Home Blog Page 4628

15 ઓક્ટોબરથી ખૂલશે સિનેમા હોલ્સ, જાણો નિયમો…

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળાને પગલે સાત મહિનાથી બંધ દેશભરના સિનેમા હોલ્સ આવતી 15 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથી ખોલી શકાશે. માહિતી અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે આ માહિતી આપતાં કહ્યું હતું કે સિનેમા હોલ માટે સંચાલન પ્રક્રિયા (SOP)ની ઘોષણા કરવામાં આવી છે. જાવડેકરે તેમના નિવાસસ્થાને પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું હતું કે માસ્ક પહેરવો અને દર્શકોની વચ્ચે એક સીટનું અંતર ફરજિયાત હશે. લોકોની સુરક્ષા માટે અમે SOP તૈયાર કરી છે, એમ તેમણે કહ્યું હતું.સિનેમા હોલમાં 50 ટકા લોકોને બેસવાની મંજૂરી હશે. સામાજિક અંતરનું પાલન કરવા માટે એક ખુરશી છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. જોકે દરેક સમયે માસ્ક લગાવી રાખવો ફરજિયાત છે અને સાથે સેનિટાઇઝર જરૂરી છે.

એક શો પૂરો થયા પછી હોલને સેનિટાઇઝ કરવામાં આવશે

કોરોનાથી બચવા વિશે જાગરુકતા ફેલાવવાળી એક મિનિટની ફિલ્મ દેખાડવી અથવા એ વિશે ઘોષણા કરવી ફરજિયાત છે. એક શો પૂરો થયા પછી સંપૂર્ણ હોલને સેનિટાઇઝ કરવો પડશે. એ પછી બીજો શો શરૂ થઈ શકશે. સિંગલ સ્ક્રીનમાં ટિકિટ બુકિંગ માટે વધુ બારીઓ ખોલવી પડશે. બધી જગ્યાએ ઓનલાઇન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવામાં આવશે, એમ જાવડેકરે કહ્યું હતું.

વેન્ટિલેશનની ઉચિત વ્યવસ્થાની સાથે એર કન્ડિશનિંગનું તાપમાન 24થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવું જોઈએ. મંત્રાલયે SOPમાં કહ્યું હતું કે આ શોનો પ્રારંભ મધ્યાંતરના સમયમાં લોકોના પ્રવેશ અને બહાર જવા દરમ્યાન સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. એના માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
ઇન્ટરવલ દરમ્યાન આવવા-જવાથી બચવા માટે દર્શકોને પ્રોત્સાહિત કરવામાં આવશે તથા યોગ્ય અંતર રાખવા અને ભીડ મેનેજમેન્ટ માટે ઠેકઠેકાણે સંકેતોનો ઉપયોગ કરવામાં આવશે. આ SOP મુજબ સિનેમા હોલમાં માત્ર પેક થયેલા નાસ્તા અથવા પીણાં પદાર્થો વેચવાની મંજૂરી હશે. સિનેમા હોલમાં બહારથી નાસ્તાની ડિલિવરી કરી નહીં શકાય.

ઓડિટોરિયમનો 50 ટકા હિસ્સાનો ઉપયોગ કરાશેઃ SOP

સિનેમા હોલના સફાઈ કર્મચારીઓની સુરક્ષા અને સલામતી માટે હાથનાં મોજાં, જૂતાં, માસ્ક, PPE કિટ વગેરેની જોગવાઈ કરવામાં આવી છે. સંક્રમિતોના સંપર્કની જાણ થયા પછી દર્શકોના ફોન નંબર પણ લેવામાં આવશે. ગૃહ મંત્રાલયે 30 સપ્ટેમ્બરે નવા દિશા-નિર્દેશો જારી કરતાં 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી હતી.

SOP મુજબ દર્શકોને આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાની અને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવશે. દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે અને લક્ષણો વગરની વ્યક્તિનો જ પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. SOP મુજબ કોવિડ-19 સંબંધિત ભેદભાવ અથવા ગેરવર્તન કરનારા દર્શકો સામે સખતાઈ કામ લેવામાં આવશે અને ઓડિટોરિયમનો 50 ટકા હિસ્સાનો ઉપયોગ કરાશે.

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં ફિલ્મ દરમ્યાન બધાં સ્ટેકહોલ્ડર્સે સેફ્ટી સ્ટાન્ડર્ડનું પાલન કરવાનું રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે SOPનું પાલન યોગ્ય રીતે થશે અને લોકો 15 ઓક્ટોબરથી સિનેમા હોલમાં જઈને ફિલ્મ જોઈ શકશે. આ માટે તેમણે બધાને શુભકામનાઓ આપી હતી.

પાકિસ્તાનનો પહેલો શીખ ફાસ્ટ બોલર મહિન્દરપાલ સિંહ

લાહોરઃ પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર મહિન્દરપાલ સિંહનું સપનું છે કે એને ભારતની ક્રિકેટ ટીમ સામે રમવા મળે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવા માટે આતુર એવો મહિન્દરપાલ સિંહ પાકિસ્તાનમાં શીખ સમુદાયનો પહેલો ક્રિકેટર છે.

હાલ 20ની આસપાસની ઉંમરનો મહિન્દરપાલ સિંહ કહે છે, ભારત સામે કોઈ પણ સ્તરે ક્રિકેટ મેચ રમવા હું ખૂબ જ આતુર છું. તમે કોઈ પણ ક્રિકેટરને પૂછો, તે એમ જ કહેશે કે એને હાઈ-પ્રેશરવાળી મેચોમાં રમવાની ઈચ્છે છે, કારણ કે એવી મેચ આખી દુનિયા જોતી હોય છે. એમાંય ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ તો વિશેષ જ ગણાય. મને એ તક મળે એની હું આતુરતાપૂર્વક રાહ જોઉઁ છું.

મને લોકો કોઈ મજબૂત હરીફ ટીમ સામેની હાઈ-ટેમ્પો મેચમાં હિરો તરીકે ગણે અને એ મેચ દુનિયાભરમાં જોવામાં આવે એવું હું ઈચ્છું છું. ભારતના પંજાબમાં મારા સગાંઓ રહે છે. મારા કાકી તથા બીજાં ઘણાં સગાંસંબંધીઓ ત્યાં રહે છે અને અમે નિયમિત રીતે મળીએ છીએ. ભારતમાં મારા ઘણા ચાહકો છે, ખાસ કરીને પંજાબમાં. હું સારો દેખાવ કરું એવું તેઓ કાયમ ઈચ્છતા હોય છે. તેઓ મને કહે છે કે જો મને ક્યારેય પણ પાકિસ્તાન વતી રમવાનો મોકો મળશે ત્યારે તેઓ મને અને પાકિસ્તાનને સપોર્ટ કરશે, એમ મહિન્દરપાલે પાકપેશન.નેટને આપેલી મુલાકાતમાં કહ્યું છે.

મહિન્દરપાલ સિંહ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને કેપ્ટન વકાર યુનુસને પોતાનો આદર્શ માને છે.

મહિન્દરપાલ 2017માં જિલ્લા સ્તર અથવા ગ્રેડ-2ની મેચોમાં રમ્યો હતો, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘરેલુ ક્રિકેટ માળખામાં ધરખમ ફેરફાર કરતાં અને વિભાગીય ટીમોના માળખાને રદ કરતાં ઘણા ક્રિકેટરોએ એમની આજીવિકા ગુમાવી દીધી છે.

મહિન્દરપાલે એમ પણ કહ્યું કે પોતે શીખ સમુદાયનો હોવાથી એને પાકિસ્તાનમાં ભેદભાવનો ઘણો સામનો કરવો પડ્યો છે, પરંતુ એણે તે સહન કરી લીધું છે. હું મારું સપનું પડતું મૂકવા તૈયાર નથી. મને ઘણા સ્તરે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે, ઘણી ખરાબ કમેન્ટ્સ સાંભળવી પડી છે, પરંતુ દુનિયામાં બધે જ ઠેકાણે સારા અને ખરાબ માણસો રહેતા જ હોય.

 

BSE: ઓપ્શન ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ

મુંબઈ: દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ સતત ચોથા મહિને ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સના ગોલ્ડની ડિલિવરી સફળતાપૂર્વક પાર પાડી છે. સોનાની ફિઝિકલ ડિલિવરીની સંપૂર્ણ પ્રક્રિયા ગુજરાતના અમદાવાદસ્થિત એક્સચેન્જ નિયુક્ત વોલ્ટ ખાતે પાર પાડવામાં આવી હતી. એક્સચેન્જે ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સની સિલ્વરની સૌપ્રથમ ડિલિવરી પણ પાર પાડી છે.

આ સિદ્ધિ વિશે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ઓપ્શન્સ ઈન ગુડ્સના ગોલ્ડ અને સિલ્વરના કોન્ટ્રેક્ટસમાં ઝડપથી લિક્વિડિટી વિકસિત થઈ છે અને તે બુલિયનની વોલેટિલિટી અને ભાવના જોખમને નિવારવા માટેના આદર્શ સાધન બની ગયા છે. હજી તો આ પ્રારંભ છે તેમ છતાં બીએસઈની ઉત્કૃષ્ટ સર્વિસીસને પગલે આ કોન્ટ્રેક્ટ્સમાં લોકોની સામેલગીરી વધી રહી છે. BSE નિઃશુલ્ક ફ્રંટ-એન્ડ ટ્રેડિંગ સોફ્ટવેર અને કો-લોકેશન સર્વિસીસ, શ્રેષ્ઠ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક અને વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો પૂરા પાડે છે.

BSE ઓક્ટોબર 2020થી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) આધારિત ગોલ્ડ કોન્ટ્રેક્ટ્સનું સેટલમેન્ટ અને ડિલિવરી પૂરી પાડે છે. ગુડ ડિલિવરી માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સ માત્ર રિફાઈનર્સ માટે જ નહિ પરંતુ દેશના સંપૂર્ણ બુલિયન વેપાર માટે મહત્ત્વના છે. એક્સચેન્જની આ પહેલ દેશને આત્મનિર્ભર બનાવવાની તર્જને સુસંગત છે.

BSEના અવિરત ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ઓપ્શન્સ ઈ ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ સંલગ્ન ડિલિવરી માળખું ઝવેરીઓ, બુલિયનના વેપારીઓ અને અન્ય સહભાગીઓ અત્યેત લાભકારી અને કિંમતની દૃષ્ટિએ સક્ષમ બની રહ્યું છે. આ કોન્ટ્રેક્ટ દ્વારા સહભાગીઓ માત્ર પ્રાઈસ રિસ્ક હેજ કરી શકે છે એટલું જ નહિ પણ કોન્ટ્રેક્ટની સમાપ્તિ પર ડિલિવરી પણ પ્રાપ્ત કરી શકે છે.

છેલ્લા 30 મહિનામાં સૌથી વધુ IPO સપ્ટેમ્બરમાં

નવી દિલ્હીઃ 10 કંપનીઓએ જુલાઈથી એમના IPO લોન્ચ કર્યા હતા અને કેટલાક અન્ય IPO પાઇપલાઇનમાં છે. સપ્ટેમ્બરમાં આઠ કંપનીઓએ IPO લોન્ચ કર્યા હતા. છેલ્લા 30 મહિનામાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ IPO આવ્યા હતા. હેપીયેસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજીસ, રૂટ મોબાઇલ, કેમકોન સ્પેશિયલિટી કેમિકલ્સ, કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ, એન્જલ બ્રોકિંગ, UTI એસેટ મેનેજમેન્ટ કંપની (AMC), મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ અને લિખિતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરે એમની ઇનિશિયલ પબ્લિક ઓફર્સ (IPO) સપ્ટેમ્બર, 2020 લોન્ચ કરી હતી.

આ પહેલાં માર્ચ, 2018માં આઠ કંપનીઓના IPO આવ્યા હતા. માર્ચ, 2018માં આઠ કંપનીઓ- ભારત ડાયેનિક્સ, બંધન બેન્ક, હિન્દુસ્તાન એરોનોટિક્સ, સંધાર ટેક્નોલોજીસ કરડા કન્સ્ટ્રક્શન, મિશ્ર ધાતુ નિગમ, ICICI  સિક્યોરિટીઝ અને લેમન ટ્રી હોટેલ્સના IPO આવ્યા હતા.

માર્ચ, 2018માં IPO દ્વારા સપ્ટેમ્બર, 2020 કરતાં વધુ નાણાં ઉઘરાવાયાં

માર્ચ, 2018માં આઠ કંપનીઓ દ્વારા રૂ. 15,711 કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે એની તુલનામાં ઓછાં નાણાં   સપ્ટેમ્બર,2020માં આઠ કંપનીઓએ રૂ. 7100 કરોડ કરતાં વધુ નાણાં એકઠાં કર્યાં હતાં.

છેલ્લા નવ મહિનામાં આશરે 60 લાખ ડીમેટ ખાતાં ખૂલ્યાં

છેલ્લા નવ મહિનામાં આશરે 60 લાખ ડીમેટ ખાતાં ખૂલ્યાં હતાં, જેથી રિટેલ ડીમેટ એકાઉન્ટની કુલ સંખ્યા 4.46 કરોડ એકાઉન્ટ્સે પહોંચી હતી.

સપ્ટેમ્બર, 2020માં એક સરકારી કંપનીએ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ હતી, જેણે  IPO લોન્ચ કર્યો હતો, જ્યારે માર્ચ, 2018માં ત્રણ સરકારી કંપનીઓએ IPOના માધ્યમથી નાણાં એકત્ર કર્યાં હતાં.

સબસ્ક્રિપ્શનની દ્રષ્ટિએ સપ્ટેમ્બર, 2020 આગળ

જોકે એક એવું ક્ષેત્ર –સબસ્ક્રિપ્શનની દ્રષ્ટિએ સપ્ટેમ્બર, 2020ના IPO માર્ચ, 2018થી આગળ નીકળ્યા હતા. 2018માં IPOમાં મોટા ભાગના IPO એક અંકમાં ભરાયા હતા, એકમાત્ર બંધન બેન્કનો IPO (14.56) ગણો ભરાયો હતો, જ્યારે સપ્ટેમ્બર, 2020માં હેપીયેસ્ટ માઇન્ડ ટેક્નોલોજીસનો 151 ગણો, કેમકેન સ્પેશિયલિટી કેમિકલ્સનો 149.3 ગણો, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સનો 157.4 ગણો (જોકે એ પહેલી ઓક્ટોબરે બંધ થયો) રૂટ મોબાઇલ 73.3 ગણો, CAMKનો 47 ગણો, લિખિતા ઇન્ફ્રા.નો ઇશ્યુ 8.4 ગણો ભરાયો હતો. આ સિવાય એન્જલ બ્રોકિંગનો 3.94 ગણો અને UTI AMCનો 2.3 ગણો ઇશ્યુ ભરાયો હતો.

 

 

ગુજરાતી રંગભૂમિના અભિનેતા-દિગ્દર્શક કમલેશ મોતાનું અવસાન

મુંબઈઃ ગુજરાતી રંગભૂમિના માતબર કલાકાર, દિગ્દર્શક અને નિર્માતા કમલેશ મોતાનું આજે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે અવસાન થયું હતું. એમની વય 55 વર્ષની હતી. હજી ગયા જ મહિને એમણે એમનો જન્મદિવસ ઉજવ્યો હતો. કમલેશભાઈ ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર, ચોપાટી (મુંબઈ) સંસ્થાના ડાયરેક્ટર (પર્ફોર્મિંગ) પણ હતા.

એમના પરિવારમાં પત્ની અપરામી, પુત્ર ધ્રુવ અને પુત્રી શાર્વી છે.

બે દિવસ પહેલાં કમલેશભાઈને સખત તાવ ચઢ્યો હતો અને ચર્ની રોડની સૈફી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં એમનો કોરોના વાઈરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગઈ કાલે મોડી રાતે એમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને એમણે પત્ની અપરામીને ફોન કર્યો હતો. પરિવારજનો વહેલી સવારે 3 વાગ્યે હોસ્પિટલે પહોંચ્યાં હતાં, પણ એમને આઈસીયૂમાં દાખલ થવા દેવામાં આવ્યા નહોતા. લગભગ સવારના 4-4.15 વાગ્યે એમને જાણ કરવામાં આવી હતી કે કમલેશભાઈનું નિધન થયું છે.

તે કોવિડ હોસ્પિટલ હોવાથી કમલેશભાઈના પાર્થિવ શરીરને ત્યાંથી સીધા ચંદનવાડી સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને સવારે 7-7.30 વાગ્યે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. એ વખતે ત્યાં માત્ર ઘરનાં જ સભ્યો હાજર હતાં.

ધ્રુવ મોતાએ ખાસ વિનંતી કરી છે કે દિલસોજી વ્યક્ત કરવા કોઈએ એમનાં ઘેર આવવું નહીં, કારણ કે કોરોના વાઈરસ નિયંત્રણોને કારણે એમની સોસાયટીમાં પ્રવેશ અપાશે નહીં. ફોન પણ ન કરવાની એમણે સૌને વિનંતી કરી છે. માત્ર ફોન પર વોટ્સએપ સંદેશા જ આપવા કહ્યું છે.

કમલેશ મોતાનાં હિટ નાટકો

કમલેશ મોતા 1984ની સાલથી રંગભૂમિમાં દિગ્દર્શનની કામગીરી સંભાળતા હતા. એમણે ‘સરસ્વતીચંદ્ર’, ‘હમ ભી કુછ કમ નહીં’ જેવા નાટકોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું. એમના દિગ્દર્શનવાળા નાટકો છેઃ ‘પરિવાર’, ‘સંસાર’, ‘હમ નીલે ગગન કે પંછી’, ‘ઓળખાણ’, ‘રાધારાણી મુંબઈના શેઠાણી’ વગેરે.

એમનું ‘ધૂમ્મસ’ નાટક ખૂબ જ હિટ થયું હતું. એ રોમાંચક નાટકમાં અપહરણકારોના હાથમાંથી પોતાની પુત્રીને છોડાવવા મથામણ કરતા ડોક્ટરની વાર્તા હતી.

કમલેશ મોતા જ્યારે માત્ર 12 વર્ષના હતા ત્યારે એમણે પોતાનું પહેલું ગુજરાતી કમર્શિયલ નાટક પ્રોડ્યુસ કર્યું હતું. એનું નામ હતું ‘વંશ’, જેમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા રાજીવ અને પ્રિયા તેંડુલકરે ભૂમિકા કરી હતી. તે એક સત્યઘટના પર આધારિત હતું.

ત્યારબાદ એમણે ‘ખેલંદો’, ‘અમારી દુનિયા તમારી દુનિયા’ નાટકો પણ બનાવ્યા હતા જે પણ દર્શકોને ખૂબ પસંદ પડ્યા હતા.

‘મુક્તિધામ’ નાટકમાં સ્મૃતિ ઈરાનીએ ભૂમિકા ભજવી હતી.

ભૂતપૂર્વ અભિનેત્રી, હાલનાં કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કમલેશ મોતાના નિધન અંગે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું છે અને એમના પરિવારજનોને સાંત્વન આપ્યું છે.

બીજા ટ્વીટમાં સ્મૃતિ ઈરાનીએ લખ્યું છે કે ‘મને કમલેશભાઈ સાથે ‘મુક્તિધામ’ નાટકમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.’ આ સાથે એમણે કમલેશભાઈના એક ઈન્ટરવ્યૂનો વિડિયો શેર કર્યો છે જેમાં કમલેશભાઈએ ‘મુક્તિધામ’ નાટકનો ઉલ્લેખ કર્યો હતો.

કોરોનાના 61,267 નવા કેસ, 884નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 66 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 61,267 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 884 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 66,85,082 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,03,569 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 56,62,490 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 75,787 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,19,023 પહોંચી છે. રિકવરી રેટ વધીને 84.70 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

દેશમાં કોરોનાના આઠ કરોડ ટેસ્ટ પૂરા થઈ ગયા છે. દેશમાં પાછલા 10 દિવસમાં એક કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિશ્વમાં અમેરિકા પછી બીજા સૌથી વધુ ટેસ્ટ કરવાવાળો દેશ છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

નિર્ભયા કેસના વકીલો જ હાથરસનો કેસ લડશે

નવી દિલ્હીઃ હાથરસમાં કથિત રીતે એક દલિત યુવતીની સાથે ગેંગરેપ અને એના પછી મૃતદેહને પરિવારની મરજીની વિરુદ્ધ પોલીસે એને અગ્નિદાહ આપતાં લોકોમાં ભારે આક્રોશ છે, ત્યારે બીજી બાજુ રાજકીય ધાંધલધમાલ મચી છે. આ મામલે અલાહાબાદ હાઈકોર્ટે આ કેસની વિગતો લેતાં અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા લેવામાં આવેલાં પગલાં છતાં લોકોમાં ભારે ગુસ્સો પ્રવર્તે છે.

આ મામલે હવે કાનૂની પેરવી રૂપે હાથરસના કથિત ગેંગરેપના આરોપીઓ દ્વારા વકાલત એપી સિંહ કરશે, જેમણે નિર્ભયાના બળાત્કારીઓને કોર્ટમાં બચાવ કર્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માનવેન્દ્ર સિંહ દ્વારા લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે હાથરસ કેસના આરોપીઓનો કેસ એપી સિંહ લડશે. એની સાથે એપી સિંહની ફી અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા એકત્ર કરવામાં આવશે.

આ પત્રમાં વધુ કહેવામાં આવ્યું છે કે હાથરસ કેસ એસસી-એસટી કાનૂનનો સંપૂર્ણપણે દુરુપયોગ કરીને સવર્ણ સમાજને ખાસ કરીને રાજપૂતને બદનામ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે હાથરસ કેસ મામલે ન્યાય મેળવવા માટે એપી સિંહને વકીલ નિયુક્ત કરવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ, નિર્ભયાના દોષીઓને ફાંસીની સજા અપાવનાર એડવોકેટ સીમાસમૃદ્ધિ કુશવાહા હવે હાથરસમાં દલિત યુવતીની સાથે કથિત સામૂહિક ગેન્ગરેપ અને હત્યાને મામલે પીડિત પરિવારનો કેસ લડશે. આના માટે પીડિત પરિવારે પણ આ માટે સહમતી આપી છે અને જરૂરી દસ્તાવેજ પર હસ્તાક્ષર પણ કરી દીધા છે.

14 સપ્ટેમ્બરે 19 વર્ષીય દલિત યુવતીની સાથે આ હીચકારી ગેન્ગરેપની ઘટના બની હતી. તેની હાલત બગડતાં તેને દિલ્હીની સફદરજંગમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, પણ તેણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા.

નિર્ભયાના કેસના વકીલો ફરી સામસામો

નિર્ભયાના દોષીઓ વતી અને સામે આરોપીઓના વકીલ ફરી એક વાર આમનેસામને હશે. નિર્ભયા કેસના વકીલો ફરી એક વાર સામસામે કેસ લડવા માટે બંને બાજુથી નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઘટના પછી પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લગાવતાં મિડિયા સહિત બધાની એન્ટ્રી પર એ કહેતાં પ્રતિબંધ મૂકી દીધો હતો કે SIT તપાસ ચાલી રહી છે. ત્યાર બાદ યોગી સરકાર દ્વારા આ વિસ્તારમાં ઇન્સ્પેક્ટર, DSP અને SPને સપસ્પેન્ડ કરી દીધા હતા અને CBIની તપાસની ભલામણ કરવામાં આવી હતી. જોકે DM પર કોઈ કાર્યવાહી ના થવાને કારણે ચારે બાજુથી સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હાથરસના આરોપીઓના બચાવમાં કેટલીય સભા થઈ અને કહેવામાં આવી રહ્યું છે કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

 

 

 

રાશિ ભવિષ્ય 06/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય .


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

ફાસ્ટ ફુડના ટ્રેન્ડ સાથે કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગને પણ યાદ રાખી લો!

આજના ફાસ્ટ ફુડ અને જંક ફુડના ટ્રેન્ડ સાથે એક નામ જોડવું જ રહેશે….કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગનું! કારણ કે, આજની લાઈફ સ્ટાઈલ અને અસ્વાસ્થ્યપ્રદ ખોરાકને કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તે સ્વાભાવિક છે જેને લીધે હૃદય માટે જોખમ વધી જાય છે. તેથી અમુક ઉંમર પછી કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ જરૂરી બની જાય છે.

માનવ શરીરનું સૌથી અગત્યનું અંગ છે હૃદય! પરંતુ ઘણી એવી બાબતોને કારણે હૃદયની કામગીરી ખોરંભાઈ જાય છે. જેમ કે,અપથ્ય કે અસ્વાસ્થ્યપ્રદ ખોરાક, બેઠાડુ જીવનશૈલી, ધૂમ્રપાનની આદત, ઉચ્ચ રક્તચાપ, બિનઆરોગ્યપ્રદ શરીરનું વજન, શારીરિક શ્રમનો અભાવ, અમુક કિસ્સામાં આનુવંશિક કારણોસર. પરંતુ આ બધાની સાથે હૃદયને લગતી બિમારીઓ થવાનું બીજું ખાસ કારણ છે, શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું વધવું.

કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ (HDL) અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ (LDL). જો શરીરમાં ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ વધી જાય તો તબિયત માટે ઘણું હાનિકારક બની શકે છે. જેમ કે, હાઈ કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ એટેક તેમજ સ્ટ્રોક આવી શકે છે તેમજ બીજી અનેક બિમારી પણ થાય છે. તો સારું કોલેસ્ટ્રોલ શરીરને મદદરૂપ પણ થાય છે.

સારું કોલેસ્ટ્રોલ આપણાં શરીરમાં મહત્વનું યોગદાન આપે છેઃ

• માનવ શરીરના કોષની દિવાલ બનાવવામાં
• ખોરાકના પાચન માટે આંતરડામાં પાચક એસિડ બનાવવામાં
• શરીરને અમુક હોર્મોન્સ બનાવવામાં
• તેમજ શરીરને વિટામીન-ડીની ઉત્પત્તિ કરવામાં

 

કોલેસ્ટ્રોલ મીણ જેવો પદાર્થ છે, તે માનવ શરીરમાં કુદરતી રીતે બને છે. કોઈક વાર અમુક ખોરાક જેમ કે, ચરબીવાળો ખોરાક કે જંક ફુડ દ્વારા પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે. આવો પ્રકાર ખરાબ કોલેસ્ટ્રોલમાં ગણાય છે. જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે જમા થવા લાગે તો ધમનીમાં લોહીનો પ્રવાહ સરળતાથી વહી નથી શકતો, તે અવરોધાય છે. કોલેસ્ટ્રોલ હૃદય ઉપરાંત શરીરના બીજા અંગોને પણ નુકસાન પહોંચાડે છે. પરંતુ સમયસરનું નિદાન તેમજ તેના યોગ્ય ઉપચાર થકી ઉંચા કોલેસ્ટ્રોલ સાથે સંકળાયેલા ખતરાને ટાળી શકાય છે. એમાંનું જ એક નિદાન છે કોલેસ્ટ્રોલનું સ્ક્રીનિંગ, જે હૃદયને સારી રીતે કાર્યરત રાખે છે.

શા માટે જરૂરી છે કોલેસ્ટ્રોલનું સ્ક્રીનિંગ?

તબીબોના મતે, કોલેસ્ટ્રોલની છારી રક્તવાહિનીઓની દિવાલ પર ચોંટીને લોહીની કામગીરીને અવરોધે છે. શરૂઆતમાં તો એના કોઈ લક્ષણો દેખાતાં નથી, તે જ્યાં સુધી કે છાતીમાં દુખાવો થઈને હૃદય રોગનો હુમલો થઈ જાય! આથી જ આ છારી ધમનીઓમાં જામીને નુકસાન કરી જાય તે પહેલાં સ્ક્રીનિંગ કરાવીને તેનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે.’

કેટલા સમયાંતરે સ્ક્રીનિંગ કરવું જરૂરી?

અમેરિકન હાર્ટ એસોસિએશન સૂચવે છે, ‘20 વર્ષ તેમજ 20 વર્ષથી વધુની વયના લોકોએ કોલેસ્ટ્રોલ તેમજ હૃદયને લગતાં અન્ય નિદાન દર 4 થી 6 વર્ષે કરાવી લેવાં. કારણ કે, ધમનીઓમાં છારી બાઝવાનું જીવનની બીજી સદીથી શરૂ થઈ જતું હોય છે.’

ઉંમરના 40 વર્ષ પછી હૃદયને લગતી કોઈ સમસ્યા કે રોગનું તારણ કાઢવા માટે ડોક્ટરો પણ પાછલાં 10 વર્ષોના સમીકરણને આધારે આગળના કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગની સૂચિ નક્કી કરે છે.

જેઓ કાર્ડિઓવાસ્ક્યુલર રોગનો ભોગ બની ગયા હોય (એટલે કે, જેમને હૃદય રોગનો હુમલો આવી ગયો હોય, જેમની એન્જીયોપ્લાસ્ટી કે કોરોનરી બાયપાસ સર્જરી થઈ હોય), જેમના પરિવારમાં હૃદય રોગ આનુવાંશિક હોય કે પછી જે ડાયાબિટીસના દર્દી હોય તેવા લોકોએ ખાસ પોતાના ડોક્ટરની સલાહને અનુસરીને, સમયાંતરે (દર 4 થી 6 મહિને) LDL કોલેસ્ટ્રોલની તપાસ કરાવી લેવી.

તંદુરસ્ત રહેણી કરણી અપનાવીને એટલે કે, શારીરિક કસરત, સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને જો ડોક્ટરે કોઈ દવા સૂચવી હોય તો તે સમયસર લઈને ખરાબ કોલેસ્ટ્રોલને ટાળી શકાય છે અને હૃદયની તંદુરસ્તી જાળવી શકાય છે.

૬ ઓક્ટોબર ૨૦૨૦

૬ ઓક્ટોબર ૨૦૨૦