પંજાબ, પુડુચેરી પછી મહારાષ્ટ્રમાં પણ કરફ્યુ લદાયો

મુંબઈઃ  પંજાબ, પુડુચેરી પછી હવે મહારાષ્ટ્રમાં પણ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકો સાંભળતા ન હોવાથી હું મજબૂર છું અને પૂરા રાજ્યમાં કરફ્યુની જાહેરાત કરું છું. રાજ્યની સીમાઓ પણ બંધ કરવામાં આવી છે અને આજથી રાજ્યના બધા જિલ્લાઓની બોર્ડર પણ સીલ કરવામાં આવી છે. હવે એક જિલ્લાના લોકો પણ બીજા જિલ્લામાં આવ-જા નહીં કરી શકે. જોકે આ સમય દરમ્યાન જરૂરી જીવનાવશ્યક ચીજવસ્તુઓ મળતી રહેશે. લોકોએ ગભરાવાની જરૂર નથી.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 15 કેસ

રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોના ચેપગ્રસ્ત લોકોના 15 નવા કેસ સામે આવ્યા છે. આમાંથી મુંબઈમાં જ 14 કેસ અને એક કેસ પુણેમાં સામે આવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં આ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 89 થઈ ગઈ છે. જેમાં સાત ચેપગ્રસ્તોનો ટ્રાવેલ ઇતિહાસ છે, જેમણે વિદેશમાં પ્રવાસ કર્યો હતો. જોકે ચિંતાની વાત એ છે કે આઠ લોકો દેશની બહાર નથી ગયા અને ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાને કારણે આ વાઇરસના શિકાર થયા છે.

રાજ્યમાં 144 કલમ લાગુ કરવામાં પણ આવી

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે રવિવાર રાતશી 144 કલમ લાગુ કરી છે. આ કલમ હેઠળ સમગ્ર રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં પાંચ જણ કે એથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કોઈ આ નિયમ તોડશે તો તેમની સામે ક્રિમિનલ કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ 31મી માર્ચ સુધી લાગુ પડશે.

19 રાજ્યોમાં લોકડાઉન અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ લોકડાઉન

દેશમાં કોરોના વાઇરસગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 470 થઈ છે, જેથી આ રોગ વધુ ફેલાય નહીં એ માટે સરકારે  સાવચેતી સ્વરૂપે દેશનાં 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન કર્યું છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]