રશિયાના 68 મિસાઇલ અને 351 ડ્રોન હુમલાથી ધ્રૂજ્યું યુક્રેન

યુક્રેનની રાજધાની કીવ પર રશિયાએ ભીષણ હુમલો કર્યો છે. એક અઠવાડિયાની અંદર બીજી વખત થયેલા આ પ્રચંડ હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 5 બાળકો સહિત 46 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયાના આ તાબડતોડ મિસાઇલ અને ડ્રોન હુમલાથી સમગ્ર કીવ વિસ્તાર હલી ગયો છે. કીવ પ્રદેશના લશ્કરી વહીવટીતંત્રના વડા તિમુર તકાચેન્કોએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે રશિયન હુમલામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘાયલોની સંખ્યા 46 પર પહોંચી છે. ઈમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાં કાટમાળ નીચેથી વધુ ત્રણ લોકોના શબ મળી આવ્યા છે. તકાચેન્કોએ ટેલિગ્રામ પર લખ્યું છે કે હાલમાં 20 થી વધુ સ્થળોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.

ઇમારતો ધરાશાયી અને આગનો તાંડવ

કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું કે રશિયન બેલિસ્ટિક મિસાઇલોએ શહેરની અનેક સરકારી અને રહેણાંક ઇમારતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હુમલાના કારણે અનેક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ, ગોડાઉન અને ગેરેજ વર્કશોપમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સવાર સુધીમાં ત્રણ મોટી બહુમાળી ઇમારતો આંશિક રીતે ધરાશાયી થઈ ગઈ હતી. બચાવકર્મીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે, જ્યારે હેલિકોપ્ટરની મદદથી નદીમાંથી પાણી લાવીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

નાટો (NATO) શિખર સંમેલન પહેલા મોટો હુમલો

આ આક્રમણ એવા સમયે થયું છે જ્યારે તુર્કીના અંકારામાં ટૂંક સમયમાં જ નાટો શિખર સંમેલન શરૂ થવાનું છે. આ સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. આ હુમલાના થોડા કલાકો પહેલા જ જેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે ગુરુવારે થયેલા હુમલા (જેમાં 30 લોકો માર્યા ગયા હતા) પછી રશિયા અન્ય એક મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે.

રશિયાએ છોડી 68 મિસાઇલો અને 351 ડ્રોન

યુક્રેનની વાયુસેના (Air Force) ના જણાવ્યા અનુસાર, રશિયાએ 23 બેલિસ્ટિક મિસાઇલો, 6 સુપરસોનિક અને હાઇપરસોનિક મિસાઇલો સહિત કુલ 68 મિસાઇલો અને 351 આત્મઘાતી ડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે 37 મિસાઇલો અને 326 ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા હતા, પરંતુ તેઓ રશિયાની એક પણ બેલિસ્ટિક કે હાઇપરસોનિક મિસાઇલને રોકી શક્યા નહોતા. આ ભયાનક હુમલા બાદ જેલેન્સ્કીએ પશ્ચિમી દેશો પાસે તાત્કાલિક ધોરણે ‘પેટ્રિયટ મિસાઇલ ઇન્ટરસેપ્ટર સિસ્ટમ’ (Patriot Missile Interceptor System) ની માંગ કરી છે, જેને તેઓ બેલિસ્ટિક મિસાઇલો સામે એકમાત્ર અસરકારક સુરક્ષા માને છે.

રશિયાનો દાવો

બીજી તરફ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમણે હવાઈ, જમીન અને સમુદ્રમાંથી લોન્ચ કરવામાં આવતા લાંબી અંતરના ચોક્કસ હથિયારો અને ડ્રોન વડે યુક્રેન પર હુમલો કર્યો છે. મોસ્કોનો દાવો છે કે તેમણે કીવ સહિત યુક્રેનના ઘણા વિસ્તારોમાં સૈન્ય, ઉર્જા અને સંરક્ષણ ઔદ્યોગિક સુવિધાઓને સફળતાપૂર્વક નિશાન બનાવી છે. આ અઠવાડિયે તુર્કીમાં યોજાનારી નાટો સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેલેન્સ્કી ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાતચીત કરી શકે છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.