સમુદ્રી તણાવ વચ્ચે ભારતનો ઈરાનને કડક સંદેશ

વૈશ્વિક સ્તરે અનેક મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પૈકીના એક એવા ‘હોર્મુઝ સ્ટ્રેટ’માં તાજેતરમાં થયેલા હિંસક હુમલા બાદ ભારત સરકારે અત્યંત કડક રાજદ્વારી એક્શન લીધા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં વ્યાપારી જહાજો પર થયેલા જીવલેણ હુમલામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું છે અને અન્ય 8 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને ભારત સરકારે ભારતમાં કાર્યરત ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશન (DCM) મોહમ્મદ જવાદ હોસૈની સહિતના રાજદ્વારીઓને વિદેશ મંત્રાલય (MEA) માં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

હુમલાની ચોંકાવનારી વિગતો અને ખુવારી

સત્તાવાર સરકારી સૂત્રો અને મીડિયા અહેવાલો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ના ધ્વજ ધરાવતા 2 તેલ ટેન્કરો ‘મોમ્બાસા’ (Mombasa) અને ‘અલ-બહિયા’ (Al-Bahiyah) પર ઈરાન તરફથી બે ઘાતક ક્રૂઝ મિસાઈલો છોડવામાં આવી હતી. ઓમાનના જળ સીમા ક્ષેત્રની અંદર દક્ષિણી શિપિંગ લેનમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને જહાજોમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ હુમલામાં જહાજ પર સવાર ચાલક દળના 1 ભારતીય સભ્યનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત 8 અન્ય નાવિકો ઘાયલ થયા છે, જેમાં 6 ભારતીય અને 2 યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. ઘાયલો પૈકીના 4 લોકોની હાલત હજુ પણ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

UAE ની આકરી પ્રતિક્રિયા અને ઈરાનનો બચાવ

UAE ના સંરક્ષણ મંત્રાલયે આ મિસાઈલ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લું અને ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. અબુ ધાબીએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમની પાસે આ પ્રકારે તણાવ વધારનારી અને શાંતિ ડહોળનારી કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવાનો સંપૂર્ણ સાર્વભૌમ અધિકાર છે. બીજી તરફ, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ આ વિસ્તારમાં વધી રહેલા તણાવ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમનો દાવો છે કે અમેરિકા જાણી જોઈને વ્યાપારી જહાજોને હોર્મુઝ સ્ટ્રેટના જોખમી અને ગેરકાયદેસર માર્ગો પરથી પસાર થવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે તે સમુદ્રી વિસ્તારોમાં દરિયાઈ સુરંગો (લેન્ડમાઈન્સ) બિછાવવામાં આવી હતી.

ભારત સરકારનું સત્તાવાર નિવેદન

ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને તલબ કરીને તાત્કાલિક અસરથી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સમુદ્રી માર્ગો પર વ્યાપારી જહાજો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવતા હુમલાઓ હવે અસહ્ય અને ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે: અમે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વધી રહેલા સૈન્ય તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. વ્યાપારી જહાજો પર થતા હિંસક હુમલાઓ તુરંત બંધ થવા જોઈએ. બંને પક્ષોએ હિંસાનો માર્ગ છોડીને શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે રાજદ્વારી વાતચીત ટેબલ પર પાછા ફરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી મુક્ત અને સુરક્ષિત પરિવહન વહેલામાં વહેલી તકે પુનઃ સ્થાપિત કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.