Home Blog Page 4761

રાશિ ભવિષ્ય 19/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથ સહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિ કે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

2011ના વર્લ્ડ કપની ફાઇનલ ફિક્સ હતી: શ્રીલંકાના પ્રધાનનો આક્ષેપ

નવી દિલ્હીઃ શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પોર્ટ્સપ્રધાન મહિન્દાનંદા અલુથગામગેએ કેટલાંક એવાં વિવાદાસ્પદ નિવેદન કર્યા છે, જેનાથી સ્પોર્ટ્સ વર્લ્ડમાં સનસનાટી મચી ગઈ ગઈ છે. તેમણે એવો આરોપ મૂક્યો છે કે 2011ની ICC વર્લ્ડ કપ સ્પર્ધા, જેમાં ભારત ચેમ્પિયન બન્યું હતું, તે ફિક્સ કરાયેલી હતી. અલુથગામગેના આરોપોના જવાબમાં શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગકારા અને મહેલા જયવર્ધને તીખી પ્રતિક્રિયા આપી છે. આ બંને ખેલાડીઓએ ભૂતપૂર્વ સ્પોર્ટ્સપ્રધાનના નિવેદનને તઘલખી ગણાવતાં તેમને ટ્વિટર પર ટ્રોલ કર્યા છે.

સંગકારા અને જયવર્ધને ભૂતપૂર્વ સ્પોર્ટ્સપ્રધાનને ટ્રોલ કર્યા

વર્ષ 2011 વર્લ્ડ કપમાં શ્રીલંકાની કેપ્ટનશિપ કરનાર વિકેટકીપર-બેટ્સમેન કુમાર સંગકારાએ સ્પોર્ટ્સપ્રધાનને સલાહ આપી છે કે તે એમના આરોપ વિશેના પુરાવા  ICC સંસ્થાને સુપરત કરે અને આ મામલાની તપાસ કરાવે. સંગકારાએ ટ્વીટ કર્યું છે કે, તેમણે તેમની પાસેના પુરાવા ICC અને ભ્રષ્ટાચારવિરોધી અને સુરક્ષા સંસ્થાઓની પાસે લઈ જવાની જરૂર છે, જેનાથી તેમના દાવાની વિસ્તૃત તપાસ થઈ શકે. એ મેચમાં સેન્ચુરી ફટકારનાર ભૂતપૂર્વ જયવર્ધને પણ આ આરોપોને બકવાસ ગણાવ્યા છે. તેણે ટ્વીટમાં સવાલ પૂછ્યો છે કે, શું ચૂંટણી થવાની છે? એટલે સર્કસ શરૂ થયું છે? પસંદ આવ્યું…નામ અને પુરાવા?

મહિન્દાનંદા અલુથગામગેનો ગંભીર આરોપ

અલુથગામગેએ આરોપ લગાવ્યા છે કે તેમના દેશે 2011 વિશ્વ કપ ફાઇનલ ભારતને વેચી દીધી હતી. સ્થાનિક ટીવી ચેનલ ‘સિરાસા’ ને આપેલા ઇન્ટવ્યુમાં તેમણે કહ્યું હતું કે ફાઇનલ ફિક્સ હતી. શ્રીલંકાના તત્કાલીન સ્પોર્ટ્સપ્રધાન અલુથગામગેએ કહ્યુ હતું કે આજે હું તમને કહી રહ્યો છું કે આપણે 2011 વિશ્વ કપ વેચી દીધો હતો, જ્યારે હું સ્પોર્ટ્સપ્રધાન હતો, ત્યારે પણ મેં આવું જ કહ્યું હતું.

એ મેચ ફિક્સ હતી, હું એના પર ચર્ચા કરવા તૈયાર છુંઃ અલુથગામગે

પાંચ ઓગસ્ટે થનારી ચૂંટણી સુધી કામકાજ જોઈ રહેલા હાલના કાર્યવાહક સરકારમાં વીજ રાજ્યપ્રધાન અલુથગામગેએ કહ્યું હતું કે એક દેશના રૂપમાં હું ઘોષણા નથી કરવા ઇચ્છતો. મને યાદ નથી કે એ 2011 હતું કે 2012. પરંતુ અમે એ મેચ જીતવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે હું જવાબદારી સાથે તમને કહી રહ્યો છું કે મેં અનુભવ્યું હતું કે એ મેચ ફિક્સ હતી. હું એના પર ચર્ચા કરી શકું છું. મને માલૂમ છે કે લોકો આને લઈને ચિંતિત છે.

2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે 275 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરતાં ગૌતમ ગંભીર (97) અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (91*)ની આક્રમક બેટિંગની મદદથી જીત હાંસલ કરી હતી.

દ્વારકામાં મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ, પૂનમ માડમ દ્વારા બચાવ

દેવભૂમી દ્વારકા: સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુ આજે અહીં દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા એ દરમિયાન દ્વારકાના ભૂતપૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા એમની પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ વખતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, મોરારિબાપુ પર હુમલો થાય તે પહેલા જ જામનગરના સાંસદ પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરારિબાપુએ થોડા દિવસો પહેલા ભગવાન કૃષ્ણ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. જેને લઈને આહીર સમાજ સહિતના લોકો મોરારિબાપુ પર રોષે ભરાયા હતાં. એ વિરોધને લઇને મોરારિબાપુ બે વાર માફી પણ માગી ચૂક્યા હતા. ત્યારબાદ આહીર સમાજની બેઠકમાં આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ થયો હતો. તેમ છતા પણ કાન્હા વિચાર મંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિબાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં જામનગરના સાંસદ પુનમબેને પબૂભાને કહે છે, ‘બાપુ મારા સમ છે રેવા દો.’ પબુભા મોરારિબાપુને તુકારે કહી રહ્યા છે કે ‘મોરારિ બહાર નીકળ’. આ દરમિયાન અન્ય લોકો પબૂભાને ધકેલીને બહાર લઇ જાય છે.

મોરારિબાપુ ત્યારે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. એ સમયે પબૂભા અચાનક આવ્યા હતા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા. મોરારિબાપુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જે કંઇ બોલ્યો છું તેની મેં જાહેરમાં અને વ્યાસપીઠ ઉપરથી પણ માફી માગી લીધી છે. હું દ્વારકા તો અવારનવાર આવતો જ હોઉં છું અને મારે આવવું પણ હતું. આપણા સમાજની એકતા ન તૂટે અને સંવાદ સચવાય રહે. મારે કારણે સમાજ ક્યાંય વિભક્ત ન થાય. તેમજ આપણા સનાતન ધર્મને આંચ ન આવે એટલા માટે ઠાકોરજીના દર્શને આવ્યો છું. મને દર્શનનો લાભ મળ્યો આશીર્વાદ મળ્યા. આપ સૌના સદભાવ માટે ખૂબ ખૂબ મારી શુભકામના ધન્યવાદ..જય સિયારામ.

અહીંથી શરુ થયો હતો સમગ્ર વિવાદ

મોરારિબાપુએ ભગવાન કૃષ્ણના અંતિમ વર્ષોમાં એમણે જે દર્દ ભોગવ્યું હતું તેની પ્રસ્તુતિ- અભિવ્યક્તિ તેમણે પોતાની રીતે, લોક ભાષામાં કરી હતી. એના શાસ્ત્ર પ્રમાણ પણ છે જ. પરંતુ બાપુ કોઈ શાસ્ત્રાર્થમાં માનતા નથી. બાપુ શાસ્ત્રક્રમને બદલે સાધુક્રમને પ્રાધાન્ય આપે છે. એટલે જ સાધનું અંતઃકરણની પ્રવૃતિ પ્રમાણે એમણે કૃષ્ણના જીવનની વેદના, રડતાં હૃદયે અને અશ્રુ ભીની આંખોએ ‘માનસ શ્રીદેવી’ કથાગાન સમયે વ્યક્ત કરી હતી.

ચીન સાથે સીમાવિવાદઃ તાઈવાન, હોંગકોંગ, રશિયા, ઓસ્ટ્રેલિયા ભારતના સમર્થનમાં

સિડની: ગલવાન ખીણવિસ્તારમાં થયેલા હિંસક ઘર્ષણ પછી ચીન અને ભારત વચ્ચે તંગદિલી વધી ગઈ છે. આ ઘર્ષણ બાદ ચીન વિરુદ્ધ દુનિયાભરમાં અવાજ ઉઠી રહ્યો છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર અને lihkg પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તાઈવાન ન્યૂઝે ત્યાંના સોશિયલ મીડિયા lihkg પર શેર કરેલી એક તસવીરને ફોટો ઓફ ધ ડે ગણાવીને ટ્વીટ કરી છે, જેમાં ભગવાન શ્રીરામ ચાઈનીઝ ડ્રેગનને બાણથી મારી રહ્યાં છે. સાથે લખ્યું છે કે, ‘We conquer. We kill’.

આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. આ તસવીર ભારતીય મૂળના જ એક ડિઝાઈનરે 24 કલાકમાં તૈયાર કરી છે. હોંગકોંગથી લઈને તાઈવાન સુધી આ તસવીર વાઈરલ છે અને ભારત પ્રત્યે સમર્થનની એક મિસાલ રજૂ કરે છે.  ટ્વિટર પર HoSaiLei નામના હોંગકોંગના એક નાગરિકે લખ્યું કે, હું હોંગકોંગના એક નાગરિક તરીકે ભારતના લોકોનું સમર્થન કરું છું અને મને વિશ્વાસ છે કે મારા સાથી પણ તમારી સાથે હશે.

તો આ બંને દેશો વચ્ચેના તણાવને લઈને બુધવારે રશિયાએ કહ્યું કે, (રશિયા-ભારત-ચીન) RIC નું અસ્તિત્વ એ એક નિર્વિવાદ વાસ્તવિકતા છે અને ત્રિપક્ષીય સહકાર વિક્ષેપિત થવાના કોઈ સંકેત નથી. ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુદાશેવ ટ્વીટ કરીને કહ્યું કે, એલએસી પર તણાવ ઓછો કરવા માટે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીત સહિત લેવામાં આવેલા તમામ પગલાઓનું અમે સ્વાગત કરીએ છીએ. કુદાશેવે એમ પણ કહ્યું કે, ‘આરઆઈસીનું અસ્તિત્વ એક નિર્વિવાદ વાસ્તવિકતા છે, જે દ્રઢતાથી વિશ્વના નકશા પર નક્કી છે. ત્રિપક્ષીય સહકારના વર્તમાન તબક્કા માટે કોઈ એવા સંકેતો નથી કે તે વિક્ષેપિત થશે.

ચીન સમગ્ર વિશ્વથી અલગ પડતું દેખાઈ રહ્યું છે. હવે ઓસ્ટ્રેલિયા પણ જાહેરમાં ભારતના પક્ષમાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ ફરેલ એ કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ પછી નિયમો અને કાયદાને લઈને સ્થાપિત વ્યવસ્થાનું ચીન પાલન નથી કરી રહ્યું. તેમણે એમ પણ કહ્યું કે, દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન એકતરફી રીતે સ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મહત્વનું છે કે, આગામી 22 જૂને રશિયાની પહેલ પર આરઆઈસી સમ્મેલન યોજાનાર છે, જેમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર તેમજ ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓ ભાગ લે તેવી સંભાવના છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અટકાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

અમદાવાદ/નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 19 જૂનના શુક્રવારે નિર્ધારિત રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજવા સામે મનાઈહુકમ આપવાનો આજે ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની અરજી પર આદેશ આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે કોર્ટ ચૂંટણી નહીં અટકાવે. સર્વોચ્ચ કોર્ટમાં આ મામલે ચાર સપ્તાહ પછી સુનાવણી થશે. વાસ્તવમાં પરેશ ધાનાણીએ પોસ્ટલ બેલટ દ્વારા મતદાનના નિર્ણયને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકીય હલચલ ચરમસીમાએ છે. રાજ્યસભા ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસમાં સંકટ ઊભું થયું છે. ત્રણ કોંગ્રેસી વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. આનાથી પાર્ટીની રાજ્યસભાની બીજી સીટ જીતી શકવા વિશે સવાલો ઊભા થયા છે.

19 જૂને મતદાન

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 19 જૂને મતદાન થવાનું છે, પણ ભાજપના કેટલાક વિધાનસભ્યો કોરોના સંક્રમિત છે અને તેઓ મતદાન કરી શકશે કેમ એ વિશે શંકા ઊભી થઈ હતી. આ વિધાનસભ્યો હવે સાજા થઈ ગયા છે, પણ ચૂંટણી પંચે આ બધા વિધાનસભ્યોને સુવિધા આપતાં પોસ્ટલ બેલટ વોટિંગ કરી શકવાનો આદેશ જારી કર્યો છે.

કોરોના સંક્રમિત વિધાનસભ્યોને બેલટ વોટિંગની મંજૂરી

ગુજરાતના ચીફ ઇલેક્શન ઓફિસર એસ મુરલી કૃષ્ણનું કહેવું છે કે જો પોસ્ટ બેલટની અરજી આવશે તો અમે એને વેરિફાઈ કરીશું અને પછી પોસ્ટલ બેલટની મંજૂરી આપીશું. એની સાથે કોરોના સંક્રમિત વિધાનસભ્યોને પણ વોટિંગની મંજૂરી આપી દેવામાં આવી છે, પણ એ વિધાનસભ્યોએ PPE કિટ પહેરવી પડશે. એ વિધાનસભ્યો વોટિંગ કરીને જશે એ પછી પોલિંગ બૂથને સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવામાં આવશે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો મેદાનમાં   

રાજ્યમાં સત્તારૂઢ ભાજપની પાસે 103 વિધાનસભ્યો છે અને ભાજપે ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. વિધાનસભાની હાલની સંખ્યાના હિસાબે એક રાજ્યસભા સીટ જીતવા માટે 34 વિધાનસભ્ય જોઈએ અને આ ગણિતથી ભાજપના ત્રણ ઉમેદવાર ચૂંટણી જીતી શકે છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ એના વિધાનસભ્યોને તોડી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ચૂંટણી જીતવા માટે રાજ્ય મશીનરી અને પૈસાનો ઉપયોગ કરી રહ્યો છે. ધાનાણીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી નોંધાવી હતી અને ચૂંટણીમાં મતદાન રોકી દેવાની માગણી કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે એને નકારી કાઢી છે.

સુશાંત સિંહ રાજપૂતના અસ્થિનું ગંગા નદીમાં વિસર્જન…

મુંબઈમાં 14 જૂને પોતાના ઘરમાં આત્મહત્યા કરનાર બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અસ્થિઓનું તેના પરિવારજનોએ 18 જૂન, ગુરુવારે પટનામાં ગંગા નદીમાં અશ્રુભીની આંખો સાથે વિસર્જન કર્યું હતું. સુશાંતના પરિવારમાં પિતા કૃષ્ણકુમાર સિંહ અને 3 બહેનો છે.

સુશાંતની યાદમાં મોટી બહેન શ્વેતાએ લખી હૃદયસ્પર્શી નોંધ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આ ફાની દુનિયા છોડી ચૂક્યો છે. આ વાતનો વિશ્વાસ કરવો તેના પરિવારજનો માટે હજી પણ મુશ્કેલ છે. તે બહુ બહાદુરીથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો હતો. સુશાંતની બહેન શ્વેતા સિંહ જે અમેરિકામાં રહે છે તેણે નાના ભાઈ સુશાંતને યાદ કરીને ફેસબુક પર બહુ ભાવુક પોસ્ટ લખી છે. તેણે લખ્યું છે કે સુશાંત ફાઇટર હતો અને બહાદુરીથી લડાઈ લડી રહ્યો હતો.

 તું ફાઇટર હતો…

સુશાંતની બહેન શ્વેતાએ લખ્યું છે કે મેરા બેબી, મેરા બાબુ, મેરા બચ્ચા અમારી સાથે તું ફિઝિકલી પ્રેઝન્ટ નથી તો કંઈ નહીં…હું જાણું છું કે તું બહુ દુઃખી હતો અને મને માલૂમ છે કે તું એક લડવૈયો હતો અને તું બહુ બહાદુરી સાથે આ લડાઈ લડી રહ્યો હતો. સોરી મેરા સોના…સોરી એ બધાં દર્દ માટે જે તારે સહન કરવું પડ્યું… જો હું કંઈ કરી શકતી હોત તો તારાં બઘાં દુઃખદર્દ લઈ લેત અને મારી ખુશીઓ તને આપી દેત. તારી ચળકતી આંખોએ દુનિયાને શીખવ્યું છે કે સપનાં કેવી રીતે જોવાં, તારું નિર્દોષ સ્મિત બતાવે છે કે તારું દિલ કેટલું સાફ હતું. તને હંમેશાં ખૂબ-ખૂબ પ્રેમ કરતી રહીશ, મારા બાળક, મારા બેબી તું જ્યાં પણ રહે, ખુશ રહે… દરેક જણ તને કોઈ પણ શરત વગર પ્રેમ કરતું હતું અને કરતું રહેશે. મારા બધા પ્રિયજનો…મને ખબર છે કે આ પરીક્ષાની ઘડી છે…પણ જ્યારે પણ પસંદગી કરવાની તક મળે ત્યારે નફરતની જગ્યાએ પ્રેમને પસંદ કરો. ગુસ્સા અને રોષની જગ્યાએ દયાને પસંદ કરો. સ્વાર્થી નહીં નિઃસ્વાર્થ રહો અને માફ કરો… ખુદને માફ કરો, અન્યોને માફ કરો અને બધાને માફ કરો. દરેક જણ પોતાની લડાઈ લડી રહ્યું છે… ખુદ અને અન્ય માટે દયાળુ બનો. પોતાના દિલના દરવાજા હંમેશાં માટે કોઈ પણ કિંમતે બંધ ના કરો.

શ્વેતા સિંહ કીર્તિએ આ પોસ્ટ સાથે ભાઈ સુશાંત સાથે પોતાની એક જૂની તસવીર પણ પોસ્ટ કરી છે.

પુરીમાં જગન્નાથ રથયાત્રા કાઢવાની સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો થયો હોવાને કારણે ઓડિશાના પુરી યાત્રાધામ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા પર સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી દીધી છે. રથયાત્રા 23 જૂને કાઢવાનું નિર્ધારિત કરાયું હતું.

આજે આ કેસમાં સુનાવણી કરતાં દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડે, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેન્ચે કહ્યું હતું કે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી જાહેર હિતમાં તેમજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી શકાય નહીં.

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, જો અમે આ વર્ષે જગન્નાથ મંદિરમાંથી રથયાત્રા કાઢવાની પરવાનગી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. કોરોનાએ ઊભા કરેલા સંકટમાં 10 હજાર લોકો પણ એકત્ર થાય તો એ ગંભીર બાબત બની જાય જ્યારે રથયાત્રા વખતે તો લાખો લોકો એકત્ર થતા હોય છે.

ન્યાયાધીશોની બેન્ચે ઓડિશા સરકારને આદેશ આપ્યો છે કે કોરોના વાઈરસનો ફેલાવો ન થાય એટલા માટે તે રાજ્યમાં ક્યાંય પણ રથયાત્રાને લગતી કોઈ પણ પ્રવૃત્તિ થવા ન દે, કોઈને પણ પ્રવાસ કે યાત્રા કરવા ન દે.

ઓડિશા ડેવલપમેન્ટ કાઉન્સિલ નામની એક બિનસરકારી સંસ્થાએ રથયાત્રા પર આ વર્ષે પ્રતિબંધ મૂકવાની માગણી કરતી પીટિશન સુપ્રીમ કોર્ટમાં નોંધાવી હતી.

પુરી શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આ કાર્યક્રમ 10-12 દિવસનો હોય છે અને દેશવિદેશમાંથી લાખો લોકો રથાત્રામાં ભાગ લેતા હોય છે.

દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત્: 12,881 કેસનો ઉમેરો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,881 નવા કેસ સામે આવ્યા છે અને 334 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાથી થનારા મોતનો આંકડો 12,000ને પાર થઈ ગયો છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,66,946 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 12,237 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,94,325 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,60,384એ પહોંચી છે. રિકવરી રેટ 52.95 ટકાએ પહોંચ્યો છે.

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 47,000ને પાર

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 47,000ને પાસ થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 2414 નવા રેકોર્ડ કેસ સામે આવ્યા છે, એની સાથે અહીં સંક્રમિતોનો આંકડો વધીને 47,102એ પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં 510 દર્દીઓ સાજા થયા છે, જ્યારે પાછલા 24 કલાકમાં 67 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધી કુલ 1904 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 81 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

દેશમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 12,000ને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,37,685 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 81,74,009એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ચીની કોમ્યુનિકેશન ઉપકરણો પર પ્રતિબંધઃ ચીનનો બહિષ્કાર કરવાનો સંકેત

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે કેન્દ્ર સરકારે ચીની કોમ્યુનિકેશનનાં ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. સરકારે બધા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને ચીની ઉપકરણો દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી કંપનીઓને કહેવામાં આવ્યું છે કે એ નવી રીતે શરતો બદલીને ટેન્ડર જારી કરે, જેથી ચીની કંપનીઓ હિસ્સો જ ના લઈ શકે. આમ સરકારે ચીની કોમ્યુનિકેશનનાં ઉપકરણો પર પ્રતિબંધ મૂકીને ચીની માલસામાનનો બહિષ્કાર કરવાનો સંકેત આપ્યા છે?

BSNL અને MTNLને નિર્દેશ

કેન્દ્ર સરકારના સંદેશવ્યવહાર વિભાગે BSNL અને MTNLને નિર્દેશ આપીને 4Gના અમલ માટે કોઈ પણ ચીની ઉપકરણના ઉપયોગ પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહીં, સંદેશવ્યવહાર વિભાગે ચીની ઉપકરણોના 4Gના અમલમાં ઉપયોગમાં થઈ રહેલાં ઉપકરણો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો.

ચાઇનીઝ કંપનીઓ આ ટેન્ડરોમાં હિસ્સો ના લે

સરકારે તમામ સરકારી કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે બધાં કોમ્યુનિકેશનનાં ઉપકરણોની ખરીદી માટે જારી કરવામાં આવેલાં ટેન્ડરોને તરત રદ કરી દેવામાં આવે અને કોમ્યુનિકેશનના ઉપકરણોની ખરીદી માટે નવી શરતોની સાથે નવાં ટેન્ડર જારી કરવામાં આવે. આ ટેન્ડરોના શબ્દોને એવી રીતે લખવામાં આવે, જેથી ચાઇનીઝ કંપનીઓ આ ટેન્ડરોમાં હિસ્સો ના લઈ શકે.
નવાં ચીની ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશ

સંદેશવ્યવહાર વિભાગે બધા ખાનગી મોબાઇલ પ્રોવાઇડર્સને નિર્દેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત બધા ખકાનગી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને વર્તમાનમાં ઉપયોગ કરવામાં આવી રહેલાં ચીની ઉપકરણોને તરત જ ઉપયોગમાંથી બહાર કરવા અને નવાં ચીની ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.


આ બંને કંપનીઓ ચીન સરકારની હોવાની આશંકા

હુવેઇ અને જેટી-બે ચીની કંપનીઓને લઈને ખાસ કરીને વિશ્વભરમાં ડેટા ચોરી અને સુરક્ષાથી જોડાયેલા મામલાને લઈને સવાલ ઊભા થતા રહ્યા છે. આ બે કંપનીઓના માલિકી હક પર પણ શંકાનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. આ બંને કંપનીઓ ચીન સરકારની હોવાની આશંકા છે.

ચીની કોમ્યુનિકેશન ઉપકરણો પર પ્રતિબંધ લગાવીને રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે સરકાર સૌથી વધુ પ્રાધાન્ય આપી રહી છે, જેથી જનમાનસને સ્પષ્ટ સંકેત કે ચીની સામાનનો બહિષ્કાર કરો.