કોરોના કરતા ય વધુ આંતક આ અફવાનો…

કોરોના નામના આ બીમારીનો ઇલાજ તો શક્ય છે, પણ કોરોનાને લઇને સોશ્યલ મિડીયામાં જાતજાતના મેસેજ અને સાચી-ખોટી માહિતી ફેલાવવાનો જે રોગચાળો ફાટી નીકળ્યો છે એનો ઇલાજ કેમ કરવો?

મુંબઇ-મહારાષ્ટ્રના કેટલાક સંવેદનશીલ તબીબોને ય આવો વિચાર આવ્યો અને એમાંથી શરૂ થઇ એક અનોખી હેલ્પલાઇન સેવા. આપણાં મનમાં ઘૂસીને ડર ફેલાવતી આવી અફવાનો ઇલાજ કરતી એ હેલ્પલાઇન સેવા વિશે આપણને સમજાવે છે ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતા. વાંચો….

———————————————–

વોટ્સએપિયા બીમારીને રોકવા શું કર્યું તબીબોએ?
અમે ફોન પર વાત કરીએ તો પણ અમને કોરોના વાઈરસ લાગુ પડી શકે?
કોઈકે મને કહયું કે છાપાં અડવાથી પણ આ રોગ થાય એટલે મેં તો સવારના ન્યૂઝપેપર બંધ કરાવી દીધા. બરાબર કર્યું ને?

એક બાજુ તબીબો કોરોના વાઈરસ ડિસીઝ (કોવિડ)ના દરદીઓને સાજા કરવા ઝઝૂમી રહયા હતા તો બીજી તરફ, ઘણા ડૉકટર્સ એવા પણ હતા, જે આ બીમારીને પગલે ફાટી નીકળેલી જાતજાતની અફવા, કુશંકા, વગેરેને નાથવા અને લોકોને સાચી સમજણ આપવાના કામમાં લાગ્યા હતા.

વેલ, આ પણ એક પ્રકારની સેવાનું જ કામ હતું અને આ કામનો વિચાર આવ્યો હતો મહારાષ્ટ્રના કેટલાક તબીબોને. આમ પણ, મુંબઈ તથા પુણેમાં આ બીમારીના નોંધાયેલા મહત્તમ કેસને લીધે દેશના અન્ય રાજ્ય કરતાં સરખામણીએ મહારાષ્ટ્રમાં કોવિડનો ડર વહેલો ઘર કરી ગયો હતો.

જાન્યુઆરીના પહેલા સપ્તાહથી કોરોના વાઈરસનું નામ ગાજતું થયું અને પછીના દિવસોમાં ચીનમાં એના કેસની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો. દેશના ત્રણ લાખથી વધુ એલોપેથિક ડૉક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને પોતાની રીતે પ્રિવેન્ટિવ મેડિસીન, વાયરોલોજી ઈન્ટર્નલ મેડિસીન, પલ્મોનોલોજી, વગેરે ક્ષેત્રના નિષ્ણાત તબીબોની બેઠકો યોજવા માંડી અને પોતાની રીતે સંભવિત રોગચાળા સામે લડવાની તૈયારી આરંભી લીધી.

આ પણ જાણી લો…
કોવિડની વૈશ્વિક મહામારી એટલે કે પેન્ડેમિક તરીકે ઘોષણા થઈ એ પહેલાં, છેલ્લા વર્ષ 2009માં H1N1 પ્રકારના વાઈરસથી થતાં સ્વાઈન ફ્લુને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યો હતો. વરસેકના ગાળામાં સ્વાઈન ફ્લુએ ત્રણ લાખ લોકોના જીવ લીધા હતાં. ભારતમાં તેની ઝાઝી અસર થઈ નહોતી, પરંતુ દુનિયાની આશરે 24 ટકા વસ્તીએ બિમારીમાં પટકાઈ હતી.
કોઈક દરદી સાથે ડોક્ટરની ઉદ્ધતાઈના તથા એમના દ્વારા થતી કથિત આર્થિક ચીરફાડના કિસ્સા આપણામાંથી ઘણાએ સાંભળ્યા હશે કે જાતે અનુભવ્યા હશે. જો કે અત્યારે કોવિડ મોરચે ઘણા તબીબો દિવસરાતનું ભાન ભૂલીને કામ કરી રહયા છે એ હકીકત પણ સ્વીકારવી રહી.

 

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની મહારષ્ટ્ર શાખાના પ્રમુખ ડૉ. અવિનાશ ભોંડવે ચિત્રલેખા.કોમ ને કહે છે કે કમનસીબે એ વખતે રાજ્ય (મહારાષ્ટ્ર) તથા ભારત સરકારની આ વિશેની કોઈ માર્ગદર્શિકા નહોતી એટલે અમે અમેરિકાના સેન્ટર ઓફ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) પાસેથી આ રોગને નાથવાનાં સલાહ-સૂચન મેળવ્યાં અને બીજી રાજ્યોની શાખા તથા અમારા મેમ્બર્સને મોકલ્યા. કેટલાક શહેરોની મહાપાલિકા અને અમુક બિનસરકારી સંગઠનોએ એના આધારે પોસ્ટર્સ અને બેનર્સ પણ બનાવ્યાં. ફેબ્રુઆરીમાં તો ચીનની સાથોસાથ દક્ષિણ કોરિયા અને જાપાન, તો એ પછી ઈટાલી, સ્પેન, ઈરાન વગેરે દેશમાં કોવિડનો કેર વધતો ગયો અને વોટ્સએપ,ફેસબુક તથા ટ્વિટર જેવા સોશિયલ મિડિયાને કારણે ગામડાગામના લોકો સુધી એના અતિરેકનો આતંક પહોંચી ગયો. થયું એવું કે પોતાને છીંક આવે તોય જાણે કોવિડ લાગી ગયો હોય અને પોતે મરી જશે એવા ડરને લીધે લોકો ડૉકટરને ફોન કરવા લાગ્યા કે એમને મળવા ધસારો કરવા લાગ્યા.

ડૉ. ભોંડવે કહે છે: એક તબક્કે અમને લાગ્યું કે લોકોના મનમાં ઘૂસી ગયેલો ડર દૂર કરવા અને આ બીમારી વિશે ખરી સમજણ આપવા-એનાથી બચવાના પગલાં સૂચવવા તબીબોએ પહેલ કરવી જોઈએ. એ વિચાર પરિણમ્યો હેલ્પલાઈન સર્વિસમાં. 16 માર્ચથી આ હેલ્પલાઈન શરુ થઈ સવારના આઠ વાગ્યાથી મધ્યરાત સુધી એમ 16 કલાક સુધી જૂદા જૂદા તબીબો ટેલિફોનિક હેલ્પલાઈન દ્વારા કોવિડને લગતી ગેરમાન્યતા દૂર કરે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ડૉકટર સાથે ચાલીને એ કામ કરવા તૈયાર થયાં. આ તમામ તબીબોના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા, પેલા જ દિવસથી કોવિડ હેલ્પલાઈનને રોજ સરેરાશ 3000 ફોન કોલ્સ મળવા લાગ્યા.

  • આ લેખ માટે ચિત્રલેખાએ જેમનો સંપર્ક સાધ્યો એ તબીબોની વાત કરીએ તો એમાંથી કોઈ રાત્રે બે વાગ્યા સુધી હોસ્પિટલમાં ડયૂટી બજાવી વળતી સવારે પાછા હોસ્પિટલમાં હાજર થઈ જતા હતા. તો બીજા એક ડોક્ટર માટે સાવર-રાતનું જમવાનું એક સાથે લેવું પડે એવી નોબત હતી.
  • મુંબઈમાં કોવિડનું ચેકિંગ જ્યાં થાય છે એ મહાપાલિકા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલમાં શરુઆતના દિવસોમાં ડોકટર્સ પાસે પોતાની જાતને ઢાંકવાના પૂરતા માસ્ક કે હેઝમેટ તરીકે ઓળખાતા સૂટ નહોતા. એવી હાલતમાં આ ડોકટર્સ પોતાને ચેપ લાગવાના જોખમ વચ્ચે કામ કરતા હતા. અહીં દરદીઓનો ધસારો વધી ગયો એટલે પાલિકા સંચાલિત બીજા દવાખાનાઓ માંથી ઘણા તબીબોને કસ્તુરબા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. એમાં એક જુનિયર ડોક્ટર એવો હતો જે પોતાના લગ્નની રજા પૂરી કરીને પાછો ફરજ પર આવ્યો એના બીજા જ દિવસથી એની ડ્યૂટી કોવિડ વોર્ડમાં લાગી જે એણે કોઈ આનાકાની વગર સ્વીકારી લીધી.

 

એની સાથો સાથ તબીબી સંગઠને સોશિયલ મિડિયા પર વહેતા ખોટા મેસેજીસને લગતા ખરા જવાબ પણ વાળવા માંડયા. પહેલા પાંચ દિવસમાં એની સંખ્યા પહોંચી 15000થી ઉપર! કોવિડ હેલ્પલાઈન પર લોકો જે સવાલો પૂછતા હતા એ તબીબોએ નોંધવાના હતા. ડો. અવિનાશ ભોંડવે કહે છે કે શરુઆતના દિવસોમાં જે ફોન આવતા હતા એમાંથી કમ સે કમ 2000 લોકોએ તો એવો જ પ્રશ્ન પૂછેલો કે અમે કોરોનાથી મરી તો નહીં જઈએને?

ડૉકટર એવા ડરનું કારણ પૂછે તો ઘણા લોકોનો જવાબ રહેતો કે અમે સાંભળ્યું છે કે ફોન પર વાત કરવાથી, છાપા તથા ચલણી નોટને અથવા તો દુધની થેલીને અડવાથી પણ કોરોનાનો રોગ લાગુ પડી શકે છે?