કોરોનાનો સામનો કરવાની ભારતમાં ગજબની ક્ષમતા છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

જિનેવાઃ આખું જગત હાલ કોરોના વાઈરસના રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ મહાબીમારીનો સામનો કરવાના ભારતના પ્રયાસોની ભરપૂર પ્રશંસા કરી છે.

WHOના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર માઈકલ જે. રાયન

WHOના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર માઈકલ જે. રાયને જિનેવામાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોરોના વાઈરસનો સામનો કરવાની ભારતમાં ગજબની ક્ષમતા છે.

Covid-19 સામે ભારત વૈશ્વિક જંગનું કેન્દ્રબિંદુ બની ગયું છે અને આ વાયરસને કાબૂમાં રાખવાની ભારત દેશની ક્ષમતા પર રોગચાળાના ભાવિ પગલાંનો આધાર રહેશે.

WHOના ઈમરજન્સીસ પ્રોગ્રામના ડાયરેક્ટર રાયને જિનેવામાં સંસ્થાના મુખ્યાલયમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં ભારતની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું કે ભારત ભારે ગીચ વસ્તીવાળો દેશ છે. આ દેશમાં કોરોના વાઈરસનું શું થાય છે એની પર રોગચાળાના ભવિષ્યનો આધાર રહેશે. ભારત સરકાર કોરોનાને કાબૂમાં રાખવા અને એને કચડી નાખવા જાહેર આરોગ્ય સ્તરે તેમજ સામાજિક સ્તરે આક્રમક પગલું ભરે એ મહત્ત્વનું બનશે.

ભારતમાં સરકારની મદદે જનતા, ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ

ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 492 પર પહોંચી છે.

કોરોનાનો ફેલાવો રોકવા માટે ભારતમાં 24 માર્ચથી 31 માર્ચ સુધી તમામ સ્થાનિક ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. રેલવે તંત્રએ પણ માર્ચના અંત સુધી તમામ પેસેન્જર ટ્રેનોને સસ્પેન્ડ કરી દીધી છે.

30થી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. ચાર રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. લોકો ઘરની અંદર જ રહે છે. તમામ લોકોએ જરૂરી ખાદ્યપદાર્થોનો પર્યાપ્ત પ્રમાણમાં સંગ્રહ કરી લીધો છે.

સમગ્ર ભારતમાં જાહેર રસ્તાઓ અને ગલીઓમાં પાંચથી વધારે વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. જેનો પોલીસ દ્વારા કડક રીતે અમલ પણ કરવામાં આવી રહ્યો છે.

લોકો સંપૂર્ણપણે સેલ્ફ-ક્વોરન્ટાઈન નિયમ પાળી રહ્યા છે. માત્ર અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળે છે.

ઘણી સરકારી અને ખાનગી કંપનીઓએ એમના કર્મચારીઓને ઘેરથી કામ કરવાનું જણાવી દીધું છે અને એ રીતે કામકાજ ચાલી રહ્યું છે.

રોગચાળા સામેની લડાઈમાં ભારત સરકારને મદદ કરવામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ જોડાઈ છે. દાખલા તરીકે FMCG કંપનીઓએ હેન્ડ સેનિટાઈઝર્સ અને સાબુના ભાવ ઘટાડી દીધા છે.

ટેલિકોમ પ્રોવાઈડર કંપનીઓ પણ વર્ક ફ્રોમ હોમ સુવિધા પૂરી પાડી રહી છે. રિલાયન્સ જિયો,એ નવા ગ્રાહકોને બેઝિક જિયોફાઈબર બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવાની ઓફર કરી છે અને હાલના ગ્રાહકોને ડેટા લિમિટ ડબલ કરી દીધી છે.

તદુપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીએ જાહેરાત કરી છે કે તે મુંબઈમાં ભારતની પ્રથમ સમર્પિત Covid-19 હોસ્પિટલ ઊભી કરશે, જેમાં સ્પેશિયલ ક્વોરન્ટાઈન સુવિધાઓ હશે. તે દરરોજ એક લાખ ફેસ માસ્કનું ઉત્પાદન કરશે.

ભારતની સૌથી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે ભારતમાં કોરોના વાઈરસનો સામનો કરવા માટે વર્ષ 2019-20 માટે તેના વાર્ષિક નફામાંથી 0.25 ટકા રકમ ફાળવશે. 2019માં એસબીઆઈનો ચોખ્ખો નફો રૂ. 862.23 કરોડ હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]