દ્વારકામાં મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ, પૂનમ માડમ દ્વારા બચાવ

દેવભૂમી દ્વારકા: સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુ આજે અહીં દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા એ દરમિયાન દ્વારકાના ભૂતપૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા એમની પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ વખતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, મોરારિબાપુ પર હુમલો થાય તે પહેલા જ જામનગરના સાંસદ પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરારિબાપુએ થોડા દિવસો પહેલા ભગવાન કૃષ્ણ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. જેને લઈને આહીર સમાજ સહિતના લોકો મોરારિબાપુ પર રોષે ભરાયા હતાં. એ વિરોધને લઇને મોરારિબાપુ બે વાર માફી પણ માગી ચૂક્યા હતા. ત્યારબાદ આહીર સમાજની બેઠકમાં આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ થયો હતો. તેમ છતા પણ કાન્હા વિચાર મંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિબાપુ દ્વારકા આવીને ભગવાનની માફી માંગે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં જામનગરના સાંસદ પુનમબેને પબૂભાને કહે છે, ‘બાપુ મારા સમ છે રેવા દો.’ પબુભા મોરારિબાપુને તુકારે કહી રહ્યા છે કે ‘મોરારિ બહાર નીકળ’. આ દરમિયાન અન્ય લોકો પબૂભાને ધકેલીને બહાર લઇ જાય છે.

મોરારિબાપુ ત્યારે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. એ સમયે પબૂભા અચાનક આવ્યા હતા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા. મોરારિબાપુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જે કંઇ બોલ્યો છું તેની મેં જાહેરમાં અને વ્યાસપીઠ ઉપરથી પણ માફી માગી લીધી છે. હું દ્વારકા તો અવારનવાર આવતો જ હોઉં છું અને મારે આવવું પણ હતું. આપણા સમાજની એકતા ન તૂટે અને સંવાદ સચવાય રહે. મારે કારણે સમાજ ક્યાંય વિભક્ત ન થાય. તેમજ આપણા સનાતન ધર્મને આંચ ન આવે એટલા માટે ઠાકોરજીના દર્શને આવ્યો છું. મને દર્શનનો લાભ મળ્યો આશીર્વાદ મળ્યા. આપ સૌના સદભાવ માટે ખૂબ ખૂબ મારી શુભકામના ધન્યવાદ..જય સિયારામ.

અહીંથી શરુ થયો હતો સમગ્ર વિવાદ

મોરારિબાપુએ ભગવાન કૃષ્ણના અંતિમ વર્ષોમાં એમણે જે દર્દ ભોગવ્યું હતું તેની પ્રસ્તુતિ- અભિવ્યક્તિ તેમણે પોતાની રીતે, લોક ભાષામાં કરી હતી. એના શાસ્ત્ર પ્રમાણ પણ છે જ. પરંતુ બાપુ કોઈ શાસ્ત્રાર્થમાં માનતા નથી. બાપુ શાસ્ત્રક્રમને બદલે સાધુક્રમને પ્રાધાન્ય આપે છે. એટલે જ સાધનું અંતઃકરણની પ્રવૃતિ પ્રમાણે એમણે કૃષ્ણના જીવનની વેદના, રડતાં હૃદયે અને અશ્રુ ભીની આંખોએ ‘માનસ શ્રીદેવી’ કથાગાન સમયે વ્યક્ત કરી હતી.