લાંબાગાળાના રોકાણની તૈયારી હોય તો ઈક્વિટીમાં હાલ પ્રવેશ કરી શકાય

વૈશ્વિક અર્થતંત્ર માટે ‘એક બાજુ ખાઈ અને બીજી બાજુ કૂવો’ની સ્થિતિ છે. કામકાજ ચાલુ રાખીએ તો કોરોનાના દરદીઓ ઘણા મોટા પ્રમાણમાં વધી જાય અને લોકડાઉન રાખીએ તો અર્થતંત્ર વધુ માંદું બને. આવી સ્થિતિમાં જનતા પર બમણો બોજ આવી રહ્યો છે. એક બાજુ આરોગ્યની અને બીજી બાજુ આર્થિક સ્થિતિની ચિંતા પ્રવર્તે છે. આવા વાતાવરણમાં યોગ્ય આર્થિક આયોજન ઘણું ઉપયોગી થતું જોવા મળ્યું છે. જેમની પાસે આયોજન ન હતું તેઓ બધા મુશ્કેલીમાં આવી ગયા છે.

આવા વખતમાં કહેવાય છે કે જેની પાસે કૅશ છે એ કિંગ છે. અત્યારે શેરબજારમાં ધીમેધીમે સુધારો થતો જણાય છે. આજની તારીખે પણ ઘણા સ્ટૉક્સના ભાવ આકર્ષક હોવાથી રોકાણકારોને ખરીદી કરવની તક દેખાઈ રહી છે. સમય બદલાયો છે. એક સમયે લોકો કટોકટીના આવા વખતે શેરબજારમાં પ્રવેશ કરતાં ડરતા હતા. હવે એક અહેવાલ અનુસાર ગત ઑક્ટોબર-ડિસેમ્બરના ગાળાની તુલનાએ જાન્યુઆરીથી માર્ચના ગાળામાં નવાં ડિમેટ અકાઉન્ટની સંખ્યામાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે. આંકડાઓ દર્શાવે છે કે લોકોના વિચારો બદલાઈ ગયા છે.

છેલ્લા થોડા વખતમાં નિફ્ટી 7,610ની 8 એપ્રિલ, 2016 પછીની નીચામાં નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે સેન્સેક્સ પણ 26 ડિસેમ્બર, 2016 પછી પહેલી વાર 25,981ની નિમ્નતમ સપાટીએ પહોંચ્યો હતો. ઈતિહાસ સાક્ષી છે કે શેરબજારમાં ઘણી વાર કડાકા-ભડાકા થયા છે, પરંતુ બજાર કડડભૂસ થયાનાં ત્રણથી પાંચ વર્ષના ગાળામાં ઘણું વધી જતું જોવાયું છે.

અત્યારે ઈક્વિટીમાં રોકાણ કરવાનું આકર્ષક લાગે એ સ્વાભાવિક છે, પરંતુ પૂરતું હોમવર્ક કર્યા વગર કૂદવું નહીં. કોઈ પણ રોકાણ લક્ષ્ય આધારિત હોવું જોઈએ. જો લાંબા સમય સુધી રોકાણ યથાવત્ રાખવાની તૈયારી હોય તો જ ઈક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો.

જો તમે ઈક્વિટીમાં જાતે અથવા મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરેલું રોકાણ તમારા નાણાકીય લક્ષ્યને અનુરૂપ હોય તો અધવચ્ચેથી એ રોકાણ કાઢી મૂકવાની ઉતાવળ કરવી નહીં. એમ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે.

અત્યારે ક્લાયન્ટ્સ ફોન કરીને પૂછી રહ્યા છે કે તેમણે હાલ ઈક્વિટીની ખરીદી કરવી કે નહીં. એમને જણાવવાનું કે શેરબજારની ભાવચંચળતા ટૂંકા ગાળામાં ચિંતાપ્રેરક હોય છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો એની ચિંતા કરતા નથી.

આથી જ ઈક્વિટીમાં રોકાણ લાંબા ગાળાનું જ હોવું જોઈએ. અત્યારે બજાર થોડું વધી રહ્યું છે એ જોઈને મોટાપાયે રોકાણ કરવાની ઉતાવળ કરાય નહીં. બજારમાં એક સાથે રોકાણ કરવાને બદલે નિયમિત સમયાંતરે થોડું-થોડું રોકાણ કરતાં જવું.

અત્યારે ઘરે બેસીને દૂરદર્શન પર રામાયણ જોનારના ગળે સહેલાઈથી ઉતરી એક વાત કહું છું. સંજીવની જડીબુટ્ટી કઈ છે એની જાણ નહીં હોવાથી હનુમાનજી આખો પર્વત ઉંચકીને લઈ આવે છે. આ જ રીતે જેમને કયો સ્ટૉક ખરીદવો એ સમજ પડતી ન હોય એમના માટે ઇન્ડેક્સ ફંડ ઉપયુક્ત કહી શકાય. આવાં ફંડ શેરબજારમાં ખરીદી કરવા માટે નિફ્ટી કે સેન્સેક્સ જેવા બેન્ચમાર્કનું જ અનુકરણ કરતાં હોય છે. ફંડ મૅનેજરો એમાં સક્રિય નિર્ણય લેતા નહીં હોવાથી નિર્ણય લેવામાં રહેલી માનવીય ભૂલોને નિવારી શકાય છે.

વળી, એનાથી પોર્ટફોલિયોનું જાતે જ ડાઇવર્સિફિકેશન થઈ જાય છે, કારણ કે ઇન્ડેક્સમાં બધાં જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના સ્ટૉક્સનું પ્રતિનિધિત્વ હોય છે. ઉપરાંત, ઇન્ડેક્સ ફંડના સંચાલનનો ખર્ચ પણ ઓછો લાગતો હોય છે.

આથી કહેવાનું કે વર્તમાન સંજોગોમાં સક્રિય રીતે સંચાલિત ફંડને બદલે ઇન્ડેક્સ ફંડ પર પસંદગીનો કળશ ઢોળી શકાય. અને ફરી એક વખત કહેવાનું કે ઈક્વિટીમાં રોકાણ લાંબા ગાળા સુધી રાખી મૂકવાની તૈયારી હોવી જરૂરી છે.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)