રાજકીય એજન્ડામાં બદલાવ?: ઉદ્ધવ ઠાકરે કરશે રામ રક્ષા આંદોલન

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં 2019ની વિધાનસભા ચૂંટણી બાદ જ્યારે ઉદ્ધવ ઠાકરેની અવિભાજિત શિવસેનાએ ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું, ત્યારથી પાર્ટીએ હિંદુત્વના મુદ્દાને કેન્દ્રસ્થાને રાખ્યો નહોતો. ક્યારેક કેટલાક નેતાઓનાં નિવેદનો આવતાં હતાં, પરંતુ હિંદુત્વને મુખ્ય રાજકીય એજન્ડા બનાવવામાં આવ્યો નહોતો. ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે આ જ શિવસેનાના વિભાજનનું એક મહત્વનું કારણ બન્યું હતું. 2024ની વિધાનસભા ચૂંટણી સુધી પણ શિવસેના (UBT)નો અભિગમ મોટા ભાગે એવો જ રહ્યો હતો. હવે, જોકે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પોતાના રાજકીય વલણમાં મોટો ફેરફાર કરવાનો સંકેત આપી રહી છે.

રવિવારે શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દાદરના હનુમાન મંદિર બહારથી ‘રામ રક્ષા અભિયાન’ની શરૂઆત કરી. આ અભિયાન દરમિયાન રામ જન્મભૂમિ આંદોલનનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને બાળાસાહેબ ઠાકરેની ભૂમિકાને પણ યાદ કરવામાં આવી. ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં થયેલી કથિત ગેરરીતિ અને ચોરીના મામલે મંદિરના સંચાલકો પર આસ્થા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો.

મોટા રાજકીય હેતુનો સંકેત?

શિવસેના (UBT)ના આ અચાનક બદલાયેલા વલણના કેન્દ્રમાં રામ મંદિરના દાનમાં થયેલી કથિત ગેરરીતિનો મુદ્દો છે. આ મુદ્દે સમગ્ર વિપક્ષ આક્રમક વલણ અપનાવી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ‘રામ રક્ષા અભિયાન’ દ્વારા શિવસેના (UBT) કોઈ મોટા રાજકીય લક્ષ્યને ધ્યાનમાં રાખીને નવી વ્યૂહરચના બનાવી રહી છે. તાજેતરમાં શિવસેના (UBT)ના નવમાંથી છ લોકસભા સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેના જૂથમાં જોડાઈ ગયા હતા. એટલું જ નહીં, મુંબઈના વરિષ્ઠ નેતા સચિન અહીરે પણ પક્ષ બદલી દીધો હતો. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે રામ મંદિરના ચઢાવા વિવાદને કેન્દ્રમાં રાખીને રાજકીય ચર્ચાને પક્ષપલટાથી હટાવી ફરી વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

રામ મંદિરના મુદ્દા પર ફરી ભાર

હનુમાન મંદિરમાં મહાઆરતી, રામ રક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા અને મારુતિ સ્તોત્રના પાઠ બાદ ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણનો મોટો ભાગ તાજેતરના પક્ષપલટા કરતાં અયોધ્યા અને રામ જન્મભૂમિ આંદોલનને સમર્પિત કર્યો હતો.ભાજપનું નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરેએ સવાલ કર્યો હતો કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ શું બદલાયું છે? તેમણે કહ્યું હતું કે બાર વર્ષ પહેલાં અમે માનતા હતા કે હવે હિંદુઓ પર અત્યાચાર નહીં થાય. પરંતુ તેન બદલે આજે તેમની આસ્થા અને વિશ્વાસની લૂંટ થઈ રહી છે.