાર નથી ગયા અને ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાને કારણે આ વાઇરસના શિકાર થયા છે.

રાજ્યમાં 144 કલમ લાગુ કરવામાં પણ આવી

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે રવિવાર રાતશી 144 કલમ લાગુ કરી છે. આ કલમ હેઠળ સમગ્ર રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં પાંચ જણ કે એથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કોઈ આ નિયમ તોડશે તો તેમની સામે ક્રિમિનલ કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ 31મી માર્ચ સુધી લાગુ પડશે.

19 રાજ્યોમાં લોકડાઉન અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ લોકડાઉન

દેશમાં કોરોના વાઇરસગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 470 થઈ છે, જેથી આ રોગ વધુ ફેલાય નહીં એ માટે સરકારે  સાવચેતી સ્વરૂપે દેશનાં 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન કર્યું છે.