ચીન સાથે સીમાવિવાદઃ તાઈવાન, હોંગકોંગ, રશિયા, ઓસ્ટ્રેલિયા ભારતના સમર્થનમાં

સિડની: ગલવાન ખીણવિસ્તારમાં થયેલા હિંસક ઘર્ષણ પછી ચીન અને ભારત વચ્ચે તંગદિલી વધી ગઈ છે. આ ઘર્ષણ બાદ ચીન વિરુદ્ધ દુનિયાભરમાં અવાજ ઉઠી રહ્યો છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર અને lihkg પર મોટી સંખ્યામાં હોંગકોંગ અને તાઈવાનના લોકોએ ભારત પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તાઈવાન ન્યૂઝે ત્યાંના સોશિયલ મીડિયા lihkg પર શેર કરેલી એક તસવીરને ફોટો ઓફ ધ ડે ગણાવીને ટ્વીટ કરી છે, જેમાં ભગવાન શ્રીરામ ચાઈનીઝ ડ્રેગનને બાણથી મારી રહ્યાં છે. સાથે લખ્યું છે કે, ‘We conquer. We kill’.

આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. આ તસવીર ભારતીય મૂળના જ એક ડિઝાઈનરે 24 કલાકમાં તૈયાર કરી છે. હોંગકોંગથી લઈને તાઈવાન સુધી આ તસવીર વાઈરલ છે અને ભારત પ્રત્યે સમર્થનની એક મિસાલ રજૂ કરે છે.  ટ્વિટર પર HoSaiLei નામના હોંગકોંગના એક નાગરિકે લખ્યું કે, હું હોંગકોંગના એક નાગરિક તરીકે ભારતના લોકોનું સમર્થન કરું છું અને મને વિશ્વાસ છે કે મારા સાથી પણ તમારી સાથે હશે.

તો આ બંને દેશો વચ્ચેના તણાવને લઈને બુધવારે રશિયાએ કહ્યું કે, (રશિયા-ભારત-ચીન) RIC નું અસ્તિત્વ એ એક નિર્વિવાદ વાસ્તવિકતા છે અને ત્રિપક્ષીય સહકાર વિક્ષેપિત થવાના કોઈ સંકેત નથી. ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુદાશેવ ટ્વીટ કરીને કહ્યું કે, એલએસી પર તણાવ ઓછો કરવા માટે બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની વાતચીત સહિત લેવામાં આવેલા તમામ પગલાઓનું અમે સ્વાગત કરીએ છીએ. કુદાશેવે એમ પણ કહ્યું કે, ‘આરઆઈસીનું અસ્તિત્વ એક નિર્વિવાદ વાસ્તવિકતા છે, જે દ્રઢતાથી વિશ્વના નકશા પર નક્કી છે. ત્રિપક્ષીય સહકારના વર્તમાન તબક્કા માટે કોઈ એવા સંકેતો નથી કે તે વિક્ષેપિત થશે.

ચીન સમગ્ર વિશ્વથી અલગ પડતું દેખાઈ રહ્યું છે. હવે ઓસ્ટ્રેલિયા પણ જાહેરમાં ભારતના પક્ષમાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ ફરેલ એ કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ પછી નિયમો અને કાયદાને લઈને સ્થાપિત વ્યવસ્થાનું ચીન પાલન નથી કરી રહ્યું. તેમણે એમ પણ કહ્યું કે, દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન એકતરફી રીતે સ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મહત્વનું છે કે, આગામી 22 જૂને રશિયાની પહેલ પર આરઆઈસી સમ્મેલન યોજાનાર છે, જેમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર તેમજ ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓ ભાગ લે તેવી સંભાવના છે.