કોરોના પોઝિટીવઃ કનિકા કપૂરનાં લાપતા મિત્રની ચાલતી શોધ

મુંબઈઃ કોરોના વાઈરસ થયાનું માલૂમ પડ્યા બાદ પણ પાર્ટી કરવા બદલ ગાયિકા કનિકા કપૂરની ખૂબ ટીકા કરવામાં આવી છે. પાર્ટી કરી એ પૂર્વે કનિકા યુરોપના પ્રવાસેથી પાછી ફરી હતી. કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તે છતાં કનિકાએ પોતાને તત્કાળ આઈસોલેટ કરી નહોતી.

એ કોઈ પ્રકારની કાળજી લીધા વગર તેનાં વતન લખનઉ ગઈ હતી અને ત્યાં બે પાર્ટી કરી હતી. ત્યાં એણે બે દિવસમાં 300 જેટલા લોકો સાથે હળીમળીને વાતચીત કરી હતી. એમાંના 260 જણને તો શોધીને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આમાં 11 જણ કનિકા જ્યાં રહી હતી તે હોટેલના 11 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

કનિકાને બીમારી લાગુ પડ્યાની વિગતો બહાર આવ્યા બાદ આ વાઈરસના સંપર્કમાં આવેલા દરેક જણને શોધવા લખનઉ પોલીસને દોડધામ થઈ ગઈ હતી.

નવા સમાચાર એ છે કે કનિકાનો મુંબઈનિવાસી ઉદ્યોગપતિ મિત્ર ઓજસ દેસાઈ પાર્ટીમાં હાજરી આપ્યા બાદ લાપતા થઈ ગયો છે અને એનો હજી સુધી પતો લાગ્યો નથી. પોલીસ એને શોધી રહી છે જેથી વાઈરસ વધારે ફેલાય નહીં.

ગાયિકા કનિકાને હાલ લખનઉની SGPGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે છતાં એનાં કેટલાક મિત્રો અને સહકર્મીઓ એનાં સમર્થનમાં આવ્યા છે.

ઘણા લોકોએ સોશિયલ મિડિયા પર કનિકાની આકરી ટીકા કરી હતી.

કોરોના માટે કનિકાની આજે બીજી ટેસ્ટ કરવામાં આવી હતી અને તે પણ પોઝિટીવ આવી છે. ડોક્ટરોએ એને નિરીક્ષણ હેઠળ રાખી છે અને જ્યાં સુધી એની તબિયત સુધરે નહીં ત્યાં સુધી એને ક્વોરન્ટાઈન કરાશે.

‘બેબી ડોલ’ ગીત માટે જાણીતી થયેલી અને હવે મિડિયા દ્વારા ‘બેબી ડોલ’ જ કહેવાતી કનિકા લંડનથી પાછી ફર્યા બાદ 16 માર્ચે તાજ હોટેલમાં પાર્ટી કરી હતી. એ વખતે ઓજસ દેસાઈ એની સાથે હતો.

એવી ચર્ચા થઈ રહી છે કે જો ઓજસને કોરોના થયો નહોતો તો એ હજી સુધી પોલીસ સમક્ષ હાજર કેમ થયો નથી.

બીજી બાજુ, કનિકા પર એવો આરોપ છે કે પોતે સ્ટાર છે એટલે આ ભયાનક બીમારીની કાળજી લેતી નથી. એ હોસ્પિટલમાંથી ભાગીને બીજાઓને ચેપ લગાડે નહીં એ માટે હોસ્પિટલના સત્તાવાળાઓએ એના વોર્ડની બહાર અતિરિક્ત ગાર્ડને ગોઠવી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]