ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અટકાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

અમદાવાદ/નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 19 જૂનના શુક્રવારે નિર્ધારિત રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં યોજવા સામે મનાઈહુકમ આપવાનો આજે ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની અરજી પર આદેશ આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે કોર્ટ ચૂંટણી નહીં અટકાવે. સર્વોચ્ચ કોર્ટમાં આ મામલે ચાર સપ્તાહ પછી સુનાવણી થશે. વાસ્તવમાં પરેશ ધાનાણીએ પોસ્ટલ બેલટ દ્વારા મતદાનના નિર્ણયને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકીય હલચલ ચરમસીમાએ છે. રાજ્યસભા ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસમાં સંકટ ઊભું થયું છે. ત્રણ કોંગ્રેસી વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. આનાથી પાર્ટીની રાજ્યસભાની બીજી સીટ જીતી શકવા વિશે સવાલો ઊભા થયા છે.

19 જૂને મતદાન

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 19 જૂને મતદાન થવાનું છે, પણ ભાજપના કેટલાક વિધાનસભ્યો કોરોના સંક્રમિત છે અને તેઓ મતદાન કરી શકશે કેમ એ વિશે શંકા ઊભી થઈ હતી. આ વિધાનસભ્યો હવે સાજા થઈ ગયા છે, પણ ચૂંટણી પંચે આ બધા વિધાનસભ્યોને સુવિધા આપતાં પોસ્ટલ બેલટ વોટિંગ કરી શકવાનો આદેશ જારી કર્યો છે.

કોરોના સંક્રમિત વિધાનસભ્યોને બેલટ વોટિંગની મંજૂરી

ગુજરાતના ચીફ ઇલેક્શન ઓફિસર એસ મુરલી કૃષ્ણનું કહેવું છે કે જો પોસ્ટ બેલટની અરજી આવશે તો અમે એને વેરિફાઈ કરીશું અને પછી પોસ્ટલ બેલટની મંજૂરી આપીશું. એની સાથે કોરોના સંક્રમિત વિધાનસભ્યોને પણ વોટિંગની મંજૂરી આપી દેવામાં આવી છે, પણ એ વિધાનસભ્યોએ PPE કિટ પહેરવી પડશે. એ વિધાનસભ્યો વોટિંગ કરીને જશે એ પછી પોલિંગ બૂથને સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવામાં આવશે.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો મેદાનમાં   

રાજ્યમાં સત્તારૂઢ ભાજપની પાસે 103 વિધાનસભ્યો છે અને ભાજપે ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. વિધાનસભાની હાલની સંખ્યાના હિસાબે એક રાજ્યસભા સીટ જીતવા માટે 34 વિધાનસભ્ય જોઈએ અને આ ગણિતથી ભાજપના ત્રણ ઉમેદવાર ચૂંટણી જીતી શકે છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ એના વિધાનસભ્યોને તોડી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ચૂંટણી જીતવા માટે રાજ્ય મશીનરી અને પૈસાનો ઉપયોગ કરી રહ્યો છે. ધાનાણીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી નોંધાવી હતી અને ચૂંટણીમાં મતદાન રોકી દેવાની માગણી કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે એને નકારી કાઢી છે.