ઝાલાવાડના આ કર્મનિષ્ઠ મહિલા કર્મયોગીઓ…

સુરેન્દ્રનગર: ગુજરાતમાં કોરોનાના કહેરથી લોકોને રક્ષવા અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કર્મયોગીઓ પણ, ખાસ કરીને મહિલા કર્મયોગીઓ પણ ખભે ખભા મિલાવી કાર્ય કરી રહયા છે.

આવા જ એક મહિલા કર્મયોગી છે અનિતાબેન શ્રીમાળી. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા પીએચસીમાં આવતા મોટી મજેઠી સબ સેન્ટર ખાતે મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા અનિતાબેન સગર્ભા છે, તેમ છતાં પણ તેઓએ મેટરનીટી લીવ ન લઇને તેમની ફરજને અગ્રીમતા આપી કોરોના સામેની લડાઈમાં આરોગ્ય સૈનિક તરીકેની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે.

અનિતાબેને પોતાની કામગીરી બાબતે જણાવ્યું હતુ કે, રાષ્ટ્ર ઉપર આવી પડેલા કોરોના રૂપી સંકટની ઘડીમાં આરોગ્ય કર્મી તરીકે હું ઘરે કેવી રીતે બેસી શકુ ? હું ફરજના ભાગરૂપે મારા કાર્ય વિસ્તારની સગર્ભા બહેનોની તપાસ સહિતની તમામ કામગીરીની સાથે કોરોના મહામારી સંદર્ભે આરોગ્ય વિભાગની કામગીરી અને ગ્રામજનોને લોકડાઉનનું ચૂસ્તપણે પાલન પણ કરાવું છું.

આવી વિપરીત પરિસ્થિતિમાં ફરજ બજાવી રહેલા બીજા મહિલા કર્મયોગી છે, લતાબેન જાદવ. સુરેન્દ્રનગર ખાતે તેમના પતિ અને ૩ વર્ષના નાના બાળક સાથે રહેતા લતાબેન જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. એક મહિલા તરીકે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લતાબેન લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો ઘરની બહાર ન નિકળે તે માટેના જાહેરનામાનું કડકાઈથી પાલન કરાવવાની સાથે જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની તેમનામાં રહેલી ઋજુતાના દર્શન કરાવ્યા હતા.

વાત એવી હતી કે, લતાબેન તેમની ડયુટી બજાવી રહયાં હતા. લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી રસ્તાઓ સુમસામ હતા. તેવા સમયે તેમણે જોયું કે એક આધેડ વયના બહેન ધીમે – ધીમે ચાલતા આવી રહયાં હતા. તેમના એક હાથમાં ટીફીન હતુ. લતાબેન તેમની પાસે ગયા અને પૂછપરછ કરતાં ખબર પડી કે, તે બહેન તેમની પુત્રવધૂને દવાખાને ટીફીન આપવા માટે જઈ રહયા હતા. આ સાંભળી લતાબેને તુરત જ તેમના સ્કૂટર ઉપર તેમને બેસાડીને દવાખાના સુધી મૂકવાની નૈતિક ફરજ અદા કરી હતી.

લતાબેને માત્ર આ આધેડ મહિલાની જ મદદ કરી છે એવું નથી. તેમની ફરજ દરમિયાન અત્યાર સુધીમાં તેઓ અનેક જરૂરીયાતવાળા લોકોને મદદરૂપ બન્યા છે. જે પૈકી સિતેરેક વર્ષના વૃધ્ધાને તેમની જરૂરીયાતના રાશનનો જથ્થો અપાવી તેમના ઘર સુધી પહોંચાડીને લોકડાઉનના કડક અમલની સાથે ગરીબ પરિવારો પ્રત્યેની તેમની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.

લતાબેનના શબ્દોમાં કહીએ તો ‘‘ અત્યારની લોકડાઉનની પરિસ્થિતિમાં એક પોલીસ કર્મી તરીકેની અમારી જવાબદારી ઘણી બધી વધી જાય છે. મારે નાનું બાળક હોવાથી તેને મારા પતિ પાસે મૂકીને મારી ફરજ ઉપર જાઉ ત્યારે મન ભરીને બાળકને વ્હાલ કરી લઉ છું.’’

(હેતલ દવે)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]