સુશાંતની યાદમાં મોટી બહેન શ્વેતાએ લખી હૃદયસ્પર્શી નોંધ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આ ફાની દુનિયા છોડી ચૂક્યો છે. આ વાતનો વિશ્વાસ કરવો તેના પરિવારજનો માટે હજી પણ મુશ્કેલ છે. તે બહુ બહાદુરીથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો હતો. સુશાંતની બહેન શ્વેતા સિંહ જે અમેરિકામાં રહે છે તેણે નાના ભાઈ સુશાંતને યાદ કરીને ફેસબુક પર બહુ ભાવુક પોસ્ટ લખી છે. તેણે લખ્યું છે કે સુશાંત ફાઇટર હતો અને બહાદુરીથી લડાઈ લડી રહ્યો હતો.

 તું ફાઇટર હતો…

સુશાંતની બહેન શ્વેતાએ લખ્યું છે કે મેરા બેબી, મેરા બાબુ, મેરા બચ્ચા અમારી સાથે તું ફિઝિકલી પ્રેઝન્ટ નથી તો કંઈ નહીં…હું જાણું છું કે તું બહુ દુઃખી હતો અને મને માલૂમ છે કે તું એક લડવૈયો હતો અને તું બહુ બહાદુરી સાથે આ લડાઈ લડી રહ્યો હતો. સોરી મેરા સોના…સોરી એ બધાં દર્દ માટે જે તારે સહન કરવું પડ્યું… જો હું કંઈ કરી શકતી હોત તો તારાં બઘાં દુઃખદર્દ લઈ લેત અને મારી ખુશીઓ તને આપી દેત. તારી ચળકતી આંખોએ દુનિયાને શીખવ્યું છે કે સપનાં કેવી રીતે જોવાં, તારું નિર્દોષ સ્મિત બતાવે છે કે તારું દિલ કેટલું સાફ હતું. તને હંમેશાં ખૂબ-ખૂબ પ્રેમ કરતી રહીશ, મારા બાળક, મારા બેબી તું જ્યાં પણ રહે, ખુશ રહે… દરેક જણ તને કોઈ પણ શરત વગર પ્રેમ કરતું હતું અને કરતું રહેશે. મારા બધા પ્રિયજનો…મને ખબર છે કે આ પરીક્ષાની ઘડી છે…પણ જ્યારે પણ પસંદગી કરવાની તક મળે ત્યારે નફરતની જગ્યાએ પ્રેમને પસંદ કરો. ગુસ્સા અને રોષની જગ્યાએ દયાને પસંદ કરો. સ્વાર્થી નહીં નિઃસ્વાર્થ રહો અને માફ કરો… ખુદને માફ કરો, અન્યોને માફ કરો અને બધાને માફ કરો. દરેક જણ પોતાની લડાઈ લડી રહ્યું છે… ખુદ અને અન્ય માટે દયાળુ બનો. પોતાના દિલના દરવાજા હંમેશાં માટે કોઈ પણ કિંમતે બંધ ના કરો.

શ્વેતા સિંહ કીર્તિએ આ પોસ્ટ સાથે ભાઈ સુશાંત સાથે પોતાની એક જૂની તસવીર પણ પોસ્ટ કરી છે.