આવ્યો જૈવિક શસ્ત્રોનો જમાનોઃ શું ભારત આ પડકાર માટે તૈયાર છે?

કોરોનાના કહેરે આખી દુનિયાને હચમચાવી દીધી છે. વિશ્વના સૌથી શક્તિશાળી અને સુપરપાવર ગણાતા અમેરિકા જેવા દેશો પણ એની સામે લાચાર બનીને ઘૂંટણિયે પડેલા દેખાય છે. કોરોનાની રસી કે ઉપચાર કદાચ આવતીકાલે શોધાઇ જાય અને આ મહામારી નાબૂદ થાય તો પણ આ આફત પૂરા વિશ્વના રાજકારણ પર લાંબી અસર છોડી જશે એ નક્કી છે. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડીરેક્ટર અને સીઇઓ આશિષ ચૌહાણ નો આ ખાસ લેખ… 

——————————————————–

ર્ષ 2020 પછી વિશ્વમાં કોની આણ પ્રવર્તે છે એનો નિર્ણય કોઈ એક દેશ કે દેશોના સમૂહની જૈવિક શસ્ત્રો બનાવવાની તથા પોતાના લોકોને તેનાથી બચાવવાની ક્ષમતા પર નિર્ભર હશે.

કોરોના વાઇરસે અત્યારે સમગ્ર વિશ્વને ઘમરોળી નાખ્યું છે. આ અતિસૂક્ષ્મ વિષાણુએ માત્ર આરોગ્યની દૃષ્ટિએ નહીં, સામાજિક, રાજકીય, આર્થિક તમામ રીતે દુનિયામાં મોટાં-મોટાં પરિવર્તનો લાવવાની શરૂઆત કરી દીધી છે. ભલભલા ખમતીધરોને હચમચાવી દીધા છે. અમુક લોકોએ એને જૈવિક શસ્ત્રનો પ્રયોગ ગણાવ્યો છે. દુનિયા પર પોતાનું આધિપત્ય જમાવવાની માણસની મહત્ત્વાકાંક્ષાએ અત્યાર સુધીમાં કેટકેટલાંય યુદ્ધોને જન્મ આપ્યો છે.

તો ચાલો, આ વિષયમાં થોડા ઊંડા ઊતરીએ.

અત્યાર સુધીનાં મોટાં-મોટાં યુદ્ધોમાં સામસામા પક્ષોનું સાંસ્કૃતિક, આર્થિક કે સામાજિક નહીં પરંતુ વિજ્ઞાન-તંત્રજ્ઞાનનું ચડિયાતાપણું જોવા મળ્યું છે. બીજું વિશ્વયુદ્ધ યુરોપિયન સત્તાઓ વચ્ચે લડાયું હતું. તેમાં પણ બીજાં અનેક યુદ્ધોની જેમ વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની ભૂમિકા મોટી હતી. એક રીતે જોવા જઈએ તો બીજું વિશ્વયુદ્ધ એ પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યાર બાદ ફેલાયેલા સ્પેનિશ ફ્લુની જ નીપજ હતું. આમ કહેવાનું કારણ એ કે પ્રથમ વિશ્વયુદ્ધ અને સ્પેનિશ ફ્લુને પગલે મહામંદી ફેલાઈ તથા અમેરિકાએ નવી સંધિ કરી. તેને પગલે બીજું વિશ્વયુદ્ધ ખેલાયું અને સત્તાનું નવું વૈશ્વિક માળખું રચાયું.

બીજું વિશ્વયુદ્ધ અલગ પ્રકારનું હતું, કારણ કે એ વિજ્ઞાન અને તંત્રજ્ઞાનના આધારે લડાયેલું યુદ્ધ હતું. કાર, રણગાડીઓ, સબમરિન, અત્યાધુનિક શસ્ત્ર સરંજામ, જહાજો, બૉમ્બ, યુદ્ધજહાજો, વગેરે બધાનો આ જ યુદ્ધ દરમિયાન મોટાપાયે ઉપયોગ થયો હતો. જર્મની, યુનાઇટેડ કિંગડમ વગેરે જેવા અનેક દેશોએ પોતાની લગભગ સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ યુદ્ધ માટેના શસ્ત્રસરંજામનું ઉત્પાદન કરવા માટે કર્યો હતો. મનુષ્યની બધી શક્તિ મુખ્યત્વે યુદ્ધના કામસર ખર્ચાઈ હતી.

ખરો વિજેતા કોણ?

એમ તો વિજ્ઞાન અને તંત્રજ્ઞાન બધા જ દેશોમાં સરખેસરખા પ્રમાણમાં વહેંચાયેલાં હતાં. યુદ્ધમાં સંકળાયેલા પ્રદેશો પણ મુખ્યત્વે યુરોપિયન હતા. યુનાઇટેડ કિંગડમ અને તેના સાથી પક્ષોની પાસે વિશાળ સૈન્ય હતું, કારણ કે એમણે અનેક સદીઓથી વિશ્વભરના કેટલાય દેશોને ગુલામ રાખેલા હતા. યુનાઇટેડ કિંગડમની તાકાત પ્રચંડ દેખાતી હતી, પરંતુ એ બધી કાગળ પર હતી. વર્ષોનાં વર્ષો સુધી યુદ્ધમાં શતરંજની મડાગાંઠ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ ખરો વિજેતા કોણ છે એ નક્કી થઈ શક્યું ન હતું.

યુદ્ધ છેડાયું એ વખતે અને યુદ્ધ દરમિયાન પરમાણુની પ્રચંડ શક્તિ વિશે વિચાર થવા લાગ્યો હતો. આધુનિક અણુવિજ્ઞાનનું મોટાભાગનું પાયાનું કાર્ય યુરોપમાં થયું હતું. જર્મનીએ પોતાની પાસેની સમજના આધારે અણુબૉમ્બ રચવાનું કામ શરૂ કરી દીધું હતું. રશિયા, યુનાઇટેડ કિંગડમ અને બીજા અનેક દેશોએ પણ પોતપોતાની રીતે કાર્ય આદર્યું હતું.

દરમિયાન, જર્મની તથા બીજા અનેક દેશોમાં યહૂદીઓની કત્લેઆમ થવાને લીધે યહૂદીઓએ અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના વગેરે જેવા નવા વિકાસ પામેલા દૂરના દેશો તરફ દોટ મૂકી હતી. અમેરિકા પોતાનું કદ વિસ્તારી રહ્યું હતું અને શરૂઆતમાં એણે યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે કોઈ મોટો ભાગ ભજવ્યો ન હતો. એક તબક્કે અમેરિકાને પોતાના પક્ષે લાવવા માટે યુનાઇટેડ કિંગડમે જહેમત ઉઠાવવી પડી હતી. અમેરિકા યુદ્ધભૂમિથી ઘણો દૂરનો પ્રદેશ હતું અને એ અંતરને લીધે જ દુશ્મન પક્ષના હુમલાઓથી કુદરતી રીતે રક્ષણ પામેલું હતું.

યહૂદી વિજ્ઞાનીઓને આશ્રય

બીજી બાજુ, યુદ્ધના વાતાવરણથી દૂર અમેરિકાએ યહૂદી વિજ્ઞાનીઓ સહિતના સંખ્યાબંધ યુરોપિયન વિજ્ઞાનીઓને આશ્રય આપ્યો હતો. એમના માટે રહેવાની વ્યવસ્થા કરવા ઉપરાંત વિદ્યાપીઠોમાં શિક્ષણકાર્ય કરવાની વ્યવસ્થા કરી આપી હતી. એમને સગવડો અને આદર આપવા ઉપરાંત એમને પોતાના પ્રયોગો કરવા માટે પ્રયોગશાળાઓ પૂરી પાડવામાં આવી હતી.

યુરોપથી આવેલા વિજ્ઞાનીઓમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ હતા. એમની સાપેક્ષતાની તથા બીજી અનેક થિયરીને લીધે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. મેનહટ્ટન પ્રૉજેક્ટ માટે અનેક વિજ્ઞાનીઓએ ભેજાં કસ્યાં હતાં. એ પ્રૉજેક્ટ હેઠળ અમેરિકાના પશ્ચિમી છેવાડાના રણ વિસ્તાર ખાતે ન્યૂ મેક્સિકોના લોસ અલામોસ નામની એક પ્રયોગશાળામાં અણુબૉમ્બ બનાવવા માટે ગુપ્ત રીતે કામ ચાલી રહ્યું હતું. પહેલો અણુબૉમ્બ આ જ પ્રયોગશાળામાં બનાવાયો હતો.

બધા શક્તિશાળી દેશો પોતપોતાના અણુબૉમ્બ બનાવવા પ્રયત્નશીલ હતા. અમેરિકાએ લોસ અલામોસની નજીકના અલામોગોર્ડોમાં 16 જુલાઈ, 1945ના રોજ પહેલી વાર અણુબૉમ્બનું સફળ પરીક્ષણ કર્યું અને બીજા દેશોથી આગળ નીકળી ગયું.

અણુબૉમ્બનું મહત્વ

બીજા વિશ્વયુદ્ધમાં અણુબૉમ્બનું મહત્વ એટલું વધી ગયું કે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર 1945ની 6 ઑગસ્ટ અને 9 ઑગસ્ટ એમ સાવ નજીકના બે દિવસોએ અણુબૉમ્બનો પ્રહાર કરીને હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને બીજા લાખોને પંગુ કે કુરૂપ બનાવી દીધા. જાપાન બધી જ રીતે શરણે આવ્યું અને કહેવા માટે તો બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, પરંતુ સર્વોપરિતા માટેની હોડ ચાલુ રહી.


ત્યાર પછીનાં 70 વર્ષોમાં સોવિયેત સંઘ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન તથા બીજા કેટલાક દેશોએ ખુલ્લેઆમ કે ગુપ્ત રીતે અણુબૉમ્બ બનાવી લીધા. અમેરિકા અને સોવિયેત સંઘ બન્ને પાસે સમાન અણુશક્તિ હોવાનું કહેવાતું હતું. એમની વચ્ચેની રસાકસી એટલે 40 વર્ષ કરતાં વધુ સમય ચાલેલું શીતયુદ્ધ. જેમણે જેમણે અણુશક્તિ વિકસાવી લીધી હતી એમણે હંમેશાં એ જ ઈચ્છા રાખી કે તેમના સિવાય બીજું કોઈ અણુબૉમ્બ બનાવે નહીં. અણુશક્તિ સમગ્ર માનવજાતિને ખતમ કરવા સક્ષમ છે. તેથી તેનાથી ધાક જમાવવામાં આવે છે. છેલ્લાં 70 વર્ષોમાં વિશ્વમાં અણુશક્તિ બનવાની જ હોડ ચાલી છે. જેની શક્તિ વધારે છે એ બધા મોટાભા બનીને બેઠા છે. ભારત પણ અણુશક્તિ બનવા પ્રયત્નશીલ છે.

હવે 2020માં અણુશક્તિનું સ્થાન જૈવિક શસ્ત્રો (બાયોલૉજિકલ વેપન્સ) લેવા લાગ્યાં હોવાનું જણાય છે. આ શસ્ત્રો પણ વિનાશક જ છે અને પરંપરાગત રીતે યુદ્ધ કર્યા વગર છૂપી રીતે તેનો ઉપયોગ કરવાનું શક્ય છે. એમાં પણ વિજ્ઞાન-તંત્રજ્ઞાનનું જ મહત્ત્વ છે. હાલ ચાલી રહેલો કોરોના વાઇરસનો રોગચાળો આ જ જૈવિક શસ્ત્રથી લડી શકાય એવા યુદ્ધનો પ્રયોગ હોવાનું કહેવાઈ રહ્યું છે. આવા અનેક વાઇરસ વિકસાવીને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય એવી સ્થિતિ જગ સામે આવીને ઊભી છે.

જે રીતે અણુશક્તિ માટે બધા દેશો વચ્ચે સ્પર્ધા જામી હતી એ જ રીતે હવે જૈવિક શસ્ત્રો માટે પણ થશે. બધા દેશો પોતપોતાની રીતે અત્યાધુનિક જૈવિક શસ્ત્રો વિકસાવશે અને પોતાના નાગરિકોનો તેનાથી બચાવ કરવા માટે તેનું મારણ પણ પહેલેથી તૈયાર રાખશે. દેશનું અસ્તિત્વ અને સાર્વભૌમત્વ ટકાવી રાખવા માટે આવશ્યક વસ્તુ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે. મનુષ્યજાતિ સામે આ એક નવો વિકરાળ પડકાર આવીને ઊભો છે. પોતે કયા પક્ષે છે એ દરેક દેશે નક્કી કરવાનું રહેશે. જો કે, વધુ મહત્વનું તો એ છે કે દરેકે પોતાના બચાવ માટેની વ્યવસ્થા પણ કરવી પડશે. એમ કર્યા વગર છૂટકો નથી.

શું ભારત આ નવા સંજોગોને પહોંચી વળવા માટે તૈયાર છે?

નવી વૈશ્વિક વ્યવસ્થામાં હવે સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વ બૅન્ક, આઇએમએફ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જી7, જી20 વગેરે સંગઠનો અપ્રસ્તુત બની ગયાં છે. હવે અલગ અલગ દેશોના નવા સમૂહો રચાશે. આપણે એમાં કયા પક્ષે હોઈશું? કોઈ પણ પક્ષે રહેવું નહીં એવી પસંદગી કરવાને હવે અવકાશ નહીં રહે. આપણે પોતાની બાજી સંભાળીને બિછાવવી પડશે. આપણે નવા પડકારોને પહોંચી વળવાનું સામર્થ્ય વિકસાવવું પડશે અને નવી વૈશ્વિક વ્યવસ્થામાં પોતાનું અલાયદું સ્થાન બનાવવું પડશે. જો એમ નહીં કરી શકીએ તો આપણા અસ્તિત્વ સામે જોખમ અને પડકારો વધી જશે.

 

આશિષ ચૌહાણ

તા.ક.
પેનિસિલિનની શોધ
બીજા વિશ્વયુદ્ધ પછી પેનિસિલિનની શોધ અને મોટાપાયે ઉત્પાદન થવા લાગ્યું તેથી અને ત્યાર બાદ બનેલી બીજી એન્ટિબાયોટિક અને જીવનરક્ષક દવાઓને કારણે મૃત્યુદર ઘટ્યો અને વિશ્વની વસતિ 70થી 80 વર્ષના ગાળામાં ત્રણથી ચાર ગણી વધી ગઈ. પેનિસિલિનની શોધ પ્રકૃતિ સામે વિજ્ઞાન-તંત્રજ્ઞાનની જીત હતી. નવા કોરોના વાઇરસ (કોવિડ 19)ને પગલે એન્ટિબાયોટિકનો સુવર્ણયુગ ખતમ થયો છે. આપણે હવે નવેસરથી વિચાર કરવો પડશે, નવા રસ્તાઓ શોધવા પડશે, નવી દિશાઓ ખોલવી પડશે અને નવા બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને નવા સંકલ્પો કરવા પડશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]