પાલઘરમાં સંતોની હત્યાનો એક પણ આરોપી છટકી નહીં શકેઃ ઉદ્ધવ ઠાકરે

પાલઘર (મહારાષ્ટ્ર) – મુંબઈની પડોશમાં આવેલા પાલઘર જિલ્લાના ગડચિંચલે-ચૌકીપાડા ગામ ખાતે ગયા ગુરુવારે રાતે મોબ લિન્ચિંગના એક બનાવમાં બે નિહંગ સાધુ સહિત 3 જણની હત્યાની ઘટનામાં જે કોઈ સંડોવાયેલા હશે એ તમામ સામે પગલાં લેવામાં આવશે, એકેય આરોપીને છટકવા દેવામાં નહીં આવે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.

રાજ્ય સરકારે 16 એપ્રિલની એ ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

ઠાકરેએ કહ્યું છે કે પાલઘરમાં બે સાધુ, એક ડ્રાઈવર અને એક પોલીસ જવાન પર હુમલાની ઘટનાના સંબંધમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આ અધમ ગુનામાં સંડોવાયેલા કોઈ પણ ગુનેગારને છટકવા દેવામાં નહીં આવે. એમની સામે શક્ય એટલા કડક પગલાં ભરવામાં આવશે.

મૃત્યુ પામેલાઓને ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી (70), સુશીલગીરી મહારાજ (55) અને એમના કાર ડ્રાઈવર નિલેશ તેલગડે (30) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.

ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે સાધુઓ, ડ્રાઈવરની હત્યાની ઘટનામાં ઉચ્ચ સ્તરે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

દેશમુખે આ ઘટનાને કોમી રૂપ આપવા સામે લોકોને ચેતવણી આપી છે.

દેશમુખે ટ્વીટમાં કહ્યું છે કે પાલઘરમાં મોબ હત્યામાં મૃત્યુ પામેલાઓ અને હુમલો કરનારાઓ જુદા જુદા ધર્મોના લોકો નહોતા. મેં મહારાષ્ટ્ર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસના સાઈબર વિભાગને આદેશ આપ્યો છે કે આ ઘટના અંગે સોશિયલ મિડિયા પર કે સમાજમાં કોમી ઉશ્કેરણી ફેલાવનારાઓ સામે કડક પગલું ભરવું.

બંને સાધુ સુરત જતા હતા. એમની હત્યાના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 110 જણની ધરપકડ કરી છે.

બનાવની વિગત

આ બનાવ 16 એપ્રિલની રાતે બન્યો હતો. મુંબઈના કાંદિવલી ઉપનગરમાંથી 3 જણ કારમાં સુરત તરફ જવા નીકળ્યા હતા. તેઓ સુરતમાં અખાડાના કોઈક સાધુની અંતિમક્રિયામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

એમની કારને પાલઘરના એક ગામ નજીક રોકવામાં આવી હતી. ત્રણેયને એમની કારમાંથી બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા અને મારપીટ કરવામાં આવી હતી. કહેવાય છે કે આ ત્રણેય જણને ચોર સમજીને લોકોના ટોળાએ એમની મારપીટ કરી હતી, જેને કારણે એમનું મૃત્યુ નિપજ્યું હતું.

સાધુઓની મારપીટનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. એમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીની હાજરીમાં જ લોકોના ટોળાએ વૃદ્ધ સાધુની નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે એ સાધુ પોલીસનો હાથ પકડીને પોલીસ ચોકીમાંથી બહાર આવ્યા હતા, પણ બહાર નીકળીને પોલીસ અધિકારીએ જ સાધુને બહાર ઉભેલા લોકોના ટોળા તરફ ધકેલી દીધા હતા.

આ સાધુઓ નાશિક જિલ્લાના ત્ર્યંબકેશ્વરના દક્ષિણમુખી હનુમાન મંદિરના હતા. એમના મૃતદેહોને 18 એપ્રિલે મધરાતે ત્ર્યંબકેશ્વર ખાતે શોકાતુર વાતાવરણમાં સમાધી આપવામાં આવી હતી.

લોકડાઉન પછી તીવ્ર આંદોલનની મહારાષ્ટ્ર સરકારને ચેતવણી

દરમિયાન, આ બંને મહંતની હત્યાના તીવ્ર પ્રતિસાદ પડ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદ સાથે સંકળાયેલા નાગા સાધુઓએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે આ હત્યાના દોષીઓ પર કડક પગલાં લેવામાં આવે, નહીં તો લોકડાઉન હટી ગયા પછી તીવ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

અમિત શાહ, યોગી આદિત્યનાથે ઠાકરે સાથે ફોન પર વાત કરી

દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાલઘરમાં બે મહંતની હત્યાની ઘટના અંગે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો અને એ વિશે ચર્ચા કરી હતી. બંને નેતાએ ઠાકરેને કહ્યું હતું કે હત્યામાં સંડોવાયેલાઓ સામે કડક પગલાં ભરવા જોઈએ.