પુરીમાં જગન્નાથ રથયાત્રા કાઢવાની સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો થયો હોવાને કારણે ઓડિશાના પુરી યાત્રાધામ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા પર સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી દીધી છે. રથયાત્રા 23 જૂને કાઢવાનું નિર્ધારિત કરાયું હતું.

આજે આ કેસમાં સુનાવણી કરતાં દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડે, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેન્ચે કહ્યું હતું કે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી જાહેર હિતમાં તેમજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી શકાય નહીં.

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, જો અમે આ વર્ષે જગન્નાથ મંદિરમાંથી રથયાત્રા કાઢવાની પરવાનગી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. કોરોનાએ ઊભા કરેલા સંકટમાં 10 હજાર લોકો પણ એકત્ર થાય તો એ ગંભીર બાબત બની જાય જ્યારે રથયાત્રા વખતે તો લાખો લોકો એકત્ર થતા હોય છે.

ન્યાયાધીશોની બેન્ચે ઓડિશા સરકારને આદેશ આપ્યો છે કે કોરોના વાઈરસનો ફેલાવો ન થાય એટલા માટે તે રાજ્યમાં ક્યાંય પણ રથયાત્રાને લગતી કોઈ પણ પ્રવૃત્તિ થવા ન દે, કોઈને પણ પ્રવાસ કે યાત્રા કરવા ન દે.

ઓડિશા ડેવલપમેન્ટ કાઉન્સિલ નામની એક બિનસરકારી સંસ્થાએ રથયાત્રા પર આ વર્ષે પ્રતિબંધ મૂકવાની માગણી કરતી પીટિશન સુપ્રીમ કોર્ટમાં નોંધાવી હતી.

પુરી શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આ કાર્યક્રમ 10-12 દિવસનો હોય છે અને દેશવિદેશમાંથી લાખો લોકો રથાત્રામાં ભાગ લેતા હોય છે.