વરસાદ વરસે અને પકોડા યાદ ન આવે તેવું તો ન જ બને!
સામગ્રીઃ લીલા કાંદા 2 ઝૂડી, સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાં 2, આદુનો ટુકડો 1 ઈંચ, હીંગ ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, સફેદ તલ 2 ટી.સ્પૂન, આખા ધાણા 1 ટી.સ્પૂન, અજમો ½ ટી.સ્પૂન, વરીયાળી 1 ટી.સ્પૂન, તેલ તળવા માટે, બટેટો 1, ચણાનો લોટ 1 કપ, ચોખાનો લોટ 2 ટે.સ્પૂન, સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
રીતઃ લીલા કાંદાને ધોઈને ઝીણાં સમારી લો. આદુને ખમણીને તેમાં ઉમેરો. લીલા મરચાં ઝીણાં કટ કરીને ઉમેરો. સાથે તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, સફેદ તલ, અજમો, વરીયાળી તેમજ આખા ધાણાને અધકચરા વાટીને ઉમેરો. બટેટાને ખમણીને ઉમેરો. બધી સામગ્રીને એકસરખી મેળવી લો. જેથી તેમાંનું પાણી છૂટું પડે.
હવે તેમાં ચોખાનો લોટ મેળવીને ચણાનો લોટ થોડો થોડો ઉમેરીને ઘટ્ટ પણ થોડું ઢીલું મિશ્રણ બનાવો.
આ મિશ્રણમાંથી ચપટા ગોળ ગોળા વાળી લો.
કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. અને આ પકોડા મધ્યમ તેજ આંચે તેલમાં તળી લો.
ગરમાગરમ પકોડા સહેજ ઠંડા થાય એટલે ટોમેટો કેચ-અપ કે લીલી ચટણી સાથે પીરસો.





