2011ના વર્લ્ડ કપની ફાઇનલ ફિક્સ હતી: શ્રીલંકાના પ્રધાનનો આક્ષેપ

નવી દિલ્હીઃ શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પોર્ટ્સપ્રધાન મહિન્દાનંદા અલુથગામગેએ કેટલાંક એવાં વિવાદાસ્પદ નિવેદન કર્યા છે, જેનાથી સ્પોર્ટ્સ વર્લ્ડમાં સનસનાટી મચી ગઈ ગઈ છે. તેમણે એવો આરોપ મૂક્યો છે કે 2011ની ICC વર્લ્ડ કપ સ્પર્ધા, જેમાં ભારત ચેમ્પિયન બન્યું હતું, તે ફિક્સ કરાયેલી હતી. અલુથગામગેના આરોપોના જવાબમાં શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગકારા અને મહેલા જયવર્ધને તીખી પ્રતિક્રિયા આપી છે. આ બંને ખેલાડીઓએ ભૂતપૂર્વ સ્પોર્ટ્સપ્રધાનના નિવેદનને તઘલખી ગણાવતાં તેમને ટ્વિટર પર ટ્રોલ કર્યા છે.

સંગકારા અને જયવર્ધને ભૂતપૂર્વ સ્પોર્ટ્સપ્રધાનને ટ્રોલ કર્યા

વર્ષ 2011 વર્લ્ડ કપમાં શ્રીલંકાની કેપ્ટનશિપ કરનાર વિકેટકીપર-બેટ્સમેન કુમાર સંગકારાએ સ્પોર્ટ્સપ્રધાનને સલાહ આપી છે કે તે એમના આરોપ વિશેના પુરાવા  ICC સંસ્થાને સુપરત કરે અને આ મામલાની તપાસ કરાવે. સંગકારાએ ટ્વીટ કર્યું છે કે, તેમણે તેમની પાસેના પુરાવા ICC અને ભ્રષ્ટાચારવિરોધી અને સુરક્ષા સંસ્થાઓની પાસે લઈ જવાની જરૂર છે, જેનાથી તેમના દાવાની વિસ્તૃત તપાસ થઈ શકે. એ મેચમાં સેન્ચુરી ફટકારનાર ભૂતપૂર્વ જયવર્ધને પણ આ આરોપોને બકવાસ ગણાવ્યા છે. તેણે ટ્વીટમાં સવાલ પૂછ્યો છે કે, શું ચૂંટણી થવાની છે? એટલે સર્કસ શરૂ થયું છે? પસંદ આવ્યું…નામ અને પુરાવા?

મહિન્દાનંદા અલુથગામગેનો ગંભીર આરોપ

અલુથગામગેએ આરોપ લગાવ્યા છે કે તેમના દેશે 2011 વિશ્વ કપ ફાઇનલ ભારતને વેચી દીધી હતી. સ્થાનિક ટીવી ચેનલ ‘સિરાસા’ ને આપેલા ઇન્ટવ્યુમાં તેમણે કહ્યું હતું કે ફાઇનલ ફિક્સ હતી. શ્રીલંકાના તત્કાલીન સ્પોર્ટ્સપ્રધાન અલુથગામગેએ કહ્યુ હતું કે આજે હું તમને કહી રહ્યો છું કે આપણે 2011 વિશ્વ કપ વેચી દીધો હતો, જ્યારે હું સ્પોર્ટ્સપ્રધાન હતો, ત્યારે પણ મેં આવું જ કહ્યું હતું.

એ મેચ ફિક્સ હતી, હું એના પર ચર્ચા કરવા તૈયાર છુંઃ અલુથગામગે

પાંચ ઓગસ્ટે થનારી ચૂંટણી સુધી કામકાજ જોઈ રહેલા હાલના કાર્યવાહક સરકારમાં વીજ રાજ્યપ્રધાન અલુથગામગેએ કહ્યું હતું કે એક દેશના રૂપમાં હું ઘોષણા નથી કરવા ઇચ્છતો. મને યાદ નથી કે એ 2011 હતું કે 2012. પરંતુ અમે એ મેચ જીતવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે હું જવાબદારી સાથે તમને કહી રહ્યો છું કે મેં અનુભવ્યું હતું કે એ મેચ ફિક્સ હતી. હું એના પર ચર્ચા કરી શકું છું. મને માલૂમ છે કે લોકો આને લઈને ચિંતિત છે.

2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે 275 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરતાં ગૌતમ ગંભીર (97) અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (91*)ની આક્રમક બેટિંગની મદદથી જીત હાંસલ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]