15 ઓક્ટોબરથી ખૂલશે સિનેમા હોલ્સ, જાણો નિયમો…

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળાને પગલે સાત મહિનાથી બંધ દેશભરના સિનેમા હોલ્સ આવતી 15 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથી ખોલી શકાશે. માહિતી અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે આ માહિતી આપતાં કહ્યું હતું કે સિનેમા હોલ માટે સંચાલન પ્રક્રિયા (SOP)ની ઘોષણા કરવામાં આવી છે. જાવડેકરે તેમના નિવાસસ્થાને પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું હતું કે માસ્ક પહેરવો અને દર્શકોની વચ્ચે એક સીટનું અંતર ફરજિયાત હશે. લોકોની સુરક્ષા માટે અમે SOP તૈયાર કરી છે, એમ તેમણે કહ્યું હતું.સિનેમા હોલમાં 50 ટકા લોકોને બેસવાની મંજૂરી હશે. સામાજિક અંતરનું પાલન કરવા માટે એક ખુરશી છોડીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. જોકે દરેક સમયે માસ્ક લગાવી રાખવો ફરજિયાત છે અને સાથે સેનિટાઇઝર જરૂરી છે.

એક શો પૂરો થયા પછી હોલને સેનિટાઇઝ કરવામાં આવશે

કોરોનાથી બચવા વિશે જાગરુકતા ફેલાવવાળી એક મિનિટની ફિલ્મ દેખાડવી અથવા એ વિશે ઘોષણા કરવી ફરજિયાત છે. એક શો પૂરો થયા પછી સંપૂર્ણ હોલને સેનિટાઇઝ કરવો પડશે. એ પછી બીજો શો શરૂ થઈ શકશે. સિંગલ સ્ક્રીનમાં ટિકિટ બુકિંગ માટે વધુ બારીઓ ખોલવી પડશે. બધી જગ્યાએ ઓનલાઇન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવામાં આવશે, એમ જાવડેકરે કહ્યું હતું.

વેન્ટિલેશનની ઉચિત વ્યવસ્થાની સાથે એર કન્ડિશનિંગનું તાપમાન 24થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવું જોઈએ. મંત્રાલયે SOPમાં કહ્યું હતું કે આ શોનો પ્રારંભ મધ્યાંતરના સમયમાં લોકોના પ્રવેશ અને બહાર જવા દરમ્યાન સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. એના માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
ઇન્ટરવલ દરમ્યાન આવવા-જવાથી બચવા માટે દર્શકોને પ્રોત્સાહિત કરવામાં આવશે તથા યોગ્ય અંતર રાખવા અને ભીડ મેનેજમેન્ટ માટે ઠેકઠેકાણે સંકેતોનો ઉપયોગ કરવામાં આવશે. આ SOP મુજબ સિનેમા હોલમાં માત્ર પેક થયેલા નાસ્તા અથવા પીણાં પદાર્થો વેચવાની મંજૂરી હશે. સિનેમા હોલમાં બહારથી નાસ્તાની ડિલિવરી કરી નહીં શકાય.

ઓડિટોરિયમનો 50 ટકા હિસ્સાનો ઉપયોગ કરાશેઃ SOP

સિનેમા હોલના સફાઈ કર્મચારીઓની સુરક્ષા અને સલામતી માટે હાથનાં મોજાં, જૂતાં, માસ્ક, PPE કિટ વગેરેની જોગવાઈ કરવામાં આવી છે. સંક્રમિતોના સંપર્કની જાણ થયા પછી દર્શકોના ફોન નંબર પણ લેવામાં આવશે. ગૃહ મંત્રાલયે 30 સપ્ટેમ્બરે નવા દિશા-નિર્દેશો જારી કરતાં 15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી હતી.

SOP મુજબ દર્શકોને આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાની અને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવશે. દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે અને લક્ષણો વગરની વ્યક્તિનો જ પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. SOP મુજબ કોવિડ-19 સંબંધિત ભેદભાવ અથવા ગેરવર્તન કરનારા દર્શકો સામે સખતાઈ કામ લેવામાં આવશે અને ઓડિટોરિયમનો 50 ટકા હિસ્સાનો ઉપયોગ કરાશે.

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં ફિલ્મ દરમ્યાન બધાં સ્ટેકહોલ્ડર્સે સેફ્ટી સ્ટાન્ડર્ડનું પાલન કરવાનું રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે SOPનું પાલન યોગ્ય રીતે થશે અને લોકો 15 ઓક્ટોબરથી સિનેમા હોલમાં જઈને ફિલ્મ જોઈ શકશે. આ માટે તેમણે બધાને શુભકામનાઓ આપી હતી.