Home Blog Page 4629

વગર બોલાવે બોલે તે તણખલાંને તોલે

 

વગર બોલાવે બોલે તે તણખલાંને તોલે

 

 

કોઈપણ બે માણસો વાત કરતા હોય, કોઈક ગંભીર ચર્ચા ચાલી રહી હોય એવા પ્રસંગે અભિપ્રાય ન પૂછવામાં આવે તો યે વચ્ચે ડબડબ કરનાર માણસનું છવેટ અપમાન થાય છે. ઘણા લોકોને આવી આદત હોય છે કે બે વ્યક્તિ વાત કરી રહી હોય ત્યારે જરૂર ન હોય છતાં, પૂછવામાં ન આવે છતાં પોતાનો અભિપ્રાય આપી દે છે. કાં તો વચ્ચેથી વાત કરવાનું શરૂ કરી દે છે.

જેમ તણખલાને વજન નથી હોતું તેમ કામ વગરનું વચ્ચે બોલનાર પણ પોતાનું વજન એટલે કે માન ગુમાવે છે. વણમાંગી સલાહ ન આપો. સાંભળો બધું જ, પણ જ્યાં સુધી તમને પૂછવામાં ન આવે ત્યાં સુધી મૌન રહો.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.) 

પંચાંગ 06/10/2020

(મયંક રાવલ)

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બાયોડાઈવર્સિટી પાર્કનું લોકાર્પણ…

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર વાસણા વિસ્તારના બ્રિજના છેડે નવનિર્મિત બાયોડાઈવર્સિટી પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મેયર બીજલબેન પટેલ અને અગ્રણી ઓની ઉપસ્થિતિમાં પાર્ક લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સૃષ્ટિના સંતુલન માટે દરેક પ્રકારના જીવોને એકબીજાના પૂરક બનાવવા ખૂબ જ જરુરી છે. જીવવિજ્ઞાન સાથે જોડાયેલા લોકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ જૈવિક વિવિધતા ઉપર સતત જુદા જુદા સંશોધન કરતા રહે છે. સંશોધનકર્તા, જાણકારો પોતે અભ્યાસ કરી જીજ્ઞાસુ લોકો માટે પણ માહિતી તૈયાર કરી પ્રયોગશાળા કે વાસ્તવિક ઉદ્યાન તૈયાર કરે છે.

વેલ, આવું જ એક ઉદ્યાન… અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક રુપે તૈયાર થઇ ગયું છે. સાબરમતી નદીને કાંઠે ઇવેન્ટ સેન્ટર, ફ્લાવર પાર્કના થોડા અંતર પછી વાસણા બેરેજની એકદમ નજીક બાયોડાયવર્સિટી પાર્ક તૈયાર કરાયો છે.

જૈવિક વિવધતાથી ભરપૂર આ પાર્ક સાથે જોડાયેલા આસિફભાઇ ‘ચિત્રલેખા.કોમ’ને જણાવે છે કે રિવરફ્રન્ટ પરના આ પાર્કમાં પહેલા જ ફેસમાં સાત હજાર જેટલા વૃક્ષ, વનસ્પતિ, છોડનું વાવેતર કરાયું છે. જેમાં 125 જાતની વેરાઇટીનો સમાવેશ થાય છે. અરીઠા, અરડુશી, નાગોડ, સીગ્રેપ્સ, અંજીર, પાઇનેપલ, કાજુ, મોસંબી, ગુંદા, બદામ જેવી અનેક ચીજ વસ્તુઓને ઉછેરી માવજત કરાઇ રહી છે. આ પાર્કમાં અનેક પ્રકારના પક્ષીઓ, જીવ જંતુઓ સહ અસ્તિત્વ માણી રહ્યા છે.

બાયોડાયવર્સિટી પાર્કમાં કામ કરતાં મેહુલભાઇ કહે છે એકદમ કુદરતી રીતે તમામ પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતા, રસધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પાર્ક ખૂબ જ ઉપયોગી થઇ પડશે. અહીંના મોટાભાગના પ્લાન્ટેશનની ઓળખ થાય એ રીતે લખાણ તૈયાર કરવામાં આવશે. ઝાડ પર નામ સાથેની પ્લેટ મુકવામાં આવશે.

અત્યારે એક ફેસ તૈયાર કરાયો છે, બીજા ફેસમાં વિશાળતા અને વિવિધતા વધારાશે. વિદ્યાર્થીઓની સાથે વૃધ્ધો સહિતના લોકો જૈવિક વિવિધતાથી ભરપૂર અમદાવાદનો આ પાર્ક ખુલ્લો મુકાયા બાદ અનોખી ઉર્જા મેળવી શકશે.

– પ્રજ્ઞેશ વ્યાસ

ગુજરાત બોર્ડે ધોરણ 9થી 12નો અભ્યાસક્રમ ઘટાડ્યો

અમદાવાદઃ કોરોના વાઇરસને લીધે વિદ્યાર્થીઓને અભ્યાસમાં બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.  શાળા-કોલેજો લગભગ છ મહિનાથી બંધ છે. આવામાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે શાળાના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. બોર્ડે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા બેઠક યોજી હતી. શિક્ષણપ્રધાનના અધ્યક્ષસ્થાને જે બેઠક યોજી હતી એમાં શિક્ષણવિદો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. જે અનુસાર ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દેવામા આવ્યો છે. આ ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહિ. અભ્યાસક્રમમાં કરેલા ઘટાડાની વિસ્તૃત માહિતી તમામ શાળાઓને મોકલી અપાશે.

આ ઘટાડો એક વર્ષ માટે લાગુ રહેશે. શાળાઓને આ વિશે ટૂંક જ સમયમાં વધુ માહિતી આપી દેવામાં આવશે કે કેવી રીતે માધ્યમિક બોર્ડે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે.

સરકાર આ અંગેનો વિગતવાર પરિપત્ર બહાર પાડશે, જેમાં ધોરણ 9-12ના વિષયોના અભ્યાસક્રમમાં ચાલુ રાખેલાં પ્રકરણો મુદ્દાઓ તેમ જ અભ્યાસક્રમમાં રદ કરેલા મુદ્દાઓની વિગતો આપવામાં આવશે.

 

 

મુંબઈના ઘાટકોપરમાં ઉઘાડા મેનહોલમાં પડી જતાં ગુજરાતી ગૃહિણીનું કરૂણ મૃત્યુ; તપાસનો આદેશ

મુંબઈઃ પૂર્વ મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં ગયા શનિવારે એક ખુલ્લા મેનહોલને કારણે નાળામાં પડી જતાં તણાઈ ગયેલાં એક ગુજરાતી મહિલાનો મૃતદેહ આજે સવારે પશ્ચિમ ભાગમાં આવેલા હાજી અલી દરગાહ (વરલી) વિસ્તારમાં સમુદ્રકાંઠે મળ્યો હતો. આ બનાવ અંગે ઘાટકોપરમાં રહેતા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં મહાપાલિકાના અધિકારીઓ સામે ક્રિમિનલ બેદરકારીની લેખિત ફરિયાદ નોંધાવી છે.

મૃતકનું નામ શીતલ જિતેશ દામા છે, જેમની વય 32 વર્ષની હતી. એમનાં પરિવારમાં એમનાં પતિ, 2 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે.

મહાનગરપાલિકાએ આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.

ઘાટકોપરના અસલ્ફા વિસ્તારનું નાળું માહિમ ઉપનગરમાં મિઠી નદીમાં ભળી જાય છે.

મહિલાનો મૃતદેહ તણાઈને સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે હાજી અલી સમુદ્રકાંઠે મળી આવ્યો હતો. એને પગલે તારદેવ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધણી કરી હતી. પોલીસે મહિલાની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એ વખતે તેમને જાણ કરાઈ હતી કે ગયા શનિવારે મુંબઈમાં અનરાધાર વરસાદ પડ્યો હતો ત્યારે ઘાટકોપરમાં એક મહિલા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી એવું માલૂમ પડ્યું હતું. એ સાથે જ તે મહિલાની ઓળખ થઈ શકી હતી.

આ અકસ્માત મુંબઈ મહાનગરપાલિકાની ભૂલને કારણે બન્યો છે કે હત્યાનો કેસ છે? એ વિશે મહાનગરપાલિકાએ આદેશ આપ્યા બાદ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

મુંબઈ મહાનગરપાલિકાના અતિરિક્ત કમિશનર પી. વેલારાસૂએ એમના ડેપ્યુટીને આદેશ આપ્યો છે કે આ ઘટનામાં તપાસ કરવામાં આવે. એ માટે આજુબાજુ મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજનો પણ ઉપયોગ કરવો.

મુંબઈમાં ગયા શનિવાર 3 ઓક્ટોબરે રાતે અચાનક મુસળધાર વરસાદ પડ્યો હતો. એને કારણે અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. એ વખતે ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં એક નાળામાં શીતલ દામા નામની 32 વર્ષની એક મહિલા પડી જવાથી તણાઈ ગયાની ઘટના બની હતી.

 

પરંતુ, મહિલાનો મૃતદેહ છેક હાજીઅલી વિસ્તારમાં સમુદ્રકાંઠે કેવી રીતે પહોંચ્યો એ વિશે ચર્ચા થઈ રહી છે. અસલ્ફા વિસ્તાર અને હાજીઅલી વચ્ચે લગભગ 20-22 કિ.મી.નું અંતર છે. મૃતદેહ અસલ્ફાના નાળામાંથી ક્યાંય ન અટકીને હાજીઅલી સમુદ્રકાંઠે પહોંચ્યો એ વિશે મહાપાલિકાના અધિકારીઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે, મહાપાલિકાએ વરસાદના પાણીના નિકાલ માટે મોટી પાઈપલાઈનો, ગટરમાંથી વહેતા પાણીમાંનો કચરો રોકવા માટે અનેક ઠેકાણે મોટી જાળીઓ-ગ્રીલ્સ બેસાડી છે. અસલ્ફાની આગળ જતા સાકીનાકા વિસ્તારમાં મૂકવામાં આવેલી ગ્રીલ્સમાં અટકાયેલો કચરો દરરોજ દૂર કરવામાં આવે છે. અસલ્ફાનું નાળું મિઠી નદીને માહિમમાં જઈને મળે છે તો શીતલ દામાનો મૃતદેહ તણાઈને માહિમ મળવો જોઈતો હતો, પરંતુ એને બદલે તે હાજીઅલીના સમુદ્રકિનારે કેવી રીતે પહોંચ્યો એ વિશે હવે તપાસ થઈ રહી છે.

ઘાટકોપર વિસ્તારના ભાજપ નેતા કિરીટ સોમૈયાએ આ વિશે જાતે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે. એમણે કહ્યું છે કે શીતલ દમાનાં મૃત્યુ બદલ મહાપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ભારતીય ફોજદારી ધારાની કલમો 34, 279, 304, 406, 420 અન્વયે પગલાં લેવાની માગણી કરી છે.

સોમૈયાનો આક્ષેપ છે કે ઘટના જ્યાં બની તે ગટર પર અગાઉ સીમેન્ટના ઢાંકણ બેસાડેલા હતા, પરંતુ ગયા જાન્યુઆરી મહિનાથી ગટરોનું સમારકામ શરૂ કરાયા બાદ હલકી ગુણવત્તાવાળા ઢાંકણ બેસાડવામાં આવ્યા હતા. મહાપાલિકાના ભ્રષ્ટ કારભારને કારણે બે માસુમ સંતાન માતાવિહોણા થઈ ગયાં છે.

આ ઘટનાને કારણે ઘાટકોપરના રહેવાસીઓમાં ખૂબ રોષ ફેલાયો છે. ગટરનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને મહાપાલિકા અધિકારી પર સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવો જોઈએ એવી માગણી કરાઈ રહી છે.

હેપેટાઈટિસ-C વાઈરસ શોધનાર 3 વિજ્ઞાનીઓને મેડિસીનનો નોબેલ પુરસ્કાર

સ્ટોકહોમઃ વર્ષ 2020 માટે મેડિસીન ક્ષેત્ર માટેના નોબેલ પુરસ્કારનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ વખતે ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપે આ પુરસ્કાર આપવામાં આવશે. આ વૈજ્ઞાનિકોને હેપેટાઇટિસ-સી વાઇરસની શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અમેરિકાના હાર્વે જે ઓલ્ટર, ચાર્લ્સ એમ. રાઇસ અને બ્રિટિશ વૈજ્ઞાનિક માઇકલ હોફ્ટનને આ પુરસ્કાર મળ્યો છે. નોબેલ કમિટીના પ્રમુખ થોમસ પર્લમેને સ્ટોકહોમમાં વિજેતાઓનાં નામની ઘોષણા કરી હતી.

નોબેલ પુરસ્કાર સમિતિના મુજબ હેપેટાઇટિસ વિશ્વભરમાં લોકોમાં સોરાયસિસ અને લિવરના કેન્સરનું કારણ બને છે. એ વૈજ્ઞાનિકોને એવોર્ડ સ્વરૂપે આશરે 11.20 લાખ ડોલરની રકમ આપવામાં આવશે. નોબેલ પુરસ્કાર આપતી સંસ્થાએ કહ્યું હતું કે આ વર્ષે આ પુરસ્કાર લોહીને કારણે પેદા થનારા હેપેટાઇટિસથી વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોને સોરાયસિસ અને લિવર કેન્સર થાય છે. ત્રણે વૈત્રાનિકોએ એક નોવેલ વાઇરસની શોધમાં મૂળભૂત શોધ કરી, જેમાં હેપેટાઇટિસ-સીની ઓળખ થઈ શકી.

નોબેલ પુરસ્કાર આપતી સંસ્થાના જણાવ્યા મુજબ આ સપ્તાહે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારોની દોડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. તેમને ઇઝરાયલ અને UAEની વચ્ચે શાંતિ સોદો કરાવવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ વિશ્વમાં સાત કરોડ હેપેટાઇટિસના કેસ છે અને દર વર્ષે આ બીમારીને કારણે વિશ્વમાં ચાર લાખ લોકોનાં મોત થાય છે. આ રોગને ક્રોનિક બીમારીની શ્રેણીમાં મૂકવામાં આવે છે અને લિવરથી સંકળાયેલી બીમારીઓ અને કેન્સરનું મુખ્ય કારણ છે.

મુંબઈમાં છ મહિને રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ ફરી ખુલી…

મહારાષ્ટ્ર સરકારે અનલોક-5 અંતર્ગત પરવાનગી આપતાં મુંબઈ ઉપરાંત પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં 5 ઓક્ટોબર, સોમવારથી રેસ્ટોરન્ટ્સ, કેફે, હોટેલ્સ, ફૂડ કોર્ટ્સ અને બીયર બાર ફરી ખુલી ગયા છે. જોકે કોરોના વાઈરસ બીમારીના ફેલાવાને કારણે કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય સુરક્ષાને લગતા કડક નિયમોનું પાલન કરવાનું આ તમામને માટે ફરજિયાત બનાવાયું છે. જેમ કે, હોટેલના સ્ટાફ અને ગ્રાહકોએ ફેસ માસ્ક પહેરવો ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને 50 ટકા ગ્રાહકોને જ પ્રવેશવા દેવા.

શેરબજારમાં ફ્રન્ટ રનિંગ કરવા બદલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ગ્રુપ, સંબંધિત એન્ટિટીઝના 6 કર્મચારીઓ/ડીલરો સામે SEBIનાં પગલાં

મુંબઈઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ શેરબજારમાં ફ્રન્ટ રનિંગની ગેરરીતિ આચરવા બદલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ગ્રુપ તથા અન્ય સંબંધિત એન્ટિટીઝના છ કર્મચારીઓ/ડીલરોની સામે પગલાં ભર્યાં છે.

સેબીના હોલટાઇમ મેમ્બર માધવી પુરી બૂચે પહેલી ઓક્ટોબરે સેબી એક્ટની કલમો – 11 (1), 11 (4), 11બી (1) અને 11ડી હેઠળ આ કાર્યવાહી કરી છે. આ કેસમાં સંડોવાયેલા શખસોમાં વીરેન્દ્ર પ્રતાપ સિંહ, નેહા વીરેન્દ્ર સિંહ, ગુલામમહમ્મદ ગુલામઅબ્બાસ શેખ, મહમ્મદિદરિશ શેખ અને સંતોષ બ્રિજરાજ સિંહ અને આદિલ ગુલામ સુથારનો સમાવેશ થાય છે.

સેબીના વચગાળાના એકપક્ષી આદેશમાં જણાવાયા મુજબ સેબીની એલર્ટ સિસ્ટમમાં ડિસેમ્બર 2019થી માર્ચ 2020 સુધીના ગાળા સંબંધે ફ્રન્ટ રનિંગ પ્રવૃત્તિને લગતાં એલર્ટ પ્રાપ્ત થયાં હતાં.

આદેશ મુજબ વીરેન્દ્ર પ્રતાપ સિંહ અને નેહા વીરેન્દ્ર સિંહ ઇન્ડિયા ઇન્ફોલાઇન વેલ્થનો હિસ્સો એવી ઇન્ડિયા ઇન્ફોલાઇન એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સોદાઓ સંબંધે ફ્રન્ટ રનિંગ કરતાં હોવાની શંકા ગઈ હતી. ઇન્ડિયા ઇન્ફોલાઇન વેલ્થ એ ઇન્ડિયા ઇન્ફોલાઇન ગ્રુપનો હિસ્સો છે.

સેબીએ આ કેસમાં તપાસ કર્યા બાદ શોધી કાઢ્યું છે કે સંતોષ બી. સિંહ અને આદિલ સુથારે મોટા ક્લાયન્ટ્સના ઓર્ડર સંબંધે ફ્રન્ટ રનિંગ કર્યું હતું અને તેના માટે કેટલાંક પ્યાદાં અકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તેમણે મોટા ક્લાયન્ટ્સ તથા સામાન્ય રોકાણકારોની સાથે દગાબાજી કરી છે. આ બધી વ્યક્તિઓએ ચાર અલગ અલગ ટ્રેડિંગ અકાઉન્ટ મારફતે ફ્રન્ટ રનિંગ મારફતે કુલ 58.10 લાખ રૂપિયાની ગેરરીતિપૂર્વકની કમાણી કરી હતી.

આદેશમાં જણાવાયા મુજબ હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઉક્ત તમામ છ શખસો પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હતા.

ઇન્ડિયા ઇન્ફોલાઇનના ડીલર સંતોષ બી. સિંહ મોટા ક્લાયન્ટ્સના ઓર્ડરને અમલમાં મૂકતાં પહેલાં આદિલ સુથાર સાથે મળીને પ્યાદાં અકાઉન્ટ દ્વારા ફ્રન્ટ રનિંગ સોદાઓ કરતા હતા. આ શખસોને સિક્યોરિટીઝ બજારમાં કામકાજ કરવાની મનાઈ ફરમાવવા ઉપરાંત કેટલાક બીજા હુકમો પણ કરવામાં આવ્યા છે.

બજારનાં જાણકાર સૂત્રો કહે છે કે એક સમયના કોમોડિટી સ્પોટ એક્સચેન્જ – એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં મોટા બ્રોકરોએ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ, નેમ લેન્ડિંગ અને પેન લેન્ડિંગ તથા બેનામી ટ્રેડિંગ અને મની લોન્ડરિંગ જેવી વિવિધ ગેરરીતિઓ આચરી હતી. સ્ટોક એક્સચેન્જોમાં તો એનએસઈએલ કરતાં લગભગ 100 ગણું મોટું આવું ખોટું કામકાજ ચાલે છે. તેમનું એવું પણ કહેવું છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ કર્યા બાદ આવી ગેરરીતિઓ વધી છે. તેમાં ક્યાંક એનએસઈ જેવા એક્સચેન્જ અને સેબીનાં આંખમિચાંમણાં પર જવાબદાર છે. આવાં કામોમાં બનાવટી ખોટ દાખવીને સરકારી તિજોરીમાં 5 લાખ કરોડ રૂપિયાનો આવક વેરો ભરવામાંથી બચી જવાની પ્રવૃત્તિઓ થઈ છે. એક સમયના પાવર ઓફ એટર્નીના દુરુપયોગ બાદ હવે ફ્રન્ટ રનિંગની પ્રવૃત્તિ પ્રકાશમાં આવી છે.

દિલ્હીમાં અક્ષરધામ મંદિર 13 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મૂકાશે

નવી દિલ્હીઃ અત્રેનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર જાહેર જનતા માટે આવતી 13 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મૂકવામાં આવશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા કેન્દ્ર સરકાર પ્રેરિત લોકડાઉન લાગુ કરાયા બાદ આ મંદિરને પણ આમ જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે અનલોક પ્રક્રિયા અંતર્ગત પરવાનગી મળતાં મંદિરને મુલાકાતીઓ અને દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવશે.

શરૂઆતમાં, સાંજે પાંચ વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. સાંજે 7.15 વાગ્યે મંદિરમાં દર્શન, વોટર શો, ગાર્ડન, ફૂડ કોર્ટ અને પુસ્તકો તથા ઉપહાર કેન્દ્રો પણ તમામ દર્શનાર્થીઓ, મુલાકાતીઓ માટે ઉપલબ્ધ રહેશે.

અભિષેક પૂજા અને તમામ નાના-મોટા એક્ઝિબિશન્સ અચોક્કસ મુદત માટે બંધ રહેશે.

કોવિડ-19 મહાબીમારીના પ્રોટોકોલ અનુસાર, મુલાકાતીઓએ મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે તેમજ સમગ્ર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત તમામ સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરવાનું રહેશે.

પ્રવેશના સમયે થર્મલ સ્ક્રીનિંગ અને હાથની સફાઈ તમામ લોકોને માટે ફરજિયાત રહેશે. જે મુલાકાતીને શરીરમાં સામાન્ય તાપમાન હશે કે એમનામાં કોવિડ-19ના લક્ષણો જણાશે તો એને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં નહીં આવે.