માનવ શાને ફરે ગુમાનમાં, તારી કમાન કુદરતના હાથમાં!

વિજ્ઞાનની કરામતોથી કુદરતને હંફાવવા નીકળેલા કાળા માથાના માનવીને કોરોના નામના એક નાનકડા વાઇરસે જાણે લાચાર બનાવી દીધો છે. એક ગ્લોબલ વિલેજ-એક નાનકડા ગામમાં સમાઇ જવા આવેલી આખી દુનિયા અને એના દેશો અચાનક કેમ એકબીજાથી વિખૂટા પડી ગયા?

વાંચો, જાણીતા રાજકીય વિશ્લેષક અને કટારલેખક નગીનદાસ સંઘવી ચિત્રલેખા.કોમ માટે લખેલા આ વિશેષ લેખમાં શું કહે છે એ…. 

————————————————————————–

બસો-અઢીસો વરસની જહેમત પછી વિજ્ઞાને મેળવેલી અનેક સિદ્ધિઓ કુદરતના એક ફટકાથી નેસ્તનાબૂદ થવાને આરે આવીને ઊભી છે. વાહનવ્યવહારના અને વિચાર-વિનિમય માટેના સંદેશવાહક યંત્રોને કારણે આખી દુનિયા અરસપરસ એકરૂપ થવા લાગી હતી. ગ્લોબલાઇઝેશનને નામે ઓળખાતી આ પ્રક્રિયા માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લેતી હોવાથી વેપાર, અભ્યાસ કે આનંદ માટે માણસ આખી દુનિયામાં કોઈ પણ સ્થળે અને સમયે પહોંચી શકે તેવી સવલતોનો પૂરો લાભ લેવાઈ રહ્યો હતો. બધા દેશોના બધા ધર્મોના, બધી ભાષા બોલનારા લોકો જગતના મહત્વના કેન્દ્રમાં રહેતા થયા અને દુનિયા એક નાનકડા શહેર કે ગામડા જેટલા સંપર્ક સંબંધો ધરાવતી થઈ.

આખી દુનિયા નાનકડા પંખીના માળા જેવી બને તેવું ઋષિઓનું સ્વપ્ન વિજ્ઞાને સાકાર કરી આપ્યું. વિજ્ઞાનની આ સિદ્ધિઓને આધારે ભવિષ્યની દુનિયા કેવી હશે તેનાં ફયુચરિસ્ટિક આલેખનો અને ગ્રંથો લખાયા અને માનવજાતે કુદરતની તમામ શક્તિઓને પોતાના કબજે કરી લીધી છે તેવો સાત્વિક અહંકાર માનવજાત અનુભવી રહી હતી.

આ બધું એકઝાટકે તૂટી પડ્યું છે. એક નાનકડા વાઇરસે મોતનું શસ્ત્ર વાપરીને દુનિયાને વિખૂટી પાડી દીધી છે. દુનિયાના તમામ સમાજો અને રાજ્યોએ પોતપોતાની સરહદો સીલ કરીને પરદેશીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મોટર, ટ્રેન,વિમાન જેવાં તમામ વાહનો સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. એક માણસ બીજા માણસ જોડે હાથ મિલાવવાથી ડરવા લાગ્યો છે. આ બીમારીનો કોઈ ઇલાજ નથી. એકાંતવાસ જ આ બીમારીથી બચાવી શકે છે તેવું જાણ્યા પછી સામાન્ય જનસંપર્ક પર વધારે ને વધારે પ્રતિબંધ મુકાઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વૈચ્છિક જનતા કર્ફ્યુની હિમાયત કર્યા પછી ટ્રેનો-વિમાનો અટકાવી દઈને એકલતાને ફરજિયાત બનાવી દીધી છે.

ભારતનાં 80 જેટલા જિલ્લાઓમાં લોક ડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યો છે અને દેશનાં તમામ મોટા શહેરોને ઉજજડ બનાવી દેવામાં આવ્યાં છે. સભા, સમારંભો, યાત્રાઓ, સંમેલનો અટકી પડ્યાં છે અને જનમેદનીથી ઊભરાતા રાજમાર્ગો, વિદ્યાકેન્દ્રો, ધર્મસ્થાનો વેરાન બની ગયાં છે.

 

જગતે અને મહામારીઓ અને રોગચાળાના અનુભવ કર્યા છે. ચારસો વરસ અગાઉ લંડનની મહામારી વખતે રાજમાર્ગો પર ઘૂમતી શબવાહિનીઓએ “મડદા લાવો”ના પોકારો પાડેલા એ લોકોએ સાંભળ્યા છે. કોરોના વાઇરસે દુનિયા આખીને થથરાવી મૂકી છે એવું અગાઉ બન્યાનું કદી નોંધાયું નથી. કુદરતી પરિબળોના દુરુપયોગનું આ ભયંકર પરિણામ દુનિયા ભોગવી રહી છે. કોરોના વાઇરસના લાંબા ગાળાનાં પરિણામની આગાહી કરવાનું શક્ય નથી, પણ કુદરત સામે માણસ કેટલો વામણો છે તેનો આ અરાજક અનુભવ લાંબા વખત સુધી ગાજતો-પડઘાતો રહેશે, તેમાં શંકા નથી.