ના, સંવેદના હજુ લોકડાઉન નથી થઇ…

રાજકોટઃ બપોરનો સમય છે. ધોમધખતો તાપ છે. દુકાન બંધ, ઓફિસો બંધ. વાહન પણ નથી નીકળતા. લોકડાઉન છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયાચોકડી પાસે શહીદ પૂલની નીચે બે શ્રમિક ફૂટપાથ પર ઊઁઘી રહ્યા છે. અચાનક એક યુવક એને પૂછે છે, ભાઇ કંઈ જમ્યા? ખાધું?

બન્ને કહે છે “ના. કાલ સાંજના ભૂખ્યા છીએ.” લગભગ અઢી વાગ્યા  છે. હવે તો ક્યાં હોય જમવાનું. યુવક નજીકમાં જ દેખાતા ભરવાડ પરિવારના ઘરે જઇને કહે છે, “સામે બે ભાઇઓ ભૂખ્યા છે.”  ઘરની બહાર જ દુકાન છે. ત્યાંથી વેફર, ઘરે વધેલી રોટલી અને શાક એ પરિવાર આપે છે. યુવકે પૂછ્યું, “કેટલા રૂપિયા આપવાના?”  અને પેલા પરિવારના સદસ્ય કહે “આવી હાલતમાં પૈસા થોડા હોય..? “ બન્ને મજૂરોને ભોજન મળ્યું. પાણી પણ મળ્યું. સંચારબંધી છે, સંવેદના તો ઝળહળે છે

જે યુવકે આ બન્નેને વ્યવસ્થા કરાવી આપી, એ પણ એવું જ કામ કરીને જતો હતો. ડેનિશ આડેસરા એનું નામ છે. સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. આજે બપોરે એને અચાનક વિચાર આવ્યો કે જે લોકો ઘરમાં છે એને તો બધું મળશે પણ પરિવાર વગર વસતા હોય. નોકરી કે અભ્યાસ માટે અહીં રહેતા હોય તેમનું શું, વોટ્સએપ પર એક મેસેજ એણે મૂક્યો કે કોઇને ભોજનની જરૂર હોય તો કહો.

બે યુવકના ફોન આવ્યા. કહે, :અમે ભાવનગરના છીએ. રાજકોટમાં અભ્યાસ કરીએ છીએ. ડાઇનિંગ હોલ પણ બંધ છે. દુકાનો પણ બંધ.”  ડેનિસભાઇ પોતાનો પુત્ર બીમાર હોવા છતાં ઘરે રોટલી – શાક બનાવરાવીને એ વિદ્યાર્થીઓને આપવા ગયા. પેલા બન્નેએ આભાર માન્યો અને પૂછ્યું કેટલા પૈસા તો ડેનિસ કહે, “ભાઇ પૈસા થોડા હોય. અત્યારે કામ નહીં આવીએ તો ક્યારે કામ આવીશું?”

ડેનિસની આ વાત ફેલાઇ ગઇ અને એના પર સતત ફોન આવવા લાગ્યા. ફક્ત ભોજનની વ્યવસ્થા માટે જ નહીં હો!! અમે શું મદદ કરી શકીએ?  એવું પૂછવા માટે પણ ફોન આવ્યા. ડેનિસે વ્યવસ્થા ગોઠવી. જે વિસ્તારમાંથી ફોન આવે એ વ્યક્તિને કહે, “તમારા વિસ્તારમાં ફલાણી જગ્યાએથી અમારી પાસે ભોજનની માગ આવી છે. તમે પહોંચાડી દો.”  એ ફોન પૂરતું ભોજન બનાવવાની, પહોંચાડવાની જવાબદારી એ વ્યક્તિની.  એક ફોન એવો આવ્યો કે “ ભોજન બનાવવાની મારી ક્ષમતા નથી પણ હું પહોંચાડી દઇશ.”  તો એક બહેને કહ્યુઃ “હું પહોંચાડી નહીં શકું પણ બનાવી દઇશ.? આમ એક પછી એક લોકો જોડાતા ગયા. સાંજ સુધીમાં દસ વ્યક્તિને ટિફિન પહોંચાડી શકાયા. ડેનિસ કહે છે, એક નિવૃત્ત વકીલ અને જીએસટીના વર્ગ એકના બે અધિકારી પણ ગઇ કાલથી જમ્યા નહોતા. એમના તરફથી પણ માંગણી આવી.

આ સ્થિતિને પહોંચી વળવા એણે વોટ્સએપમાં એક ગ્રુપ બનાવ્યું. જેમાં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીને પણ રાખ્યા. એક લોગો બનાવ્યો. જે ગ્રુપમાં પણ શેર કર્યો. કોઇ પણ ટિફિન આપવા જતું હોય એને પોલીસ રોકે તો એ લોગો બતાવી શકાય. એક સાવ સામાન્ય વિચારમાંથી એક આખો સેવા યજ્ઞ શરૂ થઇ ગયો.

સદભાવના વૃદ્ધાશ્રમ વિનામૂલ્યે બન્ને સમયનું જમવાનું પહોંચાડશે 

બીજી તરફ રાજકોટની જાણીતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમે પણ તાબડતોબ આ સેવા ચાલુ કરી. વોટ્સએપ પર મેસેજ વહેતો કર્યો. વૃદ્ધાશ્રમના પ્રણેતાઓ પૈકીના એક એવા વિજય ડોબરિયા ચિત્રલેખા.કોમને કહે છેઃ “બધું બંધ છે. માણસ પાસે પૈસા હોય તોય જમે ક્યાંથી, એટલે અમે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગીને આ ટિફિન સેવા શરૂ કરી છે. સદભાવના વૃદ્ધાશ્રમમાં દરરોજ પાંચસો વ્યક્તિની રસોઇ થઇ શકે એવું રસોડું અને અન્ય વ્યવસ્થા છે. અમારે ત્યાં 242 વૃદ્ધો-વડીલો વસે છે. એટલે અઢીસો લોકો માટે તો અમે વ્યવસ્થા કરી જ શકીએ.” 

“આજે બપોરથી અમે આ શરૂ કર્યું છે. સાંજ સુધીમાં 43 ફોન આવી ગયા. રોટલી, શાક, ખીચડી લઇને બે વાહન વિતરણ માટે નીકળી પણ ગયા. એક બહેનનો તો એવો ફોન આવ્યો કે મારું ઓપરેશન કરાવ્યું છે. રસોઇ કરી શકું એમ નથી. જે કંઇ પૈસા થાય એ લઇ લો પણ જમવાનું પહોંચાડો.”  પણ સદભાવના જે સંસ્થાનું નામ છે, એ વળી પૈસા લે, સંસ્થાએ કહ્યું, સરનામું બોલો, પૈસા નથી જોઇતા. આજે સાંજે જ પચાસેક ટિફિન તો પહોંચી ગયા છે. અને આવતી કાલે વધારે સંખ્યા થશે તો પણ સદભાવનાની ચાલીસ કાર્યકર્તા, રસોઇયાની ટીમ તૈયાર છે.

રવિવારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અનુરોધથી આખા દેશે સેવકો માટે તાળી વગાડી હતી. આજની આ બે ઘટના જાણ્યા પછી એમ લાગે છે કે તાળીઓ અને થાળીઓ સતત ચાલુ જ રાખવા પડશે.

(જ્વલંત છાયા-રાજકોટ)