કોવિડ-19: અમેરિકાની ભારતને 60 લાખ ડોલરની મદદ

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ સામેની લડાઈમાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. વિદેશ વિભાગ મુજબ અમરિકાએ કોરોના વાઇરસના પ્રસારને ધીમો કરવા માટે ભારતને આરોગ્ય સહાય તરીકે આશરે 60 લાખ ડોલરની મદદ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ફંડનો ઉપયોગ ભારતમાં આ વાઇરસના પ્રસારને ઓછો કરવામાં આવશે. આ મદદનો ઉપયોગ ઇમર્જન્સીની તૈયારી અને આ રોગચાળાની પ્રતિક્રિયાની સામે કરવામાં આવશે.

ભારતને આશરે 2.8 અબજ અમેરિકી ડોલરની મદદ

કોરોના વાઇરસ સામેના જંગમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પાછલાં 20 વર્ષ દરમ્યાન અમેરિકાએ ભારતને આશરે 2.8 અબજ અમેરિકી ડોલરની મદદ કરી છે, જેમાંથી 1.4 અબજ ડોલરથી વધુ તો આરોગ્ય મદદ માટે આપવામાં આવી છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટે હવે ઇમર્જન્સી સ્વાસ્થ્ય, માનવીય અને આર્થિક મદદ માટે 50 કરોડ ડોલરથી વધુની મદદની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અમેરિકાની અન્ય દેશોને આર્થિક સહાય

અમેરિકા પહેલેથી જ બહુપક્ષી અને બિનસરકારી સંગઠનો (NGO)ને રોગચાળા સામેની લડાઈમાં મદદ કરી રહ્યું છે. દક્ષિણ એશિયામાં અમેરિકાએ કોરોના વાઇરસથી લડવા માટે અફઘાનિસ્તાનને આઠ મિલિયન અમેરિકી ડોલર, બંગલાદેશને 9.6 મિલિયન ડોલર, ભૂતાનને પાંચ મિલિયન ડોલર, નેપાલને 1.8 મિલિયન ડોલર, પાકિસ્તાનને 9.4 મિલિયન ડોલર અને શ્રીલંકાને 1.3 મિલિયન ડોલરની મદદ કરી હતી.

અમેરિકામાં ગુરુવારે કોરોના વાઇરસને લીધે એક જ દિવસમાં 2500 લોકોનાં મોત થયાં છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના તાજા અહેવાલ મુજબ અમેરિકામાં અત્યાર સુધી 33,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 6,71,000થી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]