Home Blog Page 4841

પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિએ કહી આ વાતો

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રની શરુઆત થઈ ગઈ છે. સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોંધિત કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સંવિધાન જ આપણા બધાનું માર્ગદર્શક છે અને આ દાયકો ભારત માટે ઘણો મહત્વનો છે. નવા ભારતનું નિર્માણ થાય. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે ત્યારબાદ એક અંતરાલ પછી તેનો બીજો તબક્કો 2 માર્ચથી શરુ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે.

રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો

કલમ 370ને દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય: રાષ્ટ્રપતિએ કલમ 370ને દૂર કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા સંસદમાં કહ્યું આ ન માત્ર ઐતિહાસિક છે પણ આના કારણે જમ્મુ કશ્મીર અને લડાખના સમાન વિકાસનો માર્ગ પણ મોકળો થયો છે. સરકાર કશ્મીર અને લડાખના વિકાસ માટે સતત કામ કરી રહી છે.

વાદ વિવાદ લોકતંત્રને મજબૂત બનાવે છે: રામનાથ કોવિંદે કહ્યું કે, સરકારનો સ્પષ્ટ મત છે કે, આંતરિક ચર્ચા પરિચર્ચા તેમજ વાદ વિવાદ લોકતંત્રને વધુ સશક્ત બનાવે છે. પણ સાથે જ તેમણે કહ્યું કે, વિરોધના નામ પર કોઈ પણ પ્રકારની હિંસા, સમાજ અને દેશને નબળી પાડે છે.

અયોધ્યા મુદ્દે લોકોએ પરિપક્વતા દેખાડી: રામનાથ કોવિંદે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દેશભરમાં જળવાઈ રહેલી શાંતિ બદલ લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, દેશવાસીઓએ જે રીતે પરિપક્વતાથી વ્યવહાર કર્યો એ ખૂબ જ પ્રશંસનીય છે.

બોડો સમસ્યાનું સમાધાન મહત્વનું પગલું: રાષ્ટ્રપતિએ કહ્યું કે, પાંચ દાયકાઓથી ચાલી આવતી બોડો સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર અને અસમ સરકારે હાલમાં જ બોડો સંગઠનો સાથે ઐતિહાસિક કરાર કર્યા છે. આ કરારથી એવી જટિલ સમસ્યા જેમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે તેનું સુખદ સમાધાન આવ્યું છે. કરાર પછી બોડો સમુદાયના વિકાસ માટે સરકાર દ્વારા 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

સેનાને મજબૂત બનાવવામાં આવી રહી છે: રામનાથ કોવિંદે કહ્યું કે, બદલાતા સમયમાં દેશની રક્ષા સાથે જોડાયેલા નવા અને જટિલ પડકારોનો સમાનો કરવા માટે અમારી સરકાર, સૈનાને વધુને વધુ સશક્ત, પ્રભાવશાળી અને આધુનિક બનાવી રહી છે. સીડીએસની નિયુક્તિ અને સેન્ય બાબતોના વિભાગની રચના આ દિશામાં ઉઠાવેલું મહત્વનું પગલું છે.

ભારતનેટ યોજના: રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતનેટ યોજના હેઠળ અત્યાર સુધીમાં સવા લાખથી વધુ ગ્રામ પંચાયતોને હાઈ સ્પિડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી જોડવામાં આવી છે. 2014માં દેશના ગ્રામીણ વિસ્તારોમાં 60 હજાર કોમન સર્વિસ સેન્ટર હતા, આજે એની સંખ્યા વધીને 3 લાખ 65 હજારથી વધુ થઈ ગઈ છે.

ચીનથી ભારતીયોને પાછા લાવવા એર ઈન્ડિયાનું વિમાન રવાના

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસના સંકટને લઈને ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે એર ઈન્ડિયાનું 423 સીટની વ્યવસ્થા ધરાવતું બી 747 વિમાન આજે વુહાન એરપોર્ટ માટે રવાના થયું. અધિકારીઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયના પાંચ ડોક્ટર અને એક પેરામેડિક કર્મચારી વિમાનમાં સવાર થશે. એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બી 747 વિમાન દિલ્હીથી બપોરે સાડા બાર વાગ્યે રવાના થયું છે. આ મુંબઈથી દિલ્હી આવ્યું છે. તેમણે જણાવ્યું કે વિમાનમાં એક પેરામેડિક કર્મચારી પણ હશે. એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, વિમાનમાં કોઈ સેવા નહી આપવામાં આવે. જે પણ ખાદ્ય પદાર્થ હશે તે સીટ પોકેટમાં રાખવામાં આવેલા હશે. કોઈ સેવા નહી હોય તો (ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓ વચ્ચે) કોઈ વાતચીત પણ નહી થાય. જાણીએ 10 મહત્વના મુદ્દા…

  1. એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વની લોહાનીએ કહ્યું કે, ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓ માટે માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે વિમાનના કર્મચારીઓ માટે સુરક્ષા કવચની પણ વ્યવસ્થા કરી છે. લોહાનીએ કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલયના પાંચ ડોક્ટર્સ સાથે જઈ રહ્યા છે. વિમાન વુહાન એરપોર્ટ પર બે-ત્રણ કલાક માટે રોકાશે.
  2. સરકારે જણાવ્યું કે, વુહાનથી પાછા લાવવામાં આવી રહેલા ભારતીયોને દિલ્હી અને માનેસર આઈસોલેશન સેન્ટરમાં પણ રાખવામાં આવશે. જેથી એ સ્પષ્ટ થઈ શકે કે બીમારી ફેલાવાની કોઈ શક્યતા નથી.
  3. વિમાનમાં પાંચ ડોક્ટર અને એક પેરામેડિકલ સ્ટાફની ટીમ હશે. આમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તૈયાર વિશેષ મેડિકલ કિટ પણ હશે, જેમાં હાથના મોજા, માસ્ક અને દવાઓનો સમાવેશ થાય છે.
  4. ડોક્ટરો અને વિમાનના કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ વિમાનની બહાર નિકળવાનું ટાળે અને માત્ર જેને ચેપ ન હોય, તેવા જ લોકોને વિમાનમાં પ્રવેશવાની મંજૂરી આપે.
  5. વિમાનના કર્મચારીઓ- પાયલટ, એન્જિનિયર અને ડોક્ટર દેશમાં પરત આવ્યા બાદ એક સપ્તાહ સુધી આઈસોલેશનમાં રહેશે. જો કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો તેમને આઈસોલેશન વોર્ડમાં જાણકારી આપવાની રહેશે.
  6. દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં 5 વધારે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. દર્દીઓમાં ચાર પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. તમામ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તપાસ માટે તેમના સેમ્પલને NIV પુણે મોકલવામાં આવ્યા છે.
  7. સરકારે ચીનના હુબેઈ પ્રાંતમાં રહેનારા 600 ભારતીય લોકોને ત્યાંથી પાછા આવવાની તેમની ઈચ્છા માટે સંપર્ક કર્યો હતો. હુબેઈ પ્રાંતના વુહાનમાં આ પ્રકારના વાયરસથી સૌથી વધારે લોકો પ્રભાવિત છે.
  8. ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આજે 213 પર પહોંચી ગઈ છે. તો કુલ 9,692 કેસ નોંધાયા છે. આ પૈકી 5,806 કેસ હુબેઈ પ્રાંતના છે અને ત્યાં 204 લોકોના મોત થયા છે.

સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી: રામનાથ કોવિંદ

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે બંને સદનોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, સરકારે સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી છે. જોકે, નાગરિકતા કાયદાનો ઉલ્લેખ થતાંની સાથે જ સંસદમાં વિપક્ષીદળોએ જોરદાર વિરોધ શરુ કર્યો. રાષ્ટ્રપતિએ વિપક્ષના વિરોધ વચ્ચે તેમનું ભાષણ ચાલુ રાખતા કહ્યું કે, અમારી સરકાર એ ફરી વખત સ્પષ્ટ કરે છે કે, ભારતમાં આસ્થા રાખનારા અને દેશની નાગરિકતા મેળવવા ઈચ્છુક વિશ્વના તમામ ધર્મના લોકો માટે પહેલા જે પ્રક્રિયા આજે પણ એ જ છે. વિભાજન પછી સર્જાયેલા માહોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓ અને શીખો જે ત્યાં નથી રહેવા ઈચ્છતા તે ભારત આવી શકે છે તેમને સામાન્ય જીવન ઉપલબ્ધ કરાવવું સરકારનું કર્તવ્ય છે.

પૂજ્ય બાપુના આ વિચારનું સમર્થન કરતા સમયાંતરે તેમના રાષ્ટ્રીય નેતાઓ અને રાજકીય દળોએ પણ પણ આને આગળ ધપાવ્યું છે. આપણા રાષ્ટ્રનિર્માતાઓને એ ઈચ્છાનું સમ્માન દાયિત્વ છે. મને આનંદ છે કે, સંસદના બંને સદનો દ્વારા નાગરિકતા સંશોધન કાયદો બનાવીને તેમની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યકોની સાથે અત્યાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરતા, વિશ્વ સમુદાયને આ મુદ્દે નોંધ લેવા અને આ દિશામાં જરૂરી પગલા લેવા પણ આગ્રહ કરીએ છીએ. તેમણે હાલમાં જ થયેલા નનકાના સાહિબની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એ દાયિત્વ છે કે, પાકિસ્તાનમાં થઈ રહેલા અત્યાચારથી સમગ્ર વિશ્વ પરિચિત થાય.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, પાંચ દાયકાથી ચાલી રહેલી બોડો સમસ્યાને સમાપ્ત કરવા માટે કેન્દ્ર અને અસમ સરકારે હાલમાં જ બોડો સંગઠનો સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારથી એક એવી જટીલ સમસ્યા જેમાં 4 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા, એનું સમાધાન આવ્યું છે.

આર્થિક સર્વેમાં જીડીપી અનુમાન 6 થી 6.5 ટકા

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે આપ્યો છે. આમાં વર્ષ 2020-21 માટે જીડીપીનું અનુમાન 6 થી 6.5 ટકા આંકવામાં આવ્યું છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર પાંચ ટકા રહેવાનો અંદાજ છે. સાથે જ આર્થિક વૃદ્ધિને તેજ કરવા માટે ચાલુ નાણાકીય વર્ષના રાજકોષીય ખાદ લક્ષ્યમાં ઢીલ આપવી પડી શકે છે. આર્થિક સર્વેક્ષણમાં દેશમાં વ્યવસાય કરવાને સરળ બનાવવા માટે અને સુધારો કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સર્વે અનુસાર સરકારને ચૂંટણીમાં મળેલા જનાદેશનો ઉપયોગ કરતા આર્થિક સુધારની પ્રક્રિયાને તેજીથી આગળ વધારવી જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થા પર આંતરરાષ્ટ્રીય સ્તર પર જો મંદી છે તેની ખરાબ અસર પડી છે. આ વર્ષના પહેલા બે ત્રિમાસીક ગાળામાં આર્થિક વિકાસદરમાં ઘટાડો થયો છે પરંતુ વર્ષના બીજા ભાગમાં અર્થવ્યવસ્થામાં સુધારો આવવાની શક્યતાઓ રહેલી છે. આશા છે કે વર્ષ 2019-20 ના બીજા ભાગમાં અર્થવ્યવસ્થામાં સુધારો નોંધાશે. આ સાથે જ નવો વ્યાપાર શરુ કરવા, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, કર ચૂકવણી અને કરારોના અમલીકરણને સરળ કરવા માટે ઉપાયોની જરુરિયાત બતાવવામાં આવી છે. આર્થિક સમીક્ષામાં સરકારી બેંકોની સંચાલન વ્યવસ્થામાં સુધારો અને ભરોસો સ્થાપિત કરવા માટે વધારે સુચનાઓ સાર્વજનિક રુપે પ્રકાશિત કરવા પર જોર આપવા માટે કહેવામાં આવ્યું છે.

આર્થિક સર્વે અંતર્ગત દેશની આર્થિક સ્થિતિ વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવે છે. આખા વર્ષમાં દેશમાં વિકાસ ટ્રેન્ડ શું રહ્યો? કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું? કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો? કઈ યોજનાઓને કયા પ્રકારે અમલી બનાવાઈ? વગેરે જેવા તમામ મુદ્દાઓ પર આ સર્વેમાં માહિતી આપવામાં આવે છે. અર્થવ્યવસ્થા, પૂર્વાનુમાન અને નીતિગત સ્તર પર પડકારો સંબંધિત વિસ્તૃત સૂચનાઓનો પણ આમાં સમાવેશ થાય છે.

આમાં તમામ રાજ્યો કે ક્ષેત્રોની સ્થિતિની રુપરેખા અને સુધારાના ઉપાયો મામલે જણાવવામાં આવે છે. આ સર્વેક્ષણ ભવિષ્યમાં બનાવવામાં આવનારી નીતિઓ માટે એક દ્રષ્ટીકોણ પર કામ કરે છે. આર્થિક સર્વેક્ષણ દેશની આર્થિક સ્થિતિનો અરીસો હોય છે એટલા માટે આના દ્વારા આગામી બજેટમાં કયા ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે, આની એક ઝલક મળી જાય છે.

યુરોપિયન સંસદે CAA પર મતદાન મુલતવી રાખ્યું

ભારતે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) ભારતનો આંતરિક મામલો છે; ભારતની સંસદના બંને ગૃહોમાં તેને બહુમતીથી પસાર કરાયો છે અને તેના વિશેની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી; તેથી તેનો વિરોધ કરવો વિદેશી સરકારો માટે વાજબી નથી. આ ચેતવણી પછી CAA મુદ્દે દાખલ થયેલા ઠરાવો પર મતદાન કરવાનું યુરોપિયન સંસદે મુલતવી રાખ્યું છે. યુરોપિયન સંસદ એટલે કે યુરોપના દેશોએ ભેગા મળીને બનાવેલા યુરોપિય સંઘની સંસદ, જેમાં 6 જુદા જુદા ઠરાવો દાખલ થયા હતા. 29 તારીખે તેને ચર્ચા પર મૂકાયા હતા અને 30 તારીખે તેના પર ચર્ચા થવાની હતી, પણ ભારતતરફી સાંસદોના દબાણ પછી મતદાન મુલતવી રખાયું છે. આગામી માર્ચ સુધી તેના પર હવે મતદાન થશે નહિ.

 

આગામી માર્ચ મહિનામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રસેલ્સની મુલાકાત લેવાના છે. બ્રસેલ્સમાં જ યુરોપિય સંઘની સંસદ બેસે છે. આ મુલાકાત રદ થાય અને યુરોપિય સંઘ ઉપરાંત યુરોપના જુદા જુદા દેશો સાથે ભારતના સંબંધો પર સીધી અસર થાય તેમ હતી. તેથી આખરે મતદાન ટાળી દેવાયું છે અને ભારતને વધુ એક રાજદ્વારી સફળતા મળી છે. કલમ 370 નાબુદી વખતે પણ ભારતે મક્કમતાપૂર્વક વિશ્વના દેશોને જણાવ્યું હતું કે આ આંતરિક મામલો છે અને તેના વિશે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ચર્ચા ચલાવી લેવામાં આવશે નહિ.

યુરોપિય સંસદમાં કુલ 751 સભ્યો છે, તેમાંથી 560 તરફથી છ ઠરાવોને ચર્ચા માટે મંજૂર કરાયા હતા. જુદા જુદા જૂથોએ રજૂ કરેલા ઠરાવને મેજ પર મૂકવા આટલું સમર્થન જોયા પછી ભારતે પોતાના રાજદ્વારી પ્રયાસો તેજ કરી દીધા હતા. CAA ઉપરાંત ઠરાવોમાં NRCનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના કારણે ભારતે આકરું વલણ લીધું હતું અને કહ્યું હતું કે જેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ તેની વાત કેવી રીતે થઈ શકે. ઉપરાંત સાર્વભૌમ દેશને પોતાના કાયદા કરવાનો અધિકાર છે. કોને દેશમાં પ્રવેશ આપવો, કોને નાગરિકત્વ આપવું તે દેશનો અધિકાર છે. અમેરિકા ઉપરાંત યુરોપના ઘણા દેશોમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, ત્યારે ભારતની દલીલ સ્વીકાર્યા સિવાય છુટકો નહોતો. પોતાને ત્યાં ઇમિગ્રન્ટ્સનો વિરોધ અને ભારતની બાબતમાં બેવડા ધોરણ ચાલે તેમ નહોતા.

યુરોપિય સંઘે બધા ઠરાવોને સંયુક્ત રીતે ચર્ચામાં લઈને આખરે તેના પર મતદાન કરવાનું પણ નક્કી કર્યું હતું. છ ઠરાવમાં એક ઠરાવ એવો પણ હતો કે માર્ચમાં ભારતના વડા પ્રધાન બ્રસેલ્મની મુલાકાતે આવે ત્યારે તેમની સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવી. જોકે હવે મતદાન અટક્યું છે, ત્યારે મુલાકાત વખતે પણ આવા કોઈ મુદ્દાને છેડવામાં ના આવે તે માટે ભારતનું દબાણ રહેશે.

ભારતે દબાણ ઉપરાંત મિત્રતાનો વ્યૂહ પણ અપનાવ્યો હતો. યાદ હશે કે ત્રણેક મહિના પહેલાં યુરોપના દેશોના, મોટા ભાગે જમણેરી પક્ષોના 22 જેટલા સાંસદોને કાશ્મીરની મુલાકાતે લઈ જવાયા હતા. મુલાકાત સમગ્ર રીતે ગોઠવેલી હતી, પણ ભારતને છે તેવી જ ચિંતા ધરાવતા આ સાંસદોને ભારતે સાધ્યા હતા, જે ડિપ્લોમસીની રીત છે. આ સાંસદો ઉપરાંત થોડા વખત પહેલાં ભારત ખાતેના જુદા જુદા દેશોના રાજદૂતોને પણ કાશ્મીરની યાત્રાએ લઈ જવાયા હતા. યાત્રા ભલે પ્રચારાત્મક હોય, પણ તેનાથી ભારત માહોલ ઊભો કરી શકે છે. તે પ્રવાસમાં જોડાવા માટે યુરોપિય રાજદૂતો તૈયાર થયા નહોતા, પણ તેમને અલગથી કાશ્મીર લઈ જવાની સરકારની ગણતરી છે.

પરંતુ ઠરાવ આવવાનો અને મતદાન થવાનું બાકી હતું, કદાચ તેથી જ રાજદૂતોએ ત્યારે ના પાડી હતી. હવે મતદાન ટળી ગયું છે, ત્યારે કદાચ પ્રવાસ યોજાશે. યુરોપિય રાજદૂતોને અનુકૂળ તારીખો પર વિચાર થઈ રહ્યો છે તેવું વિદેશ મંત્રાલયના વર્તુળોએ જણાવ્યું હતું.

 

કાશ્મીર અને CAA બાબતમાં ભેદભાવ અને ભારતના વલણની ટીકા થઈ હતી. ઠરાવ B9-0077/2020 થી B9-0082/2020 એમ છ ઠરાવો હતા. ઠરાવોને બહુમતી સાથે દાખલ કરાયા ત્યારથી જ ભારતે પ્રયાસો શરૂ કરી દીધા. જોકે આ બાબતમાં સત્તાવાર  રીતે ભારતના વિદેશ મંત્રાલયે કોઈ ટીપ્પણી કરી નહોતી. પરંતુ સત્તાવાર વર્તુળોએ જુદા જુદા મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી કે ભારત પાસેથી હકીકતો જાણ્યા વિના આવા ઠરાવ કરવા યુરોપિય સંસદને શોભે નહિ.

યુરોપિયન કમિશનના વાઇસ-પ્રેસિડેન્ટ જોસેફ બોરેલે ‘ભારતના સિટિઝનશીપ (એમેન્ડમેન્ટ) ઍક્ટ, 2019’ વિશે નિવેદન આપીને ઠરાવોને ચર્ચા માટે મૂક્યા હતા. બધા ઠરાવોને ભેગા કરીને સંયુક્ત ઠરાવ કરવાની ગણતરી હતી, પણ તેમ થઈ શક્યું નથી. અગાઉ કલમ 370ના મુદ્દે પણ સપ્ટેમ્બર 2019માં યુરોપિય સંસદે ચર્ચાઓ કરી હતી, પણ છેલ્લી ઘડીએ મતદાન કરાયું નહોતું.

ભારતે ખાસ કરીને એવી દલીલો કરી હતી કે નાગરિકતા કોને, કેવી રીતે આપવી તે બાબતમાં યુરોપના મોટા ભાગના દેશોમાં આવું જ વલણ લેવાયેલું છે. તેથી ભારત સામે ઠરાવ થશે તો યુરોપનું બેવડું ધોરણ જ ખુલ્લું પડી જશે, એમ ભારતીય વર્તુળોએ જણાવ્યું હતું.

રાબેતા મુજબ ઠરાવોમાં માનવ અધિકારોના આંતરરાષ્ટ્રીય ધોરણોનો ભારતમાં થતો ભંગ, કાશ્મીરમાં રાજકીય નેતાઓની અટકાયત, સંદેશવ્યવહાર પર પ્રતિબંધો, CAAના વિરોધમાં દેખાવો કરનારા પર ઉત્તર પ્રદેશમાં પોલીસનો ગોળીબાર વગેરે ઉલ્લેખો કરીને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લવાશે તો મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રીયતા ગુમાવશે અને મુશ્કેલીમાં મૂકાશે વગેરે ચિંતા વ્યક્ત થઈ હતી. ઠરાવોની ચર્ચાની શરૂઆતમાં નિવેદન આપનારા બોરેલ આ મહિને જ ભારત આવ્યા હતા.

રાઇસીના ડાયલોગ્ઝ પરિષદમાં ભાગ લેવા આવ્યા હતા. તે દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન જયશંકર સાથે તેમણે અલગથી મુલાકાતો કરી હતી. તે દરમિયાન આ મુદ્દાઓ ચર્ચાયા હતા અને ભારતનું વલણ સ્પષ્ટ કરાયું હતું તેમ રાજદ્વારી વર્તુળો જણાવે છે.

ઠરાવોમાં CAA સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે ચર્ચા કરવી જોઈએ, કાશ્મીરમાંથી પ્રતિબંધો હટાવી લેવા જોઈએ તથા સમાનતાની ભાવનાને ધ્યાનમાં રાખીને CAA વિશે પુનઃવિચાર કરવો જોઈએ તેવા સૂચનો પણ હતા, પણ હવે મતદાન નથી થયું ત્યારે આ ઠરાવોનો કોઈ અર્થ રહ્યો નથી.

બીજું 13 માર્ચે યુરોપિયન યુનિયન-ભારતની શીખર પરિષદ મળવાની છે, તે પહેલાં ભારત પોતાના રાજદ્વારી પ્રયાસો તેજ કરીને હજી પણ ઘણા યુરોપિય સાંસદોને અલગ પાડી દેવાની કોશિશ કરશે. માર્ચ પહેલાં કદાચ કેટલાક યુરોપિય રાજદૂતોની કાશ્મીરની મુલાકાત પણ યોજાશે. દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટુજી ઇન્ટરનેટ શરૂ કરાયું છે. માર્ચમાં આકરો શિયાળો પૂરો થશે તે સાથે કાશ્મીરમાં વાહવવ્યવહાર પણ ફરીથી ચાલતો થશે તે બધી બાબતોની રજૂઆત ભારત કરી શકશે.

નરેન્દ્ર મોદી બ્રસેલ્સમાં આ શીખર પરિષદમાં ભાગ લેવા જાય તે પહેલાં યુરોપના બીજા દેશો સાથે પણ ડિપ્લોમેટિક પ્રયાસો થતા રહેશે. બ્રેક્ઝિટનો નિર્ણય લેવાઈ ગયો છે અને બ્રિટનમાંથી યુરોપિય સંઘમાં ગયેલા સાંસદ અને ઠરાવ લાવનારા એક સાંસદની વિદાય પણ કદાચ થઈ ગઈ હશે. એક ઠરાવમાં ભારત અને યુરોપિય સંઘ વચ્ચેની શીખર પરિષદ વખતે બ્રસેલ્સમાં ભારતની પીએમ સાથે ચર્ચા કરવાની વાત પણ હતી. ભારત આ મુદ્દે અલગથી ચર્ચા નહિ સ્વીકારે તે સ્પષ્ટ છે. યુરોપના દેશોને ભારત સાથે સારા સંબંધો, વેપારી સંબંધોમાં રસ હોય ત્યારે આ પ્રકારના બેવડાં ધોરણો ભારત સ્વીકારી શકે નહિ.

મોટો હુમલો કરવા જમ્મૂ-કાશ્મીરમાં ઘુસ્યા આતંકીઓ, સેનાએ કર્યા ઠાર

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર તરફ જઈ રહેલા આતંકવાદીઓએ ઘાટીમાં જવાના પ્રયત્નમાં નગરોટા નજીક સુરક્ષા દળોની નાકાબંધી કરીને ઉભેલી ટીમ પર ચેકીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો. આમાં એક આતંકી ઘાયલ થયો છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, આતંકવાદીઓનું આ સમૂહ શ્રીનગર તરફ જઈ રહ્યું હતું અને શક્યતાઓ છે કે તેમણે કઠુઆ, હીરાનગર બોર્ડર પરથી ઘુસણખોરી કરી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

શક્યતાઓ છે કે, આ આતંકીઓનું ષડયંત્ર આત્મઘાતી હુમલો કરવાનું હતું. આતંકવાદી ટ્રકમાં છુપાઇને ઘાટીમાં ઘૂસવાની ફિરાકમાં હતા. તેમનો પ્રયત્ન કાશ્મીરમાં પ્રવેશ કરવાનો હતી. અત્યાર સુધી 3 આતંકીઓને ઠાર કરાઇ ચૂકયા છે. સુરક્ષાબળોએ ઘટનાસ્થળ પર મોટી માત્રામાં હથિયાર જપ્ત કર્યા છે.

અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જમ્મૂ-શ્રીનગર બાઇવે પર અત્યારે ટ્રાફિકને રોકી દેવાયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી મુકેશ સિંહનું કહેવું છે કે ક્ષેત્રમાં 4થી વધુ આતંકી હોઇ શકે છે. આખા ક્ષેત્રને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે પોલીસે જમ્મુ-શ્રીનગર હાઇવે પર બનેલા ટોલ પ્લાઝા પર શ્રીનગર જઇ રહેલી એક ટ્રકને રોકી તો ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થઇ ગયો જ્યારે એક આતંકવાદીને ઠાર કરાયો. એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે મૃત્યુ પામેલા આતંકીએ સેનાની વર્દી પહેરી રાખી હતી. આતંકી હુમલા માટે કાશ્મીર ઘાટીમાં ઘૂસવાની ફિરાકમાં હતા. આ બધાની વચ્ચે જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી મુકેશ સિંહે કહ્યું કે એક આતંકવાદીને ઠાર કરી દીધો છે. 3 આતંકી હજી છે અને એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આની પહેલાં ગુરૂવારના રોજ જમ્મુ-કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં સુરક્ષા બળોએ એક આતંકીને પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આતંકી હિઝબુલ મુઝાહિદ્દીનના છે. તેમની ઓળખ ફયાઝ મીર તરીકે થઇ છે.

તો મંગળવારના રોજ ઉતર કાશ્મીરના બારામુલ્લાથી લશ્કર-એ-તૈયબાના આતંકીને ધરપકડ કરી હતી. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું કે બાંદીપોર જિલ્લાના હાજિન નિવાસી સજ્જાદ અહમદ ડાર ઉર્ફે અદનાનને બારામુલ્લા સ્થિત પટ્ટનના અંદેરગમ ગામથી પકડી પાડ્યો.

એક મોટા ઓપરેશન બાદ બંધક બનાવાયેલા 23 બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા

ફરુખાબાદઃ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા 23 બાળકોને સ્થાનિક પોલીસે 11 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં આરોપી ઠાર માર્યો ગયો છે. ઉત્તર પ્રદેશના DGP ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે બદમાશને વ્યસ્ત રાખ્યો હતો અને પોલીસે પાછળના દરવાજેથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં તેનું મોત થયું છે. જેમાં સુભાષ બાથમ ઠાર માર્યો ગયો હતો. ઘર્ષણમાં ઓરોપીની પત્ની પણ ઘાયલ થઇ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસની ટીમને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

જિલ્લાના મોહમ્દાબાદ વિસ્તારમાં જેલમાંથી જામીન પર બહાર આવેલ સુભાષે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકોને પોતાના ઘરે બોલાવ્યા હતાં. બાળકોને મુક્ત કરાવવા માટે પહોંચેલી પોલીસ પર આરોપીએ ફાયરિંગ કરતા 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે આરોપીના એક મિત્રને સમજાવવા માટે અંદર મોકલ્યો હતો, તેને પણ ગોળી વાગી છે. આરોપીએ 6 વખત ગોળીબાર કર્યો હતો અને ઘરની બહાર હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. આરોપીએ બાળકોને અંડરગ્રાઉન્ડ રૂમમાં બંધ કરી દીધા હતાં. આરોપીએ 35 કિલોગ્રામ દારૂગોળાથી આખા ઘરને ફૂંકી મારવાની ધમકી આપી હતી.

ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલા પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્ય સેક્રેટીર, ડીજીપી, એડીજી લો એન્ડ ઓર્ડર અને ગૃહ વિભાગના પ્રમુખ સચિવને યોગીએ બાળકોને સુરક્ષિત છોડવાવા માટે તાત્કાલિક એક્શન લેવા માટે આદેશ આપ્યો હતો. બાદમાં યોગીએ ફરુખાબાદના ડીએમ અને એસપી સાથે ચર્ચા કરી. યોગીએ વીડિયો કોન્ફોરન્સિંગ કરીને ફરુખાબાદ પોલિસની ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે કલાકોથી ફારુખાબાદ પોલીસ શું કરી રહી હતી. કોઈ પણ રીતે બાળકો અને મહિલાઓને મુક્ત કરાવવામાં આવે. ત્યાર બાદ પોલીસની કાર્યવાહીમાં આરોપી ઠાર મરાયો હતો.

ઈલિયાનાની સ્વિમસૂટ તસવીરોએ ઈન્ટરનેટ પર લાવી દીધી ગરમી…

બોલીવૂડ અભિનેત્રી ઈલિયાના ડીક્રૂઝે સ્વિમસૂટમાં સજ્જ થયેલી પોતાની નવી મોહક તસવીરો સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર ગરમી લાવી દીધી છે. તસવીરની કેપ્શનમાં એણે લખ્યું છે, મારે થોડાક ‘વિટામીન Sea’ની જરૂર છે.

આજથી બે દિવસ બેન્ક હડતાળ છે; ATM સેવાને પણ અસર થઈ શકે છે

મુંબઈ – જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓના સંગઠનો આજથી બે દિવસ માટે રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. એને કારણે બેન્કિંગ સેવાઓને માઠી અસર પડી શકે છે.

કર્મચારીઓના પગાર વધારાના મુદ્દે બેન્કોના વહીવટીતંત્ર સાથે થયેલી વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કર્મચારીઓના સંગઠનોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. બેન્ક કર્મચારીઓના સંગઠનો કર્મચારીઓના પગારમાં 20 ટકા વધારાની માગણી કરી રહ્યા છે. ભૂતકાળમાં કરાયેલી પગાર સમજૂતી અનુસાર એમને કર્મચારીઓને 15 ટકા પગાર વધારો મંજૂર કરાયો હતો.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું છે કે બેન્કકર્મીઓની હડતાળને કારણે એસબીઆઈની કામગીરીઓ ખોરવાઈ જવાનો સંભવ છે.

હડતાળને કારણે રોકડ જમા કરાવવા, ઉપાડવા, ચેક ક્લીયરન્સ, ઈન્સ્ટ્રૂમેન્ટ (ચેકબુક સહિત) ઈસ્યૂ કરવા, લોન છૂટી કરવા જેવી કામગીરીઓને અસર પડી શકે છે.

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના એક ટોચના સભ્યના જણાવ્યા મુજબ હડતાળમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની કેટલીક બેન્કોના 10 લાખ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાશે. દેશભરમાં બે દિવસ સુધી 80 હજાર બેન્ક શાખાઓ બંધ રહેશે.

જોકે ખાનગી ક્ષેત્રની ICICI Bank અને એચડીએફસી બેન્ક ખુલ્લી રહેશે.

આજથી બે દિવસ હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેન્કો બંધ રહેશે. શુક્રવાર-શનિવાર હડતાળ અને રવિવારે અઠવાડિક રજાને કારણે. બેન્કો હવે સોમવારે 3 ફેબ્રુઆરીએ ખૂલશે.

3 દિવસ બેન્કિંગ કામગીરીઓ બંધ રહેશે એટલે એટીએમ મશીનોમાં પણ ચલણી નોટો ખલાસ થઈ જવાનો સંભવ રહેશે.

દેશભરમાં કુલ 9 બેન્ક કર્મચારી સંગઠનો હડતાળમાં જોડાયા છે. આ તમામ સંગઠનો યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના નેજા હેઠળ એકત્ર થયા છે.

આવતીકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે દેશભરમાં બેન્કકર્મચારીઓ હડતાળ પર હશે.