ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજી અને જાપાનીઝ ડિઝાઈન આધારિત બે અત્યાધુનિક ‘એર-ફિલ્ડ રબર ડેમ’ (હવા ભરેલા ડેમ) પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેનું નિર્માણ કાર્ય હાલ અંતિમ તબક્કામાં છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે હેરણ નદી પર અંદાજે રૂ. ૮૨.૯૭ કરોડથી વધુના ખર્ચે ‘રાજવાસણા રબર ડેમ’ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. તેમજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર રૂ. ૭૯.૧૩ કરોડના ખર્ચે આ આધુનિક રબર ડેમ આકાર લઈ રહ્યા છે.
રાજવાસણા રબર ડેમ: ૨૫ ગામોના ખેડૂતોને થશે સીધો ફાયદો
છોટાઉદેપુર જિલ્લામાં હેરણ નદી પર ૧૮૦ મીટરની લંબાઈ અને ૩.૫ મીટરની ઉંચાઈ ધરાવતું આધુનિક રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ ડેમની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે,
૭૫ ટકા કામ પૂર્ણ: હાલની સ્થિતિએ આ ડેમનું ૭૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને તેને સપ્ટેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
જળસંગ્રહમાં વધારો: આ ટેકનોલોજીથી જૂના આડબંધની ક્ષમતામાં અભૂપૂર્વ વધારો થશે અને કુલ ૩.૫ મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાશે.
૩,૪૨૦ હેક્ટર જમીનને સંજીવની: આ પ્રોજેક્ટથી ૨૫ ગામોના ખેડૂતોને રવી અને ખરીફ બંને સિઝનમાં ખેતી માટે પૂરતું પાણી મળશે. ભવિષ્યમાં આ પાણી આસપાસના તળાવો સાથે જોડી દેવાશે જેથી પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.
૧૦ વર્ષ સુધી મેઇન્ટેનન્સ: કોન્ટ્રાક્ટમાં જ આગામી ૧૦ વર્ષ સુધી ઓપરેશન અને મેઇન્ટેનન્સ (O&M) નો સમાવેશ કરાયો છે.
પાઠકવાડી રબર ડેમ: ભૌગોલિક પડકાર સામે આધુનિક ટેકનોલોજીનો ઉત્કૃષ્ટ ઉપાય
તાપી જિલ્લાનો આ વિસ્તાર સમતળ હોવાને કારણે અને નદીના કાંઠા નીચા હોવાથી પરંપરાગત રીતે વધારે ઊંચાઈવાળા ચેકડેમ બનાવવાનું શક્ય નહોતું. સ્થાનિક ખેડૂતો અને વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણીની રજૂઆત બાદ વિભાગે અહીં જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નવતર નિર્ણય લીધો હતો.
૯૦ ટકા કામ પૂર્ણ: આ ઐતિહાસિક ડેમની કામગીરી ૯૦ ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે.
૫૦ ડિગ્રી તાપમાન સહન કરવાની ક્ષમતા: આ ડેમની સંપૂર્ણ ડિઝાઇન જાપાનીશ કોડ ૨૦૦૦ મુજબ કરાઈ છે અને તેમાં દક્ષિણ કોરિયાથી મંગાવેલું ખાસ ૧hack૮ MM થી ૩૨ MM જાડાઈનું રબર બ્લેડર વપરાયું છે. આ રબર ૫૦ ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ ઉત્તમ કામ આપશે અને ડેમનું આયુષ્ય અંદાજે ૩૦ વર્ષ જેટલું રહેશે.
૬૫૦ હેક્ટર જમીનને લાભ: આ ડેમ થકી આશરે ૩.૫૦ લાખ ઘન મીટર પાણીનો સંગ્રહ થતાં ૬૫૦ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવશે અને કૂવા-બોરના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે.
રબર ડેમની સૌથી મોટી વિશેષતાઓ
SCADA ઓટોમેશન સિસ્ટમ: આ ડેમમાં કોઈ માણસો (મેનપાવર) વગર કોમ્પ્યુટરથી જ રબર બ્લેડરમાં હવા ભરવાનું (ઇન્ફ્લેટ) અને હવા ખાલી કરવાનું (ડિફ્લેટ) કાર્ય ઓટોમેટિક થઈ શકશે.
કાંપ અને પૂરથી રક્ષણ: ચોમાસામાં ભારે પૂર સમયે રબરની હવા નીકાળીને તેને બેસાડી દેવાશે (ડિફ્લેટ કરાશે), જેથી પૂરના પાણી અને નદીમાં તણાઈ આવતો કાંપ આસાનીથી વહી જશે. આનાથી આસપાસની જમીનનું ધોવાણ અટકશે અને ડેમની ક્ષમતા વર્ષો સુધી જળવાઈ રહેશે.
ખારાશ અટકાવશે: ભવિષ્યમાં આ ટેકનોલોજી દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં ભળતું અટકાવવા ‘ટાઇડલ રેગ્યુલેટર’ તરીકે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.




