શેરબજારમાં ફ્રન્ટ રનિંગ કરવા બદલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ગ્રુપ, સંબંધિત એન્ટિટીઝના 6 કર્મચારીઓ/ડીલરો સામે SEBIનાં પગલાં

મુંબઈઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ શેરબજારમાં ફ્રન્ટ રનિંગની ગેરરીતિ આચરવા બદલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ગ્રુપ તથા અન્ય સંબંધિત એન્ટિટીઝના છ કર્મચારીઓ/ડીલરોની સામે પગલાં ભર્યાં છે.

સેબીના હોલટાઇમ મેમ્બર માધવી પુરી બૂચે પહેલી ઓક્ટોબરે સેબી એક્ટની કલમો – 11 (1), 11 (4), 11બી (1) અને 11ડી હેઠળ આ કાર્યવાહી કરી છે. આ કેસમાં સંડોવાયેલા શખસોમાં વીરેન્દ્ર પ્રતાપ સિંહ, નેહા વીરેન્દ્ર સિંહ, ગુલામમહમ્મદ ગુલામઅબ્બાસ શેખ, મહમ્મદિદરિશ શેખ અને સંતોષ બ્રિજરાજ સિંહ અને આદિલ ગુલામ સુથારનો સમાવેશ થાય છે.

સેબીના વચગાળાના એકપક્ષી આદેશમાં જણાવાયા મુજબ સેબીની એલર્ટ સિસ્ટમમાં ડિસેમ્બર 2019થી માર્ચ 2020 સુધીના ગાળા સંબંધે ફ્રન્ટ રનિંગ પ્રવૃત્તિને લગતાં એલર્ટ પ્રાપ્ત થયાં હતાં.

આદેશ મુજબ વીરેન્દ્ર પ્રતાપ સિંહ અને નેહા વીરેન્દ્ર સિંહ ઇન્ડિયા ઇન્ફોલાઇન વેલ્થનો હિસ્સો એવી ઇન્ડિયા ઇન્ફોલાઇન એસેટ મેનેજમેન્ટ લિમિટેડના સોદાઓ સંબંધે ફ્રન્ટ રનિંગ કરતાં હોવાની શંકા ગઈ હતી. ઇન્ડિયા ઇન્ફોલાઇન વેલ્થ એ ઇન્ડિયા ઇન્ફોલાઇન ગ્રુપનો હિસ્સો છે.

સેબીએ આ કેસમાં તપાસ કર્યા બાદ શોધી કાઢ્યું છે કે સંતોષ બી. સિંહ અને આદિલ સુથારે મોટા ક્લાયન્ટ્સના ઓર્ડર સંબંધે ફ્રન્ટ રનિંગ કર્યું હતું અને તેના માટે કેટલાંક પ્યાદાં અકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તેમણે મોટા ક્લાયન્ટ્સ તથા સામાન્ય રોકાણકારોની સાથે દગાબાજી કરી છે. આ બધી વ્યક્તિઓએ ચાર અલગ અલગ ટ્રેડિંગ અકાઉન્ટ મારફતે ફ્રન્ટ રનિંગ મારફતે કુલ 58.10 લાખ રૂપિયાની ગેરરીતિપૂર્વકની કમાણી કરી હતી.

આદેશમાં જણાવાયા મુજબ હવે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઉક્ત તમામ છ શખસો પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હતા.

ઇન્ડિયા ઇન્ફોલાઇનના ડીલર સંતોષ બી. સિંહ મોટા ક્લાયન્ટ્સના ઓર્ડરને અમલમાં મૂકતાં પહેલાં આદિલ સુથાર સાથે મળીને પ્યાદાં અકાઉન્ટ દ્વારા ફ્રન્ટ રનિંગ સોદાઓ કરતા હતા. આ શખસોને સિક્યોરિટીઝ બજારમાં કામકાજ કરવાની મનાઈ ફરમાવવા ઉપરાંત કેટલાક બીજા હુકમો પણ કરવામાં આવ્યા છે.

બજારનાં જાણકાર સૂત્રો કહે છે કે એક સમયના કોમોડિટી સ્પોટ એક્સચેન્જ – એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં મોટા બ્રોકરોએ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ, નેમ લેન્ડિંગ અને પેન લેન્ડિંગ તથા બેનામી ટ્રેડિંગ અને મની લોન્ડરિંગ જેવી વિવિધ ગેરરીતિઓ આચરી હતી. સ્ટોક એક્સચેન્જોમાં તો એનએસઈએલ કરતાં લગભગ 100 ગણું મોટું આવું ખોટું કામકાજ ચાલે છે. તેમનું એવું પણ કહેવું છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ કર્યા બાદ આવી ગેરરીતિઓ વધી છે. તેમાં ક્યાંક એનએસઈ જેવા એક્સચેન્જ અને સેબીનાં આંખમિચાંમણાં પર જવાબદાર છે. આવાં કામોમાં બનાવટી ખોટ દાખવીને સરકારી તિજોરીમાં 5 લાખ કરોડ રૂપિયાનો આવક વેરો ભરવામાંથી બચી જવાની પ્રવૃત્તિઓ થઈ છે. એક સમયના પાવર ઓફ એટર્નીના દુરુપયોગ બાદ હવે ફ્રન્ટ રનિંગની પ્રવૃત્તિ પ્રકાશમાં આવી છે.