ગુજરાત બોર્ડે ધોરણ 9થી 12નો અભ્યાસક્રમ ઘટાડ્યો

અમદાવાદઃ કોરોના વાઇરસને લીધે વિદ્યાર્થીઓને અભ્યાસમાં બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.  શાળા-કોલેજો લગભગ છ મહિનાથી બંધ છે. આવામાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે શાળાના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. બોર્ડે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા બેઠક યોજી હતી. શિક્ષણપ્રધાનના અધ્યક્ષસ્થાને જે બેઠક યોજી હતી એમાં શિક્ષણવિદો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. જે અનુસાર ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દેવામા આવ્યો છે. આ ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહિ. અભ્યાસક્રમમાં કરેલા ઘટાડાની વિસ્તૃત માહિતી તમામ શાળાઓને મોકલી અપાશે.

આ ઘટાડો એક વર્ષ માટે લાગુ રહેશે. શાળાઓને આ વિશે ટૂંક જ સમયમાં વધુ માહિતી આપી દેવામાં આવશે કે કેવી રીતે માધ્યમિક બોર્ડે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે.

સરકાર આ અંગેનો વિગતવાર પરિપત્ર બહાર પાડશે, જેમાં ધોરણ 9-12ના વિષયોના અભ્યાસક્રમમાં ચાલુ રાખેલાં પ્રકરણો મુદ્દાઓ તેમ જ અભ્યાસક્રમમાં રદ કરેલા મુદ્દાઓની વિગતો આપવામાં આવશે.