કર્ણાટકમાં કોરોના છે ને કુમારસ્વામી શરણાઇ વગાડાવે છે

બેંગ્લુરુ: કોરોના વાયરસની મહામારીના લીધે દેશમાં ચાલી રહેલા લોકડાઉનની વચ્ચે કર્ણાટક હાઇપ્રોફાઇલ લગ્નનું સાક્ષી બન્યું છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન યોજાયા. નિખિલે બેંગલુરુથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલા એક ફાર્મહાઉસમાં પૂર્વ મંત્રીની પૌત્રી રેવતી સાથે લગ્ન કર્યા. કર્ણાટકમાં લોકો મોટા લગ્ન સમારોહનો શોખ ધરાવે છે, જે ઘણા દિવસો સુધી ધામધૂમથી ચાલે છે. પણ શુક્રવારે અહીં બે રાજકીય પરિવારોના લગ્ન સમારોહમાં મહેમાનોની ગેરહાજરી જોવા મળી. પરિવારના જ સભ્યો હતા તેમ કહેવાય છે. આ લગ્ન સમારંભની તસવીરો સામે આવી છે તેમાં કયાંય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળી રહ્યું નથી. આ ઉપરાંત કોઇએ માસ્ક કે ગ્લવ્ઝ પહેર્યા નહોતા.

અભિનેતામાંથી નેતા બનેલા નિખિલે ગયા વર્ષે પરિવારના ગઢ ગણાતા માંડ્યાથી ચૂંટણી લડી પણ તેમાં તેને હારનો સામનો કરવો પડયો. લગ્નના ભવ્યાતિભવ્ય સમારંભ પહેલાં જેડીએસના નેતાએ એક વીડિયો સંદેશમાં સમર્થકોને કાર્યક્રમ સ્થળથી દૂર રહેવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમને કોવિડ-19ના ‘રેડ ઝોન’ બેંગલુરુથી શિફટ કરી દેવાયો હતો.

કુમારસ્વામીએ કહ્યું હતું કે જો કાર્યક્રમ ઘરે આયોજીત કરાય તો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું મુશ્કેલ થશે. આથી અમે અમારા ફાર્મહાઉસમાં આયોજન કરી રહ્યા છીએ. લગ્નનો નિર્ણય ડૉકટર્સની સાથે ચર્ચા કર્યા બાદ કર્યો હતો, જેમાં તેમના પરિવારના લોકો પણ સામેલ હતા.

પૂર્વ સીએમનો દાવો છે કે આ લગ્નમાં પરિવારના લગભગ 60 થી 70 લોકો સામેલ હશે. તેમણે બાદમાં મોટો સમારંભ આયોજીત કરવાનો દાવો કર્યો. આ બધાની વચ્ચે કર્ણાટકના ડેપ્યુટી સીએમ એ.નારાયણે કહ્યું હતું ક લગ્ન દરમ્યાન દિશા-નિર્દેશોનું પાલન નહીં કરાયું હોય તો પૂર્વ મુખ્યમંત્રીની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં અત્યાર સુધી કોરોના વાયરસના 300થી વધુ કેસ સામે આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]